Get The App

દિલ્હીની વાત : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક ફરીથી સક્રિય

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક ફરીથી સક્રિય 1 - image

નવીદિલ્હી : પહેલગામ આતંકવાદી હુમલા પછી સુરક્ષા દળોની ચોકસાઇને કારણે મોટો આતંકવાદી હુમલો થયો નથી. જોકે હવે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓને એવી જાણકારી મળી છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ વધી શકે છે. એજન્સીઓના જણાવ્યા પ્રમાણે લાંબા સમયથી નબળા પડેલા અલ-ભદ્ર ફરીથી એકવાર ખીણ પ્રદેશમાં સક્રિય થવાની કોશિષ કરે છે. આ માટે આ સંગઠન હિઝબુલ મુઝાહીદ્દીન સાથે મળીને રણનીતિ નક્કી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં અલ-બદ્રના મુખ્ય કમાન્ડર હમઝા બુરહાનની હત્યાને કારણે અલ-બદ્રને ફટકો પડયો હતો. જોકે ભારતીય એજન્સીઓ પણ માને છે કે, આ આતંકવાદી સંગઠનને નબળુ માનવાની ભૂલ કરવા જેવી નથી. ઇન્ટરસેપ્ટસ કરવામાં આવેલા સંદેશાઓને આધારે એવી જાણકારી મળી છે કે અલ-બદ્ર અને હિઝબુલ મુઝાહીદ્દીન મળીને આવનારા દિવસોમાં મોટા આતંકવાદી હુમલા કરી શકે એમ છે.

ઓડિશામાં પણ ભાજપએ બીજેડીના નેતાઓને ખેરવ્યા

ભાજપ જે રાજ્યમાં સત્તા મેળવે છે ત્યાર પછી સત્તાના મૂળિયા ઉંડા નાખવા વિરોધપક્ષના અગત્યના નેતાઓને પોતાના કરવા માંડે છે. ઓડિશામાં પણ ભાજપે સત્તા મેળવ્યા પછી મજબૂત વિરોધ પક્ષ બીજેડીના નેતાઓને ભાજપમાં લાવવા માંડયા છે. ઓડિશાના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ બેબાશીષ સામંતરાય ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેડીના નેતાઓએ જોકે બેબાશીષને સ્વાર્થી ગણાવ્યા છે. બીજેડીમાંથી રાજીનામું આપ્યા પછી બેબાશીષએ બીજા પાટલી બદલુઓની જેમ જ કહ્યું હતું કે, 'હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવા માંગુ છું. એમના કાર્યક્રમો અને વ્યક્તિત્વથી પ્રેરિત થઈને હું ભાજપમાં જોડાયો છું. ઓડિશામાં મારે ભાજપ માટે ઘણું કામ કરવું છે. હું પક્ષને મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ.' જોકે રાજકીય નીરિક્ષકો જાણે જ છે કે લાલો લાભ વગર લોટતો નથી. બેબાશીષને થોડા સમયમાં જ ભાજપમાં કોઈક હોદ્દો મળી જશે.

શું વકીલો લાઠીઓ વહેંચીને શાસનને યોગ્ય કામ કરતા રોકશે?

અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચના કેસરબાગ સ્થિત સિવિલ કોર્ટ કમ્પાઉન્ડની આસપાસ ગેરકાયદેસર દબાણો છે. આ દબાણો હટાવવા બાબતે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, વકીલો વચ્ચે લાઠીઓ વહેંચાતી હોવાનો વીડિયો અમે જોયો છે. તમે લોકો શું સમજો છો? લાઠીઓ વહેંચીને તમે શાસનને યોગ્ય કામ કરતા રોકી શકશો? કોર્ટે કહ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી જનપથ કોર્ટનું કામ ઠપ્પ કરવામાં આવ્યું છે. બધી હકીકતો જોઈને અમે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરવાનું વિચારીશું. આ ટીપ્પણી જસ્ટીસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટીસ રાજીવ ભારતીની ખંડપીઠે કરી હતી. ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહીનો વિરોધ કરતા વકીલોએ દલીલ કરી હતી કે, નગર નીગમએ કોઈપણ નોટીસ આપ્યા વગર દબાણો દુર કર્યા હતા. એક ફોટો કોપીની દુકાન જેનું ભાડુ જનપથ કોર્ટના ખાતામાં જમા થાય છે એને પણ તોડવામાં આવી હતી. કોર્ટે પુનરાવર્તન કર્યું હતું કે દબાણને કારણે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે.

