દિલ્હીની વાત : ચિરાગ પાસવાને ફરી જાતિ આધારીત વસ્તી ગણતરીની માંગણી કરી
નવીદિલ્હી : કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને આખા દેશમાં જાતિ આધારીત વસ્તી ગણતરીની ભારપૂર્વક ભલામણ કરી છે. પાસવાનનું કહેવું છે કે, દરેક સમાજના સાચા આંકડા મળશે તો જ સમાજના નીચલા વર્ગ સુધી મદદ પહોંચી શકશે. મુંબઈના એક કાર્યક્રમમાં બોલતા પાસવાને કહ્યું હતું કે, 'અમે એક બાબતે બિલકુલ સ્પષ્ટ છીએ. કોઈપણ હિસાબે જાતિ આધારીત વસ્તી ગણતરી થવી જ જોઈએ.' ચિરાગ પાસવાનના નિવેદન બાદ ભાજપના નેતાઓ ચોંકી ગયા છે. કેન્દ્રમાં સરકાર ટકાવી રાખવા માટે ભાજપને પાસવાનની અતિ જરૂર છે. હવે જોવું રહ્યું કે ભાજપ શું કરે છે.
ઉત્તરાખંડમાં મોંઘવારી આસમાને, લોકોને દાળ-રોટી ખાવા પણ મુશ્કેલ
ભાજપ શાસિત રાજ્ય ઉત્તરાખંડમાં મોંઘવારીએ માઝા મૂકી છે. એક તરફ લોટ અને દાળના ભાવમાં વધારો થયો છે તો ખાદ્ય તેલની કિંમતમાં પણ લીટરે ૫૦ રૂપિયાનો વધારો થયો છે. હવે જ્યારે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે શાકભાજીના ભાવ પણ આસમાને છે. પહેલા ૯૦ રૂપિયે લીટર મળતુ રીફાઇન્ડ તેલ હવે ૧૫૦ રૂપિયે લીટર મળી રહ્યું છે. વનસ્પતિ ઘીના ભાવ પણ કિલોએ ૧૦૦થી વધીને ૧૫૦ રૂપિયા થઈ ગયા છે. શાકભાજી માર્કેટમાં લસણ ૪૦૦ રૂપિયે કીલો વેચાઈ રહ્યું છે. ઉત્તરાખંડના મતદારો એવી ચર્ચા કરી રહ્યા છે કે, ભાજપને સત્તા પર બેસાડીને એમણે ભૂલ કરી છે.
બોન્ડ ફરજીયાત કરાતા દિલ્હીના ડોક્ટરો ભડક્યા
દિલ્હીના રાજ્યપાલે દિલ્હી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ૧૫થી ૨૦ લાખ રૂપિયાના બોન્ડ ફરજીયાત કર્યા હોવાથી વિવાદ થયો છે. ડોક્ટરોનું કહેવું છે કે એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓ દિલ્હીમાં કામ કરવા માંગે છે, પરંતુ એ માટે એમને જબરજસ્તી કરવી જોઈએ નહીં. સરકાર ૧૫થી ૨૦ લાખ રૂપિયાના બોન્ડ લખાવી લેવા માંગે છે. એ વાત કોઈપણ ભોગે સ્વીકાર્ય નથી. આ બાબતે 'ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસીએશન (ફાઇમા) તેમ જ ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર એસોસીએશન (કોર્ડા)એ એવી ચેતવણી ઉચ્ચારી છે કે, જો એલજી માંગ નહી સ્વિકારે તો એમનો ઘેરાવો કરવામાં આવશે.'
