Get The App

આપ સરકારની વધુ એક યોજનાની તપાસ થશે

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
આપ સરકારની વધુ એક યોજનાની તપાસ થશે 1 - image


નવીદિલ્હી : આપ જ્યારે સત્તામાં હતી ત્યારે મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવાની તૈયારી ભાજપ સરકાર કરી રહી છે. 

દિલ્હીમાં લગાડવામાં આવેલા સીસીટીવી પ્રોજેક્ટનું ટેક્નીકલ ઓડીટ થશે. એમ કહેવાય છે કે, મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાની ગુણવત્તા હલકી છે. આંતરીક ઓડિટ અનુસાર દિલ્હીના ૭૦ વિધાનસભા ક્ષેત્રોમાં લગભગ ૨.૬૪ લાખ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. 

આમાંથી ૩૨ હજાર કેમેરા કામ નથી કરતા. આ સિવાય ૧૫ હજારથી વધુ કેમેરા લગાડવા માટે મંજૂરી આપવામાં આવી હોવા છતાં કેમેરા લગાડવામાં આવ્યા નથી.

 ઘણા વિસ્તારોમાં ગરબડ થઈ છે એવું કહેવાય છે. લગાડવામાં આવેલા કેમેરા અને મંજૂરી આપવામાં આવેલા કેમેરાઓની સંખ્યામાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. હવે રેખા ગુપ્તાની સરકાર આખા પ્રોજેક્ટનું ટેકનિકલ ઓડિટ કરશે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા આગળ વધી

જગદીપ ધનખડએ આપેલા રાજીનામા પછી મોટો વિવાદ થયો છે. હવે નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે એ વિશે ચર્ચા થઈ રહી છે. આ ચર્ર્ચાની વચ્ચે ઇલેકશન કમિશનરએ નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે રાજ્યસભાના મહામંત્રી પીસી મોદીને ઇલેકશન કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. આ સાથે બીજા બે સહાયક ઇલેકશન કમિશનરોની નિમણૂક પણ થઈ ગઈ છે. ચૂંટણી કમિશનએ આ નિમણૂકો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનીયમ ૧૯૭૪ હેઠળ કરી છે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આવનારા થોડા દિવસોમાં થશે. ચૂંટણી કમિશનના જણાવ્યા પ્રમાણે ચૂંટણીની જવાબદારી વારાફરતી લોકસભા અને રાજ્યસભના મહામંત્રીને સોંપવામાં આવે છે. છેલ્લી ચૂંટણીમાં લોકસભાના મહામંત્રીએ જવાબદારી નિભાવી હતી. આ વખતે રાજ્યસભાના મહામંત્રી પીસી મોદીના નેતૃત્વમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.

મરાઠી ભાષાના બોર્ડનો વિવાદ હાઇવે પર કઈ રીતે પહોંચ્યો

મહારાષ્ટ્રમા મરાઠી ભાષા પર ચાલી રહેલો વિવાદ હવે વધી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકરો ગુજરાતી ભાષામાં લખાયેલા બોર્ડને તોડી નાખી મરાઠી ભાષામાં મૂકવા માટે ફરજ પાડી રહ્યા છે. હવે તોડફોડનો આ સીલસીલો મુંબઈ - અમદાવાદ હાઇવે પર મહારાષ્ટ્રની હદમાં આવેલી હોટલો સુધી પહોંચ્યો છે. મનસેના કેટલાક કાર્યકરોએગુજરાતી ભાષામાં લખેલા બોર્ડ તોડી નાખ્યા હતા. હાઇવે પર એમણે મરાઠી ભાષામાં બોર્ડ લગાડવાની માંગણી કરી હતી. આટલા વર્ષો સુધી સામાન્ય રીતે ભાષા વિવાદ થતો હતો ત્યારે પણ હાઇવે પરની હોટલો કે ઢાબાઓને નિશાન બનાવવામાં આવતા નહોતા. મળેલી જાણકારી પ્રમાણે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારના મનસેના કાર્યકરોને એમની હેડ ઓફિસથી કહેવામાં આવ્યું હતું કે ભાષા વિવાદની આગ હવે હાઇવે પર આવેલા ઢાબા અને હોટલો સુધી લંબાવે.

કાળા કપડા જોઈને નિતિશકુમાર ભડક્યા

બિહાર વિધાનસભામાં જ્યારે વિરોધપક્ષ સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો ત્યારે મુખ્યમંત્રી નિતિશકુમાર પણ હાજર હતા. વિરોધપક્ષના સભ્યો કાળા કપડા પહેરીને આવ્યા હતા. નિતિશકુમારએ કાળા કપડાની મજાક ઉડાવી હતી. એમણે રાબડી દેવી તરફ ફરીને કહ્યું હતું કે રાબડી દેવીના કહેવાથી બધા એક સરખા કપડા પહેરીને આવ્યા છે. અલગ અલગ પક્ષના ધારાસભ્યો પણ એક જ પ્રકારના કપડા પહેરીના આવ્યા હતા. નિતિશકુમારએ કહ્યું હતું કે, 'બધુ ઊલટસુલટ થઈ રહ્યું છે. તમને ખબર છે કે સરકારે કેટલું કામ કર્યું છે. બધી તરફ લોકોને ફાયદો થઈ રહ્યો છે. આવા કપડા પહેરશો તો તમારી હાલત સારી નહીં થાય. ' ગૃહના અંતિમ દિવસે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી થઈ હતી. વિરોધપક્ષના સભ્યો વેલમાં પહોચી ગયા હતા અને અધ્યક્ષનું ટેબલ ઉથલાવી નાખવાની કોશિષ પણ કરી હતી. સામે ભાજપ અને જેડીયુના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર હેલમેટ પહેરીને પ્રદર્શન કર્યું હતું.

