Get The App

દિલ્હીની વાત : પક્ષમાં 'ગદ્દાર' ગણાતા નેતાઓએ જ કોંગ્રેસનું માન વધાર્યું

Updated: May 28th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પક્ષમાં 'ગદ્દાર' ગણાતા નેતાઓએ જ કોંગ્રેસનું માન વધાર્યું 1 - image

નવીદિલ્હી : ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી ત્યારે પક્ષના કેટલાક નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા. સાઇડટ્રેક કરવામાં આવેલા ૨૩ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો. હવે ઓપરેશન સિંદુર પછી આ ૨૩માના કેટલાક નેતાઓ જ વિશ્વ આખામાં પાકિસ્તાન સામે ભારતનો પક્ષ રાખી રહ્યા છે. સર્વક્ષીય ડેલિગેશનમાં સામેલ ગુલામનબી આઝાદ હવે કોંગ્રેસમાં નથી, પરંતુ શશી થરૂર, આનંદ શર્મા, મનીષ તિવારી અને સલમાન ખુરશીદને કારણે વિશ્વમાં કોંગ્રેસનું માન વધ્યું છે. આ નેતાઓની વિચારધારા કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ કરતા જુદી છે. કોંગ્રેેસના કેટલાક નેતાઓ વિદેશમંત્રી એસ જયશંકર બાબતે વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા છે ત્યારે ડેલિગેશન સાથે વિશ્વના દેશોમાં ફરનાર કોંગ્રેસના નેતાઓ ભારતની છબી ચમકાવવાનો પ્રયાસ કરે છે.

સીજેઆઇએ વકીલોની કરેલી ટીકાથી નારાજ સિનિયર વકીલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યા

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ભૂષણ રામાકૃષ્ણ ગવઇએ થોડા દિવસો પહેલા એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, કેસોના ભરાવા માટે જજોને બદનામ કરવામાં આવે છે. હકીકત જુદી છે, ખરેખર તો વકીલો કામ કરવા માંગતા નથી. બે સિનિયર એડવોકેટે સીજેઆઇની આ ટીપ્પણીને સુપ્રિમ કોર્ટની એક બેન્ચ સમક્ષ રીપીટ કરી અને કહ્યું કે, આ ટીપ્પણીને કારણે તેઓ કોર્ટમાં આવ્યા છે. દર વર્ષે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી જુલાઈના પહેલા અઠવાડિયા સુધી સુપ્રિમ કોર્ટમાં સમર વેકેશન હોય છે. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ સુર્યકાંતની બેન્ચ સમક્ષ એક કેસની સુનાવણી થઈ રહી હતી. સિનિયર વકીલો મુકુલ રોહતગી અને સિદ્ધાર્થ દવે રજુઆત કરી રહ્યા હતા. જજોએ જ્યારે સિનિયર વકીલોને પૂછયું કે તમે વેકેશન દરમિયાન અહીં શું કરી રહ્યા છો? એ વખતે બંને વકીલોએ કહ્યું હતું કે, સીજેઆઇ ગવઇની ટીપ્પણીને કારણે તેઓ વેકેશન દરમિયાન પણ કોર્ટમાં આવ્યા છે.

સપા નેતા તુલસીરામ પક્ષ છોડી બીએસપીમાં ગયા અને કલાકોમાં જ રામરામ કર્યા

ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સિનિયર નેતા તુલસીરામ યાદવનો બીએસપીમાં પ્રવેશ ખૂબ નાટકીય રહ્યો હતો. પક્ષ પ્રવેશથી ખુશ થઈ ગયેલા બીએસપીએ મોટે ઉપાડે તુલસીરામ યાદવના પક્ષ પ્રવેશની જાહેરાતો કરી હતી. જોકે પક્ષમાં જોડાયાના થોડા કલાકો પછી જ તુલસીરામ યાદવએ બીએસપીને રામરામ કરી દીધા હતા. ૧૯૯૦ -૯૧ના વર્ષ દરમિયાન યાદવ બીએસપીના મંડળ પ્રભારી હતા. ત્યાર પછી તેઓ સપામાં જોડાયા હતા. તેઓ મુલાયમસિંહ યાદવ અને શિવપાલ યાદવની નજીકના ગણાતા હતા. તુલસીરામ યાદવે ખુલાસો આપ્યો છે કે, તેઓ બહેનજીને મળવા માટે ગયા હતા એ વખતે બીએસપીના કેટલાક કાર્યકરોએ એમને પક્ષનો ખેસ પહેરાવી દઈ એમની તસવીરો પાડી જાહેરખબર છપાવી દીધી હતી. જોકે બીએસપીના નેતાઓનું કહેવું છે કે, સપાના નેતાઓના દબાણને કારણે યાદવ ફરી ગયા છે.