કંગના રનૌત પછી હવે યોગીના ધારાસભ્યએ ભાજપનું ટેન્શન વધાર્યું
કૃષિ કાયદા વિશે ભાજપના સાંસદ કંગના રનૌતે આપેલા નિવેદન પછી ભાજપ સંકટમાં મૂકાઈ જતા કંગનાએ નિવેદન પાછુ ખેંચીને માફી માંગી લીધી છે. હવે ઉત્તર પ્રદેશ ગાઝિયાબાદના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર કંગનાની વાતમાં સુર પુરાવીને ભાજપને ફરીથી સંકટમાં મૂક્યું છે. એમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદામાં સુધારો કરવા માટે જે ત્રણ બિલ લાવ્યા હતા એ ખેડૂતોના ફાયદામાં હતા અને એ ત્રણએ બિલો ફરીથી લાવવા જોઈએ. પોતે કઈ ખોટુ કેહતા નથી એમ કહીને ભાજપના ધારાસભ્યએ ફરીથી રીપીટ કર્યું હતું કે, એમણે અગાઉ પણ કંગનાની વાતને ટેકો આપ્યો હતો. હવે જોવાનું રહે છે કે ભાજપ હાઇકમાન્ડ પોતાના ધારાસભ્યને કઈ રીતે ચૂપ કરે છે.
નારાજ નિતિશકુમારને મનાવવા જેપી નડ્ડા બિહાર દોડશે
બિહારમાં અને કેન્દ્રમાં પણ નિતિશકુમારના પક્ષ જેડીયુએ ભાજપ સાથે જોડાણ કર્યું છે. જોકે ભાજપ અને જેડીયુ વચ્ચે સંકલનનો અભાવ છે એ વારંવાર દેખાઈ રહ્યું છે. જાહેર કાર્યક્રમોમાં પણ જેડીયુ અને ભાજપના નેતાઓ એક બીજાથી વિમુખ રહે છે. રાજકીય નીરીક્ષકો માની રહ્યા છે કે, હમણા જે રીતે નીતિશકુમાર ભાજપના નેતાઓથી નારાજ ચાલી રહ્યા છે એ જોતા બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોઈ નવા જૂની થઈ શકે. ચિંતીત થયેલા ભાજપ હાઇકમાન્ડે નિતિશકુમારને મનાવવા માટે મહિનામાં બીજી વખત જેપી નડ્ડાને બિહાર મોકલવાનો નિર્ણય કર્યો છે. ૨૮મી સપ્ટેમ્બરે જેપી નડ્ડા નીતિશકુમારને મળવા માટે બિહાર જઈ રહ્યા છે, ત્યારે દિલ્હીમાં એવી ચર્ચા થાય છે કે, નીતિશ હવે ભાજપ સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે.
હિમાચલના કેબિનેટ મંત્રી વિક્રમાદિત્યને રાહુલનું તેડું
ઉત્તર પ્રદેશમાં જેમ દુકાનદારો, રેસ્ટોરાંના માલિકોએ નામની પ્લેટ લખવી પડશે એવું નોટિફિકેશન જારી થયું એ જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ થયું છે એવું કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું. રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે, આ નિર્ણયથી સૌને આશ્વર્ય થયું હતું. હવે એમાં અપડેટ એ આવ્યું છે કે મુખ્યમંત્રી સુક્ખુએ એવો કોઈ નિર્ણય ન લેવાયાની સ્પષ્ટતા કરી હતી. એક તરફ વિક્રમાદિત્યએ જાહેરાત કરેલી અને સરકાર એવો કોઈ નિર્ણય ન થયાનું કહે છે. રાજ્યની કોંગ્રેસ સરકારમાં મતભેદો ચાલી રહ્યાનું ક્યારનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાએ એની સાબિતી આપી છે. દાવા તો ત્યાં સુધી થયા છે કે આ જાહેરાતથી નારાજ સીએમ સુક્ખુએ રાહુલ ગાંધીને ફરિયાદ કરી છે. તેના પરિણામે રાહુલે વિક્રમાદિત્ય સિંહને દિલ્હી મળવા બોલાવ્યા છે. વિક્રમાદિત્યના પિતા વીરભદ્ર સિંહ રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમના નિધન બાદ વીરભદ્ર સિંહના પત્ની પ્રતીભા સિંહને સીએમ બનાવવાની માગણી તેમના સમર્થકોમાં ઉઠી હતી. ત્યારથી રાજ્યની કોંગ્રેસ એકમમાં જૂથવાદ ચાલી રહ્યો છે.
