દિલ્હીની વાત : હુમલામાં ઘોડાવાળાથી માંડીને પોલીસ સુધીની મિલિભગતની શક્યતા
નવીદિલ્હી : કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના શિકાર બનેલા કાનપૂરના શુભમ દ્વિવેદીના કુટુંબીઓએ મીડિયાને કેટલીક ચોકાવનારી વાતો કહી છે. શુભમના કુટુંબીજનોએ શંકા વ્યક્ત કરી હતી કે પ્રવાસીઓને જે ઘોડા પર પહાડી પર લઈ જવામાં આવ્યા હતા એમાંથી કેટલાકને આતંકવાદીઓ સાથે સાંઠગાંઠ હોય એવી શક્યતા લાગે છે. પ્રવાસીઓને જ્યારે ઘોડા પર બેસાડીને પહાડી પર દૂર સુધી લઈ જવામાં આવતા હતા ત્યારે શુભમ અને એમના પત્ની એશાનિયાએ એમને વારંવાર કહ્યું હતું કે હવે આગળ નથી જવું પાછા લઈ લો. જોકે ચાલકોએ એમની વાત સાંભળી નહોતી. તેઓ એમ જ કહેતા રહ્યા કે ઉપર સુધી તો જવું જ પડશે. ઘટના બની ત્યારે સ્થાનીક પોલીસના ત્રણ કર્મચારીઓ પણ નજીક જ હતા છતા મદદ માટે એમણે કંઈ કર્યું નહોતું.
પહેલગામ હુમલાના બે આતંકી સ્થાનિક કાશ્મીરી હોવાના પુરાવા
પહેલગામમાં આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓમાંથી બે આતંકવાદીઓ કાશ્મીરી હોવાનું જણાયું છે. આ બંને સ્થાનિક આતંકવાદીઓમાંથી એકનું ઘર બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું હતું જ્યારે બીજા આતંકવાદીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. દક્ષિણ કાશ્મીરના ગુરી જિલ્લાના એક ગામમાં સિક્યુરીટી એજન્સીએ સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકવાદીનું ઘર બોમ્બથી ઉડાવી દીધું હતું. સુરક્ષા કર્મચારીઓએ આ ઘરને ઘેરી લીધું હતું અને તપાસ દરમિયાન ઘરમાંથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી હતી. આ ઘર પહેલગામના હુમલાની આગેવાની લેનાર આદિલનું હતું. બીજી તરફ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં આતંકવાદી આશીફ શેખનું ઘર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું.
દેશનું ચીકન નેક સેક્સ ટ્રાફિકિંગનો અડ્ડો બની રહ્યું છે
એમ કહેવાય છે કે, સીલીગુડી શહેર કદી સુતુ નથી. અહીં ચોવીસે કલાક આવન જાવન થતી હોય છે. આ રસ્તે હવે પ્રવાસીઓ ઉપરાંત કેટલીક બાળાઓ હંમેશા માટે ગુમ થઈ જાય છે. પશ્ચિમ બંગાળનો ઉત્તરીય ભાગ એટલે કે સીલીગુડી કોરીડોર આજકાલ ચર્ચામાં છે. સંવેદનશીલ બોડરવાળો આ વિસ્તાર સગીર છોકરીઓની દાણચોરીનો અડ્ડો બની ચૂક્યું છે. એમ કહેવાય છે કે પૂર્વોત્તર ઉપરાંત બાંગલાદેશ અને કેટલાક કિસ્સાઓમાં તો મ્યાનમારથી યુવતીઓને પ્રોસ્ટીટયુશનનો ધંધો કરાવવા અહીં લાવવામાં આવે છે. અહીં સેક્સ ટ્રાફિકીંગ ઉપરાંત સ્લેવ ટ્રાફિકીંગ પણ થઈ રહ્યું છે. નેપાળ અને નોર્થ ઇસ્ટની છોકરીઓ તેમ જ બાંગલાદેશનમાં રહેતી આદિવાસી બાળાઓને ઘરેલું કામકાજ માટે વેચવામાં આવે છે.
આતંકીઓ માટે મિલિટન્ટ શબ્દ વાપરવા બદલ ન્યૂયોર્ક ટાઈમ્સની ટીકા
અમેરિકન સંસદની વિદેશ બાબતની સમિતિએ ન્યુયોર્ક ટાઇમ્સની ઝાટકણી કાઢી છે. કાશ્મીર પર થયેલા આતંકવાદી હુમલાનો રીપોર્ટ લખતી વખતે ન્યુયોર્ક ટાઇમ્સે આતંકવાદીઓ માટે ગનમેન અને મિલિટન્ટ જેવા શબ્દો વાપર્યા હતા. ન્યુયોર્ક ટાઇમ્સ પહેલેથી જ ભારત વિરોધી વલણ માટે જાણીતુ છે. આતંકવાદીઓને મિલિટન્ટ કે ગનમેન કહેવાથી હુમલાની ગંભીરતા ઓછી થઈ જાય છે. સમિતિએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પહેલગામ ઘટના બાબતે અખબારે પસંદ કરેલા શબ્દોની ટીકા કરી હતી. સમિતિનું કહેવું છે કે આતંકવાદી હુમલા ભારતમાં થાય કે ઇઝરાયલમાં દર વખતે અખબાર વાસ્તવિકતા છૂપાવવાની કોશિષ કરે છે.
