For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : આસામ-મિઝોરમની પોલીસ આમને-સામને

Updated: Jul 28th, 2021

Article Content Image

નવીદિલ્હી : આસામ-મિઝોરમ વચ્ચે ચાલી રહેલા દાયકા જૂના વિવાદમાં સોમવારે બંને રાજ્યોની પોલીસ સામસામે આવી જતાં થયેલા ગોળીબારમાં આસામના પાંચ પોલીસોનાં મોત થયાં છે.

અમિત શાહ શનિ-રવિ બે દિવસ માટે ઉત્તર-પૂર્વનાં રાજ્યોની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત પહેલાં એવો માહોલ ઉભો કરાયો હતો કે, શાહે આ વિવાદ ઉકેલવા પહેલ કરી છે તેથી આ વિવાદ ઉકેલાઈ જશે. વરસો સુધી બીજી સરકારો જે ના કરી શકી એ શાહ ચપટી વગાડીને કરી બતાવશે એવો માહોલ ઉભો કરી દેવાયો હતો.

શાહની મુલાકાત દરમિયાન આ વિવાદ ઉકેલવા માટે તો કંઈ ના જ થયું પણ શાહ દિલ્હી પાછા આવ્યા તેના ૨૪ કલાકમાં તો પહેલા કદી નહોતી બની એવી અજુગતી ઘટના બની ગઈ.

બે દેશના સૈનિકો સામસામે લડતા હોય એ રીતે પોલીસો સામસામે આવી ગયા. બંને રાજ્યોમાં ભાજપની સરકારો હોવા છતાં વાત આ હદે પહોંચી એ ભાજપ માટે શરમજનક છે.

યુપીમાં જીતવા મોદીનું ઓબીસી-ઈડબલ્યુએસ કાર્ડ

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદીએ મોટા પાયે ઓબીસી તથા ઈડબલ્યુએસ કાર્ડ રમવાની તૈયારી કરી લીધી છે. તેના ભાગરૂપે મોદીએ મેડિકલ કોલેજોમાં પ્રવેશમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં ઓબીસીને પણ પ્રવેશ આપવાની જોગવાઈ ત્રણ મહિનામાં કરવા અલ્ટિમેટમ આપ્યું છે. સાથે સાથે સવર્ણો માટેની ઈડબલ્યુએસ અનામતનો અમલ કરવા પણ તાકીદ કરી છે.

આ મુદ્દો શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાય મંત્રાલય સાથે જોડાયેલો છે. મોદીએ સોમવારે અચાનક આ તમામ મંત્રાલયની બેઠક બોલાવીને મેડિકલ ક્વોટામાં ઓબીસી અનામતનું શું સ્ટેટસ છે તેની વિગતો માગીને ક્લાસ લઈ લીધો.

આ મુદ્દો અત્યારે કોર્ટમાં છે એવી દલીલ  કરનારા અધિકારીઓને મોદીએ તતડાવીને કોર્ટ બહાર ઉકેલ લાવવા તાકીદ કરી.

હાલમાં મેડિકલ અભ્યાસક્રમોમાં એમબીબીએસ સહિત અંડર ગ્રેજ્યુએટ કોર્સીસમાં ૧૫ ટકા અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ૫૦ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટા હેઠળ અનામત રખાય છે આ બેઠકોમાં એસસી-એસટી માટે અનામત છે પણ ઓબીસી માટે અનામત નથી તેથી ઓબીસી નારાજ છે. મોદી આ નારાજગી યુપીની ચૂંટણી પહેલાં દૂર કરવા માગે છે.

રાહુલની ટ્રેક્ટર કૂચ, મોદી ભડકતાં પોલીસ ધંધે લાગી

રાહુલ ગાંધીએ સોમવારે કરેલી ટ્રેક્ટર કૂચે દિલ્હી પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે. રાહુલ ગાંધી ટ્રેક્ટર લઈને છેક સંસદ સુધી પહોંચી ગયા તેના કારણે ભડકેલા મોદીએ અમિત શાહનો જવાબ માગતાં શાહે દિલ્હી પોલીસના અધિકારીઓને ખખડાવી નાંખ્યા. રાહુલની રેલીને મળેલી પબ્લિસિટીના કારણે પણ મોદી ભડક્યા છે.

