app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

દિલ્હીની વાત : કેન્દ્ર સરકાર નવી નોટો છાપવા તૈયાર નહીં

Updated: Jul 27th, 2021


નવી દિલ્હી : કોરોનાના કારણે અર્થતંત્રને જોરદાર ફટકો પડયો છે. કેન્દ્ર સરકાર પણ નાણાંભીડનો સામનો કરી રહી છે. ટોચના અર્થશાસ્ત્રીઓએ આ નાણાંભીડમાંથી બહાર આવવા તથા લોકોની નોકરીઓ બચે માટે નવી ચલણી નોટો છાપવા સૂચન કર્યું હતું. ચલણી નોટો બજારમાં આવે તો પ્રવાહિતા વધે અને અર્થતંત્રમાં તેજી આવે એ અર્થશાસ્ત્રનો સરળ સિધ્ધાંત છે પણ કેન્દ્ર સરકારે આ સૂચનને ફગાવીને આશ્ચર્ય સર્જ્યું છે.

સરકારે સત્તાવાર રીતે એવું કારણ આપ્યું છે કે, દેશનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે અને આત્મનિર્ભર ભારત અભિયાનના કારણે અર્થતંત્રની ગાડી પાટા પર ચડી રહી છે તેથી ચલણી નોટો છાપવાની જરૂર નથી.

સૂત્રોનો દાવો છે કે, કેન્દ્ર સરકાર ચલણી નોટો છાપવાનો ખર્ચ ઉઠાવવા તૈયાર નથી. પીએમઓના અધિકારીઓએ પણ એવી સલાહ આપી છે કે, ચલણી નોટો વધારે ફરતી થશે તો ઈલેક્ટ્રોનિક્સ ટ્રાન્ઝેક્શન્સ ઘટશે. તેના કારણે આર્થિક પ્રવૃતિઓ પર નજર રાખવામાં મુશ્કેલી પડશે તેથી સરકારની આવક ઘટશે. આર્થિક નિષ્ણાતો આ સલાહને મૂર્ખામીપૂર્ણ ગણાવે છે.

લોકસભાની 1000 બેઠકો, મહિલાઓ માટે 33 ટકા અનામત

મોદી સરકાર લોકસભાની બેઠકો વધારીને ૧૦૦૦ કરવા વિચારી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં લોકસભામાં ૫૪૫ સભ્યો હોય છે, જેમાંથી ૫૪૩ સાંસદને લોકો સીધા મતદાનથી ચૂંટે છે.

ભાજપની ઉચ્ચ કક્ષાની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હોવાનું અને લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પહેલાં અમલ કરવાની દિશામાં પગલાં ભરવાનો નિર્ણય લેવાયો હોવાનો સૂત્રોનો દાવો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીએ  લોકસભાની સભ્ય સંખ્યા ૧૦૦૦ કરવાનું સૂચન કરેલું. મોદીને આ સૂચન ગમી જતાં તેનો અમલ કરવાનું નક્કી કરી નાંખેલું એવો પણ દાવો છે.

સૂત્રોના મતે, મોદી લોકસભાની ત્રીજા ભાગની એટલે કે ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખીને બેઠકો વધારશે. ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને મહિલાઓના થોકબંધ મતો મળે એ માટે આ વ્યૂહરચના વિચારાઈ છે. મોદી નવી સંસદ બનાવી રહ્યા છે તેમાં એક ગૃહમાં ૧૦૦૦ સાંસદો બેસી શકે એવી વ્યવસ્થા છે. આ પ્રકારની બેઠક વ્યવસ્થા અમસ્તી નથી કરાઈ પણ મોદીના મગજમાં ચોક્કસ ગેઈમ પ્લાન છે એવો દાવો લાંબા સમયથી થયા કરે છે.

ભાજપના મંત્રીની અકળામણ, મને મંત્રીપદેથી કાઢી મૂકો...

