Get The App

દિલ્હીની વાત : ભાજપના નેતાનો ફજેતો, એક્સપ્રેસવે પર જાહેરમાં મહિલા સાથે સંબંધ બાંધ્યો

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
દિલ્હીની વાત : ભાજપના નેતાનો ફજેતો, એક્સપ્રેસવે પર જાહેરમાં મહિલા સાથે સંબંધ બાંધ્યો 1 - image


નવીદિલ્હી : સોશ્યલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના મંદસૌરથી પસાર થતા દિલ્હી - મુંબઈ એક્સપ્રેસવે ૮ ના સીસીટીવી ફૂટજનો આ વિડિયો છે. આ વિડિયોમાં એક વ્યક્તિ કાર રોકીને પોતાની મહિલા મિત્ર સાથે જાહેરમાં રસ્તા પર સંબંધ બાંધતા દેખાય છે. વિડિયોમા દેખાતી વ્યક્તિ ભાજપના નેતા મનોહર ધાકડ છે. ધાકડના પત્ની મંદસૌરના વોર્ડ નંબર ૮થી જિલ્લા પંચાયતના સભ્ય છે. ભાજપના નેતાનું કુકર્મ હાઇવે પર આવેલા હાઇસીક્યુરીટી સીસીટીવી કેમેરામાં રેકર્ડ થયું છે. આ ધ્રૂણાસ્પદ વિડિયો જોઈને લોકો સમસમી ગયા છે. ભાજપને પણ આ બાબતે જવાબ આપવો ભારે પડી રહ્યો છે.

ઓપરેશન સિંદુરમાં સામેલ વિંગ કમાન્ડર સરકાર સામે સુપ્રિમ કોર્ટ પહોંચ્યા

ઓપરેશન સિંદુરમાં સામેલ વાયુ સેનાના વિંગ કમાન્ડર નીકિતા પાંડેએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. સુપ્રિમ કોર્ટે ભારતીય વાયુ સેનાને કહ્યું છે કે, આગળની સુનાવણી સુધી નીકિતા પાંડેને નોકરીમાંથી નહી હટાવે. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમા હાજર રહેલા એડીશનલ સોલિસીટર જનરલ એશ્વર્યા ભાટી પાસેથી પણ કોર્ટે જવાબ માંગ્યો છે. ઓપરેશન સિંદુર અને ઓપરેશન બાલાકોટમાં સામેલ રહેલા વિંગ કમાન્ડરની સેવાના ૧૪ વર્ષ પૂરા થતા અને એમને કાયમી કમિશન નહીં મળતા હોદ્દા પરથી દુર કરવાના હતા. આ બાબતે નીકિતા પાંડેએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ સુર્યકાંત અને ન્યાયમૂર્તિ એન કે મેનનસિંહની બેન્ચે નીકિતા પાંડેની સેવા હાલ પુરતી ચાલુ રાખવાનો હુકમ કર્યો છે.

'તમે ફોન કર્યો મે જણાવ્યું... શું આ જ તમારી મધ્યસ્થી છે?' થરૂરનો ટ્રમ્પ પર કટાક્ષ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવા માટે ક્રેડીટ લેનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કટાક્ષ કર્યો છે. થરૂરે કહ્યું છે કે આ બાબતે કોઈ ત્રીજા પક્ષને મધ્યસ્થી થવા માટે કોઈએ કહ્યું નહોતું. થરૂરના કહેવા પ્રમાણે ભારત તરફથી પાકિસ્તાન સામે જે કાર્યવાહી થઈ એની જાણકારી વૈશ્વિક નેતાઓને ભારત સરકારે આપી હતી. કેટલાક દેશોના વિદેશમંત્રીઓને પણ ભારતે કરેલી કાર્યવાહીની જાણકારી આપવામાં આવી હતી. અમારી સરકારના વલણ બાબતે મને સારી રીતે ખબર છે. તમે મને કોલ કરો છો તો હું તમને બતાવું છું કે હું શું કરી રહ્યો છું અને શા માટે કરી રહ્યો છું. જો તમે એ વાત બીજા કોઈને કહેવા માંગતા હો તો એ તમારો અંગત નિર્ણય છે. આને મધ્યસ્થી કહેવાય નહીં.

જામીન આપવા માટે દિલ્હીના જજે લાંચ માંગ્યાનો આક્ષેપ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના એક સ્પેશિયલ જજ અને કોર્ટના ક્લાર્ક સામે આરોપીઓને જામીન આપવા માટે લાંચ માંગ્યાનો આક્ષેપ થયો છે. ફરિયાદ પછી એસીબીએ કોર્ટના ક્લાર્કની સામે એફઆઇઆર દાખલ કરી છે. જજને બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. દિલ્હી સરકારની એન્ટીકરપ્શન બ્રાન્ચે ન્યાય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને પત્ર લખી જજ અને કલાર્ક સામે તપાસ શરૂ કરવાની પરવાનગી માંગી છે. દિલ્હી હાઇકોર્ટ સમક્ષ મોકલવામાં આવેલી અરજીને એમ કહીને રદ કરવામાં આવી હતી કે, સ્પેશ્યલ જજ સામે એસીબી પાસે કોઈ ખાસ પુરાવા નથી. જોકે હાઇકોર્ટે  એસીબીને તપાસ ચાલુ રાખવા અને જજ સામે કોઈ પુરાવા મળે તો ફરીથી હાઇકોર્ટ આવવા કહ્યું છે.

