નવીદિલ્હી : આમ આદમી પાર્ટીના ૧૦માંથી ૭ રાજ્યસભા સાંસદો પક્ષ છોડીને ભાજપમાં ગયા એનાથી ઘણાને આંચકો લાગ્યો છે. જોકે રાજકારણને સમજનાર ઘણા સમયથી જાણતા હતા કે આવુ કંઈક બનવાનું છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન બળવાખોર સાંસદ સંદીપ પાઠક અને અરવિંદ કેજરીવાલ વચ્ચે અગત્યની બેઠક થઈ હતી. એ વખતે સંદીપ પાઠકે પોતાની નારાજગી જાહેર કરી હતી અને કહ્યું હતું કે, પંજાબમાં એમને પક્ષનો ટેકો મળતો નથી. સંદીપ પાઠકને કારણે જ પંજાબમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ હતી. રાઘવ ચઢ્ઢા અને સ્વાતી માલીવાલ તો આપથી નારાજ હતા એ વાત જાહેર હતી અને આ બંને નેતાઓ ભાજપના કેટલાક નેતાઓને મળ્યા હતા. ઇડીએ જ્યારે સાંસદ અશોક મિત્તલના ઘરે છાપો માર્યો હતો ત્યારે જ કેટલાક સમજી ગયા હતા કે હવે આપના સાંસદો મોટા પાયે ભાજપમાં જશે.
રાઘવ ચઢ્ઢાના નિર્ણયથી પ્રકાશ આંબેડકર નારાજ
આમ આદમી પાર્ટીના છ ધારાસભ્યો સાથે રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાવાથી વંચીત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકર ખુશ થયા નથી. એમના કહેવા પ્રમાણે પક્ષ પલટાના કાયદાનો દુરઉપયોગ ચઢ્ઢાએ કર્યો છે. કોઈપણ પક્ષના બે તૃત્યાંસ સંસદસભ્યો જો બીજા પક્ષમાં જોડાય તો એમની સામે પક્ષ બદલવા બદલ કાર્યવાહી થતી નથી. એમણે આ નિયમ બદલવાની વાત પણ કરી છે. સોશ્યલ મીડિયા એક્સ પર એમણે લખ્યું છે કે બે પક્ષોનો વિલય જ્યારે એકબીજામાં થઈ જાય ત્યારે આ નિયમ લાગુ કરવો જોઈએ. એ સિવાય આવા પક્ષ બદલનારાને સંસદસભ્ય તરીકે દુર કરવા જોઈએ. પ્રકાશ આંબેડકર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર છે. એમનો પક્ષ રાજકીય રીતે કાઠુ કાઢી શક્યો નથી, પરંતુ દલીત વર્ગ પર એમની પકડ છે.
'આ છેલ્લો મોકો આપીએ છીએ, જો અમારા હુકમનું પાલન નહીં કર્યું તો...'
બાંગ્લાદેશ ડીપોર્ટ કરાયેલા કેટલાકને ભારત પરત લાવવા સંબંધે થયેલી એક અરજી પર સુપ્રિમ કોર્ટે વલણ સ્પષ્ટ કર્યું છે. સીજેઆઇ જસ્ટીસ સુર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રિમ કોર્ટની બેન્ચે કેન્દ્ર સરકારને આ બાબતે કહ્યું છે કે, જો સરકાર કોર્ટના હુકમનું પાલન નહીં કરે તો બેન્ચ છેલ્લી સુનાવણી કરશે. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટીસ જોય માલ્યા બાગચી અને જસ્ટીસ વીપુલ એમ પંચોલીની બેન્ચે કેન્દ્ર તરફથી હાજર થયેલા વકીલને આ બાબતે માહિતી મેળવીને સુપ્રિમ કોર્ટને જાણ કરવા કહ્યું છે. ભોદુ શેખની ગર્ભવતિ પુત્રીને બાંગ્લાદેશ મોકલી આપવામાં આવી હતી. શેખ તરફથી હાજર થયેલા વકીલો કપીલ સિબ્બલ અને સંજય હેંગડેએ કહ્યું હતું કે, આ બાબતે કેન્દ્ર સરકાર કોર્ટને પોતાના વિચારો નહીં જણાવે તો એ અનુચિત નથી. એ વખતે સીજેઆઇએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારને તેઓ છેલ્લો મોકો આપે છે. જો ત્યાર પછી પણ એમના હુકમનું પાલન નહીં થાય તો બેન્ચ છેવટની સુનાવણી કરશે.
