નવીદિલ્હી : આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાના પત્ની રીંકી ભૂયાન સરમા પર કરેલી ટીપ્પણીઓને કારણે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા પર કેસ થયો છે. પવન ખેરા રાહત માટે સુપ્રિમ કોર્ટ ગયા હતા અને સુપ્રિમ કોર્ટે એમને ગૌહટ્ટી હાઇકોર્ટ પાસે જવા કહ્યું હતું. ગૌહટ્ટી હાઇકોર્ટે હવે એમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ગૌહટ્ટીની ક્રાઇમ બ્રાન્ચ પવન ખેરાને શોધી રહી છે. હવે પવન ખેરા શું કરશે એના પર બધાની નજર છે. અત્યાર સુધી તો કોંગ્રેસ હાઇકમાન્ડનો ટેકો પવન ખેરાને હતો. જોકે કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓ અંદરખાનેથી પવન ખેરાની વિરુદ્ધમાં છે. પવન ખેરા હમણા એકલા પડી ગયા છે. આસામ પોલીસ ગમે તે ઘડીએ એમની ધરપકડ કરી શકે એમ છે. ધરપકડથી બચવા માટે ખેરા દરરોજ એમના રહેઠાણ બદલી રહ્યા છે અને મોબાઇલ ફોન બંધ કરી દીધો છે. હવે પવન ખેરા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી શકે અથવા તો પોલીસ સમક્ષ હાજર થઈ નિયમીત જામીન માંગી શકે.
ટ્રમ્પના વિવાદીત નિવેદન પછી ઇરાન ભારતના સમર્થનમાં
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને નરકના દ્વાર કહ્યા છે. કોંગ્રેસે ટ્રમ્પના આ નિવેદન પછી ભારત સરકારની પ્રતિક્રિયાને ખૂબ જ નબળી કહી છે. કેટલાક વિશ્લેષકોએ ટ્રમ્પના નિવેદનને જાતિવાદી ગણાવ્યું છે. અમેરિકામાં પણ આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. ઇરાને આ બાબતે ભારતનું સમર્થન કરીને ભારતને શાનદાર દેશ ગણાવ્યો છે. ભારતના અમેરિકન એમ્બેસીના પ્રવક્તાએ બચાવમાં કહ્યું હતું કે, 'રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભારત એક મહાન દેશ છે જેના મુખ્ય નેતા મારા સારા મિત્ર છે.' જોકે આ બચાવ અર્થહિન છે. જો નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પ મિત્ર ગણતા હોય અને ભારત મહાન દેશ છે એમ માનતા હોય તો આવી બેહુદી ટીપ્પણી કરતે જ નહીં. ઇરાન એમ્બેસીના કોન્સ્યુલેટએ સોશ્યલ મીડિયા એક્સ પર એક વીડિયો મુક્યો છે જેમાં મુંબઈ શહેરના ગણેશ ઉત્સવ સાથે બીજા દ્રશ્યો પણ મૂકવામાં આવ્યા છે.
રશિયા - યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીઓ બાબતે સુપ્રીમ સક્રીય
સુપ્રિમ કોર્ટમાં કેન્દ્ર સરકારે મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે, રશિયા ગયેલા ૧૦ ભારતીય નાગરીકોના મૃત્યુ રશિયા - યુક્રેન યુદ્ધને કારણે થયા છે. સરકારે એમ પણ કહ્યું હતું કે મોટા ભાગના લોકો રશિયન સંસ્થાઓ સાથે સ્વૈચ્છાથી જોડાયા હતા અને યુદ્ધમાં ભાગ લીધો હતો. જોકે કેટલાક કિસ્સાઓમાં એજન્ટો દ્વારા એમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો ઇન્કાર થઈ શકે નહીં. સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટીસ જોય માલ્યા બાગચી અને જસ્ટીસ વિપુલ પંચોલીની બેન્ચે ૨૬ ભારતીય નાગરીકોના કુટુંબીઓ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, નોકરીના નામે રશિયા ગયેલા લોકોને જબરજસ્તીથી રશિયા - યુક્રેનના યુદ્ધમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ પહેલા કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
જૈસ-એ-મોહમદમાં બળવો
આતંકવાદી સંગઠન જૈસ-એ-મોહમદના પ્રમુખ મસુદ અઝહરને નજરકેદ કરવાને કારણે આતંકવાદી સંગઠનમાં બળવો થયો છે. મળતી માહિતી પ્રમાણે જૈસ-એ-મોહમદ લાંબો સમય ટકી શકશે નહીં. મસુદ અઝહરની સાચી સ્થિતિ એમના નેતાઓને જણાવવી પડશે. સંગઠન નવા નેતાની શોધ પણ કરી રહ્યું છે. આતંકવાદી મસુદ અઝહરને લઈને સસ્પેન્સ ગાઢ થઈ રહ્યું છે. સંગઠનમાં એવી અફવા ફેલાઈ છે કે મસુદ અઝહર ગંભીર રીતે બિમાર છે અને લાંબુ ખેંચી શકે એમ નથી. જોકે ભારતીય એજન્સીઓનું કહેવું છે કે મસુદ અઝહરની હાલત એટલી ગંભીર નથી. જોકે માનસીક રીતે અઝહર તૂટી પડયો હોવાનું મનાય છે. ભારતે કરેલા ઓપરેશન સિંદુરમાં મસુદ અઝહરના ઘણા કુટુંબીઓ માર્યા ગયા હતા. ત્યાર પછી લાગેલા આઘાતમાંથી એ બહાર આવ્યો નથી.