વકફ સુધારા કાયદા પર અસદુદ્દીન ઓવૈસીની કડક પ્રતિક્રિયા

એઆઇએમઆઇએમ પક્ષના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વકફ સુધારા કાયદા સામે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ બોલાવેલી બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં એમણે પહેલગામ હુમલા બાબતે પણ પોતાની વાત રજુ કરી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે, 'વકફ સુધારા કાયદો લાવીને અમારી જમીનો પર કબજો કરવામાં આવે છે. આરએસએસ પાસે લિસ્ટ છે કે કઈ જમીનનો કબજો કરવો. એમની નજર અમારી મસ્જિદો પર છે. અમારા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. આ કાયદા પ્રમાણે એવું ફલીત થાય છે કે સરકાર કોઈપણ મસ્જિદને મસ્જિદ નહી માનશે અને સરકારની મિલકત બનાવી દેશે. મારે પૂછવું છે કે ભાજપ સરકારે શા માટે આ કાયદો બનાવ્યો. આ કાયદાને કારણે વકફની આવકમાં કોઈ વધારો નથી થવાનો. દેશમાં બીજેપી અફવા ફેલાવી રહી છે.' થોડા સમય પહેલા ઓવૈસીએ આતંકવાદ મુદ્દે સરકારને આપેલા ટેકા પછી જેઓ એમ માનતા હતા કે ઓવૈસી હવે કુણા પડયા છે તેઓ ખોટા પડયા છે.

મંત્રી વિજય શાહએ કર્નલ સોફિયા કુરેશીની ફરીથી માફી માંગી

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહએ કર્નલ સોફિયા કુરેશી બાબતે આપેલા વિવાદીત નિવેદન પછી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટે પણ એમને ઠપકો આપ્યો છે. કોર્ટે એમની માફી સ્વિકારવાની ના કહી દીધી છે. જોકે વિજય શાહએ ચોથી વખત સોફિયા કુરેશીની માફી માંગી છે. છેલ્લે માગેલી માફીમાં એમણે કહ્યું છે કે પહેલગામમાં થયેલા હત્યાકાંડથી હું ખૂબ દુખી છું. દેશ અને ભારતીય સેના પ્રત્યે મને હંમેશા માન રહ્યું છે. મારા દ્વારા કહેવામાં આવેલા શબ્દોથી લોકોની લાગણી ઘવાઈ છે. આ મારી ભુલ હતી. મારો આશય કોઈના ધર્મ, જ્ઞાાતિ કે સમુદાયને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું ફરીથી હાથ જોડીને માફી માંગુ છું.

વકીલોએ સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદી માટે વિદાય સમારંભ કેમ નહીં રાખ્યો

ઇતિહાસમાં પહેલી વખત સુપ્રિમ કોર્ટના કોઈ જસ્ટીસ રીટાયર્ડ થયા હોય ત્યારે એમનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો નથી. આ બાબતે મોટો વિવાદ પણ થયો હતો. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશનને વિનંતી કરી હતી કે, તેઓ જસ્ટીસ બેલા ત્રિવેદી માટે સન્માન સમારંભનું આયોજન કરે. જોકે સુપ્રિમ કોર્ટના કેટલાક વકીલો ટસના મસ થયા નહોતા. સુપ્રિમ કોર્ટના કેટલાક વકીલોને જસ્ટીસ બેલા ત્રિવેદી સામે વાંધા હતા. સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ કપીલ સિબ્બલના કેસની સુનાવણી વખતે પણ કોઈ વિવાદ થયો હતો. કેટલાક વકીલોની ફરિયાદ હતી કે જસ્ટીસ એમના પર ગુસ્સે થઈને ઠપકો આપતા હતા. કેટલીક નાની વાતને મોટુ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને વકીલોએ વિદાય સમારંભ રદ કરવાનું નક્કી કર્યું હતું.

કર્નલ સોફિયા વિશેના નિવેદનો ભાષાકીય ભૂલઃ વિજય શાહ

કર્નલ સોફિયા કુરેશી પરના વિવાદાસ્પદ નિવેદનો માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસમાં સપડાયેલા મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહ એક નવો વીડિયો જારી કરીને જણાવ્યું કે તેમના શબ્દો કોઈને અપમાન કરવા માટે નહિ પણ ભાષાકીય ભૂલ હતા. ૪૫ સેકન્ડના વીડિયોમાં શાહએ જણાવ્યું કે હું સમગ્ર ભારતીય સેના, બહેન કર્નલ સોફિયા અને તમામ દેશવાસીઓની માફી માગુ છું. તેમણે ઉમેર્યું કે તેમનો ઈરાદો કોઈ સમુદાય, ધર્મ અથવા દેશના લોકોને અપમાનિત કરવાનો નહોતો, પણ ભૂલથી આ શબ્દો બોલાઈ ગયા હતા.

