Get The App

દિલ્હીની વાત : બેઠકોની વહેચણીની ફોર્મ્યુલા જાહેર થઈ, 2020ની સરખામણીએ કોંગ્રેસને મોટુ નુકશાન

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : બેઠકોની વહેચણીની ફોર્મ્યુલા જાહેર થઈ, 2020ની સરખામણીએ કોંગ્રેસને મોટુ નુકશાન 1 - image


નવી દિલ્હી : બિહારની રાજધાની પટણામાં કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠક થઈ રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા આ બેઠક પટણાના સદાકત આશ્રમમાં થઈ રહી છે. આ બેઠક ચાલી રહી છે ત્યારે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા શું છે એ વિશે સૂત્રોએ માહિતી આપી છે. ૨૦૨૦ વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આરજેડી, લેફ્ટ અને વીઆઇપીને કોઈ નુકશાન દેખાતુ નથી પરંતુ કોંગ્રેસની બેઠકો ઘણી ઘટી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરજેડી સૌથી વધુ એટલે કે ૧૪૦ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બીજી તરફ કોંગ્રેસને ફક્ત ૫૨ બેઠકો મળી શકે છે. સામ્યવાદીઓને ૩૫ બેઠકો અને વીઆઇપીને ૧૫ બેઠકો મળી શકે છે. જો પશુપતિ પારસનો પક્ષ આરએલજેપી અને જેએમએમ મહાગઠબંધન સાથે જોડાય તો બંનેને બે-બે બેઠકો આપવામાં આવી શકે છે.

 બિહારની ચૂંટણી પહેલા પપ્પુ યાદવની સુરક્ષામાં ઘટાડો

થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે ગયા હતા. એ વખતે અપક્ષ સાંસદ પપ્પુ યાદવ મોદી સાથે એક મંચ પર દેખાયા હતા. મોદીએ એમની સાથે કેટલીક વાતચીત પણ કરી હતી. કેટલાકને એમ લાગ્યું હતું કે હવે પપ્પુ યાદવ ભાજપની નજીક સરકી રહ્યા છે. જોકે બન્યું ઉધુ જ. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નિતિશ સરકારે પપ્પુ યાદવની સુરક્ષામાં ઘટાડો કર્યો છે. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયેસ્વાલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પપ્પુ યાદવને હજી સુધી વાય પ્લસ સીક્યુરીટી આપવામાં આવી હતી જે ઘટાડીને વાય શ્રેણીમાં બદલવામાં આવી છે. જયસ્વાલની સુરક્ષા વાય પ્લસ શ્રેણીની કરવામાં આવી છે. પપ્પુ યાદવની સાથે બિહારના બીજા કેટલાક નેતાઓની સીક્યુરીટી પણ ઘટાડવામાં આવી છે.

હાઈકોર્ટના જજો માટે સુપ્રિમ કોર્ટની ટીપ્પણી

દેશના કેટલાક ન્યાયાધિશો ગોકળ ગતિએ કામ કરે છે. સુપ્રિમ કોર્ટ આ બાબતે ખુશ નથી. સુપ્રિમ કોર્ટે આ બાબતે હાઇકોર્ટના ન્યાયાધિશો પર નારાજગી દર્શાવી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, હાઇકોર્ટના કેટલાક ન્યાયાધિશો દિવસ-રાત કામ કરીને નિષ્ઠા બતાવે છે જ્યારે બીજી તરફ કેટલાક ન્યાયાધિશો પોતાનું કામ સમયસર પૂરુ કરતા નથી. જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ એન કોટીશ્વરસિંહની બેન્ચે કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટ સ્કૂલના પ્રિન્સિપાલની જેમ કામ કરવા નથી માંગતી, પરંતુ જે રીતે કેટલીક કોર્ટોમાં ચૂકાદા લંબાઈ રહ્યા છે એ જોતા ઝડપી કામગીરી થવી જરૂરી છે. સુપ્રિમ કોર્ટની આ ટીપ્પણી ફોજદારી બાબતોની અપીલો માટે કરવામાં આવી છે. કેટલાક આજીવન કેદ તેમજ ફાંસીની સજાના દોષીઓએ એવા આક્ષેપ સાથે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો કે ઝારખંડ હાઇકોર્ટે વર્ષો સુધી ચૂકાદો આપ્યા વગર એમના કેસ પેન્ડીંગ રાખ્યા છે.