ટ્રમ્પને ધોનાર શશી થરૂર પાસે કેટલી સંપતી છે

કોેંગ્રેસના સાંસદ શશી થરૂર આજકાલ વિદેશમાં ભારતનો પક્ષ રાખી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર શશી થરૂર ભારે લોકપ્રિય છે. થરૂરે અમેરિકા જઈને ડોનાલ્ડ ટ્રમ્પને બરાબર ધોયા છે. થરૂરની સંપતી અને આવકના સાધનોની બાબત હંમેશા ચર્ચામાં રહી છે. શશી થરૂરની સંપતી ૫૫ કરોડ રૂપિયા કરતા વધુ છે. એમની સંપતી છેલ્લા ૧૦ વર્ષોમાં બમણી થઈ ગઈ છે. થરૂરના ૧૯ બેન્ક ખાતામાં રોકડ ઉપરાંત બોન્ડ, ડિબેન્ચર, મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. એમની પાસે ૩૨ લાખ રૂપિયાની કિંમતનું સોનું છે અને ૩૬ હજાર રૂપિયા રોકડા છે. એમની મોટા ભાગની આવક એમણે લખેલા પુસ્તકોની રોયલ્ટીમાંથી આવે છે. તેઓ પોતાના ભાષણો માટે પણ પૈસા લે છે. તેઓ ચતુર વક્તા હોવાથી એમની વક્તા તરીકેની ડિમાન્ડ પણ ઘણી છે.

માઓવાદીઓએ પોતાના જ કમાન્ડરને મોતની સજા ફરમાવી હતી

ઝારખંડ જનમુક્તિ પરીષદ (જેજેએમપી)ના કમાન્ડર બનતા પહેલા પપ્પુ લોહરા માઓવાદીઓની ૪૨ નંબરની પ્લાટુનનો કમાન્ડર હતો. લાતેહારના ઇચાબાર વિસ્તારમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં પપ્પુ લોહરાનું મૃત્યુ થયું છે. ઝારખંડના તમામ જિલ્લાઓમાં પપ્પુ લોહરાનો આતંક હતો. છેલ્લા ૧૫ વર્ષમાં પપ્પુએ ઘણા નક્સલવાદી હુમલાની આગેવાની લીધી હતી. માઓવાદીઓના ટોપ કમાન્ડરોએ પપ્પુ લોહરા પર ૨૦૦૯-૧૦ના વર્ષ દરમિયાન ગરબડ કરવાનો આરોપ મૂક્યો હતો. માઓવાદીઓએ બોલાવેલી જન અદાલતમાં પપ્પુ લોહરાને મૃત્યુદંડની સજા ફરમાવી હતી. ત્યાર પછી પપ્પુ લોહરા ભાગી ગયો હતો એને જેજેએમપી સાથે જોડાયો હતો. પપ્પુને માઓવાદીઓના ઠેકાણા તેમ જ હથિયારો વિશેની માહિતી હોવાથી એણે હથિયારો લૂટી લીધા હતા. પપ્પુ લોહરાને કારણે માઓવાદીઓએ પોતાના ટ્રેનિંગ સેન્ટર છોડીને ભાગવું પડયું હતું.

