દિલ્હીની વાત : ઉપરાષ્ટ્રપતિ બનવા માટે મોદી સરકારની પસંદ કોણ છે
નવીદિલ્હી : જગદીપ ધનખનડનું રાજીનામું સ્વિકારાયા પછી નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે એ માટે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ભાજપના નેતાઓ પણ વિવિધ વ્યક્તિઓના નામની ચર્ચા કરી રહ્યા છે. ભાજપના સિનિયર નેતાઓ માની રહ્યા છે કે નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે બિહારના રાજ્યપાલ આરીફ મોહમદ ખાનનું નામ સૌથી આગળ છે. એમ મનાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુકે અને માલદીવ યાત્રા પછી નવા ઉપરાષ્ટ્રપતિ બાબતે નિર્ણય લેવાય શકે છે. કેટલાક રાજકીય નીરિક્ષકો રક્ષામંત્રી રાજનાથસિંહનું નામ પણ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે લઈ રહ્યા છે. જોકે રાજનાથસિંહ અંગત રીતે ઉપરાષ્ટ્રપતિ બનવા માંગતા નથી કારણ કે રાજકીય રીતે રક્ષામંત્રી તરીકે એમને વધુ પાવર છે. કેટલાક વળી ભાજપ પ્રમુખ જેપી નડ્ડાનું નામ પણ આગળ કરી રહ્યા છે.
આમને ઉપરાષ્ટ્રપતિ બનાવશો તો પાપોનું પ્રાયશ્ચિત થશે
તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ માંગણી કરી છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, ભૂતપૂર્વ રાજ્યપાલ અને તેલંગાણાના ઓબીસી નેતા બંડારૂ દત્તાત્રેયને ભારતના ઉપરાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. એમના કહેવા પ્રમાણે આ પદ તેલંગાણાને આપવું જોઈએ. કારણ કે તેલુગુ ભાષા દેશની બીજા નંબરની ભાષા છે. તેલુગુ ભાષા સાથે ન્યાય થવો જોઈએ. જગદીપ ધનખડના રાજીનામાને પણ એમણે કમનસીબ ગણાવ્યું હતું. એમણે કહ્યું હતું કે, 'આગલા ઉપરાષ્ટ્રપતિ તેલંગાણાના હોવા જોઈએ કારણ કે તેલંગાણાને એનો હક છે. તમે તેલંગાણાના લોકો સાથે અન્યાય નહીં કરી શકો. જો તમે દત્તાત્રેયને ભારતના ઉપરાષ્ટ્રપતિ બનાવશો તો તમારા કેટલાક પાપ માફ થશે.' ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકયા નાયડુનો ઉલ્લેખ કરતા રેડ્ડીએ કહ્યું હતું કે, એક તેલુગુ ભાષી વ્યક્તિને એ વખતે પણ અન્યાય કરવામાં આવ્યો હતો.
બિહાર વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા આરજેડીની ધમકી
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે મતદારોની સૂચીની એસઆઇઆર (સ્પેશ્યલ ઇન્ટેનશીવ રીવીઝન) બાબતે વિવાદ થયો છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવને પૂછવામાં આવ્યું કે, શું વિરોધ પક્ષો એક થઈને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેશે? એ વખતે તેજસ્વી યાદવએ કહ્યું હતું કે, આ વિષય પર ચર્ચા થઈ શકે છે. અમે જોઈશું કે લોકો શું કહે છે અને બધાના અભિપ્રાય કેવા છે. તેજસ્વીએ કહ્યું હતું કે જ્યારે ચૂંટણી પ્રમાણિકતાથી થઈ રહી નથી ત્યારે ચૂંટણી કરવાનો શું ફાયદો? ભાજપને જ તાસક પર સત્તા આપી દો. ચૂંટણી અગાઉથી ફિક્સ થઈ ગઈ છે. અત્યાર સુધી ચૂંટણી કમિશનએ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. પહેલા મતદારો સરકારને ચૂંટતા હતા હવે સરકાર મતદારોને ચૂંટી રહી છે.
નાની ભૂલો માટે વકીલોને દંડીત કરવા જોઈએ નહીં
સૂપ્રિમ કોર્ટે ટીપ્પણી કરતા કહ્યું છે કે નાની ભૂલો માટે વકીલોને દંડીત કરવા જોઈએ નહીં કારણ કે એને કારણે એમની કારકીર્દી પર ગંભીર અસર પડે છે. કોર્ટે એક પ્રવક્તા વિરૂદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, 'કાયદાની મહાનતા સજા કરવામાં નહીં, પરંતુ માફી આપવામાં છે.' સીજેઆઇ બી આર ગવઇ, જસ્ટીસ કે વિનોદચંદ્રન અને જસ્ટીસ જોઇલ માલ્ય બાગચીની બેન્ચએ કેસની સુનાવણી કરી રહી હતી કે જેમાં સુપ્રિમ કોર્ટની બીજી બેન્ચે વિભાજીત ચૂકાદો આપ્યો હતો. પહેલા જસ્ટીસ બેલા ત્રિવેદી અને જસ્ટીસ સતીષચંદ્ર શર્માની બેન્ચે એવું માની લીધું હતું કે એડવોકેટ ઓન રેકોર્ડ અને સહાયક વકીલે પોતાના કર્તવ્યનું પાલન કર્યું નથી. જોકે સજા આપવા બાબતે બંને જજોનો નિર્ણય અલગ હતો.
