Get The App

દિલ્હીની વાત : સંસદમાં થયેલા અપમાન બાબતે રાહુલ ગાંધીની મદદે સંજય રાઉત

Updated: Mar 28th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સંસદમાં થયેલા અપમાન બાબતે રાહુલ ગાંધીની મદદે સંજય રાઉત 1 - image

નવીદિલ્હી : લોકસભાના સ્પીકર વિપક્ષી નેતા રાહુલ ગાંધીને સંસદમાં બોલવાની અનુમતી આપતા નહીં હોવાનો આક્ષેપ થયો છે. આ મુદ્દે હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે લોકસભાના સ્પીકર ઓમ બિરલાની ટીકા કરી છે. રાઉતના કહેવા પ્રમાણે લોકશાહી માટે જોખમી દિવસો ચાલી રહ્યા છે. રાઉતનું કહેવું છે કે, 'રાહુલ ગાંધી લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે. જો રાહુલ ગાંધી ગજાના નેતાને સ્પીકર સંસદમાં બોલવાની પરવાનગી નથી આપતા તો ખુબ જ દુ:ખદ છે. જો તમારે વિરોધપક્ષોને ચૂપ જ કરવા હોય તો સંસદ ચલાવવાનું નાટક શું કામ કરો છો' રાઉતે આક્ષેપ કર્યો હતો કે, જો વિરોધપક્ષનો અવાજ ચૂપ કરાવી દેવામાં આવશે તો એક દિવસ સંસદ પણ બંધ કરાવી શકાય છે.

યોગી નફરત પર ભાષણ આપે છે, એનાથી વધારે કોમેડી કઈ : સ્ટાલિન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલા એક નિવેદન બાબતે તામિલનાડુના મુખ્ય મંત્રી એન કે સ્ટાલીન બગડયા છે. સિમાંકન અને ત્રણ ભાષાના વિવાદ બાબતે યોગી આદિત્યનાથે તામિલનાડુની ડીએમકે સરકારને વોટ બેન્કનું રાજકારણ કરીને લોકોને ભાષાને આધારે ભાગલા પાડતા હોવાનો આક્ષેપ કર્યો હતો. યોગીને જવાબ આપતા સ્ટાલીને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે. પોસ્ટમાં એમણે લખ્યું છે કે, 'તામિલનાડુની ભાષા નીતિ અને સિમાંકન બાબતનો વિરોધ આજે દેશ આખામાં ગુંજી રહ્યો છે. અમારી નીતિને કારણે ભાજપ તકલીફમાં છે. જેનો પુરાવો એમના નેતાઓના ઇન્ટરવ્યૂ વાંચીને મળે છે. યોગી આદિત્યનાથ અમને નફરત વિશે ભાષણ આપશે? અમને માફ કરો. આ તો રાજકીય કોમેડી થઈ ગઈ.'

અન્નામલાઈનો સ્ટાલિન પર શાબ્દિક હુમલો, 'તમારી દુનિયામાં જ જીવો'

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તામિલનાડુની ડીએમકે સરકારની ભાષા નીતિ તેમ જ સિમાંકન મુદ્દે ટીકા કરી હતી. ત્યાર પછી તામિલનાડુના મુખ્યમંત્રી એન કે સ્ટાલીને યોગી આદિત્યનાથ પર વળતો પ્રહાર કરીને કહ્યું હતું કે, યોગી આદિત્યનાથ કોમેડી કરી રહ્યા છે. હવે આ બાબતે તામિલનાડુ ભાજપના પ્રમુખ અન્ના મલાઈએ પણ વિવાદમાં ઝંપલાવ્યું છે. અન્ના મલાઇએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'થીરૂ એમ કે સ્ટાલીન, તમે અમારા બંધારણના રક્ષકના રૂપમાં એક ઠગ કલાકાર છો. સામાન્ય રીતે ઠગો પૈસાદારોને લૂટે છે, પરંતુ ડીએમકે આ બાબતે કોઈ ભેદભાવ રાખતું નથી. ડીએમકે પૈસાદાર અને ગરીબો બંનેને લૂટે છે. આખા દેશને ખબર છે કે તામિલનાડુના મુખ્યમંત્રીની જે ખાનગી સ્કૂલો ચાલી રહી છે એમાં ત્રણ ભાષા શીખવવામાં આવે છે. તમે દંભી છો. તમે તમારી દુનિયામાં જ જીવો છો.'