મહારાષ્ટ્રની 70 બેઠકો પર અજીત પવારે સર્વે કરાવ્યો
અજીત પવાર જૂથની એનસીપીએ ૭૦ બેઠકોમાં સર્વે કરાવ્યો હતો. ભાજપ સાથે ગઠબંધનમાં રહેલી એનસીપી રાજ્યમાં ૭૦ બેઠકો પર ચૂંટણી લડવા ધારે છે. એ બેઠકો પર સર્વે કરતાં એનસીપીને જણાયું કે ૨૩ બેઠકો પાર્ટીને મળશે. ૧૬ બેઠકોમાં રસાકસી જામશે. ૩૧ બેઠકોમાં જીતવાની શક્યતા નથી. જોકે, એનસીપીના આ સર્વેથી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના ખાસ પ્રભાવિત નથી. ભાજપના નેતાઓ અંદરો અંદર ચર્ચા કરી રહ્યા છે કે અજીતનો આ સર્વે પાયાવિહોણો છે. આ સર્વે બતાવીને અજીત બેઠકો મેળવવા ધારે છે, પરંતુ ભાજપ આટલી બેઠકો આપવા તૈયાર નથી.
આ ગામના યુવાનો માટે ઉર્દુ ભાષા સરકારી નોકરીની ગેરંટી
સરકારી નોકરી માટે યુવાનો ભારે મહેનત કરે છે. સ્પોર્ટ્સ ક્વોટાથી માંડીને જે પણ તરકીબથી સરકારી નોકરી મળે તેવા પ્રયાસો ચાલતા રહે છે. સિદ્રા નામના ગામમાં મીણા જ્ઞાાતિના લોકો રહે છે. તેમાં યુવાનો ઉર્દુ ભાષામાં સરકારી શિક્ષકની નોકરી માટે પરીક્ષા આપે છે. તેમના માટે આ ઉર્દુ ભાષા સરકારી નોકરી માટે દરવાજા ખોલી આપે છે. ઉર્દુ ભાષા બોલનારા, લખનારા વધ્યા હોવાથી આ આખું ગામ જ ઉર્દુ ગાઁવ નામથી ઓળખાય છે. ઉર્દુ ભાષામાં સરકારી શિક્ષક માટે જે ભરતી થાય છે તેમાં સ્પર્ધા ઓછી હોય છે. ઉમેદવારો ઘણાં ઓછા હોવાથી નોકરી મળવાની શક્યતા વધી જાય છે. આ કારણે અત્યારે આખાય રાજસ્થાનમાં ૧૦૦ જેટલા ઉર્દુ શિક્ષકો અને પ્રોફેસરો આ ગામના છે.
મ્યાંમારથી આતંકવાદીઓની ઘૂસણખોરીનો આંકડો ખોટો
મણિપુર સીએમઓનો થોડા દિવસ પહેલાં એક ગુપ્ત અહેવાલ લીક થયો હતો. એમાં દાવો થયો હતો કે મ્યાંમારમાંથી ૯૦૦ કૂકી આતંકવાદીઓ રાજ્યમાં ઘૂસ્યા છે. ૩૦ ટૂકડીમાં ઘૂસેલા આ આતંકવાદીઓ રાજ્યમાં અંધાધૂંધી સર્જી દેશે. એ પછી સરકારી એજન્સીઓ દોડતી થઈ હતી અને તેનું પગેરું મેળવવા કવાયત હાથ ધરાઈ હતી, પરંતુ એમાં નવો ટ્વિસ્ટ એ આવ્યો છે કે સીએમઓએ આ આંકડો પાછો ખેંચી લીધો છે. રાજ્યના પોલીસ વડા અને સુરક્ષા સલાહકારે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે સરકારને મળેલા ઈનપુટ મુદ્દે તપાસ કરવામાં આવી હતી, પરંતુ આંકડાં અંગે કોઈ સ્પષ્ટીકરણ મળ્યું નથી. આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરીની શક્યતા જણાતી નથી.
- ઈન્દર સાહની