દિલ્હીની વાત : સીજેઆઇ ગવઇને મહારાષ્ટ્રે કાયમી સ્ટેટગેસ્ટનો દરજ્જો આપ્યો
નવીદિલ્હી : દેશના ૫૨માં ચીફ જસ્ટીસ ભૂષણ રામકૃષ્ણ ગવઇ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બન્યા પછી મહારાષ્ટ્ર ગયા હતા. એમને રીસીવ કરવા માટે એરપોર્ટ પર રાજ્યના ચીફ સેક્રેટરી કે પોલીસ કમિશનર ગયા નહોતા. આ બાબતે વિવાદ થયો હતો અને સીજેઆઇ ગવઇએ નારાજગી જાહેર કરી હતી. હવે મહારાષ્ટ્ર સરકારે સીજેઆઇને મહારાષ્ટ્રના કાયમી સ્ટેટગેસ્ટનો દરજ્જો આપીને વિવાદ શાંત કરવાની કોશિષ કરી છે. જે કોઈ વ્યક્તિને સ્ટેટગેસ્ટ બનાવવામાં આવે છે એમને ત્યાર પછી રાજ્યમાં ઉચ્ચસ્તરીય સગવડો આપવામાં આવે છે. એમને રાજાઓની જેમ ટ્રીટ કરવામાં આવે છે. તેઓ રાજ્યના કોઈપણ સર્કીટ હાઉસ કે રાજભવનમાં ફ્રીમાં રહી શકે છે. એરપોર્ટ કે રેલવે સ્ટેશને જવા અને આવવા માટેની તમામ સગવડો એમને આપવામાં આવે છે.
પીઢ કોંગ્રેસી નેતાઓ શશી થરૂરના ટેકામાં
વિદેશ જતા સર્વપક્ષીય ડેલિગેશનનું નૈતૃત્વ કરવા બાબતે કોંગ્રેસની નેતાગીરી શશી થરૂરથી નારાજ થઈ ગઈ છે. કોંગ્રેસ હાઇકમાન્ડની નારાજગી છતા શશી થરૂર પોતાની મનમાની કરી રહ્યા છે. હવે કેરળ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સુધાકરનએ કહ્યું છે કે વિદેશ જનારા પ્રતિનિધિ મંડળ માટે સાંસદ શશી થરૂરનું નામ નહીં આપીને કોંગ્રેસે એમનું અપમાન કર્યું છે. સુધાકરનનું કહેવું છે કે શશી થરૂર એક સક્ષમ નેતા છે અને પક્ષના વફાદાર સભ્ય છે. એમને આ રીતે અપમાનીત કરવા યોગ્ય નથી. કેન્દ્ર સરકારે વિદેશ જનારા ડેલિગેશનમાં ભારતનો પક્ષ રજુ કરવા માટે શશી થરૂરને આમંત્રણ આપ્યું હતું. બીજી તરફ કોંગ્રેસે આનંદ શર્મા, ગૌરવ ગોગોઇ, સૈયદ નસીર હુસૈન અને રાજા બરારના નામ આપ્યા હતા. સુધાકરન ઉપરાંત બીજા કેટલાક કોંગ્રેસી પીઢ નેતાઓ પણ થરૂરને પક્ષે રહ્યા છે.
જ્યોતિ મલ્હોત્રાના પિતાએ વકીલ રાખવા માટે સરકારની મદદ માંગી
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર હરિયાણાની યુવતી જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ મલ્હોત્રા હમણા જેલમાં છે ત્યારે એના પિતાએ સરકાર પાસે એક મોટી માંગ મૂકી છે. એમણે કહ્યું છે કે સરકાર એમને વકીલ રોકી આપે. એમની પાસે વકીલ રોકવાના પૈસા નથી. એમના કહેવા પ્રમાણે જ્યોતિની ડાયરી પોલીસ લઈ ગઈ છે. પિતાએ કહ્યું હતું કે, જ્યોતિ ડાયરીમાં શું લખતી હતી એની ખબર એમને નથી. જ્યોતિના પિતા હરિશ મલ્હોત્રાએ કહ્યું છે કે, 'પોલીસે જ્યોતિને શકના આધારે પકડી છે. મારી પાસે એટલા પૈસા નથી કે હું વકીલ રોકી શકું. મે સરકાર પાસે માંગણી કરી છે કે, મને વકીલ આપે. મને ખબર નથી કે પોલીસને જ્યોતિ માટે કઈ બાબતે શક છે. હું ગરીબ હોવાથી મારે સરકારી વકીલની મદદ જોઈએ છે. જ્યોતિનો ફોન પણ પોલીસ પાસે છે. મારી પાસે તો સાદો ફોન છે. હું વિડિયો જોતો નથી. જ્યોતિ દિલ્હી જવાનું કહીને વારંવાર પાકિસ્તાન જતી હતી એની ખબર મને નહોતી.'