ઉત્તરાખંડમાં શ્રમ મંત્રી હરકસિંહ રાવત અને કર્મકાર કલ્યાણ બોર્ડના પ્રમુખ શમશેરસિંહ સત્યાલ સામસામે આવી જતાં ભાજપ  માટે નવો ડખો ઉભો થયો છે. રાવતનો દાવો છે કે, કર્મકાર બોર્ડ શ્રમ મંત્રાલયના તાબા હેઠળ કામ કરે છે છતાં બોર્ડના પ્રમુખ પાસે મંત્રી કરતાં વધારે સત્તા છે. રાવતનું કહેવું છે કે, સત્યાલમાં વધારે લાયકાત હોય તો તેમને જ મંત્રી બનાવી દો.

રાવતે સામે ચાલીને પોતાને મંત્રીમંડળમાંથી દૂર કરવાની માગણી કરીને કહ્યું છે કે, મારી પાસે સત્તા જ નથી તો મંત્રીપદે રહીને હું શું કરૂં ? રાવતે પહેલાં પણ સત્યાલને દૂર કરવાની માગણી કરી હતી પણ સત્યાલ તત્કાલિન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની નજીક હોવાથી કશું થયું નહોતું. તીરથસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ હરકસિંહે બળાપો કાઢયો હતો પણ તીરથસિંહ લાબું ના ટકતાં વાત ભૂલાઈ ગઈ.

પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી બનતાં રાવતે ફરી મુદ્દો ઉઠાવ્યો પણ ધામીએ પણ કશું ના કરતાં હરકસિંહ અકળાયા છે.  ભાજપના વરિષ્ઠ નેતા છે અને એક સમયે મુખ્યમંત્રીપદના દાવેદાર હતા.

નીતિશે સાથી ધર્મ ના નિભાવતાં સાહની ખફા

બિહારમાં એનડીએમાં પાછા ડખા શરૂ થઈ ગયા છે. સોમવારથી વિધાનસભાનું સત્ર શરૂ થતાં નીતિશ કુમારે એનડીએના નેતાઓની બેઠક બોલાવી હતી. નીતિશ સરકારમાં મંત્રી અને વીઆઈપીના પ્રમુખ મુકેશ સાહનીએ આ બેઠકનો બહિષ્કાર કર્યો. સાહનીને ગુસ્સો ભાજપ સામે છે પણ તેના કારણે નીતિશ સરકાર પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે.

સાહની રવિવારે ફૂલનદેવી જ્યંતિ નિમિત્તે વારાણીસમાં ફૂલનદેવીની પ્રતિમાની સ્થાપના માટે ગયા હતા પણ પોલીસે તેમને એરપોર્ટની બહાર જ ના નિકળવા દીધા. પોતાની સાથે ફૂલનદેવીની પ્રતિમા લઈને ગયેલા સાહનીને પોલીસે કોલકાત્તા જતી ફ્લાઈટમાં બેસાડીને રવાના કરી દીધા.  ભડકેલા સાહનીએ નીતિશને આ મુદ્દો ભાજપની નેતાગીરી સામે ઉઠાવીને સાથી પક્ષનો ધર્મ નિભાવવા કહેવું પણ નીતિશે ઈન્કાર કરી દેતાં ફૂંગરાયેલા સાહની બેઠકમાં જ ના આવ્યા.

આ પહેલાં ભાજપના નેતા અને મંત્રી સમ્રાટ ચૌધરીએ નીતિશ વિરૂધ્ધ નિવેદન આપેલું કે, ૨૦૧૫માં ભાજપ હારી ગયો તેથી અમારે બીજાનું નેતૃત્વ સ્વીકારવું પડે છે. આ કારણે એનડીએમાં તણાવ છે જ ત્યાં સાહનીએ ગેરહાજર રહીને તણાવ વધાર્યો છે.

કોંગ્રેસને હરાવવા અકાલી દળ-આપ હાથ મિલાવશે ?

પંજાબમાં કોંગ્રેસને હરાવવા માટે આમ આદમી પાર્ટી અને અકાલી દળ જોડાણ કરશે એવી અટકળો ચાલી રહી છે. અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે પહેલાં જ ચૂંટણી જોડાણ થઈ ચૂક્યું છે. હવે 'આપ' પણ આ મોરચામાં જોડાશે એવી ચર્ચા છે.

