દિલ્હીની વાત : હુકમની અવગણના કરવા માટે પંજાબ સરકારને સુપ્રીમની નોટિસ
નવીદિલ્હી : ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલને મેડિકલ સહાય આપવા સુપ્રીમ કોર્ટે કરેલા હુકમનું પાલન નહીં કરવાનું પંજાબ સરકારને ભારે પડી ગયું છે. ચીફ સેક્રેટરી સામે કોર્ટના અનાદરનો કેસ દાખલ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. ખેડૂત નેતાને આપવામાં આવેલી સારવારની માહિતી પણ કોર્ટે માંગી છે. કોર્ટે કહ્યું છે કે તે ખેડૂત નેતા દલ્લેવાલના જીવન અને સુરક્ષા બાબતે ચિંતિત છે. દલ્લેવાલની સારવાર માટે તમામ પગલા લેવાની રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે. કોર્ટે પંજાબ સરકારને કહ્યું છે કે, જો કાનૂન વ્યવસ્થાની સ્થિતિ બગડે તો સરકારે સખત હાથે કામ લેવું પડશે.
દિલ્હીમાં આપ- કોંગ્રેસ વચ્ચે જંગ, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ચિંતિત
૨૦૨૫ની શરૂઆતમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીમાં આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિપાંખિયો જંગ લડાશે. ઇન્ડિયા ગઠબંધનમાં એક સાથે રહેલા આપ અને કોંગ્રેસ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આક્રમકતાથી એક બીજા સામે લડી રહ્યા છે. આપે જાહેર કરેલી યોજના બાબતે કોંગ્રેસે કેજરીવાલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ ફરિયાદને કારણે ખીજવાયેલા અરવિંદ કેજરીવાલે એવી ફિસિયારી મારી છે કે તેઓ કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી કાઢી મૂકશે. કેજરીવાલ ભૂલી જાય છે કે ઇન્ડિયા ગઠબંધનમાં તેઓ એકલા નેતા નથી. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી મારલેના અને સાંસદ સંજય સિંહ એવો પ્રચાર કરી રહ્યા છે કે કોંગ્રેસ અને ભાજપની મિલિભગત છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે હવે કોંગ્રેસે નક્કી કર્યું લાગે છે કે અરવિંદ કેજરીવાલની મનમાની લાંબો સમય નહીં ચલાવવી. જોકે આ વિવાદને કારણે ઇન્ડિયા ગઠબંધનના સિનિયર નેતાઓ ચિંતિત છે.
અન્ના યુનિવર્સિટીના બળાત્કાર મામલે અન્ના મલાઇનું નાટક
ગુજરાતમાં દરરોજ એકને હિસાબે બળાત્કારો થઈ રહ્યા છે. ત્યારે ચુપ રહેતા ભાજપના નેતાઓ બીજા રાજ્યોમાં બળાત્કારની ઘટના બને ત્યારે નાટક ચાલુ કરી દે છે. તામિલનાડુના ચેન્નઇ સ્થિત અન્ના વિશ્વ વિદ્યાલયના કેમ્પસમાં એક વિદ્યાર્થિની સાથે બળાત્કારનો કિસ્સો બન્યો છે. આ મામલે આખા રાજ્યમાં ગુસ્સો છે. તામિલનાડુ ભાજપના પ્રમુખ અન્ના મલાઇ ગુજરાતના મામલે બોલતા નથી, પરંતુ તામિલનાડુના બળાત્કારના કિસ્સા પછી યુનિવર્સિટીમાં ગયા અને ઉપરના વસ્ત્રો કાઢી નાખી પોતાની જાતને કોરડા માર્યા. અન્ના મલાઈનું કહેવું છે કે જ્યાં સુધી પીડિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પગરખા નહીં પહેરે અને ૪૮ કલાક સુધી નક્કોરડા ઉપવાસ રાખશે. અન્ના મલાઈની આ નાટકને તામિલનાડુમાં કોઈ ગંભીરતાથી લેતું નથી.
અતુલ આત્મહત્યા કેસ : પત્ની નિકિતા વિશે બહાર આવી નવી વિગતો
બેંગ્લુરુના યુવાન એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના માનસિક ત્રાસ તેમ જ કરવામાં આવેલા ખોટા કેસોથી વ્યથિત થઈને કરેલી આત્મહત્યા પછી બેંગલુરુ અને ઉત્તર પ્રદેશની પોલીસ તપાસમાં લાગી ગઈ છે. પોલીસને તપાસમાં એવી ચોંકાવનારી વિગતો મળી છે કે સુભાષ જે પૈસા નિકિતાને આપતો હતો તે પૈસા નિકિતા આરજે સિદ્દીકીના ખાતામાં ટ્રાન્સફર કરતી હતી. અતુલે જ્યારે આ બાબતે નિકિતના પૂછયું હતું ત્યારે એણે આ બાબતે કોઈ ખુલાસો આપ્યો નહોતો. અતુલે આક્ષેપ કર્યો હતો કે એના પુત્ર વ્યોમનો જન્મ દિવસ પણ સિદ્દીકીના ઘરે ઉજવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અતુલે મૃત્યુ પહેલા લખેલા કેટલાક પુરુષોના નામોની તપાસ પણ પોલીસ કરી રહી છે અને એવી વાત બહાર આવી રહી છે કે નિકિતાને એક કરતા વધુ પુરુષો સાથે અફેર હોય શકે.
