Get The App

દિલ્હીની વાત : કેન્દ્રના મંત્રીઓ સહિત કર્ણાટકના 48 ધારાસભ્યો હની ટ્રેપમાં ફસાયા

Updated: Mar 25th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : કેન્દ્રના મંત્રીઓ સહિત કર્ણાટકના 48 ધારાસભ્યો હની ટ્રેપમાં ફસાયા 1 - image

નવી દિલ્હી : કર્ણાટકના સહકાર મંત્રી કે એન રાજન્નાએ વિધાનસભાની બેઠક દરમિયાન એવો દાવો કર્યો છે કે રાજ્યના ૪૮ ધારાસભ્યોને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકારના કેટલાક મંત્રીઓ પણ હનીટ્રેપમાં ફસાયા છે. રાજન્ના પુત્ર રાજેન્દ્રએ આ બાબતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળ્યા હતા. રાજકીય વર્તુળોમાં હવે અટકળો થઈ રહી છે કે, કયા કેન્દ્રીય મંત્રીઓ હની ટ્રેપમાં ફસાયા છે. 

હની ટ્રેપ રેકેટ બાબતે હવે દિલ્હી જઈને કોંગ્રેસ હાઇકમાન્ડ સામે પણ રજુઆત કરવામાં આવશે. કર્ણાટકના ઉપમુખ્યમંત્રી બી કે શિવકુમાર જોકે આ વિવાદથી દૂર રહ્યા હતા. એમનું કહેવું છે કે આ બધા ગપ્પા છે અને એને માટે કોંગ્રેસ હાઇકમાન્ડને મળવું જરૂરી નથી. એમણે રાજન્ના સાથે વાત કરી છે અને આ બાબતે પોલીસ ફરિયાદ કરવા માટે પણ કહ્યું છે. 

ભાજપના સિનિયર મંત્રીઓ પર નીતિન ગડકરીના આડકતરા પ્રહાર

કેન્દ્રીય પરીવહન મંત્રી નીતિન ગડકરી અને ભાજપના સિનિયર નેતાઓ વચ્ચે અણબનાવ છે એ વાત નવી નથી. નીતિન ગડકરી વારંવાર જાહેર મંચ પરથી ભાજપના સિનિયર નેતાઓ કફોડી સ્થિતિમાં મૂકાઈ જાય એવા નિવેદનો કરતા રહે છે. એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ મીડિયાની ભૂમિકા વિશે હકારાત્મક વાત કરતા કરતા મીડિયાને કહ્યું હતું કે, સરકારના મંત્રાલયમાં કોઈ ખોટુ કામ થતું હોય તો એને પણ પત્રકારોએ બહાર પાડવું જોઈએ. જે મંત્રીના મંત્રાલયમાં ખોટા કામ થતા હોય એમને બોચીમાંથી પકડવાની જરૂર છે. ભ્રષ્ટ દલાલો અને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકવા જોઈએ. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, નીતિન ગડકરીએ આડકતરી રીતે મોદી અને શાહ પર તીર માર્યા છે. 

કામરા માફી નહીં માંગે તો મુંબઈમાં ફરવા નહીં દઈએ : શિવસેના

વિવાદાસ્પદ કોમેડિયન કુણાલ કામરાને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર કોમેડી કરવાનું ભારે પડી ગયું છે. એમની સામે પોલીસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. કોમેડિ શોમાં કામરાએ શિંદેનું નામ નહોતું લીધુ પરંતુ આડકતરી રીતે ઇશારો એકનાથ શિંદે તરફ જ હતો. 

