નવી દિલ્હી : ગ્રેટર નોઇડા ખાતે આવેલી 'પંડિત દિન દયાળ ઉપાધ્યાય પુરાતત્ત્વ સંસ્થાન'ને એ કારણે બનાવવામાં આવી હતી કે, પુરાતત્ત્વ ક્ષેત્રે ભારતનું સૌથી અગત્યનું રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર બની રહે. ૨૫ એકરમાં ફેલાયેલા અને રૂ.૨૮૯ કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય કેમ્પસનું ઉદઘાટન ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જો કે, આજે હકીકત કંઇક જુદી જ છે. કેમ્પસમાં દૂર દૂર સુધી માણસ તો ઠીક જનાવર પણ નજર આવતા નથી. ગ્રીનરી જોઇને એવુ લાગતું નથી કે, કેમ્પસ જીવંત છે. વડા પ્રધાન મોદીએ જ્યારે આ સંસ્થાનું ઉદઘાટન કર્યું હતું ત્યારે મોટી અપેક્ષા હતી. ૨૦૧૬ની ૨૮મી ઓક્ટોબરે તત્કાલિન ગૃહમંત્રી રાજનાથ સિંહે ભૂમિ પૂજન કર્યું હતું. કેમ્પસની બહાર લાગેલા બોર્ડમાંથી કેટલાક અક્ષરો ખરી પડયા છે. કેમ્પસમાં પ્રવેશ મેળવવો પણ લગભગ અશક્ય છે, બાંધવામાં આવેલુ મકાન ખુબ વિશાળ છે અને પાંચ માળનું છે. પરંતુ અહીં કોઇ કામ કરતું દેખાતું નથી. લગભગ બધા ઓરડાઓ બંધ હાલતમાં છે. સુંદર ઇમારત હોવા છતાં તેનો કોઇ ઉપયોગ થતો નથી.
'મને પક્ષ બદલવા માટે કહેવાની કોઇની હિંમત નથી'
આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યો ભાજપ સાથે જોડાઇ ગયા પછી એક સાંસદ એવા છે કે જેમણે આમ આદમી પાર્ટી સાથે હંમેશા વફાદાર રહેવાના સોગંધ લીધા છે. હવે પંજાબમાંથી બચેલા રાજ્ય સભાના એક માત્ર સાંસદ બાબા બલબીરસિંહ સિચેવાલે કહ્યું છે કે, પક્ષ છોડીને ગયેલા કેટલાલ સાંસદોએ ભૂતકાળમાં તેમની સાથે વાતચીત કરતી વખતે પક્ષ બદલવા માટે કોઇ વાત કરી ન હતી. સિચેવાલે કહ્યું હતું કે, 'એમનામાં હિંમત ન હતી કે, મને બીજા પક્ષમાં જોડાવાની ઓફર આપી શકે. મને પક્ષની અંદર કે બહાર સત્તા ગુમાવવાનો કોઇ ડર નથી. મેં કોઇ પણ પદ માટે માંગણી કરી ન હતી. પક્ષ પલ્ટો કરનારા મોટા ભાગના સાંસદોની નિમણૂક દિલ્હીથી થઇ હતી જ્યારે મને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પસંદ કર્યો છે. પર્યાવરણ સબંધી મારી નિષ્ઠાને કારણે મેં રાજ્ય સભાના સાંસદ બનવાનો પ્રસ્તાવ નકાર્યો હતો. જો કે, છેવટે મેં, પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો.'
ચઢ્ઢા સહિત બાકીના સાંસદોને રાજ્યસભાએ મંજૂરી આપ્યા પછી ભાજપનું રિએક્શન
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢા સહિત તમામ બળવાખોર સાંસદોને અયોગ્ય જાહેર કરવા માટે રાજ્યસભા અધ્યક્ષને પત્ર લખ્યો હતો. જો કે, રાજ્યસભા સચિવાલયે તેમની માંગણી ફગાવી દીધી છે. આ બાબતે કેન્દ્ર સરકારે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરેન રિજજુએ સોશિયલ મિડીયા એક્સ પર એક પોસ્ટ મુકી છે પોસ્ટમાં એમણે લખ્યુ છે કે, 'રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટીના તમામ સાંસદો ભાજપમાં જોડાયા તેનો સ્વિકાર કર્યો છે. રિજજુએ બળવાખોર સાંસદોના વખાણ કર્યા હતા, તેમણે કહ્યું કે, આ સાત સાંસદો પર અમારૂ ધ્યાન પહેલેથી હતું. આ સાંસદોએ કહી અપશબ્દોનો ઉપયોગ કર્યો ન હતો કે, ગેરશિસ્ત આચર્યું ન હતું.' રિજજુના આ નિવેદન પરથી લાગે છે કે, આપના બળવાખોર સાંસદો સાથે ભાજપના નેતાઓ પહેલેથી જ સંપર્કમાં હોવા જોઇએ. ભાજપ સાથેની સાંઠગાંઠ હોવાને કારણે આ સાંસદોનું વલણ રાજ્યસભામાં ભાજપ પ્રત્યે હંમેશા કૂણું રહ્યું હોઇ શકે છે.
