Get The App

દિલ્હીની વાત : કર્ણાટકમાં નેતૃત્વ પરીવર્તન, સીએમ આજે રાજીનામું આપી શકે છે

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કર્ણાટકમાં નેતૃત્વ પરીવર્તન, સીએમ આજે રાજીનામું આપી શકે છે 1 - image

નવીદિલ્હી :કર્ણાટક રાજકીય નાટકનો અંત આવી રહ્યો છે. આજે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજીનામું આપી શકે છે. એમણે સવારે ૧૦.૩૦ વાગ્યે રાજ્યપાલની મુલાકાત માટે સમય માંગ્યો છે. રાજભવન જતા પહેલા તેઓ ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર સાથે નાસ્તો કરશે. દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડને મળ્યા પછી એમનું મો પડી ગયું હતું. એમણે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે, એમનું રાજીનામું લઈને એમને રાજ્યસભામાં મોકલવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી જી પરમેશ્વરએ નિવેદન આપ્યું છે કે, પક્ષના નેતા કોંગ્રેસ હાઇકમાન્ડનો નિર્ણય માથે ચઢાવશે. એમના કહેવા પ્રમાણે પક્ષના મહામંત્રી અને કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ બાબતે તેઓ સ્પષ્ટીકરણ આપશે. મુખ્યમંત્રીએ ગુરુવારે કેબિનેટ મંત્રીઓની એક બેઠક પણ બોલાવી છે. કર્ણાટકના કેટલાક મંત્રીઓ અને સિનિયર નેતાઓ મુખ્યમંત્રીના ઘરે પહોંચી રહ્યા છે.

મોદીના પ્રશંસક અર્થશાસ્ત્રીનો અભિપ્રાય બદલાયો

સુરજીત ભલ્લા સપ્ટેમ્બર ૨૦૧૭ થી ડિસેમ્બર ૨૦૧૮ સુધી વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમીતીના સભ્ય રહ્યા છે. ઓક્ટોબર ૨૦૧૮માં ભલ્લાએ કહ્યું હતું કે મોદી સરકારના પહેલા ચાર વર્ષ ભારતીય અર્થવ્યવસ્થાના સૌથી સારા વર્ષો રહ્યા છે. પદ પરથી દુર થયા પછી પણ ભલ્લા મોદી સરકારની નીતિના વખાણ કરતા હતા. ભલ્લાની ઓળખ મોદી સમર્થક અર્થશાસ્ત્રી તરીકેની હતી. જોકે હવે એમનો અભિપ્રાય બદલાય ગયો છે. હવે તેઓ જાહેરમાં મોદી સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા છે. સુરજીત ભલ્લાએ થોડા દિવસો પહેલા એક અખબારમાં લેખ લખ્યો હતો જેનું મથાળુ હતું 'ભાજપ ચૂંટણી જીતે છે, પરંતુ અર્થવ્યવસ્થા હારી રહી છે.' આ લેખમાં ભલ્લાએ મોદી સરકારની ભારે ટીકા કરી છે. ભલ્લાએ લખ્યું છે કે, 'પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત રાજકીય સફળતા છે. જોકે હમણાના સમયમાં અર્થવ્યવસ્થા સંભાળવા બાબતે ભાજપનો દેખાવ તળીયે છે. કોઈ ગેરંટી નથી કે પરિસ્થિતિ વધુ ખરાબ નહીં થાય.'

ભાજપના અન્નામલાઇએ મોદી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો

તામિલનાડુમાં ભાજપની સફળતા માટે અન્નામલાઈ ખુબ અગત્યની વ્યક્તિ ગણાય છે. થોડા દિવસો પહેલા અન્નામલાઈ મોદી - શાહના માનીતા ગણાતા હતા. હવે અન્નામલાઈએ એકાએક મોદી સરકારના એક નિર્ણયનો વિરોધ કર્યો છે. કેન્દ્રીય શીક્ષા મંત્રાલયે નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષા ફરજીયાત કરવનો નિર્ણય કર્યો છે જે અન્નામલાઈને પસંદ આવ્યો નથી. એમણે આ નિર્ણય પરત લેવાની માંગણી કરી છે. એમણે મંત્રાલયને વિનંતી કરી છે કે, ૨૦૨૯ - ૩૦ના શૈક્ષણીક વર્ષથી આ નિયમ લાગુ કરવામાં આવે. અન્નામલાઇએ આ નિયમ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આંચકાજનક ગણાવ્યો છે. વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણમાં જ પોતાની પસંદગીની ભાષા પસંદ કરી લીધી છે ત્યારે વાલીઓ ચિંતીત થઈ ગયા છે.