શિવસેનાના કાર્યકરોએ કામરાને ચેતવણી આપી છે કે તેઓ શિંદેની માફી માગે, નહીં તો મુંબઈમાં એમને ફરવા દેવામાં આવશે નહીં. આ શોનું શૂટીંગ જે સ્થળે થયું હતું ત્યાં શિવસૈનિકોએ ધસી જઈ તોડફોડ કરી હતી. કામરાએ આડકતરી રીતે શિંદેને ગદ્દાર કહ્યા હતા. શિવસેના (એકનાથ શિંદે)ના ધારાસભ્ય મૂરજી પટેલએ કહ્યું છે કે, 'કામરા સામે પોલીસ તરત કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. જો કામરા માફી નહીં માગે તો જ્યાં પણ એ દેખાશે ત્યાં એનું મોઢુ કાળુ કરવામાં આવશે. આ મુદ્દો અમે વિધાનસભામાં પણ ઉઠાવવાના છીએ.' 

રાયગઢના કિલ્લામાંથી કૂતરાની પ્રતિમા હટાવવાની માંગણી

રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને કોલ્હાપુર રાજપરિવારના વંશજ સંભાજી રાજે છત્રપતિએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કહ્યું છે કે, રાયગઢ કિલ્લામાંથી કૂતરાની પ્રતિમા હટાવી લે. ૧૯૨૦માં અહીં કૂતરા માટે સ્મારક બનાવવામાં આવ્યું હતું. એમ મનાય છે કે મરાઠા સમ્રાટનો ક્રોસબ્રીડ કૂતરો હતો. 

જ્યારે શિવાજીનું મૃત્યુ થયું ત્યારે કૂતરાએ એમની ચિતા પર કુદીને જાન આપી દીધો હતો. સંભાજી રાજે છત્રપતિના કહેવા પ્રમાણે ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ પ્રમાણે આવો કોઈ કૂતરો હોવાના પુરાવા નથી. ૧૭મી શતાબ્દીમાં શિવાજી મહારાજની રાજધાની રાયગઢના કિલ્લામાં એમના સ્મારક પાસે વાઘ્યા નામના કૂતરાનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. 

સુશાંતના મૃત્યુ બાબતે મુંબઈ પોલીસની વર્તણૂક શંકાસ્પદ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ મામલે સીબીઆઇએ ફાઇનલ રીપોર્ટ દાખલ કર્યો છે. ત્યાર પછી બિહારના ભૂતપૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ મુંબઈ પોલીસની વર્તણૂક બાબતે શંકા વ્યક્ત કરી છે. એમના કહેવા પ્રમાણે મુંબઈ પોલીસે શરૂઆતથી જ સુશાંતસિંહના કેસ બાબતે શંકાસ્પદ તપાસ કરી હતી.

 તત્કાલીન ડીજીપીનું કહેવું છે કે, 'સુશાંતના મૃત્યુના સમાચાર આવવાના ૨૦ દિવસની અંદર કિસ્સો ઠંડો પડી ગયો હતો. ત્યાર પછી સુશાંતના પિતાએ પટણામાં ફરીયાદ દાખલ કરીને ફરીથી તપાસ માંગી હતી જેને કારણે બિહાર પોલીસને મુંબઈ મોકલવામાં આવી હતી. એ વખતે મુંબઈ પોલીસે બિહાર પોલીસને કોઈ સહકાર આપ્યો નહોતો.'  બિહાર પોલીસ સાથે એક આઇપીએસ અધિકારી ગયા હતા એમને કારણ વગર ક્વોરન્ટાઇન કરીને પૂરી દેવામાં આવ્યા હતા. 

કોંગ્રેસ પછી હવે અખિલેશ યાદવે પણ જસ્ટીસ વર્માને ઝાટક્યા

દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના ઘરમાંથી મળેલી કરોડો રૂપિયાની ચલણી નોટ બાબતે દેશ આખામાં વિવાદ ચાલી રહ્યો છે. દરેક વિવાદમાં ઝંપલાવતા ભાજપના પ્રવક્તાઓ એકદમ ચૂપ હોવાથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે કંયાક જસ્ટીસ વર્માની બેઇમાનીનો રેલો ભાજપ સુધી તો નથી પહોંચતોને. આ બાબતે કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ વર્માની ઉંડાણપૂર્વક તપાસ કરવા કહ્યું છે અને હવે સપાના પ્રમુખ અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું છે કે, જજ સાહેબ પાસે આટલી મોટી રકમ નહીં હોય.  એવું બની શકે કે એમણે કોઈ પાસે આ રકમ ઉધાર લીધી હશે. તમે આગમાં બળી ગયેલી નોટોનો વિડિયો જુઓ એમાં એક ભગવા રંગનું કપડું દેખાય છે. અકસ્માતે આગ લાગી જાય છે અને ઉધાર લીધેલા પૈસા સળગી જાય એમા એમનો વાંક નથી. ભાજપના રાજમાં કરોડો રૂપિયા બે નંબરના મળે છે, પરંતુ એનું શુ થાય છે એની આપણને ખબર નથી. 

