Get The App

દિલ્હીની વાત : ગુજરાતના ચૂંટણી પરિણામના દિલ્હીમાં પ્રત્યાઘાતો

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ગુજરાતના ચૂંટણી પરિણામના દિલ્હીમાં પ્રત્યાઘાતો 1 - image

નવીદિલ્હી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે ભાજપે સપાટો બોલાવ્યો છે એની ચર્ચા દિલ્હીમાં વિવિધ સ્તરે થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની ચૂંટણીથી દુર રહ્યા હતા. જોકે ચૂંટણીના પરિણામો પર એમની નજર હતી અને તેઓ દરેક પળની માહિતી મેળવતા હતા. દિલ્હી ભાજપની ઓફિસમાં ટીવીના મોટા સ્ક્રીન પર કેટલાક રાષ્ટ્રીય નેતાઓ પણ ચૂંટણીના પરિણામો જોઈ રહ્યા હતા. ઓફિસની બહાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસની નેતાગીરી પહેલેથી જ ગુજરાતની ચૂંટણી બાબતે સક્રીય રહી નહોતી. કોંગ્રેસને મળેલી હારથી ગાંધી કુટુંબના નેતાઓને કોઈ નવાઈ લાગી નથી. બધી તરફથી ઘેરાયેલા અરવિંદ કેજરીવાલ સ્વાભાવિક રીતે આપની હારથી નિરાશ થઈ ગયા છે. એમણે પરિણામ જાણ્યા પછી પોતાના એક-બે અંગત સાથીઓ સાથે જ ચર્ચા કરી હતી.

ભાજપમાં જોડાયા પછી પહેલે જ દિવસે રાઘવ ચઢ્ઢાને પાઠ મળ્યો

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા હવે ભાજપમાં ધીમે ધીમે સેટ થઈ રહ્યા છે. જોકે આમ આદમી પાર્ટી અને ભાજપની કાર્યપદ્ધતિ અલગ અલગ છે. આનો અનુભવ ચઢ્ઢાને તરત થઈ ગયો. ભાજપમાં જોડાયા પછી રાઘવ ચઢ્ઢા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનને મળ્યા હતા. તેઓ જ્યારે નીતિન નવીનને મળ્યા ત્યારે વારંવાર 'નીતિન નવીનજી' કહીને નીતિન નવીનને સંબોધીત કરતા હતા. એ વખતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગ ત્યાં ઉભા હતા. એમણે રાઘવ ચઢ્ઢાને પહેલે દિવસે જ પક્ષની સંસ્કૃતિની જાણકારી આપી હતી. તરૂણ ચુગે રાઘવને કહ્યું હતું કે તમારે નીતિન નવીનને 'રાષ્ટ્રીય અધ્યક્ષજી' કહીને સંબોધન કરવું જોઈએ. રાઘવ ચઢ્ઢાને પણ ભાજપની સંસ્કૃતિ અને શિસ્તનો અનુભવ થઈ ગયો.

આઇપીએસ અજય પાલ શર્મા કોણ છે?

રાતોરાત સોશ્યલ મીડિયા પર છવાઇ ગયેલા આઇપીએસ અધિકારી અજય પાલ શર્મા પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણ પહેલા ડયુટી માટે પશ્ચિમ બંગાળ આવ્યા હતા. વીડિયોમાં અજય પાલ શર્મા કડક સિક્યુરીટી સાથે પશ્ચિમ બંગાળના નગરમાં ફરી રહ્યા છે અને માથાભારે ઉમેદવારને ચેતવણી આપતા નજરે પડે છે. અજય પાલ શર્મા ઉત્તર પ્રદેશમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે. અજય પાલ શર્માને પશ્ચિમ બંગાળમાં સુપરવાઇઝર તરીકે મોકલવામાં આવ્યા છે. શર્મા એમના ગુસ્સા અને તાત્કાલીક એક્શન લેવા માટે જાણીતા છે. એમની ડયુટી દક્ષિણ પરગણા જિલ્લામાં છે. આ વિસ્તાર મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનો ગઢ ગણાય છે. તૃણમુલ કોંગ્રેસના નેતાઓ અજય પાલ શર્માથી ખુબ નારાજ છે. જોકે ચૂંટણી કમિશને એમને પશ્ચિમ બંગાળ મોકલ્યા હોવાથી ટીએમસીના નેતાઓ કંઈ કરી શકે એમ નથી.

કેજરીવાલે જજને લખેલા ખુલ્લા પત્ર બાબતે કાયદાકીય નિષ્ણાંતો શું માને છે

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર સ્કેમ બાબતે કોર્ટનો બહિષ્કાર કરવાનું નક્કી કરીને જસ્ટીસ સ્વર્ણકાંતા શર્માને ખુલ્લો પત્ર લખ્યો છે. કોઈ હાઇપ્રોફાઇલ કેસમાં કદાચ આવું પહેલીવાર બન્યું છે. કેજરીવાલના આ નિર્ણયની ટીકા કાયદાકીય વર્તુળમાં થઈ રહી છે. કાયદાકીય નિષ્ણાંતો આ રણનીતિને એક જોખમી ઉદાહરણ ગણે છે. સુપ્રિમ કોર્ટના એક સિનિયર વકીલનું કહેવું છે કે, કોઈપણ વાદી ભલે કેસ જીતે કે હારે સંતોષ નહીં થયેલા હુકમ સામે એક માત્ર ઉપાય ઉપલી અદાલતમાં જવાનો છે. ચુકાદા બાબતે પત્ર લખવો અયોગ્ય છે. આવી પરિસ્થિતિમાં કોર્ટ તાકાત વગરની નથી. કોર્ટ જામીન પાત્ર વોરંટ કાઢીને કેજરીવાલને હાજર કરી શકે છે અથવા તો બહિષ્કાર છતા કેસની સુનાવણી એક્સ પાર્ટી કરી શકે છે.

