નવીદિલ્હી : સત્તાધારી પક્ષ દેશની વિદેશ નીતિ બાબતે હંમેશા ડંફાસ મારે છે. જોકે વિશ્વના બીજા દેશોની સરખામણીમાં ભારતની વિદેશ નીતિ ડચકા ખાઈ છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ આપેલા ભાષણમાં અમેરિકાના વર્ચસ્વ બાબતે આડકતરી રીતે ટોણા માર્યા હતા. ઇન્ડિયાના લગભગ તમામ દેશો ટ્રમ્પથી નારાજ છે, પરંતુ માર્કની જેમ ખુલીને બોલવાની હિંમત કોઈ કરતું નથી. ભારત સહિત બીજા દેશોને એવું લાગે છે કે, ન બોલવામાં જ નવ ગુણ છે. માર્ક કાર્ની ખુલ્લેઆમ કહી રહ્યા છે કે એવી વ્યવસ્થા પાછી નહીં આવે અને એને માટે દુ:ખી થવાની પણ જરૂર નથી. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, ભારત હમણા તો ચૂપ છે, પરંતુ જ્યારે બોલતું હતું ત્યારે પણ એવું લાગતું નહોતું કે, મહાશક્તિ બનવાની રેસમાં છે. ભારતે જો પોતાની શક્તિ સ્થાપીત કરવી હોય તો કેનેડાના વડાપ્રધાન પાસેથી શીખવું જોઈએ.
ભાજપની સિનિયર નેતાગીરીને ગડકરીનો ફરીથી ટોણો
વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી અને ભાજપની શીર્ષ નેતાગીરી વચ્ચે હંમેશા ઠંડુ યુદ્ધ ચાલતુ રહે છે. બીજા કેન્દ્રીય મંત્રીઓની માફક નીતિન ગડકરીનું મંત્રાલય પીઓમઓ ઓફિસમાંથી ચાલતુ નથી. નીતિન ગડકરી હંમેશા ભાજપના સિનિયર નેતાઓને આડકતરો ટોણો મારતા રહે છે. હવે એમણે ભાજપના સિનિયર નેતાઓને સંભળાવ્યું છે કે, વડીલો તમારી ઉંમર થઈ ગઈ છે, હવે નિવૃત્ત થાઓ. યુવાનોને તક આપો. હવે તમારે આરામ કરવો જોઈએ. એમ મનાય છે કે જે રીતે થોડા વર્ષો પહેલા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી... જેવા નેતાઓને સલાહકાર સમીતિમાં મોકલી દેવામાં આવ્યા હતા એ રીતે હવે આ નેતાઓએ પણ સલાહકાર સમિતિમાં જવાની જરૂર છે. નીતિન ગડકરી પર ભ્રષ્ટાચારના આક્ષેપો વારંવાર થતા રહે છે. જોકે નીતિન ગડકરી સંઘના કેટલા નેતાઓની નજીક હોવાથી ભાજપના કેટલાક સિનિયર નેતાઓએ એમને ચલાવી લેવા પડે છે. ગડકરી કોઈને ગાઠતા નથી.
નેહરૂ-ઇન્દિરાની યાદોમાં ઇતિહાસ, શાી ભવન હવે નહીં રહે
કર્તવ્યપથની આસપાસનો લુટિયન્સ દિલ્હીનો નકશો હંમેશા માટે બદલાઈ જવાનો છે. શાસ્ત્રી ભવન એક જમાનામાં સત્તાનું મોટુ કેન્દ્ર ગણાતું હતું. હવે શાસ્ત્રી ભવનનું ડિમોલિશન થવાનું છે. શાસ્ત્રી ભવન ફક્ત ઇંટ-પથ્થરનું મકાન નહોતું. આઝાદ ભારતની નોકરશાહીનું પ્રતિક હતું. શાસ્ત્રી ભવનએ નહેરૂના સપનાઓને ફાઇલમાં ઉતરતા જોયા હતા. ઇન્દિરા ગાંધીના નિર્ણયો પણ અહીંથી લેવામાં આવતા હતા. દેશની દિશા નક્કી કરતા નિર્ણયો અને હુકમ શાસ્ત્રી ભવનમાંથી થતો હતો. સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના યોજના હેઠળ આ ભવનને તોડી નાખીને 'કોમન સેન્ટ્રલ સેક્રેટેરિયટ' બનાવવામાં આવશે. શાસ્ત્રી ભવનનું બાંધકામ ૧૯૬૦થી ૧૯૭૦ વચ્ચેના વર્ષો દરમિયાન થયું હતું. ભૂતકાળમાં જ્યારે નોર્થ અને સાઉથ બ્લોક નાના પડતા હતા ત્યારે રાઇસીના હિલની આજુબાજુમાં નવા બાંધકામની જરૂરત ઉભી થઈ હતી. આ ભવનનું નામ દેશના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
કાશ્મીરની મસ્જિદોના પ્રોફાઈલિંગ મુદ્દે ઓમરનો પત્રકારોને ટેકો
કાશ્મીરમાં પોલીસ મસ્જિદો, ઇમામો, મદ્રેસાઓ અને ટ્રસ્ટનું પ્રોફાઇલિંગ કરી રહી છે. આ બાબતે રીપોર્ટિંગ કરીને ટીકા કરનાર પત્રકારોને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે. આ બાબતે હવે રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પત્રકારોને પડખે ઉભા રહ્યા છે. એમણે કહ્યું હતું કે, 'મને લાગે છે કે આ કમનસીબ છે. પત્રકારો પોતાનું કામ કરતા હોય એ માટે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો પોલીસને લાગતું હોય કે મસ્જિદો અને ઇમામોનું પ્રોફાઇલિંગ કરવું જરૂરી છે તો પોલીસે આ બાબતે સમજણ આપવી જોઈએ કે આવું શા માટે કરવામાં આવે છે. મને તો પહેલેથી જ પસંદ નથી કે, મુસ્લિમ ધાર્મિક સ્થળોનું પ્રોફાઇલિંગ કરવામાં આવે છે.'