કોરોનાથી ડરશો નહીં સામાન્ય ફ્લૂ જેવી જ અસર છે: આઇસીએમઆર

દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર)ના વૈજ્ઞાાનિક ડો. નિવેદીતા ગુપ્તાનું કહેવું છે કે, પહેલાની જેમ જ આપણી આસપાસ કોરોનાના વાયરસ હાજર છે. કોરોનાનો વાયરસ કયારેય ગયો નહોતો. રસીકરણ પછી આ વાયરસ નબળો પડી ગયો છે. જેઓ કોરોનાથી સંક્રમીત થાય છે એમને પણ સામાન્ય ફ્લૂ જેટલી જ તકલીફ દેખાય રહી છે. જો સામાન્ય ભાષામાં કહીએ તો સામાન્ય શરદી ખાસી જેવા લક્ષણો દેખાય છે. દર વર્ષે વાતાવરણમાં ફેરફાર થાય છે ત્યારે ફ્લૂ જેવી બિમારીઓમાં વધારો થાય છે. લોકો એને વાયરલ ઇન્ફેક્શન સમજીને કોરોનાની તપાસ કરાવતા નથી. હોંગકોંગ અને સીગાપોરમાં કોરોનાના દર્દીઓ જોવા મળતા ભારતમાં પણ કોરોનાના ટેસ્ટ વધ્યા એટલે આપણને પણ આ આંકડા વધુ દેખાય છે.

ન્યુઝિલેન્ડના ઇમીગ્રેશન મિનિસ્ટરને ભારતીયો વિશે કરેલી ટીપ્પણી ભારે પડી

ન્યુઝિલેન્ડના મંત્રી એરીકા સ્ટેન્ફોર્ડે ભારતીયો વિશે કરેલી એક ટીપ્પણીથી વિવાદ થયો છે. ન્યુઝિલેન્ડના ઇમીગ્રેશન મિનિસ્ટર એરીકા સ્ટેન્ફોર્ડે કહ્યું છે કે તેઓ કદી ભારતીયોના ઇમેલના જવાબ આપતા નથી. મંત્રીની આ ટીપ્પણીને ભારતીયો બાબતે પૂર્વગ્રહવાળી ગણવામાં આવી છે. એરીકાએ સંસદમાં એક ખોટો ઇમેલ મોકલવા બાબતના સવાલના જવાબ આપતી વખતે આ ટીપ્પણી કરી હતી. ભારતીય મૂળના લેબર પાર્ટી સાથે જોડાયેલા સાંસદ પ્રિયંકા રાધાકૃષ્ણનએ સ્ટેન્ફોર્ડની ટીપ્પણીને બેદરકાર અને પૂર્વગ્રહવાળી ગણાવી છે. ટીકા થતા સ્ટેન્ફોર્ડે ખુલાસો કર્યો હતો કે એમની વાતને ખોટી રીતે સમજવામાં આવી છે. એમનો ઇરાદો કોઈને દુભવવાનો નહોતો. કેટલાકનું કહેવું છે કે, મંત્રીના મનમાં જે હતું એ જબાન પર આવી ગયું છે.

કર્ણાટક ભાજપના વિધાયકની આઈએએસ ઓફિસર સામે વિવાદાસ્પદ ટિપ્પણી

કર્ણાટકના ભાજપના વિધાનસભ્ય અને વિપક્ષના મુખ્ય વ્હીપ એન રવિકુમાર દ્વારા એક વરિષ્ઠ મુસ્લિમ આઈએએસ ઓફિસર સામે અપમાનજનક  ટિપ્પણીને કારણે રાજકીય વિવાદ સર્જાયો છે. એન રવિકુમારે પોતાના ભાષણમાં સ્થાનિક પ્રશાસનની ભૂમિકા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ૨૪ મેના રોજ કલબુર્ગી ચલો અભિયાનના હિસ્સા તરીકે કલબુર્ગી ખાતે એક રેલીને સંબોધતા તેમણે સવાલ કર્યો હતો કે જિલ્લાની ડેપ્યુટી કમિશનર ફૌઝિયા તરન્નુમ પાકિસ્તાનથી તો નથી આવીને. આ ટિપ્પણી એવા સંદર્ભમાં કરાઈ હતી જેમાં પરિષદના વિપક્ષી નેતા ચલાવડી નારાયણસ્વામીને કોંગ્રેસી સમર્થકો દ્વારા ગેસ્ટ હાઉસમાંથી બહાર જતા રોકવામાં આવ્યા હતા.નારાયણસ્વામીએ રાજ્યના મંત્રી પ્રિયંક ખરગેને તિરંગા યાત્રામાં તેમની હિસ્સેદારી દરમ્યાન શ્વાન સાથે સરખામણી કરી હતી. એ સમયે સર્જાયેલી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતા એન રવિકુમારે સવાલ કર્યો કે જિલ્લા અધિકારી પાકિસ્તાની તો નથીને?

ઓપરેશન સિંદૂરની બિહાર ચૂંટણી પર કેવી અસર પડશે?