ઈમરાન ખાનને મુક્ત કરવા ટ્રમ્પ પાક પીએમ શરીફ પર દબાણ લાવશે
ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની સરકાર પર ઈમરાન ખાનના મુદ્દે દબાણ લાવવાનો વ્યૂહ ઘડયો છે. ઈમરાન ખાનને જેલમાં બંધ રખાયા છે. એ મુદ્દે પાકિસ્તાનમાં વારંવાર દેખાવો પણ થાય છે. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકરોએ તાજેતરમાં હિંસક દેખાવો કર્યા હતા. ટ્રમ્પ સત્તામાં આવશે કે તરત જ પાકિસ્તાનના પીએમને ઈમરાન ખાનને મુક્ત કરવા કહેશે. ડોનાલ્ડ ટ્રમ્પે જેમને સ્પેશિયલ મિશનના રાજદૂત બનાવ્યા છે એ રિચાર્ડ ગ્રેનેલે કહ્યું હતું કે ઈમરાન ખાન પર રાજકીય દ્વેષ રાખીને કાર્યવાહી થઈ હોવાથી ેતમને મુક્ત કરવા જોઈએ. ઈમરાન ખાનના કાર્યકાળમાં પાકિસ્તાન-અમેરિકાના સંબંધો સારા હતા એટલે ટ્રમ્પ ફરીથી પાકિસ્તાનમાં નવાજૂની કરાવે તો નવાઈ નહીં. ઈમરાન ખાનની સરકાર વખતે ટ્રમ્પે પાકિસ્તાનને આતંકવાદીઓ સામે લડવા માટે ફંડ પણ આપ્યું હતું.
ઝારખંડમાં ભાજપનો ધબડકો થતાં રઘુબર દાસને ફરીથી એક્ટિવ કરાશે
ઝારખંડમાં ભાજપનો ધારણા જેવો દેખાવ રહ્યો નહીં. ઝારખંડ ભાજપના નેતાઓ એવો કરિશ્મા બતાવી શક્યા નહીં. એ પહેલાં ભાજપે ઝારખંડના પૂર્વ સીએમ અને ભાજપના નેતા રઘુબર દાસને ઝારખંડના રાજકારણથી દૂર કર્યા હતા અને તેમને ઓડિશાના રાજ્યપાલ બનાવી દીધા હતા. ચૂંટણી પહેલાં જ રઘુબર દાસ ઝારખંડ જવા થનગનતા હતા, પરંતુ એ વખતે ભાજપ હાઈકમાન્ડે રસ બતાવ્યો નહીં. હવે ઝારખંડમાં ભાજપના ધોવાણ બાદ અચાનક રઘુબર દાસે ઓડિશાના ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામા પાછળ પર્સનલ કારણ બતાવ્યું છે, પરંતુ કહે છે કે ટૂંક સમયમાં તેઓ ભાજપમાં વિધિવત્ત રીતે ફરીથી જોડાશે અને તેમને સંગઠનમાં બહુ જ મહત્ત્વની ભૂમિકા સોંપાશે. તેમના ઝારખંડ પાછા ફરવાથી સંગઠનમાં અસંતોષ વધવાની પણ શક્યતા છે.
હસીનાના પ્રત્યાર્પણ સામે ભારત લઘુમતીઓની સલામતીનો મુદ્દો ઉઠાવશે
બાંગ્લાદેશની કાર્યકારી સરકારે ભારત સરકાર સામે શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી છે. ભારત સરકારે હજુ સુધી એનો કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી, પરંતુ ભારત પ્રત્યાર્પણની માગણી સ્વીકારે તેવી શક્યતા નથી. ભારતે એ માટે વ્યૂહાત્મક માર્ગ અપનાવ્યો છે. અમેરિકા સમક્ષ પણ ભારતે બાંગ્લાદેશના હિન્દુઓ સહિતના લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. અમેરિકન વિદેશ મંત્રીએ બાંગ્લાદેશની કાર્યકારી સરકારને લઘુમતીઓની સુરક્ષા આપવાની ભલામણ કરી છે. ભારત શેખ હસીનાના પ્રત્યાર્પણની માગ સામે લઘુમતીઓ પર થઈ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવીને બાંગ્લાદેશને ઘેરશે.
- ઈન્દર સાહની