Get The App

દિલ્હી જીમખાના કલબની જમીન સરકારે પાછી માંગી

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હી જીમખાના કલબની જમીન સરકારે પાછી માંગી 1 - image

નવીદિલ્હી: લ્યુટીયન દિલ્હીમાં દિલ્હી જીમખાના કલબની ગણના સૌથી મોભાદાર કલબ તરીકે થાય છે. દિલ્હીમાં કેટલીક એવી કલબો છે કે જેના સભ્ય બનવા માટે કરોડો રૂપિયા આપવા છતા સફળતા મળતી નથી. દિલ્હી જીમખાના કલબ પણ એમાની એક છે. 

એમ કહેવાય છે કે આ કલબના સભ્યોમાંથી મોટા ભાગના લેફ્ટ લિબરલ વિચારધારાના છે. કેન્દ્ર સરકારે હવે આ કલબની જગ્યા પરત લેવાનું નક્કી કર્યું છે. આ કલબની જગ્યા સરકારે લીઝ પર આપી હતી. 

કલબનો ૨૭.૩ એકર પ્લોટ ડિફેન્સની સુવિધા વધારવાને મજબૂત કરવા માટે જરૂરી છે. 'ધ લેન્ડ એન્ડ ડેવલોપમેન્ટ ઓફિસ'એ કલબના સેક્રેટરીને પત્ર લખીને જણાવ્યું છે કે, પાંચમી જૂન પહેલા એમણે જરૂરી કાર્યવાહી કરી લેવી. કલબનું મકાન વડાપ્રધાનના નિવાસસ્થાનની નજીક આવ્યું છે.

બાંગ્લાદેશને શેખ હસિના કોઈપણ ભોગે જોઇએ છે

બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદએ કહ્યું છે કે, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસિનાને કાયદાકીય રીતે પાછી લાવવામાં આવશે. હસિનાએ હમણા જ ટીપ્પણી કરી હતી કે તેઓ ફાંસીનો સામનો કરી રહ્યા હોવા છતાં બાંગ્લાદેશ પરત ફરવાની આશા રાખે છે. હસિના ઓગસ્ટ ૨૦૨૪થી ભારતમાં રહે છે. વિદ્યાર્થીઓના વિદ્રોહ પછી એમની અવામી લીગની સરકાર તૂટી ગઈ હતી. હસિનાને ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં મૃત્યુ દંડની સજા બાંગ્લાદેશની કોર્ટે કરી હતી. બાંગ્લાદેશ કોઈપણ હિસાબે હસિના પરત લાવવા માંગે છે. બાંગ્લાદેશના મંત્રીઓ નિવેદન આપી રહ્યા છે કે, હસિનાને બાંગ્લાદેશની કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે અને એમની સામે ચાલી રહેલા તમામ કેસોનો સામનો કરવો પડશે. ભારત આ મામલે શું કરવા માંગે છે એનો ખુલાસો હજી સુધી થઈ શક્યો નથી.

તામિલનાડુમાં હાર્યા પછી ભાજપ ફેરફાર કરશે

તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં ગાજયા મેઘ વરસ્યા નથી. હવે ભાજપ તામિલનાડુના સંગઠનમાં મોટો ફેરફાર કરશે. પ્રદેશ પ્રમુખ નયનાર નાગેન્દ્રન એકાએક રાત્રે દિલ્હી આવ્યા હતા. ત્યાર પછી નેતૃત્વમાં પરિવર્તન થવાની શક્યતા ચર્ચાય રહી છે. ભાજપનું હાઇકમાન્ડ તામિલનાડુના પ્રદર્શન અને ભવિષ્યની રણનીતિ માટે મંથન કરે છે. નયનાર નાગેન્દ્રનએ ભાજપની એક અગત્યની કોર કમીટીમાં ભાગ લીધો હતો. આ બેઠક પક્ષના નબળા દેખાવની સમીક્ષા માટે બોલાવવામાં આવી હતી. બેઠક પૂરી થયા પછી તેઓ તાત્કાલીક દિલ્હી આવી ગયા હતા. એમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એપોઇન્ટમેન્ટ મેળવવા માટે પણ પ્રયત્ન કર્યા હતા. પ્રદેશ કોર કમીટીની બેઠકમાં પ્રમુખપદે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષ હતા. ચૂંટણી પ્રચારની નબળાઈ તેમજ બુથ સ્તરે સંકલનનો અભાવ હારનું કારણ બન્યા હોવાનું મનાય છે.

