app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

દિલ્હીની વાત : હરિયાણામાં ખટ્ટર અને અનિલ વિજ સામસામે

Updated: Jul 30th, 2021


નવીદિલ્હી : ભાજપે કર્ણાટકમાં યેદુરપ્પાને ખસેડીને અસંતોષને શાંત પાડયો ત્યાં હવે હરિયાણામાં ડખો થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ગૃહ અને આરોગ્ય મંત્રી અનિલ વિજ સામસામે આવી ગયા છે. ખટ્ટરે ગૃહ અને આરોગ્ય બંને મંત્રાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પોતાના માનીતા રાજીવ અરોરાને મૂક્યા છે કે જેથી વિજને કાબૂમાં રાખી શકાય.

વિજ લાંબા સમયથી અરોરાને કોઈ પણ એક મંત્રાલયમાં રાખવા કહ્યા કરે છે પણ ખટ્ટર સાંભળતા નથી. વિજની દલીલ છે કે, ગૃહ અને આરોગ્ય બંને મહત્વનાં મંત્રાલય છે પણ એક જ અધિકારી પાસે ચાર્જ હોવાથી કામ અટવાઈ ગયાં છે. ખટ્ટર કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી તેથી અકળાયેલા વિજે હાઈકમાન્ડને ફરિયાદ કરી છે.

ખટ્ટર અને વિજ આ પહેલાં રાજ્યના પોલીસ વડા તરીકે મનોજ યાદવને ચાલુ રાખવાના મુદ્દે પણ સામસામે આવી ગયા હતા. ખટ્ટર યાદવને ચાલુ રાખવા નહોતા માંગતા પણ વિજે યાદવને એક્સટેન્શન અપાવીને પોતાનો પાવર બતાવ્યો હતો. હવે અરોરા મારફતે વિજને પરેશાન કરીને ખટ્ટર પોતાનો પાવર બતાવી રહ્યા છે.

ભાજપ સાંસદ જૂઠ્ઠું બોલીને ફસાઇ ગયા

ભાજપ સાંસદ નિશિકાંત દુબે રાજકીય ફાયદા માટે જૂઠાણું ચલાવતાં ફસાઈ ગયા છે. દુબે લોકસભાની આઈ.ટી. પરની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે. દુબેએ આક્ષેપ મૂક્યો કે, તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રા પોતાના માટે 'બિહારી ગુંડા' શબ્દ વાપરીને બિહારની સાથે સાથે તમામ હિન્દીભાષી લોકોને ગાળ આપી છે. મમતાનાં સાંસદ મહુઆની આ ગાળે ઉત્તર ભારતીય અને ખાસ તો હિન્દીભાષીઓ તરફની તમારી નફરતને દેશ સામે ખુલ્લી કરી દીધી છે.

દુબેનો દાવો છે કે, મહુઆ  બેઠકમાં ત્રણ વાર 'બિહારી ગુંડા' બોલ્યાં અને સ્પીકરે ૧૩ વર્ષના સંસદીય જીવનમાં પહેલી વાર ગાળ સાંભળી. શશિ થરૂરે પણ સંસદીય પરંપરાને ખતમ કરવાની સોપારી લીધી છે.

મહુઆએ સામે પ્રહાર કર્યો છે કે, જે બેઠક થઈ જ નથી તેમાં હું ગાળ કઈ રીતે બોલી ? ભાજપના સાંસદોએ બેઠક શરૂ થતાં પહેલા જ બહિષ્કારનું એલાન કરતાં કોરમના અભાવે આ બેઠક મોકૂફ રખાઈ હતી. મહુઆએ હાજરીપત્ર તપાસવા પણ કહ્યું છે. મહુઆના આ જવાબ પછી દુબેની બોલતી બંધ થઈ ગઈ છે.

પી.કે ની ટીમ મુદ્દે મમતાના આકરા તેવર

મમતા બેનરજીએ પોતાના ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની ટીમને ત્રિપુરામાં રોકવામાં આવી એ મુદ્દે આરપારનો જંગ ખેલવાનું એલાન કરી દીધું છે. ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસ માટે સર્વે કરવા ગયેલા પી.કે.ની ટીમ સાથે મમતા સરકારના મંત્રીઓ બ્રત્ય બસુ અને મોલોય ઘટક પણ ત્રિપુરા ગયા છે. ભાજપ સરકારે આ ટીમને નજરકેદ કરી હતી ને પછી તેમની સામે ગુનાઈત પ્રવૃત્તિ કરવાનો આરોપ મૂકીને તપાસ શરૂ કરી છે.

