નવીદિલ્હી : સમાજવાદી પક્ષે અનુપ્રિયા પટેલના પક્ષ અપના દલ અને માયાવતીના બહુજન સમાજ પાર્ટીને આંચકો આપ્યો છે. આ બંને પક્ષના કેટલાક નેતાઓ સમાજવાદી પક્ષમાં જોડાઈ ગયા છે. સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવના નેતૃત્વમાં વિશ્વાસ હોવાનું જણાવીને ભૂતપૂર્વ ધારાસભ્ય ચૌધરી અમરસિંહ સહિત ઘણા નેતાઓ સપા સાથે જોડાઈ ગયા છે. ગૌતમ બુદ્ધનગરના ખેડૂત નેતા સુધીર ચૌહાણ, ખજની વિધાનસભાથી ચૂંટાયેલા બીએસપીના ભૂતપૂર્વ ઉમેદવાર વિદ્યાસાગર અને ગોરખપુરથી ચૂંટાયેલા બીએસપીના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ લાલજી ભારતી ટેકેદારો સાથે સપામાં જોડાયા છે. આમ તો ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હજી સમય છે, પરંતુ લોકસભામાં મેળવેલો ફાયદો અકબંધ રહે એ માટે અખિલેશ યાદવ અત્યારથી જ સક્રિય છે. ભાજપ દૂર રહીને તમાસો જોઈ રહ્યું છે.
બિહાર ચૂંટણીની જાહેરાત 6 ઓક્ટોબર પછી થશે
બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ટૂક સમયમાં થશે. ચૂંટણી કમિશન તૈયારીમાં લાગી ગયું છે. કમિશનએ બિહાર સરકારના મુખ્ય સેક્રેટરી તેમજ બિહારના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખી જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ પર હોય એવા અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવી. એમણે કરેલી કામગીરીનો અહેવાલ ૬થી ઓક્ટોબર પહેલા માંગવામાં આવ્યો છે. ચૂંટણી કમિશને એમ પણ કહ્યું છે કે, ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલો કોઈપણ અધિકારી પોતાના વતનના જિલ્લામાં ડયુટી કરી શકશે નહીં. જે કોઈ અધિકારી પોતાના વતનમાં ડયુટી કરી રહ્યા છે એમની તાત્કાલીક બદલી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. ચૂંટણી કમિશનની નીતિ છે કે જે અધિકારીઓ પોતાના વતનમાં ડયુટી કરતા હોય કે લાંબા સમય સુધી એક સ્થાને રહ્યા હોય એમની બદલી બીજા સ્થાને કરવી.
જજ સાહેબનું ચાલતે તો સંઘનું નામ 'જરી પટકા મંડલ' હોત
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાના ૭ મહિના પછી ડો. કેશવ બલરામ હેડગેવારે ૧૯૨૬ની ૧૭મી એપ્રીલે પોતાના ઘરે એક મીટીંગ બોલાવી હતી. આ મીટીંગમાં ૨૬ સ્વયં સેવકો આવ્યા હતા. સંગઠન માટે એમની પાસે યોગ્ય નામ માગવામાં આવ્યું. એક ધાર્મિક પ્રસંગે સ્વયં સેવકોને વ્યવસ્થા માટે મોકલવાના હતા પરંતુ સંગઠનનું નામકરણ થયું નહોતું. આ મીટીંગ પછી મંત્રીએ એમના રીપોર્ટમાં લખ્યું હતું કે, 'કુલ ૨૬ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ નામો નક્કી કરવામાં આવ્યા. પહેલું નામ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હતું. બીજુ નામ જરી પટકા મંડલ હતું. ત્રીજું નામ ભારતોદ્વાર મંડલ હતું. બહુમતીથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નામ નક્કી કરવામાં આવ્યું. જરી પટકા મંડલને પાંચ મત મળ્યા હતા. જરી પટકા મંડલનો સીધો સંબંધ પેસવાઇ સાથે હતો. જરી પટકા મંડલ નામ એક કોલેજના વિદ્યાર્થીએ સૂચવ્યું હતું જે પછીથી ન્યાયાધિશ બન્યા.
ભૂતપૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડને પોતાના કયા ચૂકાદા પર ગર્વ છે
મીડિયાને આપેલી મુલાકાતમાં દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડએ પોતાની કારકિર્દી વિશે વાત કરી છે. બાબરી મસ્જીદથી માંડીને સૈન્યમાં મહિલાઓના વધતા વર્ચસ્વ બાબતે એમણે વાત કરી હતી. મુલાકાત દરમિયાન એમણે કહ્યું હતું કે, કયા ચૂકાદા માટે એમને ગર્વ છે. જસ્ટીસ ચંદ્રચૂડએ કહ્યું હતું કે, 'જો આ સવાલ તમે આવતી કાલે સાંજે પૂછો તો બની શકે કે મારો જવાબ અલગ હોય. પરંતુ જો પ્રમાણીકતાથી કહું તો એક ચૂકાદા માટે મને ગર્વ છે. સશસ્ત્ર દળોમાં મહિલાઓને કાયમી કરવાનો ચૂકાદો હું સૌથી અગત્યનો માનું છું. જ્યારે હું મહિલાને રાફેલ કે સુખોઈ જેવા યુદ્ધ વિમાનોમાં જોઉ છું કે એક સ્ત્રીને સરહદે આપણી રક્ષા કરતી જોઉં છું ત્યારે મને લાગે છે કે મે દેશ માટે કંઈક કર્યું છે. લોકોએ સમજવું જોઇએ કે અમે વિરોધ પક્ષના નેતા નથી. કોર્ટો સ્વતંત્ર છે. જ્યારે કુટુંબોમાં લગ્ન થાય છે ત્યારે વડાપ્રધાન ન્યાયાધીશોને ઘરે પણ જાય છે.'
