નવી દિલ્હી : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેશના કેટલાક વિસ્તારોમાં ઉગ્રતા જોવા મળી છે. આતંકવાદીઓએ ધર્મ પુછીને જે રીતે હત્યા કરી છે એને કારણે દેશ આખામાં ભયંકર ગુસ્સો છે. જોકે દિલ્હીના વેપારીઓ આ બાબતે થોડા અલગ છે. આતંકવાદી હુમલાના વિરોધમાં તમામ કોમના વેપારીઓએ એકતા બતાવીને બંધનું એલાન કર્યું હતું. આ એલાનને કારણે દિલ્હીના ૯૦૦ બજારોની આઠ લાખથી વધુ દુકાનો બંધ રહી હતી. વેપારીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. આ બંધને કારણે વેપારીઓને રૂપિયા પંદરસો કરોડની ખોટ સહન કરવી પડી છે. જોકે એમને આ ખોટની ચિંતા નથી. બંધનું એલાન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇટી)એ આપ્યું હતું.
લંડન એમ્બેસીમાંથી પાક. અધિકારીએ ભારતીઓનું ગળુ કાપવાનો ઇશારો કર્યો
પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા આખુ વિશ્વ કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાનીઓને હજી ભાન આવ્યું નથી. લંડન સ્થિત ભારતીઓએ આ હુમલાનો વિરોધ કરવા માટે પાકિસ્તાનની એમ્બેસી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ત્યાં ભેગા થયા હતા અને પાકિસ્તાન વિરોધી નારાબાજી કરતા હતા. એ વખતે પાકિસ્તાની એમ્બેસીમાં કામ કરનાર લશ્કરના ભૂતપૂર્વ અધિકારીએ બાલ્કનીમાં આવીને ભારતીઓ તરફ એક બિભત્સ ઇશારો કર્યો હતો. આ અધિકારીએ ભારતીઓનું ગળુ કાપી નાખવાનો ઇશારો કર્યો હતો. પાકિસ્તાનના અધિકારીનો આ વિડિયો વાયરલ થઈ ગયો છે. લોકો માંગણી કરી રહ્યા છે કે આવો ઇશારો કરનાર કર્નલ તૈમુર રાહત સામે પગલા લેવામાં આવે.
ટીએમસી સાંસદના પગારનો હિસ્સો અટકાવવા દિલ્હી હાઇકોર્ટનો ઓર્ડર
ગયા વર્ષે ટીએમસીના સાંસદ સાકેત ગોખલેને અદાલતે ભૂતપૂર્વ ડિપ્લોમેટ લક્ષ્મીપુરીને નુકસાનીની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. સાકેતે સોશ્યલ મીડિયા પર લક્ષ્મીપુરીના જીનીવા ખાતે આવેલા એપાર્ટમેન્ટ બાબતે આર્થિક ગોટાળાની પોસ્ટ મૂકી હતી. કોર્ટના હુકમ છતા સાકેત ગોખલેએ દંડની રકમ નહી આપતા દિલ્હી હાઇકોર્ટે હુકમ કર્યો છે કે સાંસદને મળતા પગારમાંથી ચોક્કસ રકમ કાપી લેવામાં આવે. સાકેત જ્યાં સુધી ૫૦ લાખ રૂપિયા કોર્ટમાં જમા નહીં કરાવે ત્યાં સુધી આ કપાત ચાલુ રહેશે. ૨૦૨૪માં દિલ્હી હાઇકોર્ટે ગોખલેને પુરીની માફી માંગવા માટે પણ કહ્યું હતું.
ઉમર અબ્દુલ્લા ઢીલા પડયા, સિંધુ જળ સંધી રદ્ કરવાના નિર્ણયને ટેકો
પહેલગામ આતંકવાદી હુમલાની જવાબદારીમાંથી ઉમર અબ્દુલ્લા છટકી શકે એમ નથી. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે કાશ્મીર પોલીસનો હવાલો ઉમર અબ્દુલ્લા પાસે છે. સોશ્યલ મીડિયામાં થયેલી ઉમર અબ્દુલ્લાની ટીકા પછી હવે ઉમર અબ્દુલ્લાનું વલણ કુણુ પાડયું છે. એમણે પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળ સંધીને 'સૌથી બોગસ ડોક્યુમેન્ટ' ગણાવ્યો છે. અબ્દુલ્લાના કહેવા પ્રમાણે સિંધુ જળ સંધીને કાશ્મીરના લોકોએ કદી ટેકો આપ્યો નથી. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે ઉમર અબ્દુલ્લાની પરિસ્થિત સુડી વચ્ચે સોપારી જેવી છે. અબ્દુલ્લા જો કાશ્મીરના લોકોને ખુશ કરવા માટે નિવેદન કરે તો બાકીના દેશમાં એમની ઇમેજ પાકિસ્તાન પ્રત્યે કુણુ વલણ અપનાવનાર તરીકેની થાય.
