દિલ્હીની વાત : સુનિલ જાખડના રાજીનામાથી પંજાબમાં ભાજપને મોટો ફટકો

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : સુનિલ જાખડના રાજીનામાથી પંજાબમાં ભાજપને મોટો ફટકો 1 - image


નવી દિલ્હી : થોડા સમય પછી પંજાબમાં પંચાયત ચૂંટણી યોજાવાની છે. આ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપ હાઇકમાન્ડથી નારાજ જાખડે સાફ કહ્યું છે કે, ભવિષ્યમાં તેઓ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે કોઈપણ બેઠકમાં હાજરી આપશે નહીં. લોકસભાની ચૂંટણીના ખરાબ પરિણામો પછી ભાજપ હાઇકમાન્ડે જાખડની ટીકા કરી હતી. આ બાબતે જાખડ નારાજ હતા. બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ જાખડને અણબનાવ હોવાનું ચર્ચાય રહ્યું છે. ભાજપના સભ્ય નોંધણી અભિયાનમાં પણ જાખડે ભાગ લીધો નહોતો. પંજાબમાં અનુભવી સુનિલ જાખડના જવાથી ભાજપ સંકટમાં મુકાય ગયું છે.

પ્રસાદ મામલે જગનમોહન રેડ્ડીની આક્રમકતાથી ચંદ્રાબાબુ બેકફૂટ પર

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ તિરૂપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબી ભેળવવામાં આવતી હોવાનો આક્ષેપ જગનમોહન રેડ્ડી પર કર્યા પછી જગનમોહન રેડ્ડી પણ આક્રમક થઈ ગયા છે. જગનમોહને ૨૮ સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના મંદિરોમાં પૂજા અર્ચનામાં ભાગ લઈને મંદિરોને પવિત્ર કરવાની જાહેરાત કરી છે. જગનમોહન રેડ્ડી પોતે તિરૂપતિ મંદિરમાં જઈને પૂજા કરી મંદિરને પવિત્ર કરશે. જગનમોહન રેડ્ડીની આ જાહેરાત પછી રાજ્યની પોલીસ વાયએસઆરસીપીના કાર્યકરોને ધમકી આપી રહી છે કે ૨૮મી તારીખના પૂજા અર્ચના કાર્યક્રમમાં ભાગ નહીં લે. જગનમોહન રેડ્ડી તિરૂપતિ જાય એ પહેલા પક્ષના અન્ય નેતાઓને નોટીસ આપવામાં આવી રહી છે. જોકે પક્ષના નેતાઓ જગનમોહન રેડ્ડીની પડખે છે અને ૨૮મી તારીખે તેઓ મોટી સંખ્યામાં તિરૂપતિ મંદિરે દર્શન કરવા જશે. 

મોદી એક જ મેટ્રોનું છઠ્ઠીવાર ઉદ્ઘાટન કરવાના હતા : સુપ્રિયા સૂલેનો ટોણો

શરદ પવારની એનસીપીના નેતા સુપ્રિયા સૂલેએ નરેન્દ્ર મોદીની ટીકા કરતા કહ્યું છે કે, મોદી પૂણે મેટ્રો યોજનાનું પાંચ વાર ઉદઘાટન કરી ચૂક્યા છે. મેટ્રો તૈયાર છે, પરંતુ વડાપ્રધાને છઠ્ઠીવખત ઉદઘાટન કરવું હોવાથી મેટ્રો ચાલુ કરવામાં આવી નથી. સુપ્રિયા સુલેએ ટોણો મારતા કહ્યું કે, મહારાષ્ટ્રની સંસ્કૃતિમાં મહેમાનનું સ્વાગત કરવાનો રિવાજ છે. ગુરુવારે ભારે વરસાદને કારણે નરેન્દ્ર મોદી પૂણે મેટ્રોનું ઉદઘાટન કરવા આવી શક્યા નહોતા. સુપ્રિયા સુલેએ મોદીને સલાહ આપી છે કે હવે મોદી ઇચ્છે તો પૂણે મેટ્રોનું ઉદઘાટન ઓનલાઇન પણ કરી શકે છે.