તામિલનાડુ પછી હવે રાજ્યસભાની બેઠકો પર ટીવીકેની નજર

તામિલનાડુમાં રાજ્યસભાની એક ખાલી થયેલી બેઠક પર યોજાનારી ચૂંટણીને કારણે રાજકારણ ગરમાયું છે. આ ચૂંટણી ૧૮મી જૂને થવાની છે. સત્તાધારી પક્ષ ટીવીકેની નવી સરકાર માટે આ પહેલી સંસદીય પરીક્ષા માનવામાં આવે છે. વિજય સત્તા પર આવ્યા પછી રાજ્યસભાની આ પહેલી ચૂંટણી છે. સીવી શનમુગમના રાજીનામાને કારણે આ બેઠક ખાલી થઈ છે. શનમુગમએ હમણા જ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી આ બેઠક ખાલી કરી હતી. બધાની નજર એ વાત પર છે કે ટીવીકે આ બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે કે કોઈ સાથી પક્ષને મોકો આપશે. કોંગ્રેસ પર પણ બધાની નજર છે. કોંગ્રેસે ટીવીકે સરકારને સમર્થન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તામિલનાડુ વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ૨૩૩ છે અને કોઈપણ ઉમેદવારે જીતવા માટે ૧૧૭ ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે.

રાજ્યસભા ચૂંટણી પછી ભાજપના સાંસદોની સંખ્યા કેટલી હશે

રાજ્યસભાની ૨૪ બેઠકો માટે ચૂંટણી કમિશને ૧૮મી જૂને ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. બે બેઠકો પર પેટા ચૂંટણી પણ થશે. રાજકીય સમીકરણ બદલાવાથી ભાજપને એક બેઠક અને કોંગ્રેસને બે બેઠક પર ફાયદો થઈ શકે છે. એનડીએને પણ બે બેઠકોનો ફાયદો થઈ શકે છે. જોકે ક્ષેત્રીય પક્ષોના સમીકરણ બદલાઈ શકે છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં રાજ્યસભાની ૧-૧ બેઠક માટે પેટા ચૂંટણી થશે. જે ૨૬ બેઠકો પર ચૂંટણી થઈ રહી છે એમાંથી એનડીએ પાસે ૧૮ બેઠકો છે. એમાંથી ૧૨ બેઠકો ભાજપની છે. એ સિવાય ૪ બેઠકો કોંગ્રેસ, ૩ વાયએસઆર કોંગ્રેસ પાર્ટી અને ૧ ઝારખંડ મુક્તિ મોરચા પાસે છે. કર્ણાટકમાંથી કોંગ્રેસના ૩ સભ્યો રાજ્યસભામાં જઈ શકે છે. એ જ રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી કોંગ્રેસના ૧-૧ ઉમેદવાર ચૂંટાશે.

હોસબોલેના નિવેદન સાથે સાથી નેતા સહમત

થોડા દિવસો પહેલા આરએસએસના મહામંત્રી દત્તાત્રેય હોસબોલેએ કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવી જોઈએ. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા અલગ છે. આરએસએસના વર્તુળમાં એવી ચર્ચા થઈ હતી કે હોસબોલેની વાત સાથે ભાજપના નેતાઓ મોટેભાગે સહમત નહીં હોય. આરએસએસમાં પણ આ બાબતે વિચારભેદ છે. જોકે આરએસએસના સાથી સંગઠન વનવાસી કલ્યાણ આશ્રમના પ્રમુખ સત્યેન્દ્ર સિંહે પણ આડકતરી રીતે હોસબોલેના નિવેદનને ટેકો આપ્યો છે. એમણે કહ્યું છે કે, પાકિસ્તાનના લોકો પોતાનો ઇતિહાસ સમજશે અને ભારતમાં પોતાના પૂર્વજોના મૂળિયા અને પરંપરા તરફ પાછા વળશે. સત્યેન્દ્ર સિંહે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યાર પછી ભારતથી અલગ દેશ બન્યો, પરંતુ ત્યાં રહેનારાઓના મૂળિયા હજી ભારતમાં છે. જોકે ભાજપ અને સંઘના જ કેટલાક હિન્દુવાદી નેતા માને છે કે પાકિસ્તાન ભરોસાપાત્ર નથી જેનો અનુભવ ભૂતકાળમાં પણ થઈ ગયો છે.

ભારતમાં લઘુમતી કોણ ?

ભારતમાં લઘુમતીની વ્યાખ્યા અને સ્થિતિ બાબતે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. વિવાદ ત્યારે શરૂ થયો કે જ્યારે રીજીજુએ મુસ્લિમ વસ્તીની સરખામણી પારસી ધર્મ સાથે કરી. આ બાબતે ઓવૈસીએ વળતો જવાબ આપતા આરોપ મૂક્યો હતો કે મંત્રી બંધારણીય કલમ ૩૦ હેઠળ મુસલમાનોને મળનારા મૂળભૂત અધિકારો નાબુદ કરવા માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે. રીજીજુએ કહ્યું હતું કે, 'જો આપણે ભારતમાં મુસ્લિમ વસ્તીને અલગ દેશ તરીકે જોઈએ તો દુનિયાનો છઠ્ઠો મોટો દેશ બની શકે છે. બીજી તરફ લગભગ ૫૨,૦૦૦ની વસ્તીવાળો પારસી ધર્મ એક કસબા કે ગામમાં સમાય જાય. આમ છતા દેશમાં મુસ્લિમ અને પારસી બંનેને લઘુમતી ગણવામાં આવે છે. હિન્દુઓને જે કઈ મળે છે એ લઘુમતીને પણ મળે છે, પરંતુ લઘુમતીને જે કઈ મળે છે એ હિન્દુઓને મળતું નથી.'