દિલ્હીની વાત : 'મારી બધી મહેનત પાણીમાં ગઈ'
નવી દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ એક સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એકાએક ભૂતકાળમાં ઉતરી ગયા. એ દરમિયાન એમણે કરેલી એક ટીપ્પણી રાજકીય વિવાદ પેદા કરી શકે એમ છે. એમણે કહ્યું હતું કે, ૧૯૯૯માં કર્ણાટકમાં કોંગ્રેસને સત્તા અપાવવામાં એમનું યોગદાન સૌથી વધુ હતું. એમના કહેવા પ્રમાણે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત એમને કારણે મળી હતી. ખડગેએ કહ્યું હતું કે, 'મે ખૂબ મહેનત કરી હતી, પરંતુ જ્યારે મુખ્યમંત્રી બનાવવાની વાત આવી તો એસએમ કૃષ્ણને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. ચૂંટણીના ચાર મહિના પહેલા જ એસએમ કૃષ્ણ કોંગ્રેસમાં જોડાયા હતા. મને લાગ્યુ કે મારી બધી મહેનત પાણીમાં ગઈ. મે પાંચ વર્ષ સુધી મજુરી કરી હતી. જે વ્યક્તિ ચાર મહિના પહેલા પક્ષમાં જોડાયા હતા એમને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા.'
તેજસ્વી જો મહુવાથી લડશે તો હું રાધોપુરથી લડીશ, તેજપ્રતાપએ લાલુનું ટેન્શન વધાર્યું
આરજેડી અને કુટુંબમાંથી બહાર થઈ ગયેલા લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ વૈશાલીની મહુવા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેજપ્રતાપને જ્યારે પૂછવામાં આવ્યું કે તેજસ્વી યાદવ બે બેઠકો પરથી ચૂંટણી લડવાની શક્યતા છે. તેઓ મહુવાની બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે. એ વખતે તેજપ્રતાપએ કહ્યું હતું કે જો તેજસ્વી મહુવાથી લડશે તો હું રાધોપુરથી લડીશ. એ વખતે પરિસ્થિતિ જેવી હશે એ પ્રમાણે હું નિર્ણય લઈશ. રાજકારણ અને કુટુંબ અલગ અલગ છે. તેજપ્રતાપના આ નિવેદન પછી લાલુનું ટેન્શન વધી ગયું છે. તેજપ્રતાપએ જાહેરમાં કહ્યું હતું કે જો તેઓ મહુવા બેઠક પરથી લડશે તો લોકો આરજેડીના ઉમેદવારને હરાવશે. મહુવાની પ્રજા બધુ જોઈ રહી છે. ત્યાના રસ્તાઓ અને મેડિકલ કોલેજ કોને કારણે બન્યા છે એ પણ બધાને ખબર છે.
એક પણ ધારાસભ્ય નથી તો સરકારને ટેકો કઈ રીતે
બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ત્યાના રાજકીય સમીકરણો દરરોજ બદલાઈ રહ્યા છે. કેન્દ્રમાં એનડીએના સાથીદાર અને મંત્રી ચિરાગ પાસવાન બિહારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ટીકા કરી રહ્યા છે. એમના વ્યવહારને કારણે હવે જેડીયુના નેતાઓના નિશાન પર તેઓ આવી ગયા છે. જેડીયુના ધારાસભ્ય સંજીવકુમારએ ચિરાગ પાસવાનને અઘરો સવાલ કર્યો છે. એમણે કહ્યું છે કે, જ્યારે એમના પક્ષનો એક પણ ધારાસભ્ય નથી તો તેઓ નિતિશકુમારની સરકારને કઈ રીતે ટેકો આપી શકે. ડો. સંજીવકુમારએ ચિરાગને સીધુ પૂછયું છે કે, તેઓ એનડીએને ટેકો આપવાની પરિસ્થિતિમાં નથી. ચિરાગ પાસવાનના મનમાં શું છે એની ખબર ચૂંટણી પહેલા જ પડવા માંડી છે. મારે એમની ચિંતા કરવી જરૂરી નથી. બધાને એમના વિશે ખબર છે.
એક અક્ષરની ભૂલથી જિંદગી બરબાદ થઈ ગઈ
પોલીસની લાપરવાહીને કારણે ઉત્તરપ્રદેશની એક વ્યક્તિની જિંદગી બરબાદ થઈ ગઈ છે. પોલીસ રાજવીરસિંહની ધરપકડ કરવા માંગતી નહોતી. પોલીસ એમના ભાઈ રામવીરને પકડવા માંગતી હતી. એક અક્ષરની ભૂલને કારણે આખો કેસ બદલાઈ ગયો. ટાઇપિંગ એરરને લીધે રાજવીરએ ૨૨ દિવસ સુધી જેલમાં રહેવું પડયું. પોલીસે જોકે થોડા અઠવાડિયામાં જ પોતાની ભૂલ સ્વિકારી લીધી હતી પરંતુ વધુ ભૂલ કરવાનું ચાલુ રાખ્યું હતું. કોર્ટમાં આ કેસ ૧૭ વર્ષ સુધી ચાલ્યો. એક નિર્દોષની આવક છીનવાઈ ગઈ તેમ જ એમના બાળકોનું શિક્ષણ અને માનસીક શાંતિ પણ છીનવાઈ ગયા. હમણા ૫૫ વર્ષની ઉંમરે રાજવીરસિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો.
