નવી દિલ્હી : ૨૨મી એપ્રિલે આતંકવાદીઓએ જે રીતે ૨૬ પર્યટકોની હત્યા કરી છે એને કારણે દેશ-વિદેશના પર્યટકો કાશ્મીર જતા ડરી રહ્યા છે. છેલ્લા ૧ મહિનાથી કાશ્મીરમાં ટૂરીસ્ટોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન ૨૦૨૪માં આશરે ૩૦ લાખ પ્રવાસીઓ કાશ્મીર આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી મે અને જૂન મહિનાઓમાં કાશ્મીર આવતા પ્રવાસીઓની સંખ્યા ખૂબ વધુ હતી. ફક્ત પહેલગામ જ નહીં, શ્રીનગરમાં પણ પ્રવાસીઓ ફરકતા નથી. સુરક્ષાને કારણે કાશ્મીરના મોટા ભાગના પર્યટન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલા કાશ્મીરમાં એડવેન્ચર ટૂરીઝમ, ગોલ્ફ ટૂરીઝમ, ઇકો ટૂરીઝમને પ્રોત્સાહન આપવા માંગતા હતા, પરંતુ હવે એ સંભવ નથી. કાશ્મીરની મોટા ભાગની હોટલોના બુકીંગ કેન્સલ થયા છે.
જસ્ટીસ નાગરત્નાનો સમાવેશ સુપ્રિમ કોર્ટ કોલેજિયમમાં થયો
સુપ્રિમ કોર્ટના પાંચમાં સૌથી સિનિયર જજ હોવાને કારણે જસ્ટીસ નાગરત્નાનો સમાવેશ સુપ્રિમ કોર્ટ કોલેજિયમમાં થયો છે. સુપ્રિમ કોર્ટના ચિફ જસ્ટીસ બન્યા પછી ૨૦૨૭માં ૨૯મી ઓક્ટોબર સુધી ચિફ જસ્ટીસ હોવાને કારણે જસ્ટીસ નાગરત્ના આ હોદ્દા પર રહેશે. દેશના પહેલા ન્યાયમૂર્તિ બનવાની લાઇનમાં જસ્ટીસ નાગરત્ના છે. જસ્ટીસ અભય એસ ઓકા નિવૃત્ત થયા પછી જસ્ટીસ નાગરત્ના ચિફ જસ્ટીસ બનશે. કોલેજિયમમાં હમણા સીજેઆઇ ભૂષણરામ કૃષ્ણ ગવઇ, જસ્ટીસ સૂર્યકાંત, જસ્ટીસ વિક્રમનાથ, જસ્ટીસ જે કે માહેશ્વરી અને જસ્ટીસ નાગરત્ના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીજેઆઇ ગવઇ દેશની કેટલીક હાઇકોર્ટોમાં મહત્ત્વપૂર્ણ નિમણૂકો કરવા કોલેજિયમની બેઠક બોલાવી શકે છે. સુપ્રિમ કોર્ટના પાંચ મુખ્ય ન્યાયાધીશો ૨૫ હાઇકોર્ટોના ન્યાયાધીશોની નિમણૂક કરે છે.
રાજ - ઉદ્ધવ સાથે આવવા બાબતે આદિત્ય ઠાકરેનું મોટું નિવેદન
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને રાજ ઠાકરે વચ્ચે ગઠબંધન થવાની શક્યતા છે. આ બાબતે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે, 'કોઈપણ એક પક્ષ તરફથી વાત નથી થઈ, પરંતુ બંને પક્ષો વચ્ચે સંવાદ થયો છે. જો કે વધુ ચર્ચા પ્રેસમાં થઈ રહી છે. અમે ફક્ત એટલું જ કહ્યું છે કે જો મહારાષ્ટ્ર તેમ જ દેશના હીતની વાત હોય અને કોઈ સાફ દીલથી અમારી સાથે આવવા માંગતુ હોય તો આ ભ્રષ્ટાચારી સરકાર સામે લડવા માટે અમે એમનું સ્વાગત કરીશું. આ સરકાર મહારાષ્ટ્ર વિરોધી અને મુંબઈ વિરોધી છે. આર્થિક વિકાસની સાથે રોજગારી પણ વધવી જોઈએ. દેશમાં આજે સૌથી મોટી સમસ્યા મોંઘવારી અને બેરોજગારી છે. જો આપણે દુનિયાભરમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલી શકીએ છીએ તો અહીંયા એનડીએ વિરુદ્ધ નોન એનડીએ શા માટે કરવામાં આવે છે.'