ભાજપ પોતાના ઘરમાં બેઘર થયું, સલામત બેઠક પર થયો ખેલ
રાજકારણમાં સ્થાયી કઈ નથી. ટૂંક સમયમાં સમીકરણો બદલાઈ જાય છે. બિહારના રાજકારણમાં જમુઈ જિલ્લાની ચકાઈ વિધાનસભા બેઠક આનું ઉદાહરણ છે. જે બેઠક ભાજપનો ગઢ ગણાતી હતી ત્યાં આજે પક્ષ બેઘર થઈ ગયો છે. ચકાઈનું રાજકારણ લાંબા સમય સુધી ફાલ્ગુની પ્રસાદ યાદવ અને નરેન્દ્રસિંહ જેવા મજબૂત નેતાઓની આસપાસ ફરતું રહ્યું હતું. ખાસ કરીને ફાલ્ગુની યાદવે આ વિસ્તારમાં ભાજપને ઓળખ અપાવી હતી. ૧૯૮૦, ૧૯૯૫ અને ૨૦૦૫માં ભાજપના ઉમેદવાર તરીકે તેઓએ મોટા માર્જીનથી જીતીને ચકાઈને ભાજપ માટે સલામત બેઠક બનાવી દીધી હતી. એમના મૃત્યુ પછી પરિસ્થિતિ બદલાઈ. ૨૦૧૦ પછી પક્ષની પકડ અહીં ઢીલી થતી ગઈ. આજે પરિસ્થિતિ એવી છે કે આ બેઠક પર ભાજપની પકડ ફક્ત નામની રહી ગઈ છે.
'ચાંદ પરથી નહીં, હૈદ્રાબાદથી આવ્યો છું'
રાજ્યસભાના સાંસદ સંજય યાદવ બાબતે લાલુ પ્રસાદ યાદવના કુટુંબમાં તોફાન મચ્યું છે. સંજય યાદવ સામે તેજપ્રતાપ યાદવ અને રોહિણી આચાર્યએ મોરચો ખોલ્યો છે. હવે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા તેજસ્વી યાદવ પર કચકચાવીને પ્રહાર કર્યો છે. એમણે સંજય યાદવનું નામ લીધા વગર કહ્યું છે કે, હરિયાણાથી આવેલી એક વ્યક્તિ બિહારનો રાજ્યસભાનો સાંસદ બની ગયો તો કોઈને પેટમાં નહીં દુખ્યું. હું હૈદ્રાબાદથી આવું છું તો કેટલાકને તકલીફ થાય છે. ફક્ત મૃત્યુ જ મને બિહાર અને સિમાંચલ જતા રોકી શકશે. સિમાંચલ ન્યાયયાત્રા કાઢીને કિશનગંજ પહોંચેલા ઓવૈસી ઉત્સાહિત દેખાતા હતા. એમણે ટાપસી પુરી હતી કે હું હૈદ્રાબાદથી આવ્યો છું, ચંદ્ર પરથી નહીં.
75 વર્ષનો નિયમ બાજુ પર મૂકાયો, ડી રાજા ફરીથી સીપીઆઇના મહામંત્રી
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)ના પીઢ નેતા ડી રાજા ફરીથી પક્ષના મહામંત્રી તરીકે ચૂંટાયા છે. છેલ્લા ઘણા સમયથી પક્ષમાં એવી વાત ચાલતી હતી કે, ૭૫ વર્ષની ઉંમર પછી કોઈને મોટો હોદ્દો આપવો જોઈએ નહીં. જોકે આ વણલખ્યો નિયમ બાજુ પર મૂકી દેવામાં આવ્યો છે. ચંદીગઢમાં ચાર દિવસ ચાલેલા સીપીઆઇના રાષ્ટ્રીય સંમેલનમાં દેશભરમાંથી ૮૦૦થી વધારે પ્રતિનિધિઓ આવ્યા હતા. સંમેલનના છેલ્લા દિવસે ડી રાજાને ફરીથી મહામંત્રી પદે ગોઠવી દેવામાં આવ્યા છે. ડી રાજા ૭૬ વર્ષની ઉંમરના છે. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે સીપીઆઇ પાસે ડી રાજા જેવા કોઈ કુશળ નેતા નથી. ડી રાજા સારા વક્તા પણ છે. જો ડી રાજાને બદલવામાં આવે તો પક્ષની અંદર ખેંચતાણ થાય એમ હતું. બીજી તરફ ડી રાજા પણ ઇચ્છતા હતા કે તેઓ આ હોદ્દા પર ચાલુ રહે.