ગડકરીએ ફરી કહ્યું કે, એમને પીએમ બનાવવાની ઓફર આવી હતી

મુંબઈમાં એક ટીવી ચેનલ પરની ચર્ચામાં નિતિન ગડકરીએ ફરી વખત કહ્યું છે કે, લોકસભા ચૂંટણી પહેલા એમને વડાપ્રધાન બનવાની ઓફર કરવામાં આવી હતી. ગડકરીએ તો ત્યાં સુધી કહ્યું કે વિપક્ષે એમને ઘણી વાર આ ઓફર આપી હતી. લોકસભાની ચૂંટણી પહેલા અને પછી પણ એમને લલચાવવાની કોશિષ થઈ હતી. રાજકીય નીરિક્ષકોને નવાઈ લાગી રહી છે કે, ગડકરી વારંવાર આ વાત કેમ દોહરાવી રહ્યા છે. ગડકરી કદાચ ભાજપના ટોચના નેતાઓને આડકતરી રીતે કહી રહ્યા છે કે, જો તેઓ ઇચ્છે તો આસાનીથી વડાપ્રધાન બની શકે એમ છે, પરંતુ તેઓ વિચારધારા સાથે સમજૂતી કરવા માંગતા નથી.

રાજીનામા પછી કેજરીવાલના મોદી પર શાબ્દિક હુમલા

રાજીનામું આપ્યા પછી પહેલીવાર વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં કેજરીવાલે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી પાસે ખુબ પાવર અને ખુબ પૈસા છે, પરંતુ મોદી ભગવાન નથી. દુનિયામાં ભગવાન જેવી કોઈ શક્તિ તો છે જ જે મારી સાથે છે. જેલમાંથી છૂટયા પછી કેટલાક લોકો મને મળવા આવ્યા હતા અને કહ્યું હતું કે દિલ્હીના રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે. હું મુખ્યમંત્રી સાથે રસ્તાઓના નિરિક્ષણ માટે ગયો હતો. મે મુખ્યમંત્રીને કહ્યું કે આ રસ્તાઓને ઝડપથી રીપેર કરવામાં આવે. થોડા દિવસો પહેલા હું ભાજપના એક મોટા નેતાને મળ્યો હતો, મે એમને પૂછયુ કે મને જેલમાં મોકલીને તમને શું ફાયદો થયો ત્યારે એ નેતાએ કહ્યું કે તમને જેલમાં મોકલવાથી દિલ્હીની સરકાર ઠપ્પ થઈ ગઈ હતી. મને વિચાર આવ્યો કે દેશની રાજધાનીને ઠપ્પ કરીને ભાજપના નેતાઓને આનંદ કંઈ રીતે થાય છે?

કંગનાથી ભાજપનો મોહભંગ થતો નથી, સંસદીય સમિતિમાં પણ સામેલ કરી

સંસદ પાસે કોઈ કામ આવે ત્યારે સંસદનો સમય બચે એ માટે કેટલાક કામની ચર્ચા કરવા માટે સંસદીય સમિતિ બનાવવામાં આવે છે. નાના મોટા ઘણા કામોનો નિર્ણય સંસદીય સમિતિમાં થઈ જાય છે. સંસદીય સમિતિમાં કોને લેવા એનો નિર્ણય કેન્દ્ર સરકાર કરે છે. સંરક્ષણ બાબતની સંસદીય સમિતિમાં રાહુલ ગાંધીને અને વિદેશ નીતિ બાબતની સંસદીય સમિતિમાં શશી થરૂરને લેવામાં આવ્યા છે. શશી થરૂરને તો વિદેશી બાબતની સંસદીય સમિતિના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા છે. રામ ગોપાલ યાદવને આરોગ્ય સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ બાબતની સંસદીય સમિતિના પ્રમુખ તરીકે રાધામોહન સિંહની નિમર્ણૂક કરવામાં આવી છે. ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી બાબતની સંસદીય સમિતિમાં વિવાદાસ્પદ સાંસદ કંગના રનૌતને પસંદગી કરવામાં આવી હોવાથી રાજકીય નીરિક્ષકોને નવાઈ લાગી છે. કેટલાક ખાનગીમાં કહી રહ્યા છે કે, કંગના રનૌતના વિવાદાસ્પદ નિવેદનો પછી પણ ભાજપને કંગના રનૌતથી મોહભંગ થયો નથી.

તેજસ્વી યાદવ આકરા પાણીએ : જીતનરામ માંઝીની ઝાટકણી કાઢી

છેલ્લા કેટલાક દિવસોથી લાલુ પ્રસાદ યાદવ અને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી વચ્ચે તૂતૂ મેમે થઈ રહી છે. બંને એકબીજાની જાતિ અને ડિગ્રીને લઈને આક્ષેપો કરી રહ્યા છે. માંઝીએ એવું કહ્યું હતું કે, લાલુ પ્રસાદ, યાદવ નથી. આની સામે લાલુએ જવાબ આપ્યો હતો કે, માંઝી શું મુસહર છે? ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે તો આગળ વધીને કહ્યું કે, જીતનરામ માંઝી અને એમના પુત્ર આરએસએસની સ્કૂલમાં ભણ્યા છે. આરએસએસ જેટલું કહે એટલું જ બોલે છે. માંઝી વગર વિચાર્યે બોલ્યે રાખે છે. અમારે માંઝીના પ્રમાણપત્રની જરૂર નથી.

