દિલ્હીની વાત : પાકિસ્તાની ફિલ્મને ભારતમાં રિલિઝની મંજૂરી, રાજ ઠાકરે ભડક્યા
નવી દિલ્હી : પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને અભિનેત્રી મહિરા ખાનની પાકિસ્તાની ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ' ભારતમાં રિલિઝ થઈ રહી છે. મહારાષ્ટ્ર નવનિર્વાણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે આ બાબતે મેદાનમાં આવ્યા છે. રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે, મહારાષ્ટ્રમાં આ ફિલ્મ તેઓ રિલિઝ નહીં થવા દે. રાજ ઠાકરેનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવભર્યા છે ત્યારે પાકિસ્તાન સાથે સાંસ્કૃતિક આપ-લેને સાંખી લેવામાં નહીં આવે. રાજ ઠાકરેએ એક્સ પર લખ્યું છે કે, પાકિસ્તાની કલાકારોને લઈને બનેલી ફિલ્મ ભારતમાં રિલિઝ કરવાની પરવાનગી સરકારે કઈ રીતે આપી. મહારાષ્ટ્ર તો શું આ ફિલ્મ દેશમાં બીજી કોઈ જગ્યાએ પણ રિલિઝ થવા દેવી જોઈએ નહીં. એમ લાગે છે કે ભાજપથી રાજ ઠાકરેનો મોહભંગ થઈ ગયો છે. સતત પાકિસ્તાનનો વિરોધ કરી રહેલા ભાજપના નેતાઓએ જ આ ફિલ્મ રિલિઝ કરવાની મંજૂરી આપી છે એ પણ એમનું બેવડું ધોરણ બતાવે છે.
દલિતો પર સૌથી વધારે અત્યાચાર ભાજપ શાસિત રાજ્યોમાં થાય છે
૨૦૨૨ના વર્ષમાં દલિતો પર થયેલા અત્યાચારના આંકડા બહાર આવ્યા છે. અત્યાચારના બનાવોમાંથી ૯૭.૭ ટકા જેટલા અત્યાચારો ફક્ત ૧૩ રાજ્યોમાં થાય છે. ભાજપ શાસિત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દલિતો પર સૌથી વધુ અત્યાચાર થયા છે. આ અત્યાચારોમાં સજાના દરમાં પણ ઘટાડો થયો છે. રાજ્યોના મોટા ભાગના જિલ્લાઓમાં ખાસ કોર્ટોની સ્થાપના પણ કરવામાં આવી નથી. એસસી, એસટી એક્ટ હેઠળ ઉત્તર પ્રદેશમાં ૧૨,૨૮૭ કેસ દાખલ થયા હતા. રાજસ્થાનમાં ૮,૬૫૧ અને મધ્યપ્રદેશમાં ૭,૭૩૨ કેસ દાખલ થયા હતા, જેમાંથી મોટા ભાગનાને ન્યાય મળ્યો નથી.
હરિયાણામાં કુમારી સૈલજા કોંગ્રેસની સાથે જ છે : ખડગે
છેલ્લા કેટલાક દિવસોથી હરિયાણા કોંગ્રેસના દલિત નેતા કુમારી સૈલજા કોંગ્રેસથી નારાજ હોવાની વાત ચાલી રહી છે. ભાજપના નેતાઓએ તો વગર વિચાર્યે સૈલજાને ભાજપમાં જોડાવાનું આમંત્રણ પણ આપી દીધું છે. જોકે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પર પ્રતિહુમલો કર્યો છે. ખડગેનું કહેવું છે કે, ભાજપ પોતાનું ઘર સંભાળે. હરિયાણા ભાજપમાં ઘણો અસંતોષ છે. કુમારી સૈલજા કોંગ્રેસ હાઇકમાન્ડના સંપર્કમાં છે. સૈલજાની કોઈપણ નારાજગી હશે તો અમે દુર કરવા સક્ષમ છીએ ભાજપએ એની ચિંતા કરવાની જરૂર નથી. કોંગ્રેસના તમામ નેતાઓ સાથે મળીને પ્રચાર કરી રહ્યા છે.
કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ મલિક મહારાષ્ટ્રમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. મહારાષ્ટ્ર ભાજપના નેતાઓની ચિંતા વધી જાય એવા સમાચાર આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક ઉદ્ધવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. મલિકે નક્કી કર્યું છે કે તેઓ મહાવિકાસ અઘાડી તરફી ચૂંટણી પ્રચાર કરશે. મલિકનું કહેવું છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો સફાયો નક્કી છે. મલિકે ઉદ્ધવ શિવસેના, કોંગ્રેસ તેમ જ શરદ પવારની એનસીપીને એક સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડવા માટે સલાહ આપી છે. મહારાષ્ટ્રની આગામી ચૂંટણી બાબતે મલિકે કહ્યું કે, 'આ વખતની ચૂંટણીમાં ભાજપના હાલ બેહાલ થઈ જવાના છે. ઉદ્ધવ ઠાકરે આ ચૂંટણીમાં સૌથી અગત્યની ભૂમિકામાં છે.'
મણિપુરને અફઘાનિસ્તાન કેમ બનાવો છો : કોંગ્રેસી સાંસદ
મણિપુરની હસા સંદર્ભે કોંગ્રેસના સાંસદ એ વિમલ અકોઈ જામે ભાજપ સરકારને કેટલાક અણિયારા સવાલો પૂછયા છે. સાંસદનું કહેવું છે કે, મણિપુરની સ્થિતિ બગડી રહી હોવા છતાં કેન્દ્ર સરકાર કેમ કોઈ પગલાં લેતી નથી? શું પૂર્વોત્તર રાજ્યોને બીજુ અફઘાનિસ્તાન બનાવવું છે? જો ઉત્તર પ્રદેશ કે બિહારમાં આવી સ્થિતિ હોત તો સરકાર ચૂપચાપ બેસી રહી હોત? મણિપુરમાં ૬૦ હજાર જેટલા સૈનિકોની હાજરી હોવા છતાં હિંસા પર કાબુ કેમ મેળવવામાં આવતો નથી. મોદીએ આ બાબતે ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ સાથે પણ કોઈ ચર્ચા કરી નથી. મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહ સહિત કેન્દ્રની ભાજપ સરકાર પણ મણિપુરની પરિસ્થિતિ બાબતે જવાબદાર છે.
આતંકવાદ મુદ્દે આરજેડીના મનોજ ઝાની ચર્ચાસ્પદ ટીપ્પણી
કાશ્મીરના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓએ વિરોધપક્ષને આતંકવાદીઓના ટેકેદાર ગણાવતા આરજેડીના સાંસદ મનોજ ઝા વિફર્યા છે. એક મુલાકાતમાં મનોજ ઝાએ કહ્યું કે, અમે કદી ભાજપના નેતાઓને આતંકવાદી સમર્થક કહ્યા નથી. ભાજપના નેતાઓ કંદહારમાં જાતે આતંકવાદીઓને મુકી આવ્યા હતા. પુલવામાં હુમલાનો અહેવાલ હજી સુધી આવ્યો નથી. આઇએસઆઇના એજન્ટોને પાછલા બારણેથી પઠાણ કોટમાં ઘૂસવા દેવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી પોતે પાકિસ્તાનની બિરિયાની ખાવા ગયા હતા. એ વખતે પણ અમે કહ્યું નહોતું કે, મોદી - શાહ આતંકવાદીઓના સાથીદાર છે.
આતિશી મારલેનાએ કહ્યું હવે દિલ્હીના લોકોના તમામ કામ થશે
દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પછી આતિશી મારલેનાએ નિવેદન આપ્યું છે કે, હવે દિલ્હીવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી. કેજરીવાલ હવે જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે ભાજપની કોઈ ચાલબાજી સફળ થવાની નથી. છેલ્લા ૧૦ વર્ષમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીની સકલ બદલી નાંખી છે. ભાજપના અત્યાચાર છતાં પણ કેજરીવાલ દબાયા નથી. આપણે વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવવાના છે.
બંગાળ બાદ ઓડિશામાં પણ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠયો
બંગાળમાં ટ્રેઈની ડોક્ટરના રેપ-મર્ડરની ઘટના બાદ રાજ્યભરમાં મહિલાઓની સુરક્ષાને લઈને દેખાવો થયા હતા. હવે એવી જ સ્થિતિ પાડોશી રાજ્ય ઓડિશામાં જોવા મળી રહી છે. ઓડિશામાં એક મહિલા સાથે પોલીસ સ્ટેશનમાં જ છેડતી થઈ તે મુદ્દે ભાજપની રાજ્ય સરકાર ભારે ભીંસમાં છે. મોહન માઝીએ આખી ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે, બીજી તરફ નવીન પટનાયકે સરકારને આ મુદ્દે બરાબર ઘેરી છે. પટનાયકે કહ્યું કે તેમની સરકારમાં ક્યારેય આવી ઘટનાઓ બની નથી. ભાજપના રાજમાં મહિલાઓ પોલીસ સ્ટેશનમાં પણ સુરક્ષિત નથી. આ બાબતે ભાજપ અને બીજેડીના સમર્થકો સોશિયલ મીડિયામાં બાખડી રહ્યા છે.