હું માત્ર બિહાર માટે રાજકરણમાં છુંઃ ચિરાગ પાસવાન

કર્નલ સોફિયા કુરેશી વિશે તેમના નિવેદનો બદલ મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહની ટીકા કરતા કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ (રામ વિલાસ)ના ચીફ ચિરાગ પાસવાને જણાવ્યું કે આ વ્યક્તિ તેમના પક્ષમાં હોત તો તેને જીવનભર માટે  પાર્ટીમાંથી કાઢી મુક્યા હોત. પાસવાને વધુમાં આગામી વસતી ગણતરીમાં જાતિ ગણના સામેલ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું. પાસવાને જણાવ્યું કે તેમને રાજ્યના રાજકરણમાં વધુ રસ છે. મારા પિતા સ્પષ્ટ હતા અને તેમને કેન્દ્રમાં રસ હોવાથી રાજ્ય અને મતદારસંઘ માટે વધુ કામ ન કરી શક્યા. પણ મારા માટે રાજકરણમાં આવવાનો હેતુ જ બિહાર અને બિહારીઓ છે.

શશિ થરૂર રાહુલ ગાંધી સિવાય સૌની પસંદ

૧૮મી મેના રોજ ભારતીય કોમ્યુનીસ્ટ પાર્ટીના રાજ્ય ચીફ બિનોય વિશ્વમે થિરુવનંથપુરમના સાંસદ શશિ થરુરને કોંગ્રેસમાં રહેલા ભાજપના સ્લીપર સેલ સાથે સરખાવ્યા. સોશિયલ મીડિયા પર નોંધપાત્ર હાજરી ધરાવતા કેરળના આ ભૂતપૂર્વ મંત્રી કોંગ્રેસમાં રહેલા ભાજપના મળતિયા બાબતના રાહુલ ગાંધીના નિવેદનોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. વિશ્વમ અને થરુરના સારા સંબંધો હોવા છતાં તેમનો આવો અસામાન્ય હુમલો આશ્ચર્યજનક હતો. ગયા વર્ષે જ વિશ્વમે એક મુલાકાતમાં સ્પષ્ટતા કરી હતી કે કેવી રીતે કોંગ્રેસ નેતાગીરી અને થરુર વચ્ચે મતભેદને કારણે સીપીઆઈએ થિરુવનંથપુરમ લોકસભાની ટિકિટ શશિ થરુરને ઓફર કરી હતી. થરુરે ત્યારે ડાબેરી પક્ષની ઓફર મળી હોવાનું કબૂલ કરતા જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધી સિવાય તમામને પસંદ છે. ચૂંટણીમાં મહત્વનો વિજય હાંસલ કર્યા પછી થરુર કોંગ્રેસમાં મહત્વની ભૂમિકાની આશા રાખતા હતા પણ તેમની ઉપેક્ષા જ કરવામાં આવી.

એઈમ્સના ડાયરેક્ટર ડો. સ્નેહ ભાર્ગવે સંસ્મરણો વાગોળ્યા

ડો. સ્નેહ ભાર્ગવ ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ના રોજ એઈમ્સ દિલ્હીના પ્રથમ મહિલા ડાયેરક્ટર બન્યા હતા. આ તારીખ ભારતીય ઈતિહાસમાં વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના દિવસ તરીકે અંકિત થઈ ગઈ. જ્યારે તેમના નિયુક્તિ પત્ર પર સહી થઈ રહી હતી ત્યારે આસપાસ ઉહાપોહ થતા જાણ થઈ કે વડા પ્રધાનને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. ભાર્ગવ અગ્રણી રેડિયોલોજીસ્ટ હોવાથી તેમણે જ ઈન્દિરા ગાંધીને ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં સહાય કરી. તબીબી ક્ષેત્રમાં મહિલા તરીકે તેમની ઐતિહાસીક નિયુક્તિ રાષ્ટ્રીય દુર્ઘટનાથી ઢંકાઈ ગઈ. એક મહિલા દેશની અગ્રણી મેડિકલ સંસ્થા ચલાવી શકે કે કેમ તેવા સંશયો અને ગણગણાટ હોવા છતાં ભાર્ગવ મક્કમ રહ્યા. તેમણે ગર્વભેર જાહેર કર્યું કે જો ઈન્દિરા ગાંધી મહિલા થઈને દેશ ચલાવી શકે તો હું હોસ્પિટલ શા માટે ન સંભાળી શકું. ૧૯૮૪થી ૧૯૯૦ સુધીના છ વર્ષનો તેમનો કાર્યકાળ આઈકોનિક રહ્યો જેમાં તેમણે રાજકુમારી અમ્રિત કૌર દ્વારા સ્થાપિત એઈમ્સના વિઝનને આગળ વધાર્યું. હવે ૯૫માં વર્ષે ડો. ભાર્ગવ તેમની આત્મકથા ધી વુમન હુ રેન એઈમ્સમાં મક્કમતા અને નેતૃત્વના પુરાવારૂપ તેમની સફરને યાદ કરે છે.

- ઈન્દર સાહની

Tags :