Get The App

દિલ્હીની વાત : કોંગ્રેસે 24 અક્બર રોડની ઓફિસ ખાલી કરવી પડશે

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કોંગ્રેસે 24 અક્બર રોડની ઓફિસ ખાલી કરવી પડશે 1 - image

નવીદિલ્હી : દિલ્હીમાં ૨૪ અકબર રોડ પર આવેલી કોંગ્રેસની ઓફિસનું ઐતિહાસીક મહત્વ છે. દેશમાં જ્યારે કોંગ્રેસનો દબદબો હતો ત્યારે આ ઓફિસ ધમધમતી હતી. છેલ્લા થોડા વર્ષોથી કોંગ્રેસે પોતાની ઓફિસ અહીંથી શીફ્ટ કરી છે. કોંગ્રેસના ઘણા ટોચના નેતાઓની કારર્ર્દિીની શરૂઆત આ ઓફિસમાંથી થઈ હતી. હવે કોંગ્રેસને આ ઓફિસ ખાલી કરવા માટે નોટીસ આપવામાં આવી છે. એસ્ટેટ વિભાગે પક્ષને ૨૮ માર્ચ સુધીમાં આ ઓફિસ ખાલી કરી દેવા કહ્યું છે. ૪૮ વર્ષો સુધી આ ઓફિસ કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય હતી. નોટીસ મળ્યા પછી કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ ગયા છે. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું છે કે, આ સરકાર લોકશાહીમાં માનતી નથી. આ કમનસીબ છે. ચર્ચા કરીને અમે નક્કી કરીશું કે હવે પછી કયા પગલા લેવા. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસુદે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સરકારને લાગે છે કે કોંગ્રેસને દબાવીને લોકોનો અવાજ ચૂપ કરી શકશે.

કેરળ કોંગ્રેસમાં આંતરિક કલહ

કેરળ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેરળમાં કોંગ્રેસનો આંતરીક કલહ વધી ગયો છે. કેરળની માનંતવાડી બેઠક પર કમઠાણ થયું છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસના નેતા પી કે જયલક્ષ્મીએ કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પર પાર્ટીની પીઠમાં ખંજર ભોંકવાનો આરોપ મૂક્યો હતો. હવે કોંગ્રેસના નેતા ઉષા વિજયનએ વળતો ઘા કર્યો છે. એમણે જયલક્ષ્મીના આરોપોને ફગાવી દીધા છે. જયલક્ષ્મીએ એવું કહ્યું હતું કે, ૨૦૧૬ અને ૨૦૨૧ વિધાનસભા ચૂંટણીમાં પક્ષની હાર માટે પક્ષના જ કેટલાક નેતાઓએ કાવતરૂ કર્યં   હતું. આ બાબતે આ વખતના ઉમેદવાર ઉષા વિજયનએ ચોખ્ખુ કહ્યું હતું કે, ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે આ પ્રકારના નિવેદનો આપવા જરૂરી નથી. જયલક્ષ્મીને કદાચ પોતાને ખરાબ અનુભવ થયા હશે, પરંતુ મને આવા કોઈ બનાવની જાણકારી નથી. મેં વધુ જાણવાની કોશિષ પણ કરી નથી.

બંગાળ સિવાય બધે 'સર' અભિયાન બરાબર રહ્યું

સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ઇલેકશન કમિશનના એસઆઇઆર અભિયાન મોટા ભાગના રાજ્યોમાં સારી રીતે સમાપ્ત થયું છે. પશ્ચિમ બંગાળ આમા અપવાદ છે. સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું હતું કે, બીજા રાજ્યોએ એસઆઇઆર બાબતે કોઈ દાવા કર્યા નથી. બીજા રાજ્યોમાં પણ કેટલીક તકલીફો છે છતાં બધા રાજ્યોની તકલીફ એક સરખી નથી. કેટલાક રાજ્યોને તકલીફ હતી પરંતુ બીજા કોઈ રાજ્યો કિસ્સાને કોર્ટમાં લઈ ગયા નથી. પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર અભિયાન સામે વાંધો લેતી અરજીઓની સુનાવણી સુપ્રિમ કોર્ટે કરી ત્યારે આ પ્રકારનું નિવેદન કર્યું હતું. સુનાવણી વખતે સિનિયર વકીલ અને તૃણમુલ કોંગ્રેસના નેતા મેનકા ગુરુસ્વામીએ એવી માંગણી કરી હતી કે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મતદારોની યાદીની તારીખ લંબાવવામાં આવે. જેમના નામ મતદાર યાદીમાંથી દુર થયા છે એમના નામનો સમાવેશ ફરીથી કરવા માટે એમને સમય આપવો જોઈએ.