ઇરાને પણ અઝરબૈજાનને અંગૂઠો બતાવ્યો
અઝરબૈજાનના કટ્ટર દુશ્મન આર્મેનિયાને ભારત મદદ કરતું હોવાથી ભારત - પાકિસ્તાન વચ્ચેના તણાવ વખતે અઝરબૈજાન પાકિસ્તાનને પડખે રહ્યું હતું. હવે મુસ્લિમ દેશ ઇરાને પણ અઝરબૈજાન સામે આર્મેનિયાને ટેકો આપ્યો છે. નાગોર્નો - કારાબાખ યુદ્ધ પછી અઝરબૈજાન અને તૂર્કી આર્મેનિયા સામે આક્રમક બન્યા છે. જોકે ઇરાનના આર્મેનિયા સાથે મજબૂત સંબંધો હોવાથી ઇરાને અઝરબૈજાનને ચેતવણી આપી છે. ઇરાને સીમાની અખંડતા પર જોર આપીને ક્ષેત્રીય શાંતિ માટે આર્મેનિયાના પડખે ઉભા રહેવાનું નક્કી કર્યું છે. ઇરાનની નીતિને કારણે ભારતે અઝરબૈજાન સામે આંગળી ઉઠાવ્યા વગર એને માત આપી છે. અઝરબૈજાન અને તૂર્કી મળીને આર્મેનિયાનો નક્શો બદલી નાખવા માંગે છે, પરંતુ ઇરાન આ બાબતે સહમત નથી.
નિશિકાંત દુબેના આરોપો પર કોંગ્રેસનો પ્રતી હુમલો
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ સામે કરેલા આક્ષેપનો કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતએ કહ્યું છે કે, નિશિકાંત દુબે જે ૧૯૯૧ની સમજુતીની વાત કરે છે એ શાંતિના સમયે થઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને હુમલા બાબતની માહિતી આપી હતી એ યુદ્ધનો વખત હતો. રાહુલ ગાંધીએ આરોપ મુક્યો હતો કે વિદેશમંત્રી જયશંકરે ભારતના ઓપરેશન સિંદુર બાબતે પાકિસ્તાનને પહેલેથી જાણકારી આપી દીધી હતી. આ બાબતે નિશિકાંત દુબેએ પ્રતિઆરોપ લગાડયો હતો કે વિદેશમંત્રીએ ૧૯૯૧ની સમજુતીને કારણે પાકિસ્તાનને માહિતી આપી હતી. આ સમજુતી કોંગ્રેસની સરકાર વખતે કરવામાં આવી હતી. સુપ્રિયા શ્રીનેતએ કહ્યું હતું કે, 'દુબે વારંવાર પોતાની બેવકુફીનું પ્રદર્શન કરી રહ્યા છે. ૧૯૯૧ની છઠ્ઠી માર્ચે રાજીવ ગાંધીએ ચંદ્રશેખર સરકારને આપેલું સમર્થન પાછું લઈ લીધું હતું. જ્યારે પાકિસ્તાન સાથેની સમજૂતી ૧૯૯૧ના એપ્રિલ મહિનામાં થઈ હતી.'