મહાભિયોગ અને ધનખડના રાજીનામા વચ્ચે અમિત શાહ લોકસભા સ્પીકરને મળ્યા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ આપેલા રાજીનામા પછી દેશ આખાનું રાજકારણ વિવિધ ભાગોમાં વહેંચાઈ ગયું છે. આ વિવાદ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને ઘરે જઈને મળ્યા હતા. સંસદના બંને ગૃહો ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા જસ્ટીસ યશવંત વર્માને એમના પદ પરથી હટાવવાની તૈયારી કરી રહ્યા છે. જસ્ટીસ વર્માની સામે મહાભિયોગ લાવવાની નોટીસ લોકસભાના અધ્યક્ષને આપવાના થોડા કલાકો પછી સિનિયર મંત્રીઓએ સંસદભવન સ્થિત બિરલાની ઓફિસમાં એમની સાથે મુલાકાત કરી હતી. એ વખતે સંસદીય કાર્યમંત્રી કિરેન રીજીજુએ કહ્યું હતું કે, વિવિધ પક્ષોના ૧૫૨ સાંસદોએ નોટીસ પર સહી કરી છે. એ જ રીતે બીજા એક પ્રસ્તાવ માટે વિરોધ પક્ષો દ્વારા અપાયેલી નોટીસનો પણ રાજ્યસભાએ સ્વિકાર કર્યો છે.
મમતા બેનર્જીની મુસ્લિમ વોટ બેન્ક તૂટવાની તૈયારી
પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતિ ધરાવતા મુરસીદાબાદ જિલ્લાના ભરતપુરથી ચૂટાયેલા ટીએમસીના ધારાસભ્ય હુમાયુ કબીરએ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષને ખુદા હાફીઝ કરી દીધા છે. કબીરએ ૧૫ ઓગસ્ટ પછી નવો પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. જિલ્લા નેતૃત્વથી નારાજ થઈને કબીરએ નવો પક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. એમણે જાહેરાત કરી છે કે જૂનો પક્ષ માલદા, મુરશીદાબાદ, ઉત્તર દિનાદ પુર અને નદીયાની ૫૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. આ તમામ જિલ્લાઓમાં મુસ્લિમ મતદારો બહુમતિમાં છે. હુમાયુએ સ્પષ્ટતા કરી છે કે એમને મમતા બેનર્જી અને અભિષેકથી કોઈ નારાજગી નથી, પરંતુ એમનો આરોપ છે કે મુરસીદાબાદના સિનિયર નેતાઓ એમની સૂચનાનું પાલન કરતા નથી.
તમે તો હંમેશા આગળ રહો છો, છાપુ વાંચ્યુ અને કેસ ફાઇલ કરી દીધો
ચિફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઇ કોર્ટની અંદર અને બહાર વાકપટુતા માટે જાણીતા છે. ૧૯૯૫ના વકફ સુધારા કાયદાની કેટલીક બાબતોને ચેલેન્જ કરનારી એક અરજીને દિલ્હી હાઇકોર્ટમાંથી સુપ્રિમ કોર્ટમાં સ્થળાંતરીત કરવાની માંગણી કરવામાં આવી હતી. આવી માંગણી કરતી અરજી જ્યારે સુપ્રિમ કોર્ટ સમક્ષ આવી ત્યારે સીજેઆઇ અરજી કરનાર વકીલ પર ગુસ્સે થઈ ગયા હતા. સીજેઆઇએ એવા શબ્દોમાં અરજી કરનાર વકીલને કહ્યું હતું કે, વકીલએ અરજી તરત પાછી ખેંચી લીધી. ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયએ આ અરજી દાખલ કરી હતી. અશ્વિની ઉપાધ્યાયએ કોર્ટને કહ્યું હતું કે, 'આ બાબતે હું પહેલો વ્યક્તિ હતો... મારી અરજીને કારણે જ એ વાત સામે આવી કે વકફએ કઈ રીતે જમીન પડાવી લીધી છે.' આ સાંભળીને સીજેઆઇ બી આર ગવઇએ કટાક્ષ કરતા કહ્યું કે તમે તો હંમેશા પહેલા જ હો છો. તમે હંમેશા છાપાઓ વાંચીને અરજી કર્યા કરો છો.
જગદીપ ધનખડનું સત્તાવાર નિવાસસ્થાન સીલ?