વેદાંતના કિસ્સામાં સીબીએસઇએ ભૂલ સ્વિકારી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ના ૧૨માં ધોરણના વિદ્યાર્થી વેદાંત શ્રિવાસ્તવની ફિઝિક્સ વિષયની આન્શરશીટને લઈને એક વિવાદ થયો હતો અને સોશ્યલ મીડિયા પર પણ ચર્ચા થઈ હતી. વેદાંતનો આરોપ હતો કે રી ઇવેલ્યુએશન પ્રોસેસ હેઠળ એણે જે સ્કેન કોપી ડાઉનલોડ કરી હતી એ એની નહોતી, પરંતુ બીજા કોઈની હતી. આ વિવાદ પછી વેદાંતને ઘણા લોકોએ ટેકો આપ્યો હતો જ્યારે કેટલાકે ટ્રોલિંગ કરીને એને દેશ વિરોધી ગણાવ્યો હતો. જોકે પાછળથી સીબીએસઇએ પોતાની ભૂલ સ્વિકારીને કહ્યું હતું કે વેદાંતને એની સાચી આન્શરશીટ મોકલી આપવામાં આવી છે. સીબીએસઇએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખ્યું હતું કે, 'ડિયર,  વેદાંત ફિઝિક્સ આન્શરશીટને લઈને તમારી જે ચિંતા હતી એના પર અમારૂ ધ્યાન દોરવા બદલ આભાર. સમીક્ષા પછી કિસ્સાની તપાસ ચાલુ છે અને તમારી આન્શરશીટની સાચી કોપી તમને મોકલી આપવામાં આવી છે.'

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વિદેશ સલાહકારે યુનુસની પોલ ખોલી

બાંગ્લાદેશની સરકારના ભૂતપૂર્વ મુખ્ય નેતા મોહમદ યુનુસની કામગીરી વિશે ઘણી હકીકતો બહાર આવી રહી છે. કામચલાઉ સરકારમાં વિદેશી બાબતોના સલાહકાર રહી ચૂકેલા તોહીન હુસૈનએ આરોપ મૂક્યો છે કે ૭ સભ્યોની એક કીચન કેબિનેટ ખરેખર કામચલાઉ સરકારના તમામ નિર્ણયો લેતી હતી. દર મંગળવારે એની બેઠક મળતી હતી. શરૂઆતમાં એમને તમામ નિર્ણય લેનારાઓ વિશે કોઈ જાણકારી હતી નહીં અને એમણે બહારથી એમના પ્રભાવ વિશે સાંભળ્યું હતું. આ ૭ લોકો જ બધુ નક્કી કરતા હતા કે સરકારે શું કરવું. એમના મંત્રાલય પર સલાહકારોનો દબદબો હતો. કંટાળીને એમણે ત્રણ વખત રાજીનામું આપવાનો વિચાર કર્યો હતો, પરંતુ એમને અટકાવવામાં આવ્યા હતા. તોહીનની વાત પરથી લાગે છે કે બાંગ્લાદેશની સરકાર 'ડીપ સ્ટેટ' ચલાવતું હતું અને સીઆઇએના કહેવાથી બાંગ્લાદેશના સત્તાધીશો નિર્ણય લેતા હતા.

ભાજપમાં જોડાતા રીતુ જયસ્વાલની જીભ ખુલી

બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ સંજય સરાગવી પણ બીજા રાજ્યોની જેમ વિરોધીઓને પોતાની તરફ કરવા માંડયા છે. આરજેડીમાંથી હાંકી કઢાયેલા રીતુ જયસ્વાલ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. પટણા સ્થિત ભાજપ કાર્યાલયમાં એક કાર્યક્રમ રાખીને રીતુ જયસ્વાલનું સ્વાગત પક્ષમાં કરવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાતા બીજા નેતાઓની જેમ જ રીતુ જયસ્વાલે કહ્યું હતું કે, ભાજપ સાથે જોડાઈને એમને ગૌરવની લાગણી થાય છે. રીતુએ નિવેદન આપ્યું હતું કે, 'અત્યાર સુધી હું એક ધારાની સાથે કામ કરતી હતી અને એમની જ વાતો સાંભળતી હતી. મને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો મોકો મળ્યો તો મને બળવાખોર ગણવામાં આવી. હકીકત એ છે કે, પરીહાર વિધાનસભાની દરેક વ્યક્તિ બળવાખોર થઈ ગઈ હતી.'

કોલકત્તામાં મેસીની મૂર્તિ તોડી પડાશે

પશ્ચિમ બંગાળની નવી સરકારે કોલકત્તાના સોલ્ટ લેક સ્ટેડિયમના વીવીઆઇપી ગેટની બહાર લાગેલી ફૂટબોલ થીમની મૂર્તિને હટાવી દીધી છે. બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડિઝાઇન કરેલી આ મૂર્તિ દુર કરવાની જાહેરાત રમતગમત મંત્રી નિશિષ પ્રમાણીકએ કરી છે. એમનું કહેવું છે કે સ્ટેડિયમનું માળખું સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોલકત્તામાં લિયોનેસ મેસીની પ્રતિતિ ૭૦ ફૂટ ઊંચી પ્રતિમા પણ હટાવવામાં આવશે. આ પ્રતિમાનું અનાવરણ ગયા વર્ષે ખુદ ફૂટબોલ સુપરસ્ટારએ કર્યું હતું. સ્થાનિક લોકોની ફરિયાદ હતી કે આ પ્રતિમામા ઘણી ભૂલો છે. સરકારી અધિકારીઓએ આ પ્રતિમાને તપાસીને જોયું ત્યારે ઘણી ખામીઓ જોવા મળી હતી. પ્રતિમાનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર હટી ગયું છે અને ગમે ત્યારે તૂટી પડે એમ છે.