નવીદિલ્હી: કેન્દ્ર સરકારે અગમ્ય કારણોસર વરિષ્ઠ અધિકારીઓની મોટા પાયે બદલી કરી છે. સિનિયર આઇએએસ મધુપ વ્યાસને ઇલેક્શન કમિશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ કેડરના અધિકારી વ્યાસને આ જવાબદારી પાંચ વર્ષ માટે સોંપવામાં આવી છે. આ ઉપરાંત બીજા ૩૪ સિનિયર અધિકારીઓને પણ સરકારે બદલ્યા છે. આઇએએસ અધિકારી પ્રસન્ના આર તેમ જ સુષ્મા ચૌહાણને ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચીવ બનાવવામાં આવ્યા છે. ૧૯૯૩ બેન્ચના અધિકારી કમલાકાંત ત્રિપાઠીને નીતિ આયોગની આર્થિક સલાહકાર સમિતિમાં સંયુક્ત સચીવ તરીકે મુકવામાં આવ્યા છે. મુક્તાનંદ અગ્રવાલને પ્રધાનમંત્રી પાક વિમા યોજનાના સીઇઓ તરીકે નિમવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રની યુતી સરકારના ચાવવાના અને બતાવવાના દાંત જુદા
'એક હૈ તો સેફ હૈ'ના નારાનો આધાર લઈને મહારાષ્ટ્રમાં સત્તા પર આવેલી મહાયુતી સરકાર કાંચીડાની જેમ રંગ બદલે છે. ચૂંટણી પહેલા મહાયુતીના ત્રણે પક્ષો હિન્દુત્વને રંગે રંગાયા હતા અને બીજા રાજકીય પક્ષોની ઇફતાર પાર્ટી બાબતે ટીકા કરતા હતા. હવે સત્તા પર આવ્યા પછી ઉપમુખ્યમંત્રી અજીત પવારે મુંબઈમાં ભવ્ય ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કટ્ટર હિન્દુવાદી ગણાતા એકનાથ શિંદેએ પણ ભાઈચારા અને એકતા પર મોટી વાતો કરી હતી. અજીત પવારે કહ્યું હતું કે હોળી, ગુડીપડવો અને ઇદ જેવા તહેવારોને કારણે ભાઈચારો વધે છે જેથી આવા તહેવારો સામૂહિક રીતે ઉજવવા જોઈએ. રાજકીય નીરિક્ષકો ટીપ્પણી કરી રહ્યા છે કે મહાયુતી સરકારના નેતાઓએ નાગપુર જઈને એમના કાર્યકરોને આ વાત સમજાવવી જોઈએ.
કર્ણાટક સરકારની દલા તરવાડી જેવી નીતિ
બાળપણમાં બધાએ દલા તરવાડીની વાર્તા વાંચી હશે. દલા તરવાડી પોતાને જ પૂછે છે કે રીંગણા લઉં કે બેચાર, અને દલા તરવાડી પોતે જ કહે છે લોને બેચાર... કર્ણાટક સરકારે પણ દલા તરવાડીની નીતિ અપનાવી છે. મંત્રીઓ સહિત ધારાસભ્યોના પગાર ડબલ કરી દીધા છે. પગાર બમણા કરવા માટે ખાસ બિલ પણ વિધાનસભામાં પાસ કર્યું છે. ધારાસભ્યો, એમએલસી, મંત્રીઓ અને વિધાનસભાના સ્ટાફના પગાર અને બીજા ભથ્થા વધારી દીધા