ઓનલાઇન સટ્ટાખોરી મામલે કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે હાથ ખંખેરી નાંખ્યા

દેશ આખામાં ઓનલાઇન ગેમીંગના નામે રમાતા જુગારને કારણે કેટલાય યુવાનો બરબાદ થઈ રહ્યા છે. સમાજશાસ્ત્રીઓ અને વિરોધપક્ષના નેતાઓ આ જુગાર બંધ કરાવવા માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. જોકે કેન્દ્રીય આઇટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ આ બાબતે ગંભીર લાગતા નથી. ડીએમકેના સાંસદ દયાનિધિ મારન અને અશ્વિની વૈષ્ણવ વચ્ચે આ બાબતે લોકસભામાં દલીલ થઈ હતી. અશ્વિની વૈષ્ણવ એમ કહીને છટકવા માંગતા હતા કે સટ્ટાખોરી અને જુગાર રાજ્યનો વિષય છે. રાજ્ય સરકારોએ આ બાબતે કાયદો બનાવવો જોઈએ. સાંસદ મારને એવી ટકોર કરી હતી કે ઓનલાઇન ગેમીંગ બાબતે કડક પગલા લેવા માટે કેન્દ્ર સરકાર ગંભીર નથી અને જવાબદારીમાંથી ભાગી રહી છે. તમામ ઓનલાઇન સાઇટો પર પ્રતિબંધ મૂકવા માટે કેન્દ્ર સરકારને કેટલો સમય લાગશે?

સામ્યવાદીઓ ૨૧મી સદીમાં પ્રવેશ કરશે ત્યાં 22મી સદી આવી જશે : થરૂર

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કેરળના સામ્યવાદી પક્ષો પર તીખો કટાક્ષ કર્યો છે. થરૂરે મજાકમાં કહ્યું હતું કે, સામ્યવાદીઓ ૨૧મી સદીમાં જરૂર પ્રવેશ કરશે પરંતુ ત્યારે ૨૨મી સદી આવી ગઈ હશે. કેરળ વિધાનસભામાં પસાર થયેલા કેરળ સ્ટેટ પ્રાઇવેટ યુનિવર્સિટીઝ બીલ ૨૦૨૫ બાબતે શશી થરૂર નિવેદન આપી રહ્યા હતા. પસાર થયેલા બીલ પ્રમાણે રાજ્યમાં હવે ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ શકશે. કેરળના સામ્યવાદી પક્ષો આ બીલનો લાંબા સમય સુધી વિરોધ કરી રહ્યા હતા. થરૂરે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે, કોમ્પ્યૂટર અને મોબાઇલ ફોનનો વિરોધ કરનારાઓ પણ સામ્યવાદીઓ જ હતા. સામ્યવાદી પક્ષોની વિચારધારા ૧૯મી સદીની છે.

જસ્ટીસ વર્મા વિશે અલ્હાબાદના વકીલો નમતું જોખવા તૈયાર નથી

દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના ઘરમાંથી કરોડો રૂપિયાની સળગેલી ચલણી નોટો મળ્યા પછી સુપ્રિમ કોર્ટે વર્માની બદલી અલ્હાબાદ હાઇકોર્ટમાં કરી દીધી હતી. આ નિર્ણયને કારણે અલ્હાબાદ હાઇકોર્ટના વકીલો વિફર્યા છે. તેઓ કહી રહ્યા છે કે, અલ્હાબાદ હાઇકોર્ટ ડસ્ટબીન નથી. વકીલો છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ પર છે. તેઓ સતત ધરણા અને દેખાવો કરી રહ્યા છે. અલ્હાબાદ હાઇકોર્ટના વકીલોની માંગણી છે કે જસ્ટીસ વર્મા સામે ઇડી અને સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે. અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોસીએશનના સભ્યો કેન્દ્રીય ન્યાયમંત્રી સાથે મુલાકાત કરવા દિલ્હી ગયા હતા. જોકે આ મુલાકાત પછી પણ વકીલોએ હડતાળ સમાપ્ત કરી નથી અને આંદોલન વધુ ઉગ્ર બનાવ્યું છે.

યુપીની સંસ્કૃત યુનિવર્સિટી પહેલી વખત ટેમ્પલ મેનેજમેન્ટ ભણાવશે

દેશમાં પહેલી વખત ટેમ્પલ મેનેજમેન્ટનો કોર્સ શરૂ થયો છે. વારાણસી સ્થિત સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયે ટેમ્પલ મેનેજમેન્ટનો કોર્સ ઓફર કર્યો છે. ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષના આ કોર્સમાં મંદિરોમાં ભીડને કેવી રીતે મેનેજ કરવી, મંદિરમાં આયોજન જળવાય તે માટે કેવા પગલાં ભરવા તેનો અભ્યાસ કરાવાશે. કહેવાય છે કે યોગી સરકારના સૂચન પછી યુનિવર્સિટીએ આ કોર્સ ઓફર કર્યો છે.

ગ્રુપ ફોટો વખતે મંત્રીએ નીતિશને હાથ જોડતા રોક્યા  

બિહાર વિધાનસભાના બજેટ સેશનના છેલ્લાં દિવસે વિધાન પરિષદના સભ્યો સાથે એક ગ્રુપ ફોટો લેવાતો હતો. સીએમ નીતિશ કુમાર સહિત સૌ સભ્યો ગ્રુપ ફોટો માટે પોઝ આપતા હતા, બરાબર ત્યારે જ નીતિશ કુમાર અચાનક સૌનું અભિવાદન ઝીલતા હોય એમ હાથ જોડવા માંડયા હતા. ગ્રુપ ફોટો માટે કેમેરા ક્લિક થઈ રહ્યા ત્યારે નીતિશનું આ વર્તન સૌને અજુગતું લાગ્યું. બાજુમાં બેસેલા મંત્રી વિજેન્દ્ર યાદવે મામલો સંભાળવાની કોશિશ કરી હતી અને નીતિશ કુમારના બંને હાથ નીચે કર્યા હતા. બાજુમાંથી કોઈએ આ ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો. વિપક્ષોને ફરી એક વખત નીતિશ કુમારની માનસિક સ્થિતિ બરાબર નથી એવો આરોપ લગાડવાની તક મળી ગઈ હતી.

