દિલ્હીની વાત : બદલાપુર બળાત્કારના આરોપીના એન્કાઉન્ટર બાબતે તપાસની માંગ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : બદલાપુર બળાત્કારના આરોપીના એન્કાઉન્ટર બાબતે તપાસની માંગ 1 - image


નવી દિલ્હી : થોડા મહિના પહેલા મહારાષ્ટ્રના બદલાપુરની એક સ્કૂલમાં બે બાળાઓનું યૌન શોષણ થયું હતું. આ બાબતે પોલીસે અક્ષય શિંદે નામના બળાત્કારીની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્ર પોલીસે ભાગવાની કોશિષ કરી રહેલા અક્ષય શિંદેને ઠાર માર્યા પછી આ બાબતે નવો વિવાદ થયો છે. કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષોએ આ એન્કાઉન્ટર મામલે મહારાષ્ટ્ર સરકારને આરોપીના પાંજરામાં ઉભી કરી છે. અક્ષય શિંદેના મૃત્યુ બાબતે તપાસ કમીટી નિમવાની માંગણી કરી છે. કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણએ કહ્યું છે કે, અક્ષય શિંદેની હત્યા કરવામાં આવી છે. રાજ્ય માટે આ કાળો દિવસ છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવવી જોઈએ. હવે આ ગુનામા સામેલ બીજા અપરાધીઓ છટકી જશે. મહારાષ્ટ્રની પ્રજાએ સાચી વાત જાણવી જરૂરી છે.

કુમારી સૈલજા રાહુલ ગાંધી સાથે મળીને ચૂંટણી પ્રચાર કરશે

હરિયાણા કોંગ્રેસના દલિત નેતા કુમારી સૈલજા ચૂંટણી સમયે પક્ષથી નારાજ હોવાની વાતો વચ્ચે હવે કુમારી સૈલજાએ જાહેર કર્યું છે કે, એમના માટે પક્ષનું હિત બધાથી ઉપર છે. બીજી તરફ રાહુલ ગાંધીએ સૈલજા જૂથના ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે રેલી કરવાનું નક્કી કર્યું છે. રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા હુડ્ડાના ઉમેદવારો માટે પણ ચૂંટણી પ્રચાર કરશે. ભાજપએ એવી અફવા ફેલાવી હતી કે કુમારી સૈલજા ભાજપમાં જોડાશે. સૈલજાની જાહેરાત પછી આ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાયો છે. રાહુલ ગાંધી હરિયાણાના પ્રવાસે આવતા કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે.

ધર્મનિરપેક્ષતા બાબતે તામિલનાડુના રાજ્યપાલનું વિવાદી નિવેદન

તામિલનાડુના રાજ્યપાલ આર એન રવિએ કહ્યું હતું કે, ધર્મનિરપેક્ષતા યુરોપીય વિચાર છે. ચર્ચ અને રાજા વચ્ચે યુરોપમાં થયેલી સંઘર્ષ પછી ધર્મનિરપેક્ષતાનો વિચાર અસ્તિત્વમાં આવ્યો હતો. ભારત એક ધર્મ આધારીત દેશ છે. માટે ભારતને ધર્મનિરપેક્ષ દેશ કહી શકાય નહીં. કોંગ્રેસે રાજ્યપાલના આ નિવેદનને અપમાનજનક ગણાવ્યું છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું છે કે, જે વાત નરેન્દ્ર મોદી કરી શકતા નથી એ વાત રાજ્યપાલ પાસે કહેવડાવે છે. જે વ્યક્તિ બંધારણના સોગંદ ખાય છે એ આટલા ઉચ્ચ હોદ્દા પર બેઠા પછી જો આ પ્રકારના નિવેદન કરતા હોય તો એમને હટાવી દેવા જોઈએ.

રાહુલ-પ્રિયંકા હરિયાણામાં એમપીનું પુનરાવર્તન ઇચ્છતા નથી

હરિયાણા કોંગ્રેસના જુથવાદને કારણે રાહુલ અને પ્રિયંકા ગાંધી નારાજ છે. રાહુલ ગાંધીનું માનવું છે કે હરિયાણામાં કોંગ્રેસ આસાનીથી સરકાર બનાવી શકે એમ છે, પરંતુ પક્ષના જૂથવાદ પર કાબુ મેળવવો પડે. હરિયાણામાં ચાલતી ગતિવિધિઓ પર રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા વાડ્રા પણ નજર રાખી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડ્ડાને સાફ સંદેશો આપવામાં આવ્યો છે કે એમના માટે પાર્ટી હાઇકમાન્ડને પૂરૂ માન છે અને હુડ્ડાએ કોઈપણ પ્રકારની જૂથબાજીમાં પડવું જોઈએ નહીં. હરિયાણા કોંગ્રેસના બધા નેતાઓને સાથે રાખીને હુડ્ડાએ ચૂંટણી લડવી જોઈએ, કારણ કે મધ્યપ્રદેશમાં પણ જૂથબંધીને કારણે જ કોંગ્રેસની હાર થઈ હતી.