'આપ' દ્વારા સત્તાવાર રીતે આ વાતને ખોટી ગણાવાઈ છે. પંજાબમાં 'આપ'ના પ્રભારી રાઘ ચઢ્ઢાનો દાવો છે કે, અકાલી દળ સાથે જોડાણનો કોઈ નિર્ણય લેવાયો નથી અને આ પ્રકારની કોઈ ચર્ચા પણ ચાલતી નથી. જો કે સૂત્રોનો દાવો છે કે, 'આપ' અને અકાલી દળ બંને અંદરખાને વાતચીત કરી જ રહ્યાં છે.

'આપ' પંજાબમાં મુખ્ય વિરોધ પક્ષ છે પણ તેનો પ્રભાવ શહેરી વિસ્તારો પૂરતો મર્યાદિત છે જ્યારે અકાલી દળ ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત છે. આ કારણે બંનેનાં હિતો એકબીજા સાથે ટકરાતાં નથી. બીજી તરફ કેપ્ટન અમરિન્દરસિંહે ખેડૂત આંદોલનનો ભરપૂર ફાયદો ઉઠાવીને કોંગ્રેસની મતબેંકને મજબૂત કરતાં 'આપ'ની અને અકાલી દળ એક નહીં થાય તો કોંગ્રેસને ફાયદો થઈ જશે. 

* * *

કોરોના દરમિયાન 9 હજારથી વધારે બાળકોનું ટ્રાફિકિંગ

નોબેલ વિજેતા કૈલાશ સત્યવર્થીની માલિકીના સ્વયંસેવી સંગઠન બચપન બચાવો આંદોલન (બીબીએ) મુજબ ૯ હજારથી બાળકોને કોરોનાના કારમા સમયગાળા દરમિયાન એપ્રિલ ૨૦૨૦થી જુન ૨૦૨૧ દરમિયાન બળજબરીથી કરવામાં આવતી બાળ મજૂરી તથા ચાઇલ્ડ ટ્રાફિકિંગમાંથી બચાવાયા હતા. પહેલી લહેર વખતે ટ્રાફિક પરિવહન મર્યાદિત હોવા છતાં પણ ચાઇલ્ડ ટ્રાફિકિંગ કરવામાં આવ્યું હતું. 

ભાજપ સામે લડવા 2024માં પ્રાદેશિક પક્ષોના મોરચાની તરફેણ કરતા સુખબીર

૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે પ્રાદેશિક પક્ષોએ મોરચો રચીને સંયુક્ત રીતે તેની સામે લડવું જોઈએ. તેમના પક્ષના ભાજપ સાથેના જોડાણની વાત પૂરી થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો તેમની વિચારધારાનું હાર્દ છે. બાદલે જણાવ્યું હતું કે તેમનો પક્ષ ખેડૂતોના મુદ્દે ક્યારેય સમાધાન નહીં કરે. ભાજપ સાથે તેનું જોડાણ દાયકાઓ જૂનું હતું, પરંતુ તેમના ખેડૂત વિરોધી કાયદાના પગલે તેમણે ભાજપ સાથેનું આટલું જૂનું જોડાણ તોડી કાઢ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કૃષિ કાયદાનો પંજાબમાં અમલ ન થાય તે માટે તે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. 

ડિસ્કોમની ખોટમાં જમ્મુ-કાશ્મીર સૌથી મોખરે

ભારતમાં વીજવિતરણ કંપનીઓમાં જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) સૌથી વધારે ખોટ ધરાવે છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તરપૂર્વની વીજ કંપનીઓ પણ મોટી ખોટ કરી રહી છે. આ બાબત આ બજારોમાં વીજ ક્ષેત્રના સુધારાનો અભાવ દર્શાવે છે. માર્ચ ૨૦૨૦ના અંતે જમ્મુ-કાશ્મીરની (એટી એન્ડ સી) ખોટ ૬૦.૫ ટકા હતી. તેના પછી નાગાલેન્ડની ૫૨.૯ ટકા, અરુણાચલ પ્રદેશની ૪૫.૭ ટકા, બિહારની ૪૦.૪ ૦ટા, ત્રિપુરાની ૩૭.૯ ટકા હતી. નાગાલેન્ડમાં એસીએસ અને એઆરઆર ગેપ પ્રતિ યુનિટ ૫.૬૨ રુપિયા, અરુણાચલ પ્રદેશમાં ૪.૯૨ રુપિયા, જમ્મુ-કાશ્મીરમાં ૧.૮૫ રુપિયા, મેઘાલયમાં ૧.૮૦ રુપિયા અને તમિલનાડુમાં ૧.૨૭ રુપિયા હતો. 