ભાજપના ધારાસભ્યએ કહ્યું, લોકો સરકારથી ખુશ નથી

છત્તીસગઢ ભાજપના સિનિયર નેતા અને ભરતપુર - સોનહત વિધાનસભા બેઠકના ધારાસભ્ય રેણુકા સિંહનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. છત્તીસગઢના રાજકારણમાં આ વાયરલ ઓડિયોને કારણે ધરતીકંપ આવ્યો છે. ધારાસભ્યના બે ઓડિયો એક પછી એક વાયરલ થયા છે. વાયરલ ઓડિયોમાં ધારાસભ્ય પોતાની સરકાર સામે જ આક્ષેપો કરી રહ્યા છે. ઓડિયોમાં ભાજપ સરકારની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો કરવામાં આવ્યા છે. સંગઠનના નેતાઓ સામે પણ નારાજગી જાહેર કરવામાં આવી છે. વીડિયોમાં ભાજપના ધારાસભ્ય કહે છે કે, સરકારનું સંચાલન ઉપરથી થાય છે. કોઈને મુખ્યમંત્રી બનાવ્યા પછી તરત હટાવી શકાતા નથી, પરંતુ એમનાથી લોકો ખુશ નથી. રાજ્યમાં ભૂપેશ બહેલ પરત ફરશે અને કોંગ્રેસના મુખ્યમંત્રી બન્યા પછી આ બધાને જેલમાં મોકલશે.

જસ્ટીસ પ્રકાશ નાવલેકર કોણ છે?

અકુદરતી ડેમોગ્રાફીક ફેરફાર અને ઘૂસણખોરોનો અભ્યાસ કરવા માટે એક હાઇ લેવલ કમીટી બનાવવામાં આવી છે. આ કમીટીના અધ્યક્ષ તરીકે જસ્ટીસ પ્રકાશ પ્રભાકર નાવલેકર (નિવૃત્ત)ની નિમણૂક કરવામાં આવી છે. ઘણાને પ્રશ્ન થાય છે કે આટલી અગત્યની કમીટીના અધ્યક્ષ પ્રકાશ નાવલેકર કોણ છે. જસ્ટીસ નાવલેકર સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જજ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ લોકાયુક્ત છે. મધ્યપ્રદેશના જબલપુરમાં ૧૯૪૩ના વર્ષમાં  ૨૩મી જૂને જન્મેલા નાવલેકરનો સંબંધ પ્રતિસ્થિત વકીલ કટુંબ સાથે છે. એમણે જબલપુર યુનિવર્સિટીમાંથી ૧૯૬૫માં એલએલબીની ડીગ્રી મેળવી હતી. એમણે જસ્ટીસ એપી સેન અને જસ્ટીસ જે એસ વર્મા હેઠળ વકીલાતની શરૂઆત કરી હતી. જસ્ટીસ નાવલેકર મધ્યપ્રદેશ એસોસીએશન બારના ઉપપ્રમુખ પણ રહ્યા હતા. ૧૯૯૨માં એમની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં જજ તરીકે નિમણૂક થઈ હતી. ૨૦૦૪ના વર્ષમાં તેઓ સુપ્રિમ કોર્ટના જજ બન્યા હતા અને ૨૯મી જૂન ૨૦૦૮માં રીટાયર્ડ થયા હતા.

દીલમે રામ, નયનમે કૃષ્ણ.....'

ટીએમસીના સાંસદ સાયોની ઘોષ ફરી એકવાર ચર્ચામાં છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર વખતે એમણે કાબા મદીનાવાળુ ગીત ગાયુ હતું અને સમાચારમાં ચમક્યા હતા. સાયોની ઘોષને હવે આ ગીતનો જવાબ ગીત દ્વારા જ આપવામાં આવ્યો છે. ભાજપની એક રેલીમાં ભાજપના સમર્થકે બાંગ્લામાં એક ગીત ગાયું હતું. આ ગીતના શબ્દો સાયોની ઘોષના ગીત પર કટાક્ષ કરે છે. આ ગીતનો અનુવાદ કઈક એવો થાય છે,  'હૃદયમાં રામ છે, નયનમાં કૃષ્ણ.....' સોશ્યલ મીડિયા એક્સ પર આ ગીત સાથે જોડાયેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના જાણીતા એક્ટીવીસ્ટ સુનંદા આચાર્યએ આ વીડિયો શેર કર્યો હતો. સુનંદા આચાર્ય ભાજપના સમર્થક ગણાય છે. વીડિયોની નીચે લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે બંગાળમાં હવે રામરાજ્ય આવી ગયું છે.

સીઓઇએમપીટીને સીબીએસસીનો કોન્ટ્રાક્ટ કોણે આપ્યો?

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા ૧૨માં ધોરણના એક વિદ્યાર્થીની આન્શરશીટની તપાસમાં થયેલી ગરબડ પછી મોટો વિવાદ થયો છે. આ કિસ્સાની સોશ્યલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે. આ વિવાદ પર રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને લખ્યું છે કે, સીબીએસઇ પરીક્ષાના પરિણામોમાં ભયંકર ગોટાળા થયા છે. આ ગોટાળાને કારણે દેશના લાખો બાળકો અને એમના માતા-પિતાને આઘાત લાગ્યો છે, પરંતુ વડાપ્રધાન મોદી હંમેશની માફક ચૂપ છે. રાહુલ ગાંધીએ સીબીએસઇ પરીક્ષા કરાવનાર કંપની સીઓઇએમપીટીને કોન્ટ્રાક્ટ આપવા બાબતે પણ પ્રશ્નો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 'જે કંપની સીઓઇએમપીટીને પરીક્ષાના પરિણામની જવાબદારી સોંપવામાં આવી છે એ પહેલા ગ્લોબએરીનાના નામથી તેંલગાણામાં ૨૦૧૯માં આવા જ ગોટાળા કરી ચૂકી છે. આ વાતની બધાને ખબર હોવા છતા આજ કંપનીને કોન્ટ્રાક્ટ કોણે અપાવ્યો?