માર ખાઇને પરત નહીં જાવ, પ્રતિ હુમલો કરો

ભાજપના નેતા અને જાણીતા અભિનેતા મિથુન ચક્રવતએ બંગાળમાં પક્ષના કાર્યકરોને એક અલગ પ્રકારનો સંદેશો આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો ભાજપના કાર્યકરોની પીટાઇ કરે છે. ત્યાની પોલીસ પણ ભાજપના કાર્યકરોની ફરિયાદ લેતી નથી. હવે મિથુન ચક્રવર્તીએ ભાજપના કાર્યકરોને સંબોધન કરતા કહ્યું છે કે, જરૂર પડે તો પ્રતિહુમલો કરો. મિથુનએ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિ માર ખાવાના ડરની સાથે યુદ્ધના મેદાનમાં ઉતરી શકે નહીં. માર ખાઇને ઘરે પરત નહીં જાવ, જો આવશ્યક હોય તો સામે હુમલો કરો. તમે પાછળ ઉભા રહીને યુદ્ધ જીતી શકશો નહીં. નીડર બનીને મેદાનમાં ઉતરો. મિથુન ચક્રવર્તીએ ભાજપના કાર્યકરોને એમનો અંગત વોટ્સએપ નંબર પણ આપ્યો હતો. મિથુનની આ સલાહનો કેવો જવાબ ટીએમસી આપે છે એ જોવું રહ્યું.

હવે હિમાચલ પણ પંજાબના રસ્તે

હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે, હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વિદેશી પ્રવાસીઓ ફક્ત નશા માટે આવે છે. હિમાચલના મનાલા નામના ગામમાં તો ખુલ્લે આમ ચરસનું વેચાણ થાય છે. હવે હિમાચલના મંદીથી ચૂંટાયેલા સાંસદ કંગના રનૌતએ પણ હિમાચલના રાજ્યપાલ શિવકુમાર શુક્લના નિવેદનનું સમર્થન કર્યું છે. એમણે કહ્યું છે કે જો સમયસર પગલા નહીં લેવામાં આવે તો હિમાચલ પણ પંજાબના કેટલાક ગામડાઓ જેવું થઈ જશે કે જ્યાં ફક્ત વિધવાઓ અને મહિલાઓ જ બચ્યા છે. કંગનાના કહેવા પ્રમાણે પાકિસ્તાનથી પંજાબ થઈને હિમાચલ સુધી ડ્રગ્સ પહોંચી રહ્યું છે. યુવાનો ડ્રગ્સના બંધાણી બની રહ્યા છે. બાળકો મા-બાપના ઘરેણા અને વાહનો વેચી રહ્યા છે. પરિસ્થિતિ અતિ ગંભીર છે.

૮૦ વર્ષીય ડોભાલને વિવિધ માંદગી સતાવી રહી છે

સંસ્થાના ડાયરેક્ટર વી. કામાકોટી દ્વારા આયોજિત આઈઆઈટી મદ્રાસ ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલનું ભાષણ ચિંતાજનક રીતે અસંગત હતું અને અનેકને આશ્ચર્ય થયું હશે કે વડા પ્રધાન શા માટે તેમના ૮૦ વર્ષીય એનએસએને નિવૃત્ત નથી કરતા. પણ સ્પષ્ટપણે, પૌરાણિક રાજાઓની જેમ, મોદીને અન્ય કોઈ પર ભરોસો નથી. પોતાની અલગ વિચારધારા માટે પ્રશંસા પામેલ ડોભાલને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આંચકો મળ્યો જેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૭ મેથી ૧૦ મે વચ્ચેના સંઘર્ષનો અંત લાવવા  તે વાતનું ઉચ્ચારણ ૬૦ દિવસમાં ૨૧ વાર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું. જો જાણે આ નીતિ વિષયક મુદ્દો છે અને તેમાં ભારતના એનએસએના પૂરા ધ્યાનની જરૂર છે. છતાં જ્યાં ડોભાલે પોતાની સમગ્ર કારકિર્દી પસાર કરી તેવા ઈન્ટેલીજન્સ બ્યુરો (આઈબી)ના હોલમાં પણ અધિકારીઓ ખુલ્લેઆમ ડોભાલના મગજના સંતુલન વિશે ચર્ચા કરતા નજરે પડતા હતા. નિરીક્ષકોના મતે આરએસએસ ચીફ મોહન ભાગવતની ૭૫મી વયે વિરામ લેવાની સલાહ અનુસાર તેમણે ઘણા સમય પહેલા જ નિવૃત્ત થઈ જવું જોઈતું હતું. ડોભાલની નિવૃત્તિ વિશે તેમજ તેમની ઘૂંટણની તકલીફ જેવી શારીરિક અસક્ષમતા વિશે અફવાઓ ફેલાઈ રહી છે.

- ઈન્દર સાહની


Tags :