આ પગલાથી ગિન્નાયેલાં મમતાએ પોતાના ભત્રીજા અભિષેક બેનરજી અને સાંસદ દેરેક ઓબ્રાયન સહિતના સાંસદોને  ત્રિપુરા મોકલવાનું એલાન કરીને મુખ્યમંત્રી બિપ્લબ દેબને પડકાર ફેંક્યો છે કે, તાકાત હોય તો આ સાંસદોને રોકીને બતાવો.

ત્રિપુરામાં ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી છે. મમતા આ ચૂંટણીમાં ભાજપને પછાડીને સત્તા કબજે કરવા માગે છે તેથી પી.કે.ને મેદાનમાં ઉતાર્યા છે. મુકુલ રોય તૃણમૂલમાં હતા ત્યારે પક્ષે ત્રિપુરામાં જોરદાર દેખાવ કરેલો પણ રોય ભાજપમાં જતાં તૃણણૂલનું ધોવાણ થઈ ગયું હતું. હવે રોય પાછા આવતાં મમતાને ત્રિપુરામાં શાનદાર દેખાવની આશા છે. 

આસામ-મિઝોરમ વિવાદમાં મોદી સરકાર ભેરવાઇ

આસામ અને મિઝોરમના સરહદી વિવાદમાં મોદી સરકાર બરાબરની ભેરવાઇ ગઇ છે. સોમવાની હિંસા પછી મોદી સરકારે બંન્ને રાજ્યોના ચીફ સેક્રેટરીને દિલ્હી બોલાવીને વિવાદ ઉકેલવા મથામણ કરી પણ બંન્નેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર નથી. મોદી સરકાર મૂંઝાઇ છે. ભાજપ આ વિવાદમા મોદી સરકાર આસામની તરફેણ કરે એવું ઇચ્છે છે કેમ કે રાજકીય રીતે આસામ વધારે મહત્વનું છે. આસામમાંથી લોકસભાની ૧૪ બેઠકો છે.

મિઝોરમમાં લોકસભાની એક બેઠક છે તેથી મોદી સરકાર આસામની તરફેણમાં ઢળે એવું ભાજપના નેતા ઇચ્છે છે પણ પીએમઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિતકુમાર ડોભાલ પણ આસામની ખુલ્લી તરફેણ સામે મોદીને ચેતવણી આપી ચૂક્યા છે. આસામની તરફેણ કરીને વિવાદ ઉકેલવાનો પ્રયત્ન થશે તો મિઝોરમના લોકોમાં અન્યાય થયાની લાગણી પેદા થશે.

મિઝોરમનો ઇતિહાસ હિંસાનો છે એ જોતા આતંકવાદ પણ ભડકી શકે એમ ચેતવણી પણ તેમણે આપી છે. મોદીના ગળે પણ આ દલીલ ઉતરી છે તેથી મોદી સરકાર આસામની ખુલ્લી તરફેણ કરવાના બદલે બંન્નેના ગળે ઉતરે એવો રસ્તો શોધવા મથી રહી છે.

યુપીમાં જનાધાર ખસતા ભાજપના આક્રમક તેવર

ઉત્તર પ્રદેશમાં ભાજપે ખેડૂત આંદોલનકારીઓ સામે અચાનક જ આક્રમક વલણ લઇને આશ્વર્ય સર્જ્યું છે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈતે લખનઉ જવાની ચીમકી આપી હતી તેની સામે ભાજપે વળતી ધમકી આપી છે. ભાજપે કહ્યું છે કે લખનઉમાં યોગી બેઠા છે તેથી સાચવીને રહેજો.

ભાજપ અત્યાર સુધી ખેડૂતોના મુદ્દે સાચવીને બોલતો હતો પણ હવે તેના તેવર બદલાયા છે. આ અગાઉ મોદી સરકારના મંત્રી મીનાક્ષી લેખીએ પણ આવા જ  શબ્દો વાપરીને આંદોલનકારીઓને મવાલી ગણાવ્યા હતા.