કામરાના મોદી પરના જોક પર ભાજપ કેમ મૌન : વિપક્ષનો વ્યંગ

વિપક્ષો કોમેડિયન કૃણાલ કામરાના સંદર્ભમાં કટાક્ષ કરી રહ્યા છે કે ભાજપે એકનાથ શિંદે અંગેની ટીપ્પણીને ઝીલી લીધી ને એની આકરી ઝાટકણી કાઢી, પરંતુ કૃણાલ કામરાએ તો મોદી પર પણ તીખા વ્યંગ કર્યા છે. તે એટલે સુધી કે પેરોડી સોંગમાં મોદીને તાનાશાહ પણ કહ્યા છે, છતાં ભાજપની લાગણી કેમ દુભાઈ નથી? કૃણાલ કામરાના ૪૫ મિનિટના વિડીયોમાં ભાજપ-શિવસેના (શિંદે), નિર્મલા સીતારામન વગેરે પર તીખી રમૂજો કરવામાં આવી છે. તે છતાં આશ્વર્યજનક રીતે આખા વિડીયોમાંથી ભાજપ-શિવસેનાએ માત્ર શિંદે અંગેની ટીપ્પણીને જ ગંભીરતાથી લીધી છે. આખા વિડીયોને લઈને વિપક્ષ અત્યારે કટાક્ષના મૂડમાં દેખાય છે.

પાર્ટીલાઈન તોડનારા નેતાઓ સામે આકરી કાર્યવાહીનો ભાજપનો સંકેત

છેલ્લાં ઘણાં સમયથી ભાજપના જ નેતાઓ પાર્ટીલાઈનથી વિરૂદ્ધમાં જઈને નિવેદનો આપી રહ્યા છે. ખાસ તો ભાજપને લોકસભામાં ૨૪૦ બેઠકો જ મળી તે પછી જાણે પાર્ટીમાં ભારેલો અગ્નિ સપાટી પર આવ્યો છે. રાજસ્થાન, યુપી, એમપીથી લઈને કર્ણાટક સુધીના રાજ્યોમાં નેતાઓ પાર્ટીલાઈનથી વિરૂદ્ધ જઈને નિવેદનો આપી રહ્યા છે. યુપીમાં યોગી સરકારની ટીકા કરનારા ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને યુપી બીજેપીએ શો-કોઝ નોટિસ ફટકારી છે. રાજસ્થાનમાં કિરોડીલાલ મીણા પાસેય ખુલાસો પૂછાયો છે. હવે કર્ણાટક ભાજપના સીનિયર નેતા બસનગૌડા પાટિલને છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે. પાટિલે રાન્યા રાવ પર ગંદી ટીપ્પણી કરી હતી એ બદલ કાર્યવાહી થઈ હતી. પરંતુ જાણકારો કહે છે કે તેમને સસ્પેન્ડ કરવા પાછળ સપાટી પર દેખાતું કારણ જવાબદાર નથી. બીજેપીએ આડેધડ નિવેદનો આપતા નેતાઓને આકરી કાર્યવાહીના સંકેત આપ્યા છે.

દિલ્હીમાં કુમારસ્વામીની હનીટ્રેપ મુદ્દે કર્ણાટકના મંત્રી સાથે ગુપ્ત બેઠક

કર્ણાટકમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત ૪૮ નેતાઓ હનીટ્રેપનો શિકાર બન્યાનો દાવો થોડા દિવસ પહેલાં થયો હતો. કર્ણાટક વિધાનસભા સત્રમાં પણ આ મામલે ઉગ્ર વાદ-વિવાદ થયો હતો અને મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ તપાસની ખાતરી આપી હતી. એમાં કેન્દ્રીય મંત્રીઓ પણ ફસાયા એ વાક્ય બહુ જ મહત્ત્વનું હતું. કદાચ એ સંદર્ભમાં હોય કે બીજા કોઈ કારણથી, પરંતુ કેન્દ્રીય મંત્રી કુમારસ્વામીએ દિલ્હીમાં કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રી સતીશ જારકીહોલી સાથે ગુપ્ત બેઠક કરી હતી. એચ.ડી. કુમારસ્વામી અને જારકીહોલી દિલ્હીમાં ડીનર માટે મળ્યા હતા એવી ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ચર્ચા તો એ મુદ્દેય છે કે કુમારસ્વામીને હનીટ્રેપના સંદર્ભે શું ડર સતાવી રહ્યો છે? કોને બચાવવાની કોશિશ ચાલી રહી છે?

- ઈન્દર સાહની