કેરળ કોંગ્રેસમાં ચૂંટણી પરિણામ પહેલા વિવાદ
કેરળમાં ચૂંટણી પરિણામ પહેલા રાજકારણ ગરમાયું છે. જોકે આ વખતે ઝઘડો વિરોધપક્ષો અને સત્તાપર બેઠેલાઓ વચ્ચે નથી, પરંતુ કોંગ્રેસની અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફમાં મુખ્યમંત્રીપદ બાબતે શરૂ થયેલી ખેંચતાણએ પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે. કેરળમાં ૯મી એપ્રિલે મતદાન થયું હતું અને ૪થી મેએ પરિણામ આવવાના છે. લગભગ ૧૦ વર્ષ પછી યુડીએફ કેમ્પમાં ઉત્સાહ છે. જોકે કથીત જીત પછી યુડીએફનું નેતૃત્વ કોણ કરશે એ બાબતે વિવાદ થયો છે. કેરળના રાજકારણમાં હંમેશા દર ચૂંટણીએ સત્તા બદલાઈ જતી હતી. જોકે ૨૦૨૧માં સીપીઆઇ (એમ)ના નેતૃત્વવાળા મોરચાએ ફરીથી સરકાર બનાવીને પરંપરા તોડી હતી. કેરળ કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદ માટે રમેશ ચેન્નીથલા, વિરોધ પક્ષના નેતા વીડી સતીશાન અને સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલના નામ ચર્ચાય રહ્યા છે.
બંગાળમાં ભારે મતદાનથી સીજેઆઇ ખુશ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી વખતે ચૂંટણીની ડયુટી કરી રહેલા કેટલાક લોકોના નામ વોટર લિસ્ટમાંથી દુર થઈ ગયા હતા. આ બાબતે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ બાબતે દખલ કરવાની માંગણી નકારી કાઢી હતી. અરજી કરનારાઓ તરફથી હાજર રહેલા વકીલે બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે, જે લોકો ચૂંટણી કરાવી રહ્યા છે તેઓ જ મત આપી શકતા નથી. એ વખતે સીજેઆઇ સૂર્યકાંતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં થયેલા ૯૨ ટકા મતદાન બાબતે ખુશી વ્યક્ત કરી હતી. અરજી કરનારાની દલીલ સાંભળીને સીજેઆઇએ કહ્યું હતું કે મહેરબાની કરીને આ સમસ્યાને એપેલેટ ટ્રિબ્યુનલ પાસે લઈ જવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે અમે દરરોજ અમારા હુકમ બદલી શકીશું નહીં.
દિલ્હીમાં પત્નીનો હત્યારો 40 વર્ષ પછી પકડાયો
ચંદ્રશેખર પ્રસાદે ૧૯૮૬માં પત્નીની હત્યા કરી હતી. ચંદ્રશેખર પ્રસાદને પત્નીના ચારીત્ર્ય ઉપર શંકા હોવાથી એ દિલ્હી છોડી ભાગી ગયો હતો. દિલ્હી પોલીસે એને ૪૦ વર્ષ પછી શોધી કાઢયો છે. પ્રસાદની ઉંમર હમણા ૮૪ વર્ષની છે અને એણે પત્નીની હત્યા કર્યાનું કબુલ્યું છે. પ્રસાદ ૧૯૬૯માં દિલ્હી આવ્યો હતો અને ૧૯૭૧માં એણે લગ્ન કર્યા હતા. ૧૯૮૬ના ઓક્ટોબર મહિનાની ૧૯ તારીખે એણે એની પત્નીના માથામાં લાકડી ફટકારી હત્યા કરી હતી. દિલ્હી પોલીસની સેન્ટ્રલ રેન્જ ક્રાઇમબ્રાન્ચએ ૪૦ વર્ષ પછી એને પકડી પાડયો હતો. પોલીસની ટીમે પ્રસાદના બાળકો પર નજર રાખી અને એના નંબર ટ્રેસ કર્યા હતા. પ્રસાદ ઉત્તર પ્રશ્ચિમ દિલ્હીમાં જ રહેતો હોવાનું જાણવા મળતા એને પકડવામાં આવ્યો હતો.