પાક. વિદેશ મંત્રીએ પહેલગામના આતંકીઓને સ્વતંત્રસેનાની ગણાવ્યા
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આખા વિશ્વમાંથી પાકિસ્તાન પર થૂ થૂ થઈ રહ્યું છે. આમ છતા પાકિસ્તાન લાજવાને બદલે ગાજે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી અને ઉપપ્રધાન મંત્રી ઇશાક દારેએ તમામ હદ વટાવી દીધી છે. દારએ પહેલગામમાં હુમલો કરનાર આતંકવાદીઓને સ્વતંત્ર સૈનિક ગણાવ્યા છે. ઇશાક દારે કહ્યું છે કે પહેલગામમાં હુમલો કરનારા લોકો સ્વતંત્ર સેનાની હોઈ શકે છે. સિંધુ જલ સંધી પર પ્રતિબંધ મૂકવાના ભારતના ફેંસલા બાબતે દારે કહ્યું કે, ૨૪ કરોડ પાકિસ્તાનીઓ માટે નદીનું પાણી જીવનરેખા છે. ભારતે આ પગલુ લઈને પાકિસ્તાનને યુદ્ધ કરવા મજબૂર કર્યું છે. જો ભારત અમારા નાગરીકને નુકસાન પહોંચાડશે તો ભારતીય નાગરીક પણ સુરક્ષીત નહીં રહેશે. જોકે રાજકીય જાણકારો દારની ધમકીને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે.
ટ્રમ્પ સરકાર સામે બળવો કરવા હાર્વર્ડ યુનિવર્સિટીની તૈયારી
ટ્રમ્પ સરકારે હમણા જ હાર્વર્ડ યુનિવર્સિટી માટે મંજૂર થયેલા ૨.૨ અબજ ડોલર અને લગભગ ૬ કરોડ ડોલરના દાન પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે હાર્વર્ડ યુનિવર્સિટી ટ્રમ્પ સરકારથી દબાવાને બદલે એમની સામે લડી લેવાના મૂડમાં છે. હાર્વર્ડ યુનિવર્સિટી મળેલા દાનમાંથી લગભગ ૧ અબજ ડોલરની ખાનગી ઇક્વિટી વેચીને ફંડ ભેગુ કરવા તૈયારી કરી રહી છે. ઇઝરાયલે ગાઝા પર કરેલા હુમલા અને પેલેસ્ટીઇનના સમર્થનમાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં ગયા વર્ષે મોટા પાયે પ્રદર્શન થયા હતા. અમેરિકાની યુનિવર્સિટીઓ ટ્રમ્પની ટ્રાન્સજેન્ડર્સ નીતિ તેમ જ બીજા કારણોસર ટ્રમ્પ સરકારથી ખૂબ નારાજ છે. ટ્રમ્પે લીધેલા પગલાને હાર્વર્ડ યુનિવર્સિટીએ બંધારણની આઝાદી પર હુમલો ગણાવ્યો છે.
હમાસ અને પાકિસ્તાની આતંકીઓ એક બીજાના સંપર્કમાં : ઇઝરાયલ
ઇઝરાયલે કાશ્મીરના સક્રિય આતંકવાદીઓ અને હમાસ વચ્ચે સીધો સંબંધ હોવાનો આરોપ મૂક્યો છે. ભારતમાં ઇઝરાયલના રાજદુત રુવેન અઝારએ એક મુલાકાતમાં કહ્યું છે કે, હમાસના કેટલાક નેતાઓ હમણા જ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની મુલાકાતે ગયા હતા. એમણે પીઓકે જઇને જૈશ-એ-મહોમ્મદના આતંકવાદીઓ અને બીજા કેટલાક લોકો સાથે મુલાકાત કરી હતી. જૈશના આતંકવાદીઓ સાથે જઈને એક રેલીને સંબોધ કર્યું હતું. આ રેલીના વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જારનું કહેવું છે કે પહેલગામનો હુમલો અને ઓક્ટોબર ૨૦૨૩માં હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલામાં ઘણી સમાનતા છે. ઇઝરાયલના ઘણા નેતાઓ પહેલગામ પર થયેલા હુમલાની સરખામણી ૨૦૨૩ની ૭મી ઓક્ટોબરે હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલા સાથે કરી રહ્યા છે.
દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં આપની હાર નક્કી હોવાથી બહિષ્કાર કર્યો
દિલ્હીમાં મેયરની ચૂંટણી થવાની હતી તે પહેલાં જ આપે તેનો બહિષ્કાર કર્યો હતો. આમેય આંકડાં ભાજપના પક્ષમાં હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી- એમસીડીની ૨૫૦ બેઠકોમાંથી ૧૨ ખાલી છે. ૨૩૮ બેઠકોમાંથી ૧૧૭ ભાજપ પાસે હતી. ૧૧૩ આપ પાસે હતી અને આઠ કોંગ્રેસ પાસે હતી. તે સિવાય લોકસભાના સાત, રાજ્યસભાના ત્રણ અને ૧૪ ધારાસભ્યોને વોટિંગનો હક મળે છે. વિધાનસભામાં પરિસ્થિતિ બદલાઈ હોવાથી આપને સંખ્યાબળ ઘટે તેમ હતું. વિધાનસભા અધ્યક્ષે સમીકરણ પ્રમાણે ૧૧ ભાજપના અને ત્રણ આપના ધારાસભ્યોને વોટિંગ માટે પસંદ કર્યા હતા. એ રીતેય આપ પાસે સંખ્યાબળ ઘટયું હતું. વળી, કોંગ્રેસે ટેકો આપ્યો ન હતો. હાર નક્કી હતી એટલે આપે ચૂંટણી પહેલાં બહિષ્કાર કરી દીધો હતો.
ગુરુગ્રામના મેયરે પતિને સલાહકાર બનાવતા વિવાદ
ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રાજ રાની મલ્હોત્રાએ તેમના પતિને જ સત્તાવાર સલાહકાર બનાવ્યા હતા. અત્યારે ગુરુગ્રામ મ્યુ. કોર્પોરેશન ભાજપ પાસે છે. રાજ રાની મલ્હોત્રાના પતિ જિલ્લા ભાજપના પ્રમુખ હતા. કોંગ્રેસે એનો વિરોધ કરતા કહ્યું કે આ પ્રોક્સી શાસન છે. રાજ રાની મલ્હોત્રાએ પતિને એટલે એડવાઈઝર બનાવ્યા કે હવે સંપૂર્ણ સત્તા તેમના પતિ પાસે રહેશે. રાજ રાની મલ્હોત્રા પર જાતિનું નકલી પ્રમાણપત્ર રજૂ કરીને ચૂંટણી લડવાનો આરોપ છે અને એ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યાં જ નવો વિવાદ ખડો થયો છે.
હરિયાણામાં વિપક્ષના નેતા પસંદ ન થતાં ઘણી નિમણૂકો અટકી
હરિયાણામાં કોંગ્રેસે ચૂંટણી પરિણામના છ મહિના પછીય વિપક્ષના નેતાની પસંદગી કરી નથી. એક-બે વખત મીટિંગ થવા છતાં વિપક્ષના નેતાની પસંદગી થઈ નથી. હરિયાણા કોંગ્રેસમાંથી કોઈ નવા ચહેરાને આગળ કરવાની રાહુલની ગણતરી છે, પરંતુ તેનાથી આંતરિક અસંતોષ વધે એવી ભીતિ છે. આ બધા કારણોથી નાયબ સિંહ સૈનીની મુશ્કેલી વધી છે. કારણ કે જ્યાં સુધી વિપક્ષના નેતા નક્કી ન થાય ત્યાં સુધી અમુક નિમણૂકો અટકી ગઈ છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી, વિપક્ષના નેતા સીનિયર કેબિનેટ મંત્રીઓની પેનલ મહત્ત્વની નિમણૂકો કરે છે. હરિયાણામાં માહિતી કમિશ્નરની નિમણૂક જ અટકી ગઈ છે. આ બાબતે હવે સૈનીએ કાયદા નિષ્ણાતોની સલાહ મેળવીને આગળનો નિર્ણય કરવાની તજવીજ હાથ ધરી છે.
જેએનયુમાં વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી, કેમ્પસ રાજકીય રંગે રંગાયું
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીનો જુદો ઈતિહાસ છે. એમાંથી કેટલાય વિદ્યાર્થી નેતાઓ ભવિષ્યમાં નેતા બન્યા હોય એવા દાખલા નોંધાયા છે. અત્યારે જેનએયુ સ્ટૂડન્ટ યુનિયનની ચૂંટણી યોજાઈ છે. એનું મતદાન થઈ ગયું છે. ૨૮મી એપ્રિલે પરિણામ આવશે. પ્રમુખપદ માટે ડાબેરી પાર્ટીની વિદ્યાર્થી પાંખ, ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી, કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ સહિત ૧૩ વિદ્યાર્થીઓ પ્રમુખપદની રેસમાં છે. પ્રમુખપદની ડિબેટ યોજાઈ ગઈ તે પછી હવે ૭૯૦૬ નોંધાયેલા વિદ્યાર્થી મતદારો કઈ તરફ ઢળે છે તેના પર દિલ્હીના રાજકીય નેતાઓની પણ નજર છે. આ વિદ્યાર્થી યુનિયનના હોદ્દેદારો ચૂંટણીમાં પણ બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે.
- ઈન્દર સાહની