હરિયાણામાં 13 અપક્ષ ઉમેદવારો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

હરિયાણામાં કોંગ્રેસથી નારાજ થયેલા ૧૩ ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેના કારણે એ બેઠકોમાં જીતવાનું કોંગ્રેસ માટે કપરું બનવાનું છે. આમ આદમી પાર્ટી પણ સ્વતંત્ર રીતે ચૂંટણી લડે છે તેની અસર થશે એટલે આ બેઠકોમાં ભાજપના ઉમેદવારોની જીતવાની શક્યતા વધી છે. આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોને પહેલાં મનાવવાની કોશિશ કરી હતી, પરંતુ નારાજ નેતાઓ માન્યા નહીં એટલે પ્રદેશ કોંગ્રેસે એ બધા જ ઉમેદવારોની હકાલપટ્ટી કરી દીધી છે. હરિયાણા કોંગ્રેસ કમિટીએ આ નેતાઓને પક્ષ વિરોધી ગતિવિધિ કરવા માટે તાત્કાલિક અસરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા.

અખિલેશની પોસ્ટથી યોગીના સલાહકાર અધિકારી અકળાયા

થોડા દિવસ પહેલાં યુપીમાં એક સમાચાર કોઈ અધિકારીના નામ વગર ફરતા થયા. એમાં એવી હિન્ટ આપવામાં આવી કે એક નિવૃત્ત ઉચ્ચ અધિકારીના ઉત્તરાખંડ સ્થિત બંગલામાંથી ૫૦ કરોડ રૂપિયાની ચોરી થઈ. બધા એ નિવૃત્ત અધિકારી અંગે જાત-ભાતની અટકળો કરતા હતા. પૂર્વ આઈએએસ અમિતાભ ઠાકુરે તો નામ લઈને પોસ્ટ કરી, એમાં અટકળોના તાર નિવૃત્ત ઉચ્ચ અધિકારી અને અત્યારે સીએમ યોગીના સલાહકાર અવનિશ કુમાર અવસ્થી સુધી પહોંચ્યા. અખિલેશે સમાચારનું કટિંગ શેર કરીને શાયરી પોસ્ટ કરી : રિશ્તા યે હમજોલી-સા હૈ, ચોર કે ઘર મેં ચોરી સા હૈ... એ પછી લાલઘૂમ થયેલા સીએમના સલાહકાર અવનીશ અવસ્થીએ પોસ્ટ કરી કે જો લોકો મારા વિશે ખોટી અફવા ફેલાવે છે તે બંધ નહીં થાય તો બદનક્ષીની નોટિસ પાઠવીશ. આ ઘટનાએ યુપીના રાજકીય વર્તુળોમાં અને અધિકારીઓમાં ચર્ચા જગાવી છે.

દુકાન બંધ કરવા દૂંગી : મહિલા કલેક્ટરના આક્રમક તેવર વાયરલ

૨૦૧૫માં યુપીએસસીમાં ટોપર રહેલાં ટીના ડાબી અત્યારે રાજસ્થાનના બાડમેર જિલ્લાના કલેક્ટર છે. તેમણે જિલ્લા કલેક્ટર તરીકે આખાય બાડમેરને સ્વચ્છ કરવાનું મિશન હાથમાં લીધું છે. એ દરમિયાન આ યુવા મહિલા અધિકારી ખુદ ઈન્સ્પેક્શન માટે નીકળે છે. એવા જ એક ઈન્સ્પેક્શનમાં નીકળેલા ટીના ડાબીએ એક દુકાનદારને કચરો ન વેરવાની સલાહ આપતા કહ્યું હતું કે હું બીજી વખત આવું ત્યારે ક્યાંક કચરો ન દેખાવો જોઈએ. આસપાસમાં બધા દુકાનદારો મોટી કચરા ટોપલી રાખો, આસપાસમાં સ્વચ્છતા રાખવી એ શરમનું કામ નથી. જો એવું નહીં કરો તો તમારી દુકાન બંધ કરી દઈશ. મારે આખો વિસ્તાર સ્વચ્છ રાખવો છે એટલે જેમ તેમ કચરો ન ઠાલવશો. કલેક્ટરનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. કલેક્ટર ગ્રાઉન્ડ પર ઉતરીને આવું કામ કરે છે તેની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News