નિતિશના પુત્ર નિશાંતને રાજકારણમાં લાવવા ચાટુકારીતા શરૂ
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા નિતિશકુમારના પુત્ર નિશાંત રાજકારણમાં જોડાઈને પિતાનો વારસદાર બનશે એવી વાતો ચાલી રહી હતી. સામાન્ય રીતે નિતિશકુમારનો પુત્ર વિવાદથી દુર રહે છે. જોકે નિતિશને વહાલા થવા માંગતા રાજકીય નેતાઓ નિશાંતની ખુશામત કરીને બિહારના મુખ્યમંત્રીની નજીક જવાનો પ્રયત્ન કરે છે. હમણા પટણામાં સરસ્વતી પૂજાનો કાર્યક્રમ હતો. નિતિશકુમાર આ કાર્યક્રમમાં ગયા હતા અને એમણે પૂજા કરી એ વખતે એમના પુત્ર નિશાંતકુમાર પંડાળમાં હાજર હતા. કાર્યક્રમો દરમિયાન લલનસિંહે નિશાંતની પીઠ પર હાથ ફેરવીને એને રાજકારણમાં આવવા આમંત્રણ આપ્યું હતું. જોકે નિશાંતે તે વખતે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. એમણે એટલું જ કહ્યું હતું કે, તેઓ ફક્ત મા સરસ્વતીના આશીર્વાદ લેવા માટે ત્યાં આવ્યાં છે. આ કાર્યક્રમમાં રાજકારણનો એક અલગ રંગ જોવા મળ્યો હતો. નિશાંતકુમારની હાજરીને કારણે કાર્યક્રમમાં હાજર રહેલા જેડીયુના નેતાઓ ગુસપુસ કરતા હતા.
યુજીસી રેગ્યુલેશનથી સવર્ણોને ડર શા માટે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતીવાદી ભેદભાવ રોકવાના ઉદ્દેશથી 'ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા બનાવવામાં આવેલો નિયમ, ૨૦૨૬' લાગુ કર્યા છે. આ રેગ્યુલેશન ૧૫મી જાન્યુઆરીથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં લાગુ થઈ ગયું છે. દેશના શ્રવર્ણો આ રેગ્યુલેશનનો વિરોધ કરી રહ્યા છે. આ રેગ્યુલેશનમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પણ પછાત વર્ગો પ્રત્યે કરવામાં આવતા ભેદભાવમાં સામેલ કરવામાં આવ્યા છે. મતલબ કે હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પછાત વર્ગના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ પણ એમના પ્રત્યે જાતિગત ભેદભાવ થતો હોય તો એમની ફરિયાદ પદાધિકારી સમક્ષ કરી શકશે. અત્યાર સુધી ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જ જાતિગત ભેદભાવની ફરિયાદ કરતા હતા. આ રેગ્યુલેશન લાગુ થયા પછી હવે એસસી, એસટીની સાથે ઓબીસીને પણ સમાન અવસર મળશે. આના માટે બનાવવામાં આવેલી કમિટીમાં ઓબીસી, મહિલા, એસસી, એસટી અને દિવ્યાંગને પણ કમિટીના સભ્ય તરીકે સામેલ કરવામાં આવશે. આ કમિટીએ દર છ મહિને પોતાનો રીપોર્ટ આપવો પડશે.
તમે આટલા ડરી કેમ રહ્યા છો?
પોલિટિકલ કન્સલ્ટન્સી આઇ પેક પર ઇડીની રેડ પડી ત્યારથી નવા નવા વિવાદો થઈ રહ્યા છે. રેડ દરમિયાન ઇડીએ જપ્ત કરેલા મોબાઇલ ફોનની તપાસ રોકવા માટે હવે સુપ્રિમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. આ મોબાઇલ ફોન આઇ પેકના અધિકારી જીતેન્દ્ર મહેતાનો છે. ૮મી જાન્યુઆરીએ આ મોબાઇલ ફોન ઇડીએ જપ્ત કર્યો હતો. ઇડીએ પૂછપરછ માટે જીતેન્દ્ર મહેતાને ઇડીની ઓફિસે પણ બોલાવ્યા હતા. જીતેન્દ્ર મહેતા તરફથી એડવોકેટે સીજેઆઇ સૂર્યકાંતની બેન્ચ સમક્ષ એવી દલીલ કરી હતી કે, કોર્ટે ઇડીને ફોન ખોલતા રોકે. કારણ કે એમ કરવું જીતેન્દ્ર મહેતાની પ્રાઇવસીનું અપમાન છે. વકીલે જીતેન્દ્ર મહેતાના મૂળભૂત અધિકારો વિશે પણ દલીલો કરી હતી. વકીલની દલીલો સાંભળીને સુપ્રિમ કોર્ટે એમને પૂછયું હતું કે, 'તમે આટલા ડરો છો શા માટે. અમે જાણીએ છીએ કે કોઈ નિર્દોષ વ્યક્તિની રક્ષા કઈ રીતે થઈ શકે છે.' ઇડીએ જ્યારે આઇ પેકની ઓફિસો પર દરોડા પાડયા હતા ત્યારે આઇ પેકના બચાવ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ દોડી ગયા હતા. દરોડા દરમિયાન ઇડીએ ઘણા ઇલેક્ટ્રોનિક સાધનો પણ જપ્ત કર્યા છે.