ગ્રામ્ય વિસ્તારના કુટુંબોના ખોરાકમાં પ્રોટીનની ભારે અછત

ભારતના ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે પ્રોટીનયુક્ત  ખોરાક હોવા છતાં અને આર્થિક રીતે પોસાતુ હોવા છતાં સમતલ આહાર લઈ રહ્યા નથી. કેટલાક કિસ્સાઓને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારના લોકો દાળ, ચણા કે ડેરીની બીજા ઉત્પાદનો ખરીદી શકે એમ છે, પરંતુ જાણકારીના અભાવે પ્રોટીનયુક્ત ખોરાક ખાતા નથી. ઇન્ટરનેશનલ ક્રોપ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ફોર ધ સેમી એરીડ ટ્રોપિક્સ, ઇન્ટરનેશનલ ફૂડ પોલીસી રીસર્ચ ઇન્સ્ટીટયુટ અને સેન્ટર ફોર ઇકોનોમીક એન્ડ સોશિયલ સ્ટડીઝના વૈજ્ઞાાનીકોએ છ રાજ્યોના જિલ્લાઓમાં સર્વેક્ષણ કર્યું હતું. આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ગ્રામ વિસ્તારના લોકોનો આહાર ચોખા અને ઘઉં પર વધુ આધારીત છે. આ ખોરાક લેવાથી શરીરને જરૂરી એમીનો એસીડ મળતા નથી જને કારણે યોગ્ય પોષણ મળી શકતું નથી. 

દિલ્હીમાં મંદિર તોડવાના આદેશો કોણ આપે છે : લોકોમાં સવાલ

દિલ્હીમાં તાજેતરમાં ભાજપની સરકાર બની પછી બે એવા કિસ્સા સામે આવ્યાં કે જેમાં કોઈ મંદિર દબાણમાં આવતું હોય એને તોડવા માટે અધિકારીઓ ટીમ પહોંચી હોય અને પછી રાજકીય ડ્રામા થાય, મંત્રી કે ધારાસભ્ય આવીને મંદિર નહીં તૂટે એવું આશ્વાસન આપે ને પછી બુલડોઝર પાછા જાય. હમણાં જ મંત્રી પ્રવેશ વર્માએ એક કિસ્સો સોશિયલ મીડિયામાં લખ્યો કે તેમને યમુના બાજારમાં નીલી છતરીવાલા મંદિર તોડવામાં આવશે એવો મેસેજ આવ્યો. તેમણે ઘટનાસ્થળે પહોંચીને આશ્વાસન આપ્યું અને મંદિરને નહીં તોડાય એવી ખાતરી આપી. અગાઉ પડપડગંજના ધારાસભ્ય રવિન્દ્ર સિંહ નેગીએ પણ ડીડીએનું બુલડોઝર આવ્યું તેને પાછું મોકલ્યું હતું. લોકોમાં સવાલ એ છે કે છેક છેલ્લી ઘડી સુધી સરકારને ખબર નથી હોતી કે ક્યાં બુલડોઝર ચાલવાનું છે?ડીડીએ એટલે કે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી તો કેન્દ્ર સરકારના અર્બન અને હાઉસિંગ વિભાગ હેઠળ કાર્ય કરતી એજન્સી છે. તો કેમ મંદિર તોડવાનો આદેશ આપવામાં આવે છે?