કેરળ સરકારે તૂર્કીને કરેલી મદદ બાબતે થરૂરના સવાલ, સીપીએમનો વળતો જવાબ
પાકિસ્તાનને ઉઘાડું કરવા માટે ઓલ પાર્ટી ડેલિગેશનો વિવિધ દેશોની મુલાકાતે ગયા છે. એક ડેલિગેશનનું નૈતૃત્વ કોંગ્રેસના સાંસદ શશી થરૂર કરી રહ્યા છે. થરૂરે ૨૦૨૩માં ધરતીકંપ વખતે તૂર્કીને મદદ કરવા માટે કેરળ સરકારે કરેલી સહાયની ટીકા કરી છે. બે વર્ષ પહેલા તૂર્કીને કરેલી ૧૦ કરોડ રૂપિયાની મદદને પણ બીનજરૂરી ગણાવી છે. કેરળએ કરેલી તૂર્કીની મદદ બાબતે થરૂરે લખ્યું છે કે, સામ્યવાદી સરકારે ઉદારતા બતાવતા પહેલા વિચાર કરવો જોઈતો હતો. વાયનાડના પીડિતો આ મદદનો વધુ સારો ઉપયોગ કરી શકતે. થરૂરને જવાબ આપતા સીપીએમના નેતા જોન બ્રિટાસએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારે પણ તૂર્કીને મદદ કરી હતી તો શશી થરૂર ફક્ત કેરળની ટીકા શા માટે કરે છે. એમણે કહ્યું છે કે, 'શશી થરૂર માટે મને ખૂબ માન છે, પરંતુ એમની આ ટીપ્પણી એમની ભૂલવાની બિમારીનું લક્ષણ લાગે છે.'
લુધિયાણાની પેટા ચૂંટણી આપ માટે કેમ અગત્યની છે
ચૂંટણી આયોગે જાહેર ક્યું છે કે પંજાબ લુધિયાણાની પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રની પેટા ચૂંટણી ૧૯મી જૂને યોજાશે. આ સિવાય ચાર અન્ય વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પણ થઈ છે. આમ આદમી પાર્ટીની નજર લુધિયાણાની પેટા ચૂંટણી પર છે. જો આ બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ તો પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ માટે રાજ્ય સભામાં જવાનો રસ્તો ખુલી જશે. આપના ધારાસભ્ય ગુરપ્રિત બસ્સી ગોગીના અવસાનને કારણે લુધિયાણા પશ્ચિમની બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી છે. આ બેઠક પર આપે રાજ્ય સભાના સભ્ય અને ઉદ્યોગપતિ સંજીવ અરોરાને ઉમેદવાર બનાવ્યા છે. જો અરોરા ચૂંટણી જીતી જાય તો રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર કેજરીવાલને ગોઠવી શકાય છે.