દેશમાં મુખ્યમંત્રીની ખુરશી પર કઈ જાતીનું વર્ચસ્વ વધારે

આપણા દેશમાં ચૂંટણી જીતીને સત્તાસ્થાને આવવા માટે જાતીય સમીકરણ અગત્યનું હોય છે. અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી જીતીને ઉચ્ચ સ્થાને બેસવા માટે વ્યક્તિ કઈ જાતીની છે એ જોવામાં આવે છે. હમણા થયેલા એક સરવેમાં રાજ્યોના મુખ્યમંત્રીઓના કાર્યકાળ દરમિયાન સત્તાની લગામ કયા વર્ગો પાસે રહી છે એ બહાર આવ્યું છે. આંકડા પ્રમાણે સૌથી ચોંકાવનારી હકીકત એ રાજ્યોની છે કે જ્યાં સામાન્ય વર્ગનું પ્રતિનિધિત્વ વધુ રહ્યું છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ સૌથી વધુ ઉપર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓનો કાર્યકાળ જોવામાં આવે તો ૯૯.૭ ટકા હિસ્સો સામાન્ય વર્ગના નેતાઓ પાસે રહ્યો છે. આ જ સ્થિતિ આધ્રપ્રદેશ (૯૭) ટકા, હરિયાણા (૯૫.૪) ટકા, ઓડિસા (૯૨) ટકા, અને પંજાબ (૯૧.૫) ટકાની છે. આ રાજ્યોમાં વર્ષો સુધી સામાન્ય વર્ગમાંથી આવેલા મુખ્યમંત્રીઓએ સત્તા ભોગવી છે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સત્તાની વહેંચણી વધુ વિવિધતાપૂર્ણ જોવામાં આવી છે.

બાગેશ્વર બાબાના નિવેદનથી રીતેશ દેશમુખ કેમ છંછેડાયા

દેશના એક સમુદાયના લોકપ્રિય બાબા બાગેશ્વર પર બોલિવુડ એક્ટર રીતેશ દેશમુખ છંછેડાયા છે. બાગેશ્વર બાબાએ એક નિવેદનમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ યુદ્ધથી થાકીને જવાબદારી છોડવા માંગતા હતા. બાગેશ્વર બાબા વારંવાર વિવાદીત નિવેદનો કરતા રહે છે. બાગેશ્વર બાબાના આ નિવેદનની પ્રતિક્રિયા આપતા રીતેશ દેશમુખે કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન સહન કરવામાં આવશે નહીં. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ ભગવાનની જેમ પૂજાય છે. એમના વિશે ટીપ્પણી કરતા સો વખત વિચારવું જોઈએ. વિવાદ વધતા છેવટે બાબાએ માફી માંગવી પડી છે. ફક્ત રીતેશ દેશમુખ નહીં બીજા કેટલાક લોકોએ પણ આ બાબતે બાગેશ્વર બાબાની આકરી ટીકા કરી હતી. થોડા સમયમાં રીતેશ દેશમુખે છત્રપતિ શિવાજી મહારાજ પર બનાવેલી ફિલ્મ રીલીઝ થઈ રહી છે.

'સચીન પાયલોટના બંને પગ કોંગ્રેસમાં છે'

રાઘવ ચઢ્ઢા એન્ડ કંપની સાગમટે ભાજપમાં જવાથી કોંગ્રેસ પણ સચેત થઈ ગઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસના યુવાન નેતાઓ પણ નેતાગીરીથી કંટાળીને ભાજપમાં જોડાઈ ગયા છે. રાજસ્થાનના કોંગ્રેસના નેતા સચીન પાયલોટ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોટ વચ્ચે હંમેશા તણખા ઝરતા રહ્યા છે. એક તબક્કે તો સચીન પાયલોટે કોંગ્રેસ છોડી દેવાનું નક્કી કર્યું હતું, પરંતુ પ્રિયંકા ગાંધીની સમજાવટથી તેઓ માની ગયા હતા. હવે ફરીથી વિવાદ ઉભો નહીં થાય એ માટે અશોક ગેહલોટે કહ્યું છે કે, ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી સચીન પાયલોટ કદી કોંગ્રેસ છોડશે નહીં. પાયલોટે ભૂતકાળમાં કરેલી ભૂલો પછી તેઓ હવે સુધરી ગયા છે. પાયલોટના બંને પગ કોંગ્રેસમાં છે અને તેઓ કોંગ્રેસમાં જ રહેશે.