સંસદના ચુસ્ત સુરક્ષા ધરાવતા વિસ્તાર સુધી ટ્રેક્ટર આવી ગયું ને દિલ્હી પોલીસને તેની ગંધ સુધ્ધાં કેમ ના આવી એ મુદ્દે શાહે જવાબ માગતાં દિલ્હી પોલીસ બરાબરની ધંધે લાગી છે.

શાહે આ ચૂક માટે જવાબદાર પોલીસોનાં નામ પણ ત્રણ દિવસમાં આપવા ફરમાન કર્યું છે એ જોતાં વીક-એન્ડમાં દિલ્હી પોલીસમાં કેટલાકનો વારો પડી જશે એ નક્કી છે.

દિલ્હી પોલીસ અત્યારે સીસીટીવી ચકાસવામાં લાગી છે. સીસીટીવીમાં રાહુલના ઘર સુધી ટ્રેક્ટર મોટી કન્ટેઈનર ટ્રકમાં લવાયું હતું એ ખબર પડી છે.

ટ્રકને દિલ્હીમાં આવવા દેવા એક સાંસદે પોલીસના ઉચ્ચાધિકારીને ભલામણ કરી હતી. તપાસ હવે આ અધિકારી કોણ તેના પર કેન્દ્રિત થઈ છે.

કોંગ્રેસ-તૃણમૂલ કોંગ્રેસના જોડાણનો તખ્તો તૈયાર

દિલ્હી પહોંચેલાં મમતા બેનરજી મંગળવારે સવારે સોનિયા ગાંધીને મળે ત્યારે તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચેના જોડાણને અંતિમ રૂપ અપાશે એવો સૂત્રોનો દાવો છે.

મમતાએ મંગળવારે પોતાના ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી લીધી છે. બંગાળની ચૂંટણીમાં કારમી હાર પછી સોનિયા બંગાળમાં પોતાનો પગ ટકી રહે એ માટે મમતા જે પણ આપે તે લઈને જોડાણ માટે તૈયાર હોવાનો સૂત્રોનો દાવો છે.

મમતા સોમવારે સાંજે દિલ્હી આવ્યાં પછી મમતા સાથે તેમની ફોન પર વાત થઈ હતી. આ વાતચીતમાં સોનિયાએ પોતાના વિશ્વાસુ કમલનાથ અને અભિષેક મનુ સિંઘવી સાથે જોડાણ મુદ્દે ચર્ચા કરવા વિનંતી કરતાં મમતાએ હા પાડી હતી.  

કમલનાથ અને સિંઘવી મમતાને અલગ અલગ મળ્યા હતા. મમતાએ તેમની સાથે જોડાણની શરતો અંગે પ્રાથમિક ચર્ચા કરી છે. કોંગ્રેસમાંથી આનંદ શર્મા પણ મમતાને મળ્યા હતા.

મમતાએ શર્માને સોનિયા ગાંધીના હાથ મજબૂત કરીને ભાજપ સામે પૂરી તાકાતથી લડવા સલાહ આપી હોવાનો સૂત્રોનો દાવો છે.

કોંગે્રસના મંત્રીનો પોતાની સરકાર સામે જ વોકઆઉટ

છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહદેવની લડાઈ સોનિયાના દરબારમાં પહોંચી છે. બઘેલના સમર્થક ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે આક્ષેપ મૂક્યો હતો કે, સિંહદેવ મારી હત્યા કરાવીને છત્તીસગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખરાબ છે એવું સાબિત કરીને મુખ્યમંત્રી બનવા માગે છે.