વાડ્રાના નિવેદન પર અખિલેશના કાકા રામગોપાલ ભડક્યા
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકવાદી હુમલા બાબતે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. વાડ્રાએ કહ્યું હતું કે દેશના મુસ્લિમો અસલામતી અનુભવે છે એટલા માટે આ આતંકવાદી હુમલો થયો છે. કેટલાક કોંગ્રેસ વિરોધી પક્ષોએ તો રોબર્ટ વાડ્રાની આ બાબતે ટીકા કરી હતી, પરંતુ હવે સમાજવાદી પાર્ટીના સાંસદ અને અખિલેશ યાદવના કાકા રામગોપાલ યાદવે પણ રોબર્ટ વાડ્રાની ટીકા કરી છે. પહેલગામ હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલી આપતી વખતે એમણે પોતાની નારાજગી બતાવી હતી. રામગોપાલ યાદવે કહ્યું હતું કે, વાડ્રાએ આવી દુ:ખદ ઘટના બને ત્યારે રાજકીય નિવેદન કરવું જોઈતું નહોતુ. વાડ્રાના આ નિવેદનને કારણે ગેરસમજ ફેલાઈ છે. અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે હંમેશની જેમ યાત્રા પર આતંકવાદી હુમલો થવાનો ડર રહે છે. પહેલગામ આતંકવાદી હુમલો કેન્દ્ર સરકારની નિષ્ફળતા પણ બતાવે છે.
લશ્કરી દળોની ગતિવિધિ ન દર્શાવવા ન્યૂઝ ચેનલોને સરકારનો નિર્દેશ
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાઈ ચૂકી છે. એક્સપર્ટ જાત-ભાતની અટકળો કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી કરશે એવી આશા દેશવાસીઓને છે, ત્યારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલોને એક નોંધપાત્ર નિર્દેશ આપ્યો છે. ડિફેન્સ અભિયાનોનું લાઈવ કવરેજ ન દર્શાવવા તેમ જ સૈન્યની ગતિવિધિ વિશે રિપોર્ટિંગ ન કરવાની સલાહ ન્યૂઝ ચેનલોને આપવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડી છે એમાં સોશિયલ મીડિયા યુઝર્સને પણ જવાબદારી સાથે પોસ્ટ કરવાની તાકીદ થઈ છે. એમાં યાદ કરાવાયું કે કારગિલ યુદ્ધ, ૨૬-૧૧નો મુંબઈ હુમલો, કંધહાર વિમાન અપહરણ વખતે મીડિયા કવરેજની પ્રતિકૂળ અસર થઈ હતી.
પાકિસ્તાને મદદ માગી, પણ ચીને મગનું નામ મરી પાડયું નહીં
પાકિસ્તાનને ડર છે કે ભારત ગમે ત્યારે એરસ્ટ્રાઈક કરશે. પાકિસ્તાને એરફોર્સ અને સૈન્યને એલર્ટ રહેવાનો આદેશ કરી દીધો છે. દુનિયાભરમાંથી ભારતને જે રીતે સમર્થન મળ્યું એ પછી પાકિસ્તાન એકલું પડી ગયું છે. આજની તારીખે ભારત પાકિસ્તાનને ગમે તેવો આક્રમક જવાબ આપે તો દુનિયામાં કોઈ આડું ઉતરે તેમ નથી. ભારતનો પક્ષ મજબૂત છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને ચીન પાસે મદદ માગી છે. ચીનના પાકિસ્તાન સ્થિત રાજદૂત જિયાંગ જેડ સાથે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે મુલાકાત કરી ને પરિસ્થિતિ જણાવી, પરંતુ પાકિસ્તાનમાં ચીનના નાગરિકો પર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એના ભાગરૂપે વારંવાર હુમલા થાય છે તેનાથી ચીન પણ નારાજ છે. ચીને હાલ પૂરતું મગનું નામ મરી પાડયું નથી.