ભાજપના સૂત્રોનો દાવો છે કે ખેડૂત આંદોલનકારીઓ સામે હવે આક્રમક વ્યૂહરચના અપનાવ્યા વિના છૂટકો નથી. યુપીમાં ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે અને ભાજપનો જનાધાર ધીરે ધીરે ખસી રહ્યો હોવાનું ભાજપના નેતાઓનું માનવું છે.

માયાવતીએ સતિષચંદ્ર મિશ્રાની મદદથી બ્રાહ્મણોને ખેરવવાની વ્યૂહરચના અપનાવી છે. જ્યારે ટિકૈત અખિલેશ યાદવ તથા જયંત ચૌધરીને ફાયદો કરાવી રહ્યા છે. તેના કારણે ભાજપના કાર્યકરોમાં હતાશા ના વ્યાપે એટલે ભાજપે તમાચો મારીને ગાલ લાલ રાખવા આક્રમક બન્યા વિના વિકલ્પ નથી.

મમતા પ્રાદેશિક નહીં, રાષ્ટ્રીય નેતા તરીકે વર્ત્યા

મમતા બેનર્જીએ દિલ્હી યાત્રા દરમિયાન વિપક્ષી નેતાઓ સાથેની વાતચીતમાં લીધેલા વલણની રાજકીય વર્તુળોમાં પ્રશંસા થઇ રહી છે. મમતાની છાપ જિદ્દી અને અહંકારી તરીકેની છે પણ દિલ્હીમાં મમતા એકંદરે નરમાશથી અને સમજદારીથી વર્ત્યા છે. ખાસ કરીને ભાજપને હરાવવા માટે વિપક્ષી એકતા કરવાના મુદ્દે તેમણે અત્યંત વાસ્તવાદી વલણ અપનાવ્યું છે.

મમતાએ વિપક્ષો એક થાય તો નેતા કોણ હશે? ક્યો પક્ષ કેન્દ્ર સ્થાને હશે? એ પ્રકારની વાતોને  મહત્વ આપવાના બદલે એક થઇને ભાજપને હરાવવાના મુદ્દા પર જ ધ્યાન કેન્દ્રિય કરીને પરિપક્વતા બતાવી હોવાનું રાજકીય વિશ્લેષણો માને છે.

વિશ્વેલષકોના મતે મમતા અત્યાર સુધી પ્રાદેશિક નેતા તરીકે વર્તતા હતા પણ પહેલીવાર એ રાષ્ટ્રીય નેતા તરીકે વર્તી રહ્યા છે. બંગાળની ચૂંટણીમાં ભાજપ સામે જીતવા કરવી પડેલી મહેનત અને પ્રશાંત કિશોરની સલાહ કામ કરી રહી હોવાનું વિશ્લેષકોનું માનવું છે. મમતાનું આ મેકઓવર ભાજપને ચિંતા કરાવનારું છે.

***

પેગાસસ મુદ્દે સરકારે જવાબ તો આપવો પડશે

પેગાસસ જાસૂસી પ્રકરણના કારણે કેન્દ્ર સરકાર ચારેબાજુથી ભીંસમાં આવી ગઈ છે. સંસદની કામગીરી સતત પેગાસસના મુદ્દે ખોરવાઈ જાય છે. સરકારે તેના વિશે કોઈ જ સ્પષ્ટતા કરી નથી. અત્યારે તો ખાસ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવાનું સરકારનું વલણ દેખાતું નથી, પરંતુ રાજકીય નિષ્ણાતો માને છે કે સરકારે આજે નહીં તો કાલે તે મુદ્દે જવાબ તો આપવો પડશે. આખું ચોમાસું સત્ર પેગાસસમાં ધોવાઈ જાય એવી પૂરી શક્યતા છે. મહત્વની બીજી કોઈ ચર્ચા થશે નહીં.

વિપક્ષોએ ખુલ્લી ચર્ચાની માગ કરી છે. હેકિંગ ભારતમાં ગેરકાયદે છે અને સંખ્યાબંધ ફોનના હેકિંગની શક્યતાના કારણે તેની ચર્ચા થવી જરૂરી છે. નિષ્ણાતો એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર બહુ સમય ચૂપ રહી શકશે નહીં. જો સંસદમાં જવાબ નહીં આપે તો આખરે કોર્ટમાં તો ખુલાસા કરવા જ પડશે.