આ આક્ષેપથી અકળાયેલા સિંહદેવે મંગળવારે પોતાની જ સરકાર સામે વોકઆઉટ કરીને એલાન કર્યું કે, બઘેલ સરકાર આ મુદ્દે ગૃહમાં નિવેદન નહીં કરે ત્યાં સુધી પોતે ગૃહમાં હાજર નહીં રહે. 'બાબા' તરીકે જાણીતા સિંહદેવના એલાનના પગલે તેમના સમર્થકોમાં આક્રોશ છે.

વોકઆઉટ પછી સિંહદેવ દિલ્હી જવા નિકળી ગયા. સિંહદેવ સોનિયા ગાંધી સામે બઘેલ ઉપરાંત પ્રદેશ પ્રભારી પી.એલ. પુનિયાની પણ ફરિયાદ કરશે એવો સૂત્રોનો દાવો છે.

બૃહસ્પતિ સિંહના આક્ષેપ પછી રાયપુર આવેલા પુનિયા બઘેલને મળ્યા હતા અને બૃહસ્પતિને પણ મળ્યા પણ સિંહદેવને નહોતા મળ્યા.  પુનિયાએ સિંહદેવ સામેના આક્ષેપોને રોકવા કોઈ પગલાં ના લીધાં કે હાઈકમાન્ડને પણ આ મુદ્દે રીપોર્ટ ના મોકલતાં સિંહદેવ તેમના પર પણ બગડયા છે.

ગેહલોતના મંત્રીનો દાવો, 4-5 દિવસનો મહેમાન છું.....

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાનનો તખ્તો તૈયાર હોવાનો સંકેત ગેહલોતના ખાસ ગણાતા ગોવિંદસિંહ ડોટાસરાએ આપ્યો છે.

આ વિસ્તરણમાં પોતાનો ભોગ લેવાઈ જશે એવો સંકેત પણ ડોટાસરાએ આપ્યો છે. ડોટાસરા હાલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ છે અને સાથે સાથે રાજ્યના શિક્ષણ મંત્રી પણ છે.

ડોટાસરાનો એક વીડિયો હમણાં વાયરલ થયો છે જેમાં ડોટાસરા પોતે શિક્ષણ વિભાગમાં ચાર-પાંચ દિવસના મહેમાન હોવાનું કહે છે. કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકમાં ડોટાસરા એવું બોલતા સંભળાય છે કે, તમારી ફાઈલ હોય તો લઈ આવજો, હું એક મિનિટમાં ક્લીયર કરી દઈશ. હું ચાર-પાંચ દિવસનો મહેમાન છું ને એ દરમિયાન મારાથી તમારા માટે બનશે એ બધું હું કરી છૂટીશ.

ડોટાસરાને સચિન પાયલોટને હટાવીને પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. ડોટાસરાએ ગેહલોતના ઈશારે પાયલોટ સામે લીધેલા આકરા વલણના કારણે પાયલોટ જૂથ ડોટાસરાને પ્રદેશ પ્રમુખપદેથી હટાવવા માગે છે. સામે ગેહલોત ગને તે ભોગે ડોટાસરાને ચાલુ રાખવા માગે છે કે જેથી સંગઠન પર તેમનું વર્ચસ્વ જળવાઈ રહે.

***

મમતા-સોનિયા મુલાકાતમાં રાહુલ ગાંધી જોડાઈ શકે

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી આજે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. હવે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તેમની આવતીકાલે થનારી મુલાકાતને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.

ટીએમસીએ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી બેઠક હશે. જો કે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના સંબંધો ખરાબ હતા ત્યારે પણ સોનિયા ગાંધી અને મમતા વચ્ચેના સંબંધો ઘણા સારા હતા.

બેઠકનો કોઈ એજન્ડા ફિકસ્ડ નથી. બંને નેતાઓે આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિપક્ષના બ્લોકના લાંબા ગાળાના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરે તેમ મનાય છે.

આ બેઠકનું મહત્ત્વ એટલા માટે છે કેમકે હાલમાં સંસદના ચાલી રહેલા સત્રમાં સરકાર સામે વિપક્ષ પેગાસસ જાસૂસી કાંડને લઈને અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવાને લઈને મોટાપાયા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યુ છે.