છે. એક તરફ કર્ણાટક સરકાર નાણાકીય અભાવ હોવાની વાતો કરે છે અને બીજી તરફ પગારમાં થયેલા તોતીંગ વધારાને કારણે રાજ્યની તિજોરી પર પડનારા ભારની ચિંતા કરતી નથી. ધારાસભ્યોનું પેન્શન પણ બમણું કરી નાખવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્યોને પણ વધારે પગાર મળવાનો હોવાથી તેઓ પણ ચૂપ થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાની સલાહની મજાક ઉડાવવામાં આવી
આજકાલ નાગરીકોની મફત શારીરિક તપાસ બાબતે સરકાર અભિયાન ચલાવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એવી સુફિયાણી સલાહ આપી હતી કે સાંસદોએ પોતાની તબિયતની કાળજી રાખવી જોઈએ. એમણે કેટલાક સાથીદારો તરફ ઇશારો કરતા કહ્યું હતું કે, જે સાંસદોનું વજન વધારે છે એમણે તબિયતની ખાસ કાળજી રાખવી જોઈએ. સાંસદોએ વર્ષમાં એક વાર બોડી ચેકઅપ કરાવવું જોઈએ જેના માટે સ્વાસ્થ્ય મંત્રાલય તૈયાર બેઠું છે. નડ્ડાની સલાહ સાંભળીને કેટલાક વધુ વજનના સાંસદોએ અંદરો અંદર મજાક કરી હતી કે નડ્ડા અને ભાજપના બીજા ટોચના નેતાઓ પહેલા પોતાનું વજન ઉતારે પછી બીજાને સલાહ આપે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન મોદીએ પણ જ્યારે કમર ઘટાડવાની સલાહ આપી હતી ત્યારે પણ ભાજપના કેટલાક સાંસદો મનમા મલકાયા હતા અને ટીપ્પણી કરી હતી કે વડાપ્રધાને આ સલાહ એમના અંગત માણસોને આપવાની વધુ જરૂર છે.
તિરૂપતિ મંદિરમાં ફક્ત હિન્દુઓ કામ કરશે, બિન હિન્દુઓને દુર કરાશે
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. એમણે જાહેર કર્યું છે કે, ખ્યાતનામ તિરુમાલા મંદિરમાં હવે ફક્ત હિન્દુઓને જ કામ પર રાખવામાં આવશે. મંદિરમાં કામ કરતા બિન હિન્દુઓને અન્ય સ્થળે મોકલવામાં આવશે. નાયડુએ દેશના દરેક રાજ્યોની રાજધાનીમાં વૈંકટેશ્વર સ્વામી મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. નાયડુના કહેવા પ્રમાણે ભગવાન વૈંકટેશ્વરની સંપત્તીની રક્ષા માટે એક પવિત્ર દોરો બાંધવામાં આવ્યો છે. નાયડુના ટીકાકારો ટીપ્પણી કરી રહ્યા છે કે એક જમાનાના સુધારાવાદી અને વૈજ્ઞાાનિક વિચારધારા ધરાવતા ચંદ્રાબાબુ નાયડુ હવે ભાજપની સંગતમાં ધીમેધીમે કટ્ટરવાદી બનતા જાય છે.
