નવીદિલ્હી : ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે, એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ઘોષણા થવાની શક્યતા છે. બેંગલુરુમાં સંઘની ત્રણ દિવસીય સભામાં આવેલા આરએસએસના કેટલાક સિનિયર નેતાઓએ કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની વરણીમાં સંઘનો કોઈ ફાળો નહીં હોય.
નવા પ્રમુખ નિમવાની સંપૂર્ણ સ્વતંત્રતા ભાજપને છે. પ્રતિનિધિ સભા પૂરી થયા પછી તરત જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. એમ મનાય છે કે મોદી અને નડ્ડા વચ્ચેની બેઠકમાં સંગઠનની ચૂંટણી બાબતે પણ વાત થઈ હતી. સંઘના નેતાઓ ગમે તે કહેતા હોય પરંતુ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખની વરણીમાં મોહન ભાગવતની મંજૂરી જરૂરી હશે જ. પ્રતિનિધિ સભામાં જેપી નડ્ડા સંઘના કેટલાક ટોચના નેતાઓને મળ્યા હતા. સંઘ કોના માટે વિચારે છે એની સેન્સ પણ નડ્ડાએ લીધી હતી.
મહારાષ્ટ્રના રાજકારણ વિશે દેવેન્દ્ર ફડણવીસનો વણમાંગ્યો ખુલાસો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ૨૦૧૪માં ભાજપ - શિવસેના ગઠબંધનમાં પડેલી તડનું કારણ જાહેર કર્યું છે. ૧૧ વર્ષ પછી અને કોઈ કારણવગર ફડણવીસે આ જાહેરાત કરી હોવાથી ઘણાને નવાઈ લાગી છે. ફડણવીસના કહેવા પ્રમાણે ૨૦૧૪માં શિવસેનાએ વિધાનસભાની ૧૪૭ બેઠકોને બદલે ૧૫૧ બેઠકો પર ચૂંટણી લડવાની માંગણી કરી હતી. ભાજપએ ૧૨૭ બેઠકો પર ચૂંટણી લડવાનું આયોજન કર્યું હતું અને શિવસેનાને ૧૪૭ બેઠકો આપવા તૈયારી બતાવી હતી. મુખ્યમંત્રી તરીકે શિવસેનાનો ઉમેદવાર હશે જ્યારે ભાજપ ઉપમુખ્યમંત્રી પદ માટે પણ તૈયાર હતું. ફડણવીસના કહેવા પ્રમાણે નસીબે એમને મુખ્યમંત્રી બનવાની યોજના ઘડી હશે.
નોટીસ આપ્યાના ૨૪ કલાકમાં જ મિલ્કત તોડી પાડવી અયોગ્ય : સુપ્રીમ
નોટીસ આપ્યાના ૨૪ કલાકમાં જ મકાન તોડી પાડવા બાબતે ઉત્તર પ્રદેશના અધિકારીઓને સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કડક વલણ લેતા કહ્યું છે કે, મકાન માલિકોને અપીલ કરવાનો સમય આપ્યા વગર મકાન તોડી પાડવાની કામગીરી અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પ્રયાગરાજના અરજી કરનારાઓ એક વકીલ, એક પ્રોફેસર અને બીજી ત્રણ વ્યક્તિઓને શરતો સાથે એમના ખર્ચે મકાન પુન:નિર્માણ કરવાની પરવાનગી આપવામાં આવશે. જસ્ટીસ અભય એસ ઓકા અને જસ્ટીસ ઉજ્જવલ ગુયાની બેન્ચે અરજી કરનારાઓને એફીડેવીટ દાખલ કરવાનો સમય આપ્યો છે. બેન્ચે એમ પણ કહ્યું છે કે, જો અરજી કરનારાઓ યોગ્ય કારણોસર અપીલ કરવા માટે એફીડેવીટ કરે છે તો એમને ફરીથી ઘર બનાવવાની પરવાનગી આપવામાં આવશે.