બાંગ્લાદેશને ગંગાનું પાણી બંધ કરવાની માગણી ઉઠી
બાંગ્લાદેશમાં ભારતમાંથી ગંગા નદીનું પાણી પહોંચી રહ્યું છે. ૧૯૯૬માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા નદીના પાણીની વહેચણીનો કરાર થયો હતો. ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ એક મીડિયા અહેવાલને ટાંકીને આ મુદ્દો ઉઠાવ્યો પછી સોશિયલ મીડિયામાં લોકોએ પણ માગણી કરી હતી કે બાંગ્લાદેશ ભારતનું પાણી પીને પાકિસ્તાનના ગુણગાન ગાય છે તેને પાઠ ભણાવવો જોઈએ.
પાકિસ્તાનના બે ભાગ પાડી દો, પીઓકે પાછું લઈ લો : રેવન્થ રેડ્ડી
તેલંગણાના સીએમ રેવન્થ રેડ્ડીએ નરેન્દ્ર મોદીને સંબોધીને એક નિવેદન આપ્યું છે કે આતંકવાદી કૃત્યમાં રચ્યાપચ્યા રહેતા પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ૧૦૦ જેટલા દેશો અત્યારે ભારતની પડખે છે. ભારતે આ તક ઝડપી લેવી જોઈએ. પાકિસ્તાનના બે ભાગલા પાડી દેવા જોઈએ અને ગિલગિટ બાલ્ટિસ્તાન, બલૂચિસ્તાનના લોકો પણ પાકિસ્તાનના ભેદભાવથી ત્રાસી ગયા છે ત્યારે તેમને પણ આઝાદી આપવામાં મદદ કરવી જોઈએ અને પીઓકે પાછું લઈ લેવું જોઈએ. અત્યારે વડાપ્રધાન સાથે તમામ દેશવાસીઓ, વિપક્ષ અને વિશ્વ છે ત્યારે સત્વરે આ પગલું ભરવું જોઈએ.
જેને ટૂરિસ્ટ પ્લેસ જાહેર કરેલું એ પહલગામમાં એકેય હોસ્પિટલ નથી
જ્યાં ટૂરિસ્ટ પ્લેસ જાહેર કરીને દેશભરના પ્રવાસીઓને જવા દેવાયા હતા ત્યાં પહલગામમાં એકેય હોસ્પિટલ નથી. માત્ર એક નાનકડું પ્રાઈમરી હેલ્થકેર સેન્ટર (પીએચસી) છે. એ પીએચસી સેન્ટર એટલે લાકડાનું બનાવેલું કામચલાઉ બાંધકામ જેવું છે. એમાં પણ માત્ર તાવ-શરદી-ઉધરસ-માથાના દુખાવની મૂળભૂત દવા જ મળતી હોવાનું સ્થાનિક લોકો કહે છે. પહલગામથી સારવાર લેવી હોય તો છેક ૪૦ કિલોમીટર દૂર અનંતનાગ શહેરમાં જવું પડે છે. ટૂરિસ્ટ પ્લેસ તરીકે જે સ્થળને ડેવલપ કરવાની કવાયત શરૂ થઈ હતી ત્યાં મૂળભૂત સુવિધા કહેવાય એવી હોસ્પિટલ કેમ બની નહીં એ સવાલ પણ હવે ઉઠી રહ્યો છે. ત્યાં કેટલાય વર્ષો પહેલાં હોસ્પિટલ બનાવવાની વાત ચાલે છે, પરંતુ વિવિધ કારણોસર વાત અટકી ગઈ છે.
દેશના મુસ્લિમો પાકિસ્તાનના મુસ્લિમો જેવા નથી : ભાજપ ધારાસભ્ય
ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયીએ એક સાહસી નિવેદન આપ્યું છે. ભાજપના આ ધારાસભ્યએ દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિ અને કેટલાય સ્થળોએ અચાનક મુસ્લિમો સાથે થઈ રહેલા ભેદભાવ પછી કહ્યું હતું કે પાકિસ્તાનના મુસ્લિમો સાથે ભારતના મુસ્લિમોની સરખામણી ન કરો. કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા થયા તેને ભાજપના ધારાસભ્યએ શરમજનક કહ્યા હતા. ધર્મ પૂછીને હિન્દુઓને આતંકવાદીઓએ ટાર્ગેટ કર્યા એટલે દેશના હિન્દુઓમાં આક્રોશ છે એ સમજી શકાય છે. પરંતુ ભારતના મુસ્લિમોની વિચારધારા પાકિસ્તાનના મુસ્લિમો જેવી નથી.
- ઈન્દર સાહની


