Get The App

દિલ્હીની વાત : ભાજપના સિનિયર નેતાઓએ પીએમના બચાવમાં આવવું પડયું

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપના સિનિયર નેતાઓએ પીએમના બચાવમાં આવવું પડયું 1 - image

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલા પ્રવચનમાં કહ્યું હતું કે, દેશે કોરોના જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. આ સંબોધન દેશ આખામાં વાયરલ થયા પછી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. લોકોએ માની લીધું હતું કે હવે કોરોનાની માફક દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવશે. ફેલાયેલી અફવાને કારણે લોકો પેટ્રોલ અને ડિઝલ ભરાવવા માટે દોડયા હતા. એ જ રીતે એલપીજી સિલિન્ડર માટે પણ પડાપડી થઈ રહી છે. કેન્દ્રના મંત્રીઓને લાગ્યું કે વડાપ્રધાનથી કાચુ કપાઈ ગયું છે એટલે સરકારના ત્રણ મંત્રીઓએ લોકડાઉનની વાતને રદિયો આપતા નિવેદનો આપવા પડયા હતા. કિરેણ રીજીજુએ કહ્યું હતું કે, લોકડાઉનની વાતો ફક્ત અફવા છે. પેનીક થવાની જરૂર નથી. હરદીપ પુરીએ કહ્યું હતું કે કારણ વગર ડર ફેલાવવામાં આવી રહ્યો છે. સીતારમણએ કહ્યું હતું કે કોઈપણ પ્રકારનું લોકડાઉન લાગશે નહીં. જોકે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીના કહેવા પ્રમાણે કોરોના જેવો સમય આવવાનો છે. તેઓ ભૂલી ગયા હતા કે કોરોનામાં કેટલા લોકો મર્યા હતા. મલ્લીકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે, વડાપ્રધાન ૧૪૦ કરોડ ભારતવાસીઓને ફરીથી સંકટનો સામનો કરવા માટે કહી રહ્યા છે.

તામિલનાડુમાં સાથી પક્ષ સામે ભાજપનું ચાલ્યું નહીં

તામિલનાડુમાં એઆઇએડીએમકે પક્ષમાં આંતરીક ખેંચતાણ ઘણી છે. જોકે એઆઇએડીએમકેના પ્રમુખ એડપ્પાદી કે પલાનીસ્વામી જયલલીતાની સ્ટાઇલ અપનાવી રહ્યા છે. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં એમણે જયલલીતાની જેમ જ ગઠબંધનના પક્ષો સાથે બેઠકોની વહેંચણી કરી છે. એમણે અમીત શાહ સહિત બીજેપીના મોટા નેતાઓ તેમજ અન્ય સહયોગી પક્ષો સાથે પોતાની શરતો આધારે ડીલ કરી છે. એમણે ચૂંટણી પ્રચારની શરૂઆત પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રીની માફક મંદિરથી ગ્રહ - નક્ષેત્રોના શુભમૂહુર્ત જોઈને કરી હતી. જયલલીતાની માફક જ એમણે વેન પર ઉભા રહીને ભાષણ આપ્યું હતું. એમજી રામચંદ્રન સાથે પાંચ વર્ષ સુધી રાજકારણમાં રહ્યા પછી જય લલીતાએ એમના ઉત્તરાધિકારી હોવાનો દાવો કર્યો હતો. જયલલીતાના મૃત્યુ પછી ઓ પનીરસેલવમ, શશીકલા અને પલાનીસ્વામીએ પક્ષ અને સરકાર પર દાવેદારી કરી હતી. શશીકલાના જેલમાં ગયા પછી પક્ષની કમાન્ડ પલાનીસ્વામીના હાથમાં આવી હતી.

પેટ્રોલ - ડિઝલના ભાવના સમાચારો બાબતે વિપક્ષે સરકારને ઠપકારી

દેશમાં વધતી મોંઘવારીને કારણે સરકારે પેટ્રોલ અને ડિઝલના ટેક્સમાં ઘટાડો કર્યો છે. જોકે એનો ફાયદો સામાન્ય લોકો સુધી કઈ રીતે પહોંચશે એની ખબર કોઈને નથી. સરકારના પ્રવક્તાઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે, પરંતુ વિરોધ પક્ષ આનાથી ખાસ ખુશ થયો નથી. વિરોધ પક્ષના સાંસદોએ આ નિર્ણયને 'ચૂંટણી સ્ટંટ' કહીને સરકારને ઠપકારી છે. કોંગ્રેસનો આરોપ છે કે પેટ્રોલ - ડિઝલ પરના ટેક્સને ઘટાડવાથી કોઈ ફેર પડવાનો નથી. આ કાપ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓને કારણે કરવો પડયો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે, આ કોઈપણ પ્રકારની રાહત નથી, પરંતુ આસામ, કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. છેલ્લા ૧૨ વર્ષોમાં કાચા તેલની કિંમતો વિશ્વમાં ૭ વાર ઘટી છે, ત્યારે સરકારે સામાન્ય માણસને એનો લાભ આપ્યો નથી.

'કોમવાદી નિવેદનો કરનાર ઉમેદવારો સામે કઈ કાર્યવાહી કરી?'