કામરાએ માફી નહીં માંગતા શિવ સૈનિકો વધુ વિફર્યા
મહારાષ્ટ્રમાં કોમેડિયન કુણાલ કામરા વિરૂદ્ધ શિવસેના (એકનાથ શિંદે)ની લડાઈ ઉગ્ર સ્વરૂપ પકડી રહી છે. કામરાએ મહારાષ્ટ્રના ઉપપ્રમુખ એકનાથ શિંદે વિશે એક કાર્યક્રમમાં કટાક્ષ કર્યો હતો. શિવ સૈનીકોને લાગ્યું છે કે કામરાએ શિંદેનું અપમાન કર્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કામરાને માફી માંગવા કહ્યું છે, પરંતુ કામરાએ ઇન્કાર કરતા હવે બીજા નેતાઓએ પણ આ વિવાદમાં ઝૂકાવ્યું છે. શિવસેનાના એક નેતાએ કામરાના ફોનની ડિટેઇલ અને બેન્ક એકાઉન્ટની ડિટેઇલ મેળવવાની માંગણી કરી છે. ખાર પોલીસે કામરાને જવાબ આપવા માટે પણ બોલાવ્યો છે. બીજી તરફ વિરોધ પક્ષોએ કંગના રનૌતના જૂના નિવેદનો જાહેર કરીને કુણાલનો બચાવ કર્યો છે.
છત્રપતિ શિવાજી મહારાજ વિશે ટીપ્પણી કરનારા પત્રકારની ધરપકડ
મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં પણ છત્રપતિ શિવાજી મહારાજને ખૂબ માનની દ્રષ્ટીથી જોવામાં આવે છે. શિવાજી મહારાજ અને એમના પુત્ર સંભાજી મહારાજ બાબતે લોકો ખૂબ સંવેદનશીલ છે. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરવા બદલે નાગપુરના પત્રકાર પ્રશાંત કોરાટકરની ધરપકડ કરવામાં આવી છે. કોરાટકરને તેંલગાણામાંથી પકડવામાં આવ્યો હતો. કોરાટકરે જે વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હતી એને કારણે એમની સામે ખૂબ વિરોધ થયો હતો. કોલ્હાપુરના ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંતને ધમકાવવાનો આરોપ પણ કોરાટકર સામે છે. બંને વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો જાહેર થતા પત્રકાર સામે પોલીસ ફરિયાદ થઈ હતી.
સીબીઆઇની પૂરક ચાર્જશીટમાં નિરવ મોદીની બહેન આરોપી
પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) ગોટાળામાં એક પુરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં મુખ્ય આરોપી નિરવ મોદીની બહેન પૂર્વી મહેતાને આરોપી બનાવવામાં આવ્યા છે. સીબીઆઇએ આ ચાર્જશીટ વિશેષ સીબીઆઇ કોર્ટમાં દાખલ કરી છે. ચાર્જશીટમાં પૂર્વી મહેતા ઉપરાંત ફાયર સ્ટાર ગુ્રપ ઓફ કંપનીના અધિકારી આદીત્ય નાણાવટીને પણ આરોપી બતાવવામાં આવ્યા છે. બેલ્જીયમના નાગરીક પૂર્વી મહેતા સામે આરોપ છે કે, એમણે પીએનબી પાસેથી મેળવેલા લેટર ઓફ અંડર ટેકીંગ દ્વારા મેળવેલા ફંડનો દુરઉપયોગ કર્યો હતો. સીબીઆઇએ જોકે પૂર્વીના પતિ મયંક મહેતાને આ મામલે આરોપી બનાવ્યા નથી.
