નવીદિલ્હી : કોંગ્રેસના નેતા જયરામ રમેશએ વિદેશ નીતિ બાબતે કેન્દ્ર સરકારને ભીસમા લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી વાત ચાલી રહી છે કે, અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ભૂમીકા ભજવી શકે એમ છે. આ બાબતે જયરામ રમેશે સરકારને પૂછયું હતું કે જો પાકિસ્તાન મધ્યસ્થીની ભૂમીકા ભજવી શકતું હોય તો ભારતની વિદેશનીતિ સંપૂર્ણ નિષ્ફળ ગણાય. રમેશે વિદેશ મંત્રી એસ. જયશંકરની પણ ટીકા કરી હતી. એમણે કહ્યું હતું કે જયશંકર ભારતની શરમને સંતાડવાની કોશિષ કરે છે. જયરામ રમેશે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને લખ્યું હતું કે આપણા કરતા પાકિસ્તાનને મધ્યસ્થી માટે વધુ યોગ્ય માનવામાં આવે છે. એમણે લખ્યું હતું કે જે દેશ ઓસામા બીન લાદેન જેવા આતંકવાદીઓને શરણાગતિ આપતો હોય કે અફઘાનિસ્તાનની હોસ્પિટલો પર હુમલો કરતો હોય એને વિશ્વમાં મધ્યસ્થી માટે વધુ યોગ્ય માનવામાં આવે છે.
સર્વે પ્રમાણે પશ્ચિમ બંગાળમાં ટીએમસી આગળ
ભારતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. બધી ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળની ચૂંટણીની થઈ રહી છે. ચૂંટણીના પરિણામો શું હોઈ શકે એ બાબતે સર્વે થઈ રહ્યા છે. સર્વે પ્રમાણે એવું માનવામાં આવે છે કે એકવાર ફરીથી બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી સરકાર બનાવશે. વોટવાઇબએ કરેલા સર્વેમાં જોવામાં આવ્યું છે કે ટીએમસી પશ્ચિમ બંગાળમાં ચોથી વખત સત્તામાં આવશે. સર્વે પ્રમાણે વિધાનસભાની ૨૯૪ બેઠકોમાંથી ટીએમસીને ૧૮૪ થી ૧૯૪ બેઠકો મળશે. રાજ્યમાં ભાજપને ૯૮ થી ૧૦૮ બેઠકો મળવાની શક્યતા છે. સર્વેક્ષણ પ્રમાણે ટીએમસી વોટ શેરમાં પણ આગળ રહેશે. ટીએમસીને ૪૧.૯ ટકા મત મળવાની શક્યતા છે જ્યારે ભાજપને ૩૪.૯ ટકા મત મળી શકે છે. ૩૬.૫ ટકા લોકોએ કહ્યું છે કે તેઓ ટીએમસીના ધારાસભ્યોને ફરીથી મત આપશે. કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષનો સફાયો થઈ જશે.
કેસ પડતો મૂક્યા બાદ ફરીથી કેસ કરવો ન્યાયીક પ્રક્રિયાનો દુરઉપયોગ
સુપ્રિમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પક્ષકાર પોતાના માલિકી હક્કને ચેલેન્જ કરતો કેસ વચમાંથી છોડી દે છે તો ત્યાર પછી જ્યારે અમલનો સમય આવે ત્યારે ફરીથી જુનો દાવો આગળ કરી શકે નહીં. કોર્ટે આને ન્યાયીક પ્રક્રિયાનો દુરઉપયોગ ગણાવ્યો છે. જસ્ટીસ દીપાંકર દત્તા અને જસ્ટીસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે દાદ માગનારાઓનું વર્તન એમને રાહત આપવાથી વંચીત રાખે છે. કોર્ટે આધ્રપ્રદેશ હાઇકોર્ટના ચુકાદાને અકબંધ રાખ્યો છે જેમાં અપીલ કરનારને અલગ સિવિલ દાવો દાખલ કરવાનું કહેવામાં આવ્યું હતું. હૈદરાબાદના હિમાયતનગર ખાતે આવેલી એક મિલક્તમાં સમજૂતી થયા પછી માલિકના પુત્રએ ફરીથી કેસ દાખલ કર્યો હતો.
બાંગ્લાદેશના વડાપ્રધાને પાકિસ્તાનને આંચકો લાગે એવી વાત કરી
બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક રહેમાનએ સોશ્યલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. એમણે બાંગ્લાદેશના નરસંહાર દિવસની વરસીએ એક્સ પર આ પોસ્ટ મૂકી હતી. એમણે પાકિસ્તાની સૈન્યની ખુલીને ટીકા કરી હતી. ઘણાને આની નવાઈ લાગી હતી કારણ કે તારીક રહેમાનનો પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી પાકિસ્તાન પ્રત્યે કુણુ વલણ રાખે છે. રહેમાન પહેલા મોહમદ યુનુસ જ્યારે સરકારના સલાહકાર હતા ત્યારે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઇલુ-ઇલુ ચાલતું હતું. ૧૯૭૧માં ૨૫મી માર્ચે પાકિસ્તાનના લશ્કરે બાંગ્લાદેશમાં હાહાકાર મચાવ્યો હતો અને ઢાકામાં સામૂહિક હત્યાઓ ઉપરાંત બળાત્કાર કર્યા હતા. તારીખ રહેમાને લખ્યું હતું કે, 'સ્વતંત્રતા પ્રેમી બાંગ્લાદેશના ઇતિહાસમાં ૧૯૭૧ની ૨૫મી માર્ચનો દિવસ સૌથી શરમજનક અને દુઃખદ દિવસોમાનો એક છે. એ કાળી રાત્રીએ પાકિસ્તાનના સૈન્યએ ઓપરેશન સર્ચ લાઇટના નામે બાંગ્લાદેશમાં હાહાકાર મચાવ્યો હતો.'