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે?

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સક્રિય થાય એવી અટકળો ઘણા સમયથી ચાલી રહી છે. તે બાબતે સ્પષ્ટતા કોંગ્રેસે કરી નથી કે પ્રશાંત કિશોરે પણ કરી નથી, પરંતુ સૂત્રોના કહેવા પ્રમાણે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાય તેવી પૂરી શક્યતા છે. પ્રશાંત કિશોરની બે-ત્રણ શરતો પૂરી થઈ જશે તો એ કોંગ્રેસમાં જોડાઈ જશે.

સૂત્રોએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના સિનિયર નેતાઓની એક બેઠક બોલાવી હતી અને એમાં પ્રશાંત કિશોરના કોંગ્રેસના જોડાવા બાબતે બધાનો ઓપિનિયન માગ્યો હતો.

મોટાભાગના કોંગ્રેસના સિનિયર નેતાઓએ પ્રશાંત કિશોર બાબતે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. રાહુલ ગાંધીએ એકે એન્ટોની, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબિકા સોનીને પ્રશાંત કિશોર બાબતે પૂછ્યું હતું. કહેવાય છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જનરલ સેક્રેટરી (ઈલેક્શન મેનેજમેન્ટ)ના હોદ્દા સાથે જોડાશે.

અખિલેશની નકલી ટ્વિટ મુદ્દે પોલીસ ફરિયાદ

અખિલેશ યાદવના નામે એક ટ્વિટ વાયરલ થઈ હતી. એમાં અખિલેશના નામે દાવો થઈ રહ્યો હતો કે જો અખિલેશની સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો બાબરી મસ્જિદ ફરીથી બનાવી દેશે. એ ટ્વિટ ફેક હતી. અખિલેશ યાદવે એવું કોઈ જ નિવેદન આપ્યું ન હતું. સમાજવાદી પાર્ટીએ તે બાબતે સ્પષ્ટતા કરવાની સાથે સાથે એ નકલી ટ્વિટ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

સમાજવાદી પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રમુખ નરેન્દ્ર ઉત્તમે ગૌતમ નગર પોલીસ સ્ટેશનમાં જઈને એવા ૧૦ સ્ક્રીનશોટ શેર કર્યા હતા અને માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી.

આવી ફેક ટ્વિટ બનાવીને ફરતી કરનારાને તાત્કાલિક પકડી પાડવાની પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. પોલીસે સાઈબર ક્રાઈમ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં એક ફેક ટ્વિટ વાયરલ થઈ હતી.

અખિલેશ યાદવની ટ્વિટ હોય એવી રીતે એમાં છેડછાડ કરીને નિવેદન અપાયું હતું કે જો મારી સરકાર આવશે તો હું બાબરી મસ્જિદ ફરીથી બનાવી દઈશ.

ત્રણ માસમાં વેક્સિનના 30 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે

ભારતમાં વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે આગામી ત્રણ માસ સુધીમાં ૩૦ કરોડ ડોઝ ઉપલબ્ધ બનાવાશે એવું સરકારી કમિટિએ કહ્યું હતું. ઓગસ્ટથી ઓક્ટોબર સુધીમાં આ ડોઝ દરેક રાજ્યોમાં ઉપલબ્ધ બની જશે. નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગુ્રપના વડા ડૉ. એનકે અરોરાએ કહ્યું હતું કે ઓગસ્ટમાં ૧.૫ કરોડથી ૧.૮ કરોડ ડોઝ ઉપલબ્ધ બનશે.

તે પછીના એક માસમાં બાકીના ડોઝ અવેલેબલ થઈ જશે. તેમણે દાવો કર્યો હતો કે જુલાઈ માસમાં ૧૩.૫ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવાયા હતા. આ ગુ્રપના વડાએ કહ્યું હતું કે વર્ષના અંતે ૧૮ વર્ષની ઉપરના લગભગ તમામને એક ડોઝ ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયાસો આદરવામાં આવ્યા છે.

- ઈન્દર સાહની

Gujarat