ભાજપ ભ્રષ્ટાચાર છૂપાવવા માટે ધર્મની રાજનીતિ કરે છે: ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેનું કહેવું છે કે, ભાજપ ધર્મને આધારીત રાજનીતી કરે છે. જ્યારે ર્કાંગ્રેેસ વિચારધારા પર ભાર આપે છે. કર્ણાટકમાં મુસલમાનોને સરકારી અનામતના મામલે ભાજપ ખોટી વાત કરીને સંસદને ગેરમાર્ગે દોરે છે. ખડગેનું કહેવું છે કે, ભાજપ ધર્મને આધારે કાયદા બનાવનાર પક્ષ છે. કોંગ્રેસે કદી ધર્મ આધારીત અનામત આપ્યું નથી. પોતાની સરકારનો ભ્રષ્ટાચાર છૂપાવવા માટે ભાજપ આવા વાહિયાત મુદ્દાઓ ઉઠાવી રહી છે. હમણા જ ન્યાયતંત્રને લગતો એક કિસ્સો સામે આવ્યો છે, પરંતુ ભાજપ ઇચ્છતો નથી કે, વિરોધ પક્ષો આ બાબતે ચર્ચા કરે.
રાજસ્થાનમાં ભાજપ સંગઠન અને સરકાર વચ્ચે તીવ્ર મતભેદો
રાજસ્થાનમાં ભજનલાલ શર્માએ જ્યારથી મુખ્યમંત્રીપદના શપથ લીધા ત્યારથી જ તેમની સામે અસંતોષની જ્વાળા ઉઠવાની શરૂઆત થઈ ચૂકી હતી. આટલા સમય પછીય એ અસંતોષ ઠરવાનું નામ લેતો નથી. એક નહીં તો બીજા ધારાસભ્ય દ્વારા કોઈને કોઈ મુદ્દે ભાજપની જ સરકારની ટીકા કરવામાં આવે છે. સીનિયર નેતા કિરોડીલાલ મીણાએ રાજીનામું આપ્યું એને આઠેક મહિના થયા હોવા છતાં હજુ સુધી એ મામલે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. ભાજપના અધ્યક્ષ મદન રાઠોડે શો-કોઝ નોટિસ પાઠવી હતી, પણ એમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એ જ રીતે ધારાસભ્યો અને સરકારી અધિકારીઓ વચ્ચે પણ ઘર્ષણ જામ્યું છે. અમુક ધારાસભ્યોએ ભજનલાલ શર્માને કેટલાય અધિકારીઓની ફરિયાદ કરી હતી, પરંતુ અધિકારીઓ સામે કોઈ પગલાં ન ભરાયા હોવાથી નારાજગી વધતી જાય છે. ઘણાં રાજકીય નિષ્ણાતો કહે છે કે રાજસ્થાનમાં સંગઠન અને સરકાર વચ્ચે સંકલન અને તાલમેલનો અભાવ છે.
નીતિશ કુમારની માનસિક હેલ્થ ભાજપ માટે પરેશાનીનો વિષય
નીતિશ કુમારની માનસિક હાલત સ્થિર નથી એવો આરોપ વારંવાર વિપક્ષ આરજેડી કરે છે. આરજેડી એ વાતના સમર્થનમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના છેલ્લાં એક વર્ષના વિવિધ વિડીયો શેર કરે છે. નીતિશ કુમારનું વર્તન અયોગ્ય હોય એવું વીડિયો પરથી જણાતું રહે છે. તેના કારણે આરજેડી આક્રમક વલણ બતાવીને પ્રચાર કરે છે કે નીતિશ કુમાર હવે સીએમપદ માટે ફિટ નથી. આવી પરિસ્થિતિમાં ભાજપ પણ પરેશાન છે. ભાજપ-જેડીયુનું ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડશે એ નક્કી છે. પરંતુ જો નીતિશના માનસિક સ્વાસ્થ્યનો મુદ્દો વારંવાર ઉછળે તો ચૂંટણીમાં એની સીધી અસર થઈ શકે છે. એનો કોઈ વ્યવહારુ ઉકેલ કાઢવા ભાજપ પ્રયાસ કરે છે.