કારગીલ યુદ્ધનો સાચો ઇતિહાસ બહાર પાડવા પૂર્વ બ્રિગેડિયર મેદાને
ભારતીય સેનાના ભૂતપૂર્વ બ્રિગેડિયર સૂરિંદર સિંહએ સુપ્રિમ કોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ કરી છે. અરજી કરનાર ૧૯૭૧ના યુદ્ધમાં ફ્રન્ટલાઇન ઓફિસર રહી ચૂક્યા છે. ૧૯૯૮-૯૯ના યુદ્ધમાં એમણે કારગીલ બ્રિગેડની કમાન સંભાળી હતી અને યુદ્ધ દરમિયાન ઘાયલ પણ થયા હતા. એમને ગેલેન્ટ્રી એવોર્ડ તેમ જ વિશિષ્ટ સેવા મેડલ પણ આપવામાં આવ્યા હતા. સુરિંદર સિંહે અરજીમાં માંગણી કરી છે કે સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકારને નિર્દેશ કરે કે કારગીલ યુદ્ધનો સાચો અને સંપૂર્ણ ઇતિહાસ તૈયાર કરવામાં આવે. અરજીમાં એમણે કહ્યું છે કે, 'સાચો ઇતિહાસ બહાર પાડવા માટે ક્યાં તો કારગીલ રીવ્યુ કમીટી બનાવવામાં આવે અથવા તો એક સ્વતંત્ર તપાસ સમીતી બનાવવામાં આવે. આ કમીટીની અધ્યક્ષતા સુપ્રિમ કોર્ટના જજ કરે. આ પ્રક્રિયામાં લોકોના અભિપ્રાયો તેમ જ યુદ્ધ સમયએ હાજર સૈનીકો અને અધિકારીઓની સાક્ષી પણ ઉમેરવામાં આવે. ભવિષ્યમાં કારગીલ જેવી મોટી ઘૂષણખોરી અને યુદ્ધથી બચવા માટે યોગ્ય પગલા લેવાવા જોઈએ.'
બે પત્નીઓને કારણે ભારતીય રાજદુતનો મામલો ગુંચવાયો
ગૌહટી હાઇકોર્ટે કહ્યું છે કે, ચર્ચમાં થયેલા લગ્નને ગામના વરીષ્ઠો દ્વારા રદ નહીં થઈ શકે. છૂટાછેડાના કાયદા હેઠળ જ આવા લગ્ન રદ થઈ શકે. કોર્ટના આ નિર્ણયને કારણે ક્યુબાના ભારતીય રાજદુત થોંગકોમાંગ આર્મસ્ટોંગ ચાંગસનને માટે કફોડી સ્થિતિ ઉભી થઈ છે, કારણ કે એમને બે પત્ની છે. ૨૦૨૨માં હાઇકોર્ટએ જાહેર કરેલા ચૂકાદા પહેલા એટલે કે ૧૯૯૪માં નેખોલ ચાંગસન સાથે એમ્બેસડરે ચર્ચમાં લગ્ન કર્યા હતા. બે પત્નીને છૂટા છેડા આપ્યા પછી એમણે બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. બંને પત્નીથી એમને સંતાન છે. એમણે ગામના વૃદ્ધોને વચ્ચે રાખીને આ નિર્ણય લીધો હતો. ચાંગસનએ આ બાબતે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી ત્યારે જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યાની બેન્ચે મૌખીક રીતે કહ્યું હતું કે હાઇકોર્ટનો નિર્ણય કાયદાકીય રીતે સાચો છે.
'પહેલગામ હુમલાના ચાર આતંકવાદીઓ હજી પણ ફરાર'
પહેલગામ આતંકવાદી હુમલા વિશે સંસદમાં ચર્ચા શરૂ થાય એ પહેલા શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ પ્રિયંકા ચર્ચુવૈદીએ ભારતે આપેલા પ્રતિભાવ પર પ્રશ્નો કર્યા છે. એમણે કહ્યું છે કે, પાકિસ્તાન સમર્પિત આતંકવાદીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી છતાં પહેલગામમાં હત્યાઓ કરનાર ચાર આતંકવાદીઓ હજી પણ પકડાયા નથી. અમારે જાણવું છે કે જાસુસી તંત્રની ભૂલ ક્યાં થઈ. પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરનું ભાષણ હુમલો થતા પહેલા જાહેર થયું હતું. આપણે સતર્ક શા માટે નહીં રહ્યા? પાકિસ્તાની લશ્કરના પ્રમુખ અસીમ મુનીરએ ઓવરસીઝ પાકિસ્તાનીઝ સંમેલનમાં કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત દરેક બાબતે જૂદા છે. એમણે પાકિસ્તાનના નાગરીકોને સંબોધીને કહ્યું હતું કે એમના બાળકોને હિન્દુ- મુસ્લિમ વચ્ચેનું અંતર બતાવે.