વૈષ્ણોદેવી બેઠક પર અપક્ષ ઉમેદવાર ભાજપનો ખેલ બગાડશે
ભાજપે વૈષ્ણોદેવી બેઠક જીતવાનો લક્ષ્યાંક સેટ કર્યો છે. અયોધ્યા અને બદરીનાથ જેવી સ્થિતિ જો વૈષ્ણોદેવીમાં થશે તો વિપક્ષો એને મુદ્દો બનાવશે. એવું ન થાય તે માટે ભાજપે બનતા બધા જ પ્રયાસો આદર્યા છે, પરંતુ આટલા પ્રયાસો છતાં રાહ આસાન નથી. પહેલાં ભાજપે રોહિત દૂબને ટિકિટ આપી હતી. પછી બલદેવ રાજ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવાર બદલી નાખવાથી ભાજપને લાગતું હતું કે જીતવામાં વાંધો નહીં આવે, પરંતુ એનાથી આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો હતો. નારાજ રોહિત દૂબેને તો મનાવી લેવાયા, પણ જુગલ કિશોર શર્મા નામના અપક્ષના ઉમેદવારે ભાજપનો ખેલ બગાડવા એડીચોટીનું બલ લગાવ્યું છે. રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા શર્મા ગત ચૂંટણીમાં આ બેઠક પર ત્રીજા ક્રમે રહ્યા હતા. બે દિવસ પછી આ બેઠક પર મતદાન થવાનું છે. પ્રચાર પડઘમ શાંત થયા તે પછી પણ ઉમેદવારો મતદારોને આકર્ષવા પ્રયાસો કરી રહ્યા છે. બારીદાર સમાજના ૧૫ હજાર મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપ તેને રીઝવવા મથામણ કરે છે.
સરકારી સ્કૂલમાં બાળક સારી રીતે પોલિટિક્સ શીખી જાય છે : ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સરકારી સ્કૂલ અને ખાનગી સ્કૂલ વચ્ચે સરખામણી કરી એ વાયરલ થઈ છે. ભગવંત માન કહે છે કે સુખબીર બાદલ, રાહુલ ગાંધી, મનપ્રીત બાદલ વગેરે જ્યાં ભણે છે તેમની સ્કૂલના વિદ્યાર્થીઓના પગ જમીન પર રહેતા નથી. સામાન્ય માણસો જે સરકારી સ્કૂલમાં ભણે છે તે હોશિયાર બને છે. બાળપણથી જ તેમને વિશિષ્ટ તાલીમ મળે છે. રાજકારણ શીખે છે. એ બધા કોન્વેન્ટિયન હોય છે અને અમારા જેવા સરકારીયન હોય છે તેનો અલગ રીતે વિકાસ થાય છે. સરકારી શાળાઓમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે. જેમ કે સરકારી શાળામાં ન જાવ તો પણ પેરેન્ટ્સને કોઈ ફોન આવતો નથી. ફોન તો પ્રાઈવેટ સ્કૂલમાંથી આવે છે કે તમારું સંતાન સ્કૂલે પહોંચતું નથી. સરકારી સ્કૂલમાં તો બાળકને નિર્ણય લેવાનો હોય છે કે શાળાએ જવું છે કે નહીં? જો જાય તો પછીનો નિર્ણય કરવાનો આવે છે કે સ્કૂલ અડધેથી બંક કરવી છે કે પૂરી ભરવી છે? એ પછી નિર્ણય કરવાનો આવે છે કે મિત્રોને બંક કરીને સાથે લઈ જવા છે કે એકલા જવું છે? બંક માર્યા પછી લડાઈ કોની સાથે કરવાની છે? જો એ લડાઈ વખતે એનું ગુ્રપ મોટું હોય તો ભાગવું કઈ તરફથી? એ તમામ નિર્ણયો સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કરી લે છે. એ કારણે તે સ્માર્ટ છે. આ નિવેદન ભારે વાયરલ થયું છે.