મહારાષ્ટ્રમાં ભાષા મામલે ફરીથી બબાલ
મહારાષ્ટ્ર સરકારે થોડા દિવસો પહેલા રાજ્યમાં રિક્ષા, ટેક્સી અને બીજા પબ્લીક ટ્રાન્સપોર્ટના ડ્રાયવરોને પરમીટ અને લાઈસન્સ મેળવવા માટે મરાઠી ભાષા બોલતા ફરજીયાત આવડવુ જોઇએ એવો પ્રસ્તાવ મુક્યો હતો. આ બાબતે સરકારમાં જ બે જૂથ પડી ગયા છે એક જૂથ આ જોગવાઇનું સમર્થન કરે છે જ્યારે બીજુ જૂથ વિરોધ કરે છે. શિવસેના (એકનાથ શિંદે)ના નેતા સંજય નિરૂપમે આ બાબતે બિન મરાઠીઓને વધુ સમય આપવા માંગણી કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના હંમેશની જેમ આ બાબતે આક્રમક છે તેમની દાદાગીરી છે કે, મહારાષ્ટ્રમાં જો કામ કરવું હશે તો, ડ્રાયવરોને મરાઠી ભાષા આવડવી જોઇએ. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે નરો વા કુંજરો વાનું વલણ રાખ્યુ છે. એમનું કહેવુ છે કે, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો આગ્રહ રાખવામાં કંઇ ખોટુ નથી જો કે, એ બાબતે વિવાદ થવો જોઇએ નહીં. રિક્ષા કે ટેક્ષી ડ્રાયવરોને મરાઠી આવડતું ન હોય તો અમે તેમને મરાઠી શીખવીશું આ બાબતે હિંસા થવી જોઇએ નહીં.
આપ છોડતા જ ઝેડ પ્લસ સુરક્ષા ગઇ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વ બોલર અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહની ઝેડ પ્લસની સુરક્ષા પંજાબ સરકારે પાછી ખેંચી લીધી છે. હરભજન સિંહના પી.એ.એ આ માહિતી આપી હતી. હરભજન સિંહને આમ આદમી પાર્ટીએ પંજાબથી રાજ્યસભામાં મોકલ્યા હતા. અગાઉ રાઘવ ચઢ્ઢાએ પણ જ્યારે આપ વિરૂધ્ધ નિવેદનો આપ્યા હતા ત્યારે તેમની ઝેડ પ્લસ સુરક્ષા પણ પાછી ખેંચવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપે ચઢ્ઢાને ઝેડ પ્લસ સુરક્ષા આપી હતી. નવાઇની વાત એ છે કે, હરભજન સિંહ અને રાઘવ ચઢ્ઢાને માથે કોઇ જોખમ ન હોવા છતાં પહેલા પંજાબ સરકારે અને ત્યાર પછી ચઢ્ઢાને કેન્દ્ર સરકારે ઝેડ પ્લસ સુરક્ષા આપી હતી. ચઢ્ઢા કે હરભજન કોઇ પણ પક્ષમાં હોય તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવી એ કરદાતાના પૈસાનો બગાડ છે.
ગુટખા વેંચતા દાઉદ સાથે જોડાયેલા સલીમની ધરપકડથી આઇએસઆઇને ફટકો
આંતરરાષ્ટ્રીય આતંકવાદી દાઉદ ઇબ્રાહીમના નજીકના ગણાતા સલીમ ડોલાની ઘરપકડ તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં થઇ છે. આ ધરપકડને કારણે અન્ડરવર્લ્ડ નેટવર્ક પર જબરદસ્ત ફટકો પડયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટ હલી ગઇ છે. આ નેટવર્ક મારફતે રૂ.પાંચ હજાર કરોડના ડ્રગની હેરાફેરી થતી હતી. આ સિન્ડીકેટ આતંકવાદીઓને પણ ફંડીગ કરતી હતી. સલીમની ધરપકડને કારણે આઇએસઆઇને પણ મોટો ફટકો પડયો છે. તુર્કીમાં એક સંયુક્ત ઓપરેશન દ્વારા સલીમને પકડવામાં આવ્યો હતો. હવે ભારત સરકાર તેને પરત ભારત લાવવા પ્રયત્ન કરી રહી છે. ભારતની એજન્સી પહેલા સલીમને યુએઇ મારફતે ભારત લાવવાનો પ્રયત્ન કરશે. કારણ કે, સલીમ પાસે યુએઇનો પાસપોર્ટ છે ભારતનો તુર્કી સાથે પ્રત્યાર્પણ કરાર નથી.