માયાવતીના કયા નિર્ણયથી ભૂતપૂર્વ સાંસદનો પ્રેમ છલકાયો
બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને મોટી જવાબદારી સોપી છે. માયાવતીએ આકાશ આનંદને પક્ષના ચીફ નેશનલ કો-ઓર્ડીનેટર બનાવ્યા છે. બિહાર વિધાનસભાની આવી રહેલી ચૂંટણીની જવાબદારી પણ આકાશને આપવામાં આવી છે. પક્ષના આ નિર્ણયને કારણે બીએસપીના ભૂતપૂર્વ સાંસદ ખુશ થઈ ગયા છે. બીએસપીના ભૂતપૂર્વ સાંસદ અને રાષ્ટ્રીય લોકદળના નેતા મલુક નાગરએ આકાશ આનંદને જવાબદારી મળતા જ કહ્યું છે કે, હવે બીએસપીની તાકાત વધશે. માયાવતીના આ નિર્ણયને કારણે ઇન્ડિયા એલાયન્સને મોટુ નુકશાન થશે. ઇન્ડિયા એલાયન્સને મોટો ઝાટકો લાગ્યો છે જેને કારણે એના નેતાઓ સમસમી ગયા છે.
થરૂર પછી બીજા કોંગ્રેસી નેતાએ પણ પાર્ટીલાઇન વિરુદ્ધ નિવેદન આપ્યું
છેલ્લા કેટલાક મહિનાઓથી શશી થરૂરનો કેન્દ્ર સરકાર માટેનો પ્રેમ વધી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. હવે કોંગ્રેસના બીજા નેતા આનંદ શર્માએ પણ પાર્ટીલાઇન કરતા અલગ લાઇન લીધી છે. વિદેશ જઈ રહેલા ઓલ પાર્ટી ડેલિગેશન બાબતે આનંદ શર્માએ કેન્દ્ર સરકારના વખાણ કર્યા છે. શર્માએ વૈશ્વિક ધોરણે આતંકવાદીઓ સાથે પાકિસ્તાનના સંબંધને ઉઘાડા કરવાના સરકારના પ્રયાસોને વખાણ્યા છે. કોંગ્રેસના શક્તિશાળી મહામંત્રી કે સી વેણુગોપાલ સાથે આનંદ શર્માને ખાસ બનતું નથી. આનંદ શર્માને લાગે છે કે, વેણુગોપાલને એમના વિરુદ્ધ રાહુલ ગાંધીને ચાવી મારી છે. હવે સમય પારખીને આનંદ શર્માને પણ હિંમત આવી છે અને ખુલીને બોલી રહ્યા છે.
મુસ્લિમ લીગમાં પહેલીવાર મહિલાને મહત્વના હોદ્દા
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ)એ કેરળ રાજકરણમાં મહિલાઓના કંગાળ પ્રતિનિધિત્વ વિશેની ટીકાઓ વચ્ચે વધુ પ્રગતિસૂચક છબી રજૂ કરવાના પ્રયાસમાં પ્રથમવાર તેની રાષ્ટ્રીય નેતાગીરીમાં એક હિન્દુ દલિત સહિત બે મહિલાઓની નિમણૂંક કરી છે. કેરળની સ્થાનિક નેતા જયન્થી રાજન અને તમિલ નાડુમાંથી સ્થાનિક કાઉન્સિલર ફાથિમા મુઝફ્ફરને ગુરુવારે ચેન્નઈમાં પાર્ટીની રાષ્ટ્રીય કમિટી મીટિંગ ખાતે રાષ્ટ્રીય સહાયક સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. વાયનાડ જિલ્લાના ઓઈસી હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલા સ્થાનિક કુન્ડુવાડિયન સમુદાયમાંથી આવેલી રાજને પોતાની નિયુક્ત બદલ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે તેનો સમગ્ર પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો હોવા છતાં આઈયુએમએલની સમાજ સેવાથી આકર્ષાઈને તે તેમાં જોડાઈ હતી.