આ બેઠકમાં રાહુલ ગાંધી પણ વચ્ચેથી હાજરી આપી શકે છે. બેનરજીના રાહુલ ગાંધી સાથેના સમીકરણ એટલા સારા નથી ત્યારે પ્રશાંત કિશોર તેમા મધ્યસ્થીની ભૂમિકા અદા કરી શકે છે. 

જુલાઈમાં રસીનો લક્ષ્યાંક ગુમાવશે તેવા અહેવાલોને કેન્દ્રએ ફગાવ્યા

સરકારે મંગળવારે ભારત જુલાઈના અંતે ૫૦ કરોડ કોવિડ રસીના ડોઝનો લક્ષ્યાંક ચૂકી જશે તેવા મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે. સરકારે આ અહેવાલોને અપૂરતી માહિતીવાળા અને ખોટા ગણાવતા ભારપૂર્વક જણાવ્યું હતું કે ૩૧ જુલાઈના અંત સુધીમાં ૫૧.૬૦ કરોડ ડોઝ પૂરા પાડવામાં આવનાર છે. ભારતમાં અત્યાર સુધીમાં ૪૪.૨ કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.

બિહારના પ્રધાનના દાવાએ નવો વિવાદ છેડયો

જદયુ અને ભાજપના સંબંધો વણસી રહ્યા છે ત્યારે બિહારના પંચાયતી રાજપ્રધાન સમ્રાટ ચૌધરીએ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન દાવો કર્યો છે કે બિહારમાં આગામી મુખ્યપ્રધાન ભાજપનો હશે. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૨૫માં બિહારમાં ભાજપ પોતાની સરકાર બનાવશે.

તેમણે જણાવ્યું હતું કે બિહારની હાલની સરકાર ભાજપ અને જદયુ વચ્ચે એક સમાધાનથી વિશેષ કશું નથી, જે નીતિશકુમારની આગેવાની હેઠળ ચાલી રહી છે.

આના પગલે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી હતી કે ભાજપે પાસવાનની એલજેપીનો ઉપયોગ રાજ્યમાં જદયુનો વોટશેર કાપવા માટે કર્યો અને આ રીતે નીતિશકુમારની પાંખો કાપી નાખી હતી. એલજેપીએ નીતિશકુમારને ભારે નુકસાન પહોંચાડયુ હતુ. તેણે જદયુ સામે રીતસરનું અભિયાન આદર્યુ હતું. 

રાહુલની જીભ ફરીથી લપસીઃ મોદી સરકારના વખાણ કરી દીધા

રાજ્યના રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાની ભૂલો માટે પ્રખ્યાત છે. આ જ મોરચે તેમણે વધુ એક ભૂલ કરી છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્રમણ કરતા પીએમ પર તીખો હુમલો કર્યો, પરંતુ અંતે તેમની પ્રશંસા કરતા ભાજપને તેમની ટીકા કરવાનો પૂરતો દારુગોળો મળી ગયો છે.

તેમણે પેગાસસ જાસૂસી મુદ્દે મોદી સરકાર પર હુમલો બોલાવ્યો હતો, પણ સંસદની બહાર પત્રકારોએ તેમને પૂછ્યુ હતું કે તેમને આ અંગે ચિંતા છે. તેમણે જણાવ્યું હતું કે મને કોઈ ડર નથી. મને કોઈ ધમકી મળી નથી.

આ દેશમાં જો તમે ભ્રષ્ટ હોવ અને ચોર હોવ તો જ તમારે મોદીથી ડરવું પડશે. જો તમે તેમાના કશું ન હોવ તો આસામના મુખ્યપ્રતાન હિમન્તા બિસ્વા સરમાએ આ માટે રાહુલ ગાંધીને અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પોતે સ્વીકારે છે કે ભ્રષ્ટ લોકોએ મોદી સરકારથી ડરવું પડશે. તેની સાથે તેમણે આમ બોલતા રાહુલ ગાંધીનો વિડીયો પણ ટવીટ કર્યો હતો. 

- ઇન્દર સાહની

Gujarat