કેરળ હાઇકોર્ટે દેશના ચૂંટણી કમિશનને સવાલ કર્યો છે કે, કોઈપણ ઉમેદવાર નફરત ફેલાવતું કે કોમવાદી નિવેદન આપે જેનાથી કોઈ સંપ્રદાય, સમાજ અને દેશને નુકસાન પહોંચે તો એની સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં? કેરળની ગુરુવાયુર વિધાનસભા બેઠક પરથી ઉભેલા ભાજપના ઉમેદવાર ગોપાલકૃષ્ણન્એ  આપેલા એક કોમવાદી નિવેદન બાબતે ચૂંટણી કમિશન નિષ્ક્રીય હોવાને કારણે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટીસ બેચુ કુરિયન થોમસએ ચૂંટણી કમિશનને સૂચના આપી હતી કે, અરજી કરનાર ગોકુલ કે ની ફરિયાદ બાબતે યોગ્ય પગલા લે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ફરિયાદ મળ્યાની તારીખથી બે મહિનાની અંદર આ બાબતે નિર્ણય કરવો પડશે. સુનાવણી વખતે ચૂંટણી કમિશને કોર્ટને કહ્યું હતું કે, ભાજપના નેતા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને નિવેદનવાળા વીડિયોને દુર કરવામાં આવ્યો છે.

કેરળમાં મતદારોને આકર્ષવા માટે પક્ષો એઆઇને સહારે

કેરળ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે હવે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની બોલબાલા છે. ભાજપ, કોંગ્રેસ અને સામ્યવાદીઓ મતદારોને આકર્ષવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. હવે રેલી અને ભાષણોની સાથે સાથે ડીજીટલ દુનિયામાં પણ યુદ્ધ છેડાઈ ગયું છે. એર્નાકુલમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પીઆર શિવશંકરનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ખુલ્લી જીપમાં બેસીને તેઓ હજારોની ભીડ વચ્ચે રેલી કરતા દેખાય છે. લોકો ઝંડો ફરકાવીને એમનું સ્વાગત કરે છે. દેખાવમાં આ દ્રશ્ય સાચુ લાગે છે, પરંતુ આ આખો વીડિયો એઆઇની મદદથી બનાવવામાં આવ્યો છે. હવે નરેન્દ્ર મોદીની તસવીર અને ભવિષ્યના વિકાસ કાર્યોને એઆઇ મારફતે દર્શાવવાનું પણ નક્કી થયું છે. કોંગ્રેસ પક્ષ પણ આ ટેક્નીકનો ભરપુર ફાયદો ઉઠાવે છે.

'મેટ્રો શહેરો ચાલતા - ફરતા પાર્કિંગ લોટ બની ગયા છે'

દેશના મોટા શહેરોમાં વધતી ટ્રાફિક સમસ્યા બાબતે આમ આદમી પાર્ટીના સાંસદ અને આક્રમક વક્તા રાઘવ ચડ્ડાએ નુકતેચીની કરી છે. એમણે કહ્યું હતું કે બેંગ્લુરુ, પૂણે, મુંબઈ, કોલકત્તા, દિલ્હી અને ચેન્નઇ જેવા શહેરોમાં એક સામાન્ય માણસ દર વર્ષે ૧૦૦થી ૧૬૮ કલાક સુધી ટ્રાફીક જામમાં ફસાયેલો રહે છે. આ કારણે ઉત્પાદન, ઇંધણ અને લોકોની જીવનશૈલી પર મોટી અસર પડે છે. સંસદમાં બોલતા રાઘવ ચડ્ડાએ કહ્યું હતું કે, દિલ્હીમાં સવાર - સાંજ ધોલાકુંવા કે પછી એનએચ - ૮ના દિલ્હી - ગુડગાંવ હાઇવે, બેંગ્લુરુ, પુણે, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઇ જેવા શહેરોમાં તમારે કોઈ જગ્યાએ પહોંચવું હોય તો તમને એવું લાગશે કે તમે રસ્તા પર નહીં પરંતુ એક મોટા પાર્કીંગ એરિયામાં છો. ટ્રાફિકને કારણે કેટલાક લોકો કારમાં બેસીને ઓફિસનું કામ કરે છે, ઝુમ મીટીંગ એટેન્ડ કરે છે.

મનસેની ધમકી સામે રેલવેનો જવાબ

રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ દાદર - રત્નાગીરી ટ્રેન સેવા શરૂ કરવા માટે ચેતવણી આપી છે. મનસેએ ચેતવણી આપી છે કે જો ૧૫ દિવસમાં એમની માંગણી પૂરી નહીં થાય તો આંદોલન કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જતી એક્સપ્રેસ ટ્રેનો રોકી દેવામાં આવશે. આ બાબતે મનસેના પ્રતિનિધિ મંડળએ રેલવે અધિકારીઓની મૂલાકાત લીધી હતી. હકીકતે દાદર - રત્નાગીરી પેસેન્જર ટ્રેનને પડોશી થાણે જિલ્લાના દિવા સ્ટેશનથી ચલાવવામાં આવે છે. એને બદલે દાદરથી ગોરખપુર માટેની ટ્રેન શરૂ થઈ રહી છે. મનસેનું કહેવું છે કે રેલવે ઉત્તર ભારતના પ્રવાસીઓને પ્રાથમિકતા આપે છે. આ નિર્ણયને કારણે કોંકણના પ્રવાસીઓને તકલીફ થઈ રહી છે. પ્રતિઉત્તર આપતા મધ્ય રેલ્વેના પીઆરઓ ડોક્ટર સ્વપ્નીલ નીલાએ કહ્યું છે કે કોંકણ ક્ષેત્રની ટ્રેનો ઘટાડવામાં આવી નથી. આ રૂટ પર દરરોજ ૯૨ ટ્રેનો ચાલે છે. મોટી સંખ્યામાં મુંબઈથી કોંકણની ટ્રેનો ચાલી રહી છે. ફક્ત મુંબઈથી કોંકણ માટે ૨૧ ટ્રેનો ચાલે છે જ્યારે બીજા રસ્તે ૨૫ ટ્રેનો કોંકણ જાય છે.