સોશ્યલ મિડિયા પર ફરતી પોસ્ટ અનુસાર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સત્તાવાર નિવાસસ્થાન સીલ કરવામાં આવ્યું છે અને તેમને બંગલો ખાલી કરવા માટે જણાવાયું છે. પણ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યાને પીઆઇબીના ફેક્ટ ચેકિંગ યુનિટે આ પોસ્ટને ફેક ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન સંસદ ભવનની પડખે અને નોર્થ બ્લોકની પાછળ આવેલું છે. એક અખબારી અહેવાલ અનુસાર સોમવારે સાંજે જગદીપ ધનખડ તેમનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપીને પાછા ફર્યા બાદ તરત જ તેમનો સામાન પેક કરવા માંડ્યા હતા. આ બાબતથી વાકેફ એક સૂત્રના જણાવ્યા અનુસાર તેઓ નવા ટાઇપ એઇટ સરકારી બંગલામાં રહેવા જવાના છે. સામાન્ય રીતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓને રિટાયરમેન્ટ હોમમાં જવા માટે એક મહિનાનો સમય આપવામાં આવે છે. પણ ધનખડના કિસ્સામાં બંગલાને ખાલી કરવા માટે અસામાન્ય ઉતાવળ કરાઇ હોવાનું જણાયું હતું.
રિજિજુ અને નડ્ડાએ ધનખડને સમજાવ્યા પણ તે નિયમ અનુસાર જ વર્ત્યા
જસ્ટિસ યશવંત વર્મા સામે વિરોધપક્ષ પ્રાયોજિત મહાભિયોગની નોટીસને ધનખડે સ્વીકારી હોવાનું જણાતાં જ બે વરિષ્ઠ પ્રધાનોએ તેમને મળી સમજાવ્યા હતા. તેમાંથી એકે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પગલું મંજૂર નથી તેવો નિર્દેશ પણ આપ્યો પણ ૭૪ વર્ષના ધનખડે ગૃહના નિયમો અનુસાર વર્તવાનો આગ્રહ રાખ્યો હતો. હાઇકોર્ટના જજ વર્મા સામે ૬૩ સભ્યોની સહી ધરાવતી મહાભિયોગની દરખાસ્ત બાબતે લોકસભામાં સર્વાનુમતિ સાધવાની પ્રક્રિયા થઇ રહી હોવા બાબતે રાજ્યસભાના નેતા જેપી નડ્ડા અને કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ ધનખડ સાથે વાત કરી હતી. તેમણે દર્શાવ્યું હતું કે વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ દરખાસ્ત પર સહી કરી દીધી છે અને અચાનક બનેલી આ ઘટનાથી વડાપ્રધાન ખુશ નથી તેવો નિર્દેશ પણ આપ્યો હતો. પણ ધનખડે સાનમાં સમજાવ્યું હતું કે તેઓ ગૃહના નિયમો અનુસાર જ વર્તી રહ્યા છે. રાજ્ય સભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બપોરે સાડા બાર વાગે યોજાઇ તે પછી નડ્ડા, રિજિજુ અને ધનખડ વચ્ચે વાત થઇ હતી. એ પછી નેતાઓએ સોમવારે સાંજે યોજાયેલી બીજી બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં ન જવાનું નક્કી કર્યું હતું.
બંડારુ દત્તાત્રેયને ઉપરાષ્ટ્રપતિ બનાવવાની રેવંત રેડ્ડીની સલાહ
૨૧ જુલાઇએ જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપી દીધું તે પછી તેમના અનુગામી તરીકે ભાજપના પીઢ નેતા બંડારૂ દત્તાત્રેયને પસંદ કરી મોદી સરકારે તેની ભૂલને સુધારી લેવી જોઇએ તેમ તેલંગણાના મુખ્ય પ્રધાન એ.રેવન્ત રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું હતું. કોંગ્રેસના વર્તમાન ત્રણ મુખ્ય પ્રધાનોમાંના એક રેડ્ડીએ જણાવ્યું હતું કે તેલુગુ બોલતી પ્રજાના નેતાઓ એમ.વૈન્કયા નાયડુ અને બંડી સંજય કુમારને કોરાણે મુકવાની ભૂલ મોદી સરકારે દત્તાત્રેયને ઉપરાષ્ટ્રપતિ બનાવી સુધારી લેવી જોઇએ.
ઓગસ્ટ ૨૦૨૨માં એમ. વૈન્કયા નાયડુની ઉપરાષ્ટ્રપતિ તરીકે મુદત પુરી થવાને પગલે તેમને રાષ્ટ્રપતિ બનાવવાની વાતો થઇ હતી પણ તેમને અન્યાય કરી પરત મોકલી દેવામાં આવ્યા હતા.પોતાની સરકારના જાતિ સર્વેક્ષણનું પક્ષની નેતાગીરી સમક્ષ રજૂઆત કરવા દિલ્હી આવેલાં રેડ્ડીએ જણાવ્યું હતું કે ધનખડના અનુગામી તરીકે દત્તાત્રેય આદર્શ ઉમેદવાર છે. રેડ્ડીએ ગયા મહિને દત્તાત્રેયની જીવનકથાનું વિમોચન કરતી વખતે તેમને અજાતશત્રુ ગણાવ્યા હતા.
-ઇન્દર સાહની