કપીલ સિબ્બલે કોર્પોરેટ કંપનીઓ પાસે 50 કરોડ માંગ્યા, બાર એસોસીએશન નારાજ
સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ તેમ જ સિનિયર એડવોકેટ કપીલ સિબ્બલે વકીલોના હેલ્થ ઇન્સ્યોરન્સ માટે કોર્પોરેટ કંપનીઓ પાસેથી ૫૦ કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. હવે એસોસીએશનમાંથી જ એક વર્ગે આનો વિરોધ કર્યો છે. આ મામલે સિનિયર એડવોકેટ વિકાસ સિંહ બાર એસોસીએશનના નવા અધ્યક્ષ બન્યા છે. વિકાસ સિંહે કહ્યું છે કે, સુિુપમ કોર્ટ બાર એસોસીએશનના અધ્યક્ષ તરીકે એમનું પહેલું કામ કાર્યકારી સમિતિની બેઠક બોલાવી આ બાબતે ચર્ચા કરવાનું હશે. વિકાસ સિંહ કહે છે 'મારૃં અંગત માનવું છે કે, આ નિર્ણય પર ફરીથી વાતચીત કરવી જરૂરી છે. કારણ એ છે કે, આપણે બે લાખ રૂપિયાના કવર માટે જે પ્રિમિયમ આપીએ છીએ એ પાંચ લાખ રૂપિયાના કવર માટે આપવા પડતા પ્રિમિયમ કરતા ઘણું વધું છે.' જ્યારે એમસીબીએની સામાન્ય સભામાં પૂછવામાં આવ્યું હતુ કે સિબ્બલના પ્રયાસથી હીતો ટકરાય છે કે નહીં. સિબ્બલનું માનવું છે કે કોર્પોરેટ કંપનીઓ પાસેથી પૈસા લેવામાં હીતોનો ટકરાવ થતો નથી.
ભાજપના નેતાનો વાયરલ વીડિયો વિવાદ
ભાજપ નેતા અમર કિશોર કશ્યપ પાર્ટીના ગોંડા જિલ્લા કાર્યાલયમાં એક મહિલા સાથે *અયોગ્ય* કૃત્ય કરતા જોવા મળતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને કારણે ઉહાપોહ સર્જાતા ભાજપની રાજ્ય નેતાગીરીએ તેમને નોટિસ આપવી પડી છે અને સાત દિવસમાં લેખિતમાં સ્પષ્ટતા આપવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશના ગોંડામાં ભાજપની જિલ્લા ઓફિસ ખાતે ૧૨મી એપ્રિલે સીસીટીવીમાં રેકોર્ડ થયેલા વીડિયોમાં કશ્યપ ઓફિસના પગથિયા પર ભાજપની એક મહિલા કાર્યકર પ્રત્યે અભદ્ર વર્તન કરતા જોવા મળે છે. ભાજપના જ એક કાર્યકરે આ ઘટનાને શરમજનક ગણાવીને ઉત્તર પ્રદેશ પાર્ટીને ઔપચારિક ફરિયાદ કરી હતી. જો કે કશ્યપે કંઈ ખોટું કર્યાનો ઈન્કાર કરીને પ્રતિસ્પર્ધીઓ પોતાની છબિ ખરડાવવાનો પ્રયાસ કરતા હોવાનો દાવો કર્યો છે.
પીએમ પ્રત્યે માનના આદરયુક્ત વર્તનથી વિવાદ
નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં પંજાબના મુખ્ય મંત્રી ભગવંત સિંહ માન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે આદરથી નમી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આ ક્લિપમાં મોદી ઝારખંડ, તમિલનાડુ, તેલંગાણા અને પંજાબના મુખ્યમંત્રીઓ સહિત વિપક્ષી નેતૃત્વવાળા રાજ્ય નેતાઓ સાથે અનૌપચારિક રીતે વાતચીત કરતા દેખાય છે. માનનું ખાસ કરીને ઉષ્માભર્યું અને આદરપૂર્ણ સ્વાગત અલગ હતું, જે ઝડપથી લોકોના ધ્યાનનું કેન્દ્ર બન્યું. ઓનલાઈન ચર્ચા બાદ, પંજાબના માહિતી અને પ્રચાર વિભાગે મીડિયા આઉટલેટ્સને ફક્ત તેમના દ્વારા પ્રકાશિત કરાયેલા સત્તાવાર ફોટાનો ઉપયોગ કરવા વિનંતી કરી - જેમાં માન દ્વારા પીએમને નમન કરતા હોય તેવા કોઈ ફોટાનો સમાવેશ નથી. આ દુર્લભ મેળાવડામાં બધા મુખ્યમંત્રીઓ અને વડા પ્રધાન એક છત નીચે ભેગા થયા હતા.
- ઈન્દર સાહની