આપ સરકાર દિલ્હીમાં દરેક મતવિસ્તારમાં ઊંચો ત્રિરંગો ફરકાવશે

દિલ્હી સરકાર ૧૫ ઓગસ્ટ સુધીમાં શહેરની અંદર પાંચ અત્યંત ઊંચા તિરંગા ઝંડા ફરકાવશે. તેણે દેશભક્તિ બજેટમાં આની જાહેરાત કરી હતી. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબલ્યુડી) આ કામ કરવાનું છે અને તેણે શહેરમાં ૫૦૦ સ્થળોએ ૧૦૦ ફૂટ ઊંચા થાંભલા સાથે રાષ્ટ્રીય ઝંડો તિરંગો સ્થાપવાનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પહેલા તો તેઓ સેમ્પલ કવાયતના ભાગરુપે પાંચ સ્થળોએ લગાવશે. દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે નવી દિલ્હી અને પતપારગંજના ચારથી પાંચ વિધાનસભા મતવિસ્તારમાં આ તિરંગો લહેરાવવાનું આયોજન છે. અમને ૧૫ ઓગસ્ટ સુધીમાં કાર્ય પૂરું કરવાની આશા છે. પીડબલ્યુડી કુલ આવા ૫૦૦ ફ્લેગ સમગ્ર શહેરમાં સ્થાપશે. આ તિરંગો એટલો ઊંચો લહેરાવાયો હશે કે તે બે કિલોમીટર દૂરથી પણ દેખાશે. 

સરકાર પાસે ખેડૂતોના મોતના આંકડા નથી પણ બીકેયુ કહે છે 537 મર્યા

કેન્દ્ર સરકારે સંસદમાં કદાચ દાવો કર્યો છે તેની પાસે વિરોધ કરી રહેલા ખેડૂતોના મોત અંગના આંકડા નથી. પરંતુ જંતરમંતરથી ૧૫૦ મીટર દૂર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો આ વાત માનવા તૈયાર નથી. તેઓનું કહેવું છે કે પંજાબમાં ખેડૂતો અને તેમના કુટુંબીઓ જ જાણે છે કે કેટલા લોકોએ જીવન ગુમાવ્યા છે. એસકેએમ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ આંદોલનથી આજની તારીખ સુધીમાં ૫૩૭ ખેડૂતોના મોત થયા છે. તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલા ખેડૂત માર્યા ગયા તેનો કોઈ રેકોર્ડ નથી. તેઓનું કહેવું છે કે પંજાબના ખેડૂતો અને તેમના કુટુંબીઓ જાણતા હશે કે કેટલાકના જીવ ગયા છે. એસકેએમ દ્વારા જારી કરાયેલી નોધ મુજબ આજની તારીખ સુધીમા ૫૩૭ ખેડૂતો માર્યા ગયા છે.૨૦મી જુલાઈના રોજ સાંસદે જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન પાસે આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના મોતના આંકડાનો જવાબ માંગ્યો ત્યારે તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકો અંગેનો કોઈ રેકોર્ડ નથી. તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલાઓનો વળતર આપવાની પણ કોઈ દરખાસ્ત નથી. ખેડૂત સંઘોનું કહેવું છે કે સરકાર પાસે ખેડૂતોના મોતનો રેકોર્ડ એટલા માટે નથી, કેમકે તેની તેમને કોઈ ચિંતા જ નથી. 

- ઇન્દર સાહની

Gujarat