બંગાળમાં ડાબેરી પાર્ટીએ લોગોના કલરમાં ફેરફાર કર્યો

૧૯૭૭થી ૨૦૧૧ સુધી બંગાળમાં સત્તામાં રહેલા સીપીઆઈએમને ગત ચૂંટણીમાં માત્ર ૫. ૭ ટકા મતો મળ્યા હતા. બંગાળમાં એક સમયે ખૂબ જ શક્તિશાળી જનાધાર ધરાવનારી પાર્ટીની ઉત્તરોત્તર પડતી થઈ પછી એમાંથી પાર્ટી હજુ બેઠી થઈ નથી. હવે પાર્ટીએ સંગઠનમાં અને તેની કામ કરવાની પદ્ધતિમાં ફેરફારો શરૂ કર્યા છે. એમાંનો એક ફેરફાર લોગોમાં થયો છે. ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં સીપીઆઈએમનું ડીપી ચેન્જ થયું છે. એમાં નવો લોગો જોવા મળ્યો છે. પહેલી વખત સીપીઆઈએમના લોગોમાં બેકગ્રાઉન્ડમાંથી લાલ રંગને જાકારો આપવામાં આવ્યો છે અને તેના સ્થાને આકાશ દેખાય છે. અત્યાર સુધી વાદળી રંગનો વિરોધ કરતા ડાબેરીઓએ કેમ અચાનક લાલ રંગ હટાવી દીધો છે એવો સવાલ ટીએમસીના નેતાઓ પૂછી રહ્યા છે. આને ડાબેરીપાર્ટીનું વૈચારિક પરિવર્તન માનવામાં આવે છે.

તેલંગણાને ભેદભાવ મુદ્દે રેવન્થ રેડ્ડી અને કેટીઆર એકમત

તેલંગણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડી અને બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટીઆર એકબીજાના કટ્ટર ટીકાકાર છે. બંનેના રાજકારણનો આધાર જ એકબીજાના ટીકા પર રહેલો છે. રેવન્થ રેડ્ડીના મોટાભાગના નિર્ણયોની કેટીઆર ટીકા કરે છે. કેટીઆર કે. ચંદ્રશેખર રાવના દીકરા છે અને અત્યારે પાર્ટીની ધૂરા તેમના હાથમાં છે. જોકે, તેલંગણા સાથે કેન્દ્ર સરકાર અન્યાય કરે છે એ મુદ્દે રેવન્થ રેડ્ડી અને કેસીઆર એકમત થતાં ભાજપ પાસે એનો જવાબ નથી. તમિલનાડુમાં સ્ટાલિને બોલાવેલી દક્ષિણના રાજ્યોની પાર્ટીઓના પ્રતિનિધિઓની બેઠકમાં તેલંગણામાંથી કોંગ્રેસના પ્રતિનિધિ અને બીઆરએસના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને બંને એકબીજાની વાતમાં સૂર પુરાવતા હતા.

રાજીવ ચંદ્રશેખરને કેરળ ભાજપ યુનિટના પ્રમુખ બનાવાયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને કેરળ ભાજપના પ્રમુખ બનાવાયા છે. કે. સુરેન્દ્રનનો કાર્યકાળ પૂરો થયો પછી એવા નેતાને પ્રમુખ બનાવવાની કાર્યકરોની માગણી હતી કે જે રાજ્યમાં પાર્ટીનું કામ ઉત્સાહથી કરી શકે. પાર્ટી હાઈકમાન્ડને રાજીવ ચંદ્રશેખર  પર ભરોસો હતો. રાજીવ ચંદ્રશેખર કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. ખાસ તો પીએમ મોદીને તેમના પર ભરોસો છે. આગામી ચૂંટણીમાં ભાજપ કેરળમાં ગીયર બદલવા માગે છે અને રાજીવ ચંદ્રશેખર એ કામ કરી શકશે એવો પાર્ટીને ભરોસો છે. રાજીવ ચંદ્રશેખરે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શશિ થરુરને બરાબરની ટક્કર આપી હતી.

- ઈન્દર સાહની