ઓક્ટોબર ૨૦૧૬માં પાર્ટીની રાષ્ટ્રીય પરિષદને સંબોધતા બિહાર મુખ્ય મંત્રી નિતિશ કુમારે સર્જિકલ સ્ટ્રાઈકનું રાજનીતિકરણ કરવા બદલ ભાજપની ટીકા કરી હતી. તેનાથી થોડા મહિના પહેલા જ જ્યારે ભાજપે ૭૦માં સ્વતંત્રતા દિવસ  નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કર્યું  હતું ત્યારે પણ કુમારે કટાક્ષ કર્યો હતો. પણ હવે જ્યારે ભાજપે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા દસ દિવસ માટે સમગ્ર બિહારમાં તિરંગા યાત્રાઓ કાઢી ત્યારે કુમાર મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યા. આ ઓપરેશનથી ભાજપના નેતાઓમાં જાણે જીવ આવ્યો છે. ગત લોકસભાની ચૂંટણીમાં થયેલો રકાસ હવે ભૂતકાળ બની ગયો છે. પીએમ મોદી ફરી પોતાનું નામ બોલતા થઈ ગયા છે-મોદીનં ઠંડુ મગજ, ગરમ લોહી, મોદીની છાતી વગેરે. પહલગામ આતંકી હુમલા પછી બિહારના મધુબનીમાં પ્રથમ રેલીમાં તેમણે હુમલાખોરોને અકલ્પનીય સજા આપવાનું વચન આપ્યું હતું. વચન પૂર્ણ થતા તેઓ બિહારમાં ૨૯ અને ૩૦ મેના રોજ પાછા આવશે. પટણામાં રોડ શોની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.

આસામમાં કોંગ્રેસે ગોગઈને ચીફ બનાવીને હિમન્તાને પડકાર્યા

સોમવારે કોંગ્રેસે લોકસભાના ડેપ્યુટી નેતા ગૌરવ ગોગઈને  આસામ યુનિટના પ્રમુખ બનાવીને મુખ્ય મંત્રી હિમન્તા બિસ્વા સર્મા સામે સીધી લડાઈની જાહેરાત કરી છે. આગામી વર્ષે આસામમાં ચૂંટણી યોજાશે. છેલ્લા બે મહિનાથી સર્મા રોજ ગૌરવ પર હુમલા કરી રહ્યા છે અને તેમની પત્નીના પાકિસ્તાની સરકાર સાથે સંબંધ હોવાના આરોપ લગાવી રહ્યા છે. ગૌરવ ૨૦૦૧થી ૨૦૧૬ વચ્ચે આસામના મુખ્ય મંત્રી તરીકે સતત ત્રણ મુદત સુધી સેવા આપનાર તરુણ ગોગઇના પુત્ર છે.રાજ્યનું પ્રમુખપદ સંભાળતા જ ગોગઈએ પત્નીના યોગદાનની પ્રશંસા કરી. ગોગઈએ ૨૦૧૩માં બ્રિટિશ નાગરિક એલિઝાબેથ કોલબર્ન સાથે લગ્ન કર્યા હતા.

બાળકના જન્મ સાથે લાલુ યાદવ પરિવાર ફરી સમાચારમાં

આરજેડી નેતા તેજસ્વી યાદવની પત્ની રાજશ્રીએ તેમના બીજા સંતાન પુત્રને જન્મ આપ્યો છે એવી જાણકારી યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. દંપતિને ગયા વર્ષે બાળકીનો જન્મ થયો હતો. અગાઉ નાયબ મુખ્ય મંત્રી રહી ચુકેલા યાદવના લગ્ન ડિસેમ્બર ૨૦૨૧માં રાજશ્રી સાથે થયા હતા. યાદવ હાલ તેની પત્ની સાથે કોલકતા હોવાથી સમગ્ર યાદવ પરિવાર કોલકતા જઈ રહ્યો છે. તાજેતરમાં આરજેડી ચીફએ તેજ પ્રતાપ યાદવને એક મહિલા સાથે પોતાનો બાર વર્ષથી સંબંધ હોવાનો દાવો કરવા બદલ પાર્ટીમાંથી અને પરિવારમાંથી નિષ્કાષિત કર્યો હતો. તેજ પ્રતાપના ઐશ્વર્યા સાથે ૨૦૧૮માં લગ્ન થયા હતા અને તેની સાથે તેનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.

- ઈન્દર સાહની