'તે બરબાદ કરી, આજે હુ ઝેર ખાઈશ'

ઉત્તર પ્રદેશની નગીના બેઠકના સાંસદ અને ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇન્દોરના પીએચડી સ્કોલર ડો. રોહિણી ઘાવરીએ નગીનાના સાંસદ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ડો. રોહિણીએ ચંદ્રશેખર આઝાદ વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા છે. રોહિણી ઘાવરીએ ચંદ્રશેખર આઝાદના નામે ઝેર ખાવાની વાત પણ કહી છે. એમણે કહ્યું છે કે, 'તે મને ખલાસ કરી નાખી છે, હું તારા નામે આજે ઝેર ખાઈશ.' ડો. રોહિણી ઘાવરીએ ચંદ્રશેખર આઝાદનો એક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટામાં ચંદ્રશેખર એક બાળકને ઊંચકીને ઊભા રહેલા દેખાય છે. બાજુમાં એક મહિલા ઉભી રહેલી દેખાય છે. રોહિણીએ લખ્યું છે કે આ ફોટો પહેલા કેમ નહીં મૂક્યો હતો. મારી જિંદગી બરબાદ કરીને ખુશી મનાવી રહ્યો છે.

મનિષ તિવારીએ રાહુલ ગાંધીને 'નેપો કીડ' કહ્યાં ?

કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ મૂકેલી એક સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે વિવાદ થયો છે. મનિષ તિવારીએ હમણા એશિયામા થયેલા સરકાર વિરોધી આંદોલનો વિશે એક લેખ લખ્યો હતો. આ લેખ શેર કરતી વખતે મનિષ તિવારીએ 'નેપો કીડ્સ' જેવા હેશટેગનો  ઉપયોગ કર્યો હતો. ભાજપએ આ પોસ્ટનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરીને કહ્યું છે કે મનિષ તિવારીએ આ પોસ્ટમાં રાહુલ ગાંધીની ટીકા કરી છે. જોકે મનિષ તિવારીએ આ બાબતે કહ્યું હતું કે કેટલાક લોકો દરેક વાત કોંગ્રેસ-ભાજપના એંગલથી જ જુએ છે, એમણે હવે આગળ વધવાની જરૂર છે. બીજા દેશોના દાખલા આપીને મનિષ તિવારીએ પોસ્ટમાં લખ્યું હતું કે હવે જેન-ઝી વારસાગત રાજકારણને સ્વિકારવા તૈયાર નથી. વંશવાદ ખતમ થઈ રહ્યો છે. મારો લેખ વાંચો.

ઊલટી ગંગા, પત્રકારે આઇપીએસ અધિકારી સામે બદનક્ષીનો દાવો કર્યો

સામાન્ય રીતે લખાણ કે સ્ટોરી બદલ પત્રકારો સામે બદનક્ષીના દાવા થતા હોય છે. જોકે મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં ઊલટી ગંગા વહી છે. એક સ્થાનિક પત્રકારે જિલ્લાના આઇપીએસ અધિકારી નાગેન્દ્ર સિંહ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે. આરોપ છે કે એક પ્રેસ કોન્ફરન્સ વખતે નાગેન્દ્ર સિંહે 'કહેવાતા પત્રકાર' કહીને અપમાન કર્યું હતું. આવા સંબોધનને કારણે પત્રકારની ઇમેજ ખરડાઇ છે. પત્રકાર પર બુકાની બાંધેલી વ્યક્તિઓએ હુમલો કર્યો હતો. એવો આરોપ છે કે આ હુમલો સ્થાનિક રાઇસ મીલરએ સોપારી આપીને કરાવ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે રાઇસ મીલરએ ૩૦ હજાર રૂપિયાની સોપારી આપીને મારાઓ મોકલ્યા હતા. હુમલાખોરો પકડાયા પછી નાગેન્દ્ર સિંહે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને પીડિત પત્રકાર માટે કહેવાતો પત્રકાર શબ્દ વાપર્યો હતો.

'કાયદાનો રક્ષક કાયદાનો ભક્ષક નહીં બની શકે'

દિલ્હીના એક મહિલા વકીલ, તેમના અસીલ અને અન્ય એક વકીલ સાથે દુરવ્યવહાર કરનાર દિલ્હી પોલીસના એક સબ ઇન્સ્પેક્ટરને કોર્ટે કડક ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, 'એમને કાયદાનું રક્ષણ કરવું જોઈએ, નહીં કે ભક્ષણ' મહિલા વકીલએ ન્યાયાધિશને બનાવની જાણકારી આપી હતી. 

ત્યાર બાદ ચૂકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ચૂકાદામાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ પરિસરમાં બનેલી એક ઘટના સંબંધે આ ચૂકાદો આપવામાં આવે છે. જસ્ટીસ અરૂણ મોઘાએ આપેલા ચૂકાદામાં કહેવામાં આવ્યું છે કે, 'તપાસ અધિકારીએ ફરિયાદી અને ફરિયાદીના વકીલ સાથે મૌખીક રીતે દુરવ્યવહાર કર્યો છે આ ઉપરાંત તેમને ધમકાવવામાં પણ આવ્યા છે. એમની ઉપર શારીરિક હુમલો પણ થયો છે. એક સિનિયર વકીલએ જ્યારે સમજાવવાની કોશિષ કરી ત્યારે એમની પર પણ હુમલો કરવામાં આવ્યો છે.'

Tags :