તમિલનાડુના કોંગ્રેસ પ્રમુખે ઘરમાં કચરો ફેંકાવ્યાનો યુટયૂબરનો આરોપ
તમિલનાડુના યુટયૂબર સાવુક્કુ શંકરે આરોપ લગાવતા કહ્યું હતું કે રાજ્યના કોંગ્રેસ પ્રમુખના કહેવાથી ચેન્નાઈના કિલપાક વિસ્તારમાં આવેલા તેના ઘરમાં સફાઈ કર્મચારીઓએ કચરો ફેંક્યો હતો. તેનો આરોપ છે કે સરકારી યુનિફોર્મ પહેરેલાં એક ડઝન સફાઈ કર્મચારીઓ - જેમાં પુરુષો સાથે મહિલાઓ પણ હતી - ઘરમાં કચરા સાથે ઘૂસ્યા હતા અને તેના ઘરમાં કચરો ફેંકવાની સાથે તોડફોડ કરીને નુકસાન કર્યું હતું. આ યુટયૂબરે આ ઘટના માટે કોંગ્રેસના પ્રમુખ ઉપરાંત પોલીસ કમિશ્નર એ અરૂણને જવાબદાર ઠેરવ્યા હતા. યુટયૂબરે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે તેને ધમકી આપવામાં આવી કે આ વખતે છોડી દઈએ છીએ. આવતી વખતે ઘરને આગ લગાડી દઈશું. અહેવાલો પ્રમાણે યુટયૂબર એસ. શંકર ડીએમકેની સરકારના ટીકાકાર છે. ચેન્નાઈમાં સીવર ટ્રકોમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો તેણે વિડીયોમાં ઉઠાવ્યો હતો. તેના કારણે એને નિશાન બનાવ્યાની શક્યતા છે.
શિક્ષણનીતિ મુદ્દે ઈન્ડિયા ગઠબંધનની વિદ્યાર્થી પાંખોનું સંયુક્ત પ્રદર્શન
ઈન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટીઓ વચ્ચે તીવ્ર મતભેદો સપાટી પર આવતા રહે છે. ક્યારેક ક્યારેક ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વનો મુદ્દો એટલો ચગી જાય છે કે ગઠબંધનની એકતા સામે જ સવાલો ખડા થઈ જાય છે. એ બધા વચ્ચે વિપક્ષ અત્યારે નવી શિક્ષણનીતિનો વિરોધ કરે છે. નવી શિક્ષણનીતિના મુદ્દે ફરી એક વખત ઈન્ડિયા ગઠબંધનમાં એકતા જણાય છે. તેના ભાગરૂપે ઈન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટીઓની વિદ્યાર્થી પાંખોએ દિલ્હીમાં સંયુક્ત રીતે સરકાર સામે દેખાવો કર્યા હતા. રાહુલ ગાંધીએ આ વિદ્યાર્થી સંગઠનોને સંબોધીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
હરિયાણામાં 40 હજાર પછાત વર્ગોના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પેન્ડિંગ
હરિયાણા વિધાનસભાની કમિટીએ એક ચોંકાવનારો અહેવાલ આપ્યો છે. કમિટીના દાવા પ્રમાણે હરિયાણાની સરકારે એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓની સ્કોલરશિપની ૪૦ હજાર અરજીઓ પેન્ડિંગ રાખી છે. પછાત વર્ગો માટે ફાળવવામાં આવેલું ફંડ વપરાયા વગર પડયું રહ્યું છે. ૮૭ પેજના આ રિપોર્ટ પછી રાજ્યમાં એસટી-એસસી અને ઓબીસીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપની સરકાર પર આરોપ લગાવ્યો કે ભાજપ આ વર્ગોને અન્યાય કરે છે. જાણી-જોઈને તેમને સ્કોલરશિપ આપતી નથી. સરકારી યોજનાઓનો આ વર્ગને લાભ આપવામાં હરિયાણાની સરકાર ઉણી ઉતરી છે.
- ઈન્દર સાહની