કેન્દ્રીય નાણામંત્રીએ કામના ભારણ મુદ્દે કંપનીઓની તરફેણ કરતાં વિવાદ

વધુ પડતા કામના ભારણને કારણે પૂણેની એક યુવતીનું મૃત્યુ થયા બાબતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણએ ચેન્નઇ ખાતે અસંવેદનશીલ નિવેદન કર્યું હતું. સિતારમણએ કહ્યું હતું કે, કુટુંબીજનોએ બાળકોને દૈવીશક્તિના માધ્યમથી તણાવ પર કાબુ રાખવાનું શિખવવું જોઈએ. તમે જે કોઈ અભ્યાસ કરો છો કે કામ કરો છો એને કારણે ઉભા થતા દબાણનો સામનો કરવા આંતરીક શક્તિ કેળવવી જોઈએ. ભગવાન પર વિશ્વાસ હોય અને ભગવાનની કૃપા હોય તો કોઈપણ તાણનો સામનો કરી શકાય છે. નિર્મલા સિતારમણના આ નિવેદન પછી કેરળના રાજ્ય અને પર્યટન મંત્રી પી એ મોહમંદ રીઆઝે કહ્યું કે નિર્મલા સિતારમણ આઇટી કર્મચારીઓનું શોષણ કરનાર કોર્પોરેટ કંપનીઓનો બચાવ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા રમેશ ચેન્નીથલા એ પણ કહ્યું છે કે કોર્પોરેટ વિશ્વના લોભને કારણે યુવતીનું મૃત્યુ થયું છે. એમણે નિર્મલા સિતારમણના નિર્ણયને અત્યંત દૂર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. 

શરદ પવાર અને અજીત પવાર નજીક આવી રહ્યા હોવાના સંકેત

એક પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું છે કે, રાજકીય રીતે ભલે અજીત પવારે બીજા પક્ષની સ્થાપના કરી હોય, પરંતુ કૌટુંબિક રીતે તો હજી અજીત પવાર કુટુંબના સભ્ય જ છે. એમને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે શું કાકા - ભત્રીજાની જોડી ફરીથી એક સાથે દેખાશે ત્યારે શરદ પવાર ફક્ત હસ્યા હતા. મહારાષ્ટ્રમાં થતી ચર્ચા પ્રમાણે અજીત પવારને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે સમસ્યા થઈ રહી છે. મહા વિકાસ અઘાડી ગઠબંધન વિશે પવારે કહ્યું હતું કે, ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકે કોઈનું નામ જાહેર કરવાની જરૂર નથી. કટોકટી પછી થયેલી ચૂંટણીમાં મોરારજી દેસાઈનું નામ ચૂંટણી પહેલા વડાપ્રધાન તરીકે નક્કી થયું નહોતું. ચૂંટણી પછી વિવિધ પક્ષોએ ભેગા થઈને નક્કી કર્યું હતું કે મોરારજીભાઈને વડાપ્રધાન બનાવવા.

અયોધ્યામાં યુવતી પર ગેંગરેપ મુદ્દે ભાજપ નેતાનો પુત્ર ભીંસમાં

અયોધ્યા જિલ્લાના સોહાવલ તાલુકાની એક સફાઈ કર્મચારી યુવતી પર ગેંગરેપની ફરિયાદ ઉઠી. એ યુવતી બીએમમાં અભ્યાસ કરવાની સાથે રામ જન્મભૂમિમાં સફાઈ કરે છે. તેની સાથે ભાજપના નેતાના પુત્ર સહિત છએ ગેંગરેપ કર્યાની ફરિયાદ થઈ હતી. આરોપ એવો હતો કે પોલીસે ફરિયાદ લીધી ન હતી, પરંતુ દબાણ વધ્યા બાદ છની ધરપકડ કરી છે. એમાં ભાજપના નેતાના પુત્રની પણ ધરપકડ થઈ છે. ૫મા ધોરણની માર્ક શિટના આધારે પોલીસે એને કિશોરવયનો ગણાવ્યો છે એના પર પણ ઘણી ચર્ચા ચાલી રહી છે. હવે નવો એંગલ એમાં જુદો આવ્યો છે. એમાં વિશ્વાસઘાતનો એંગલ ઉેમરાતા પોલીસ પણ ગૂંચવાઈ છે.

કાશ્મીરના હિન્દુ વિસ્તારોમાં 370ની ખાસ અસર નથી

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં ૩૭૦ની કલમ પ્રચારનો મુદ્દો છે. એક તરફ નેશનલ કોન્ફરન્સ ૩૭૦ની કલમ ફરીથી લાગુ પાડવાની વાત કરે છે. નેશનલ કોન્ફરન્સ સાથે કોંગ્રેસનું ગઠબંધન છે એટલે ભાજપ એ બાબતે કોંગ્રેસને પણ ઘેરે છે. બીજી તરફ ભાજપ ૩૭૦ની કલમ હટી હોવાથી આતંકવાદ નાબુદ થયો છે એવો દાવો કરે છે. આ બધાની વચ્ચે જમ્મુ કે જ્યાં હિન્દુઓની વસતિ નોંધપાત્ર છે ત્યાં ૩૭૦ની કલમ નાબુદ થઈ તેની ખાસ અસર દેખાતી નથી. જમ્મુના લોકોને એમ લાગી રહ્યું છે કે કાશ્મીર બાબતે ભાજપનો અલગ સૂર છે અને જમ્મુ માટે જુદો. જમ્મુ અને કાશ્મીર બંને વિસ્તારોની રીતે ઘણા ભિન્ન છે. વસતિની ડેમોગ્રાફીની રીતે પણ જુદા છે. ૩૭૦ની અસર જો જમ્મુના વિસ્તારમાં ન વર્તાય તો ભાજપને નુકસાન થાય. એ બાબતે ભાજપમાં ચિંતા પેઠી છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News