કર્ણાટકના ગૃહ મંત્રી પરમેશ્વરા ઈડીના રડાર હેઠળ
ઈડીએ બુધવારે કર્ણાટકના ગૃહ મંત્રી જી. પરમેશ્વરા દ્વારા નિયંત્રિત કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સહિત રાજ્યના ૧૬ સ્થળોએ ધાડ પાડી હતી. આ ધાડ તપાસકર્તાઓએ મહત્વની વ્યક્તિઓને તેમજ સોનાની દાણચોરીના નેટવર્કમાં ગેરકાનૂની ફંડના કથિત પ્રવાહ શોધી કાઢ્યા પછી કન્નડ અભિનેત્રી રાન્યા રાવ તરીકે ઓળખાતી હર્ષવર્ધિની રાન્યા સંબંધિત સોનાની દાણચોરી કેસ સાથે સંકળાયેલ હતી. ૩જી માર્ચે ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સએ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દુબઈથી આવેલી રાવની ધરપકડ કરી હતી. તેની પાસેથી રૃા. ૧૨.૫૬ કરોડના મૂલ્યનું ૧૪.૨ કિલો સોનુ પકડાયું હતું. ત્યાર પછીની તપાસ દરમ્યાન બેંગલુરુમાં તેના નિવાસ ખાતેથી વધુ પાંચ કરોડના મૂલ્યનું સોનું પકડાયું હતું. એ જ મહિનામાં પછીથી એજન્સીએ બલ્લારીથી સમગ્ર ઓપરેશનમાં તેની મદદ કરનાર અને હવાલા સોદા સંભાળનાર એક સોનાના વેપારીની પણ ધરપકડ કરી. એજન્સીએ જણાવ્યું કે હવાલા ઓપરેટરો અને એક શૈક્ષણિક સંસ્થાએ રામ્યા રાવના ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી તરીકે રૃા. ૪૦ લાખ આપ્યા હતા જેના વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરાઈ. દરમ્યાન કોંગ્રેસ પાર્ટીએ એજન્સીની કાર્યવાહીની ટીકા કરતા કહ્યું કે ભાજપ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની સિદ્ધિથી ગભરાટ અનુભવે છે.
ચાર્જશીટ બાદ સત્યપાલ મલિક બીમાર
સીબીઆઈએ જમ્મુના કિશ્તવાર જિલ્લામાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક તેમજ અન્ય છ આરોપીઓ સામે ચાર્જ શીટ દાખલ કરી છે. સત્યપાલ મલિક ઉપરાંત સીબીઆઈએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રા. લિ.ના ત્રણ ભૂતપૂર્વ અધિકારીઓ એમ.એસ.બાબુ, એમ.કે.મિત્તલ અને અરુણ કુમાર મિશ્રાને પણ આરોપી બનાવ્યા છે. સત્યપાલ મલિક હાલ દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમણે જણાવેલ મુજબ અત્યંત ગંભીર સ્થિતિમાં દાખલ થયેલા છે.
નો હિન્દી, નો પાર્કિંગ
ગૂગલના કર્મચારીને ભારતમાં ભાષા સંબંધિત કડવો અનુભવ થતા હાલ ચાલી રહેલા ભાષાકીય વિવાદમાં નવો ઉમેરો થયો છે. બેંગલુરુ સ્થિત કર્મચારીએ હિન્દીમાં વાત કરતા તેને પાર્કિંગ નકારવામાં આવી. આથી આ કર્મચારીએ સલાહ આપી કે અંગ્રેજીને જ ભારતમાં ફરજીયાત ભાષા જાહેર કરી દેવી જોઈએ કારણ કે મોટાભાગના લોકો આ જ ભાષામાં વાત કરવાનું પસંદ કરે છે. તેણે સોશિયલ મીડિયા પર વધુ કટાક્ષ કરતા સવાલ કર્યો કે મહારાષ્ટ્ર અથવા કર્ણાટક અથવા કોઈપણ અન્ય રાજ્યમાં સંસ્કૃતિ અને ભાષાની જાળવણીની વાતો કરતા લોકો તેમના સંતાનોને સ્થાનિક ભાષાની સ્કૂલમાં પ્રવેશ અપાવે છે કે પછી અંગ્રેજી સ્કૂલમાં?
- ઈન્દર સાહની