દેશના એરપોર્ટો પર સીઆઇએસએફની જગ્યાએ પ્રાઇવેટ ગાર્ડ મૂકાશે
દિલ્હી - મુંબઈ સહીત દેશના ૭૦થી વધુ એરપોર્ટો પર સીઆઇએસએફના જવાનો સુરક્ષા કરી રહ્યા છે. હવે આ સીઆઇએસએફના જવાનોને મોટી સંખ્યામાં દુર કરવામાં આવશે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરીટી (બીસીએએસ)એ વિવિધ એરપોર્ટોની સિક્યુરીટીનો રિવ્યુ કર્યો છે. હવે ૫૦ હજાર જવાનોમાંથી લગભગ ૧૨ હજાર જવાનોને હટાવવાની યાદી બનાવવામાં આવી છે. સીઆઇએસએફના જવાનોની સંખ્યા ઓછી કરવામાં આવશે એ વાત ઘણા સમયથી ચાલી રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીસીએએસએ આ લીસ્ટ ઉડયન મંત્રાલય અને સંબંધીત એજન્સીઓને આપી દીધું છે. એવી ચર્ચા થઈ રહી છે કે જ્યારે દેશ અને દુનિયાના એરપોર્ટો બીનસલામત બની રહ્યા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં સિક્યુરીટી જવાનોને હટાવવા સલાહભર્યા છે કે નહીં.
નિતિશની યાત્રા દરમિયાન સતત સાથે રહેનાર મહિલા ઓફિસર કોણ
આજકાલ નિતિશકુમાર સમૃદ્ધિ યાત્રા પર છે. યાત્રા દરમિયાન નિતિશકુમાર બક્સર પહોચ્યા હતા જ્યા નવા ડીએમ સાહિલા નિતિશકુમારની સાથે સતત નજરે પડતા હતા. સાહિલા હીર ૨૦૧૮ બેચના આઇએએસ અધિકારી છે અને તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે. બિહાર સરકારે સાહિલા હીરને બક્સરના નવા ડીએમ બનાવ્યા છે. આ પહેલા સાહિલા હીરનું પોસ્ટીંગ શિક્ષણ વિભાગમાં હતું. શિક્ષણ વિભાગમાં એમણે કરેલા ફેરફારને કારણે તેઓ પ્રકાશમાં આવ્યા હતા. શિક્ષકોની થતી બદલીઓ એમણે પારદર્શક બનાવી હતી. પંજાબના જલંધરના વતની સાહિલા હીરએ ચોથા પ્રયાસે સિવિલ સર્વિસની પરીક્ષા પસાર કરી હતી. એમના આદર્શ એપીજે અબ્દુલ કલામ છે. ભીમરાવ આંબેડકરના વિચારો પણ એમને ગમે છે. સાહિલા હિરે એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યા પછી સિવિલ સવસની પરીક્ષા આપી હતી.
કેસી વેણુગોપાલએ સંજય ખાનને ભેટીને શા માટે મનાવવા પડયા
કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલ ખુબ જ શક્તિશાળી ગણાય છે. સોનિયા ગાંધી જ્યારે યુપીએના ચેરપર્સન હતા ત્યારે અહમદ પટેલનો જે દબદબો હતો એવો જ દબદબો કેસી વેણુગોપાલનો છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણી વખતે ઉમેદવારો નક્કી કરવામાં કેસી વેણુગોપાલ અગત્યની ભૂમિકા ભજવે છે. કેરળ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી થઈ રહી છે. કેસી વેણુગોપાલએ એક શક્તિશાળી અપક્ષ ઉમેદવારને બેસાડી દેવા શા માટે મહેનત કરવી પડી હતી એની ચર્ચા થઈ રહી છે. ર્કાંગ્રેેસમાંથી રિસાઇને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા તૈયાર થયેલા સંજય ખાનને વેણુગોપાલે મનાવ્યા હતા. વેણુગોપાલે એમને ભેટીને પ્રેમથી સમજાવ્યા હતા. વેણુગોપાલના મનામણાને કારણે સંજય ખાને ચૂંટણી લડવાનું પડતું મૂક્યું હતું. સોશ્યલ મીડિયા પર આ બાબતે વેણુગોપાલના ખૂબ વખાણ થઈ રહ્યા છે. કેરળમાં ઘણી બેઠકો પર ત્રિકોણીય જંગ લડાવાનો છે.