જેલમાંથી છૂટયાના 35 દિવસો પછી રાજપાલ યાદવને તેજપ્રતાપ યાદવ યાદ આવ્યા

ગયા મહિને રાજપાલ યાદવ એમની જિંદગીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થયા હતા. ૯ કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસમાં એમણે તિહાર જેલ જવું પડયું હતું. એમના આ મુશ્કેલ સમયમાં બોલીવુડના ગણ્યાગાઠયા અભિનેતાઓએ એમને મદદ કરી હતી. રાજપાલે જેલમાં સરંડર કરતી વખતે કહ્યું હતું કે, એમની પાસે ચૂકવણી કરવાના પૈસા નથી. ત્યાર પછી સોનુ સુદ અને બીજા એક-બે અભિનેતાઓએ એમને મદદ કરી હતી. એ વખતે લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવએ પણ એમને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે જેલમાંથી છૂટયાના ૩૫ દિવસ પછી રાજપાલ યાદવે વિડિયો શેર કરીને તેજપ્રતાપ યાદવનો આભાર માન્યો છે. રાજપાલ યાદવે રાવ ઇન્દ્રજીત યાદવનો પણ આભાર માન્યો છે. રાવ ઇન્દ્રજીત મ્યુઝીક પ્રોડયુસર છે.

રશિયન ઓઇલ બાબતે યુરોપના નિર્ણયથી ભારત ખુશ

મધ્ય-પૂર્વના યુધ્ધને કારણે યુરોપના દેશોએ રશિયન તેલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય મૂલતવી રાખ્યો છે. ભારત રશિયા પાસેથી સસ્તુ ક્રૂડઓઇલ ખરીદે છે અને રીફાઇન્ડ કરી યુરોપને ઉંચા ભાવે વેચે છે. યુરોપના આ નિર્ણયને કારણે ભારતની આવક ચાલુ રહેશે. યુરોપના દેશો લાંબા સમયથી રશિયા પર નિર્ભરતા ઘટાડવાની વાતો કરે છે, પરંતુ હકીકત એ છે કે હંગેરી અને ચેકોસ્લોવેકિયા જેવા દેશો હજી પણ રશિયાના તેલ પર આધાર રાખે છે. જે દેશોની અર્થવ્યવસ્થા રશિયન ઓઇલના આયાત સાથે સંકળાયેલી છે તેઓ પ્રતિબંધના નિર્ણય સાથે સહમત નથી. યુરોપના દેશોના દબાણને કારણે રશિયા ભારતને ડિસ્કાઉન્ટ પર ઓઇલ આપી રહ્યું છે. જો યુરોપના દેશો પ્રતિબંધ ઢીલો કરશે તો ભારતને વધુ ફાયદો થશે.

પંજાબ સરકારે રાજસ્થાન પાસેથી રૂ. 1.44 લાખ કરોડ માંગ્યા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે તેઓ રાજસ્થાન પાસેથી ૧.૪૪ લાખ કરોડ રૂપિયા માંગશે. કોઈ રાજ્ય બીજા રાજ્ય પાસે આટલી મોટી રકમ કઈ રીતે માંગે એવો પ્રશ્ન થઈ રહ્યો છે. આ માટે ભગવંત માને એવું કારણ આપ્યું છે કે, રાજસ્થાને ૧૯૬૦ થી અત્યાર સુધીમાં પંજાબ પાસે ૧૮ હજાર ક્યુસેક પાણી લીધું છે અને કોઈ વળતર ચૂકવ્યું નથી. માનનું કહેવું છે કે, દેશ આઝાદ થયો એ પહેલા રાજસ્થાન સાથે થયેલા એક જૂના કરાર પ્રમાણે રાજસ્થાન આ ચૂકવણી કરતું હતું. મુખ્યમંત્રીએ હવે ફરીથી આ બાબતે સમીક્ષા કરવાની માંગણી કરી છે. માનની આ માંગણીને કારણે નદીઓના પાણી બાબતે થયેલા ઐતિહાસીક કરારોનો ચાલી રહેલો વિવાદ વધુ તેજ થશે. ૧૯૨૦માં બીકાનેરના શાસકો અને બ્રિટિશ શાસન વચ્ચે અવિભાજીત પંજાબ સાથે કરાર થયો હતો.

'મતદાનનો અધિકાર ગયો, એનઆરસી પછી નાગરીકતા પણ જશે'

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મયનાગુડીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. વિધાનસભાની ચૂંટણી માટે મમતાએ પ્રથમ રેલીમાં ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. એમણે ફરી એક વખત એસઆઇઆરનો મુદ્દો આક્રમકતાથી રજૂ કર્યો હતો. એમના કહેવા પ્રમાણે આ ખુબ ગંભીર ચિંતાનો વિષય છે. સાચા મતદારોના નામ દુર કરવામાં આવે છે. ચૂંટણી કમિશન તટસ્થતાથી કામ કરતું નથી. કોને ભારતીય મતદાર ગણવા અને કોને નહીં એ કયા આધારે નક્કી થશે? એમણે કહ્યું હતું કે, 'ભાજપ, ચૂંટણી કમિશન અને કેન્દ્ર સરકાર બંધારણનું પાલન કરતા નથી. લોકોના મતદાનનો અધિકાર ઝૂટવવાની કોશિષ થઈ રહી છે. આજે લોકોના મતદાનનો અધિકાર છિનવાઈ રહ્યો છે આવતી કાલે એનઆરસીને કારણે લોકોની નાગરીકતા પણ ઝૂટવાઈ જશે.'