છેવટે કોંગ્રેસ પવન ખેડાની સાથે રહી
આસામના મુખ્યમંત્રીના પત્ની વિશે કોંગ્રેસના નેતા અને પ્રવક્તા પવન ખેડાએ કરેલા નિવેદન પછી એમની સામે આસામ પોલીસે કેસ દાખલ કર્યો છે. ખેડાની આગોતરા જામીન અરજી આસામ હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોંગ્રેસના વર્તુળોમાં એવી ચર્ચા થતી હતી કે હવે કોંગ્રેસના ટોચના નેતાઓ ખેડાને પડખે ઉભા રહે છે કે નહીં. જોકે ૪૮ કલાકના મૌન પછી કોંગ્રેસ પક્ષે પવન ખેડાને પોતાનો ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસે જાહેર કર્યું છે કે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને પવન ખેડાને ટેકો જાહેર કર્યો છે. એમણે લખ્યું છે કે, આખી કોંગ્રેસ ખેડા સાથે છે. સુપ્રિમ કોર્ટમાં ચેલેન્જ કરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસને પુરી ખાતરી છે કે ધમકી કે ડરાવવાની રાજનીતિ સામે ન્યાયની જીત થશે.
કેજરીવાલથી લઈને રવીશકુમાર સુધી ફસાયા
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ લિકર સ્કેમ સાથે જોડાયેલા કેસમાં જસ્ટીસ સુવર્ણકાંતા શર્માની કોર્ટે રીક્યુઝલ અરજી ફગાવી દીધી છે. હવે કોર્ટની કામગીરીનો વીડિયો શેર કરવા બદલ કેજરીવાલ પર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો આરોપ કોર્ટે દાખલ કર્યો છે. દિલ્હી હાઇકોર્ટે જાહેર હીતની એક અરજીની સુનાવણી કરતા અરવિંદ કેજરીવાલ, આપના કેટલાક નેતાઓ, કોંગ્રેસના નેતા દિગ્વીજય સિંહ અને પત્રકાર રવીશકુમારને નોટીસ મોકલીને જવાબ માંગ્યો છે. કોર્ટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને વીડિયો ડિલિટ કરવાનું પણ કહ્યું છે. કોર્ટના આદેશની જાણી જોઈને અવગણના કરવી કે કોર્ટની ગરીમા અને ન્યાયીક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવામાં આવે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થઈ શકે છે. જો કેસ પુરવાર થાય તો છ મહિનાની જેલ અને દંડ થઈ શકે છે.
મોસાદ માટે કામ કરનાર જાસુસને ઇરાને ફાંસીએ ચઢાવ્યો
ઇરાનમાં વધુ એક વ્યક્તિને ફાંસીની સજા થઈ છે. આ વ્યક્તિ પર ઇરાનમાં થયેલા વિરોધ પ્રદર્શનો વખતે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ માટે મિશન પર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વ્યક્તિનું નામ ઇરફાન કિયાની હતું. આ વર્ષના જાન્યુઆરી મહિનામાં વિરોધ પ્રદર્શન વખતે તોડફોડ કરવાનો અને આગ લગાડવાનો આરોપ પણ ઇરફાન પર મૂકવામાં આવ્યો હતો. ઇરાનની સુપ્રિમ કોર્ટે આ સજા માન્ય રાખી હતી. વિરોધ પ્રદર્શન ડિસેમ્બર મહિનામાં શરૂ થયા હતા અને જાન્યુઆરી મહિનામાં ઇરાનની કરન્સી ઝડપથી તૂટી ગઈ હતી. થોડા દિવસો પહેલા સુલતાન અલી શિરઝાદી નામના એક શખ્સને પણ ફાંસી આપવામાં આવી હતી. એના પર પીપલ્સ મુઝાહીદ્દીન ઓર્ગેનાઇઝેશનના સભ્ય હોવા ઉપરાંત ઇઝરાયલ વતી જાસુસી કરવાનો આરોપ હતો.
જાદવપુર યુનિવર્સિટી બાબતે વડાપ્રધાનની ટીપ્પણીથી વિવાદ
પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટી બાબતે રાજકીય નીવેદનબાજી તેજ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં આપેલા નિવેદન પછી યુનિવર્સિટીના શિક્ષક સંઘએ પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે, ઘણી બધી તકલીફ હોવા છતા સંસ્થાએ વૈશ્વિકસ્તરે પોતાની અલગ ઓળખ બનાવી છે. બારુઇપુરની એક ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાને જાદવપુર યુનિવર્સિટી વિશે ટીપ્પણી કરતા કહ્યું હતું કે, આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે અવ્યવસ્થા અને અંધાધૂધીનું પ્રતિક બની ગઈ છે. સંઘે વડાપ્રધાનના નિવેદનનો વિરોધ કરતા પ્રતિઉત્તર આપ્યો હતો કે આ યુનિવર્સિટી ફક્ત શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં અગ્રણી છે અને સામાજીક ન્યાયને આગળ વધારવામાં પણ એની ભૂમિકા અગત્યની છે. હજી સુધી આ યુનિવસટીને ઇન્સ્ટિટયૂટ ઓફ એમીનન્સનો દરજ્જો આપવામાં આવ્યો નથી.