કેરળના મુખ્યમંત્રી વિજયનના પ્રેસ સેક્રેટરીના ભાઈ હત્યા માટે દોષિત
વીસ વર્ષ પહેલા કેરળના કન્નુર જિલ્લામાં ભાજપના કાર્યકર એલંમ્બિલાઇ સુરજની હત્યા બાબતે કેરળની કોર્ટે સામ્યવાદી પક્ષના કાર્યકરોને ગુનેગાર ઠેરવ્યા છે. સીપીએમ છોડીને ભાજપ સાથે જોડાયેલા ૩૨ વર્ષના એલંમ્બિલાઇની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ૧૨ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ૧૨માંથી બે આરોપીઓના મૃત્યુ થઈ ગયા છે જ્યારે એકને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. જેમને સજા કરવામાં આવી છે એમાં મુખ્યમંત્રી પીનરાઇ વિજયનના પ્રેસ સેક્રેટરી મનોજનો ભાઈ રાજેશ પણ છે. હત્યારાઓએ હત્યાના એક વર્ષ પહેલા હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
કર્ણાટક સીએમના મોંઘા હવાઈ પ્રવાસથી વિવાદ સર્જાયો
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દ્વારા વારંવાર ચાર્ટર્ડ ફ્લાઇટ્સના ઉપયોગને કારણે માર્ચ ૨૦૨૩ અને જાન્યુઆરી ૨૦૨૫ વચ્ચે કરદાતાઓને આવા પ્રવાસ માટે વપરાયેલા કુલ ૩૪ કરોડ રૂપિયામાંથી લગભગ ૩૨ કરોડનો ખર્ચ થયો છે. સરકારની માહિતીથી જાણકારી મળી છે કે માર્ચ ૨૦૨૪માં બેંગલુરુથી માયસુરુ (૧૫૦ કિ.મી.) જેવી ટૂંકા અંતરની મુસાફરી પણ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા કરવામાં આવી હતી જેમાં ૩૪.૫ લાખથી વધુનો ખર્ચ થયો હતો. ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડની ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ત્રણ મુસાફરી માટે ૪૫ લાખનો ખર્ચ થયો હતો જેમાં તિરુપતિના ૧૦.૮૫ લાખનો પ્રવાસ સામેલ હતો. નાયબ મુખ્ય મંત્રી ડી.કે. શિવકુમારની બેંગલુરુમાં હેલિકોપ્ટર રાઈડનો ખર્ચ ૭.૧૯ લાખ થયો હતો જ્યારે કર્ણાટકના ગવર્નર થાવર ચંદ ગહેલોતના ૧૮ મહિનાના હવાઈ પ્રવાસનો ખર્ચ ૧.૭૫ કરોડ રૂપિયા થયો હતો. આ ખર્ચને કારણે બિનજરૂરી સરકારી વપરાશ વિશે વિવાદ સર્જાયો છે.
સંઘની બાંગ્લાદેશમાં લઘુમતિ અધિકારો વિશે વૈશ્વિક કાર્યવાહીની માગણી
રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘ (આરએસએસ)એ વૈશ્વિક સમુદાયને ધાર્મિક લઘુમતિઓ પ્રત્યે અમાનવીય વ્યવહાર રોકવા દખલગીરી કરીને બાંગ્લાદેશ પર દબાણ લાવવાની હાકલ કરી છે. બેંગલુરુમાં તેની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા ખાતે પસાર કરાયેલા એક ઠરાવમાં વૈશ્વિક સંસ્થાઓને બાંગ્લાદેશમાં હિન્દુઓ તેમજ અન્ય લઘુમતિઓ સામે થતી હિંસાની ગંભીર નોંધ લેવાની હાકલ કરી છે. ઠરાવમાં બાંગ્લાદેશમાં ભારત વિરોધી થતા સતત પ્રચાર સામે તેમજ પ્રાદેશિક અસ્થિરતા સર્જતા આંતરરાષ્ટ્રીય પરિબળોની ભૂમિકા વિશે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે. આરએસએસએ પડોશી રાષ્ટ્રોમાં અવિશ્વાસ સર્જવા થતા હેતુપૂર્વકના પ્રયાસો સામે ચેતવણી ઉચ્ચારી છે જેના કારણે આ ક્ષેત્રમાં તણાવ સર્જાયો છે. આરએસએસએ દક્ષિણ એશિયામાં સ્થિરતા જાળવવા અને લઘુમતિ સમુદાયનું રક્ષણ સુનિશ્ચિત કરવા દખલગીરીની જરૂર પર ભાર મુક્યો હતો.
રાજકીય ઉથલપાથલ વચ્ચે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે છ વર્ષ પૂર્ણ કર્યા
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે તેમના પુરોગામી મનોહર પારિકર અને દિગંબર કામતને પાછળ છોડીને છ વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે રાજ્ય ભાજપ સામે પડકારો વધી રહ્યા છે. જમીન વેચાણ, ભ્રષ્ટાચાર અને ઘટતા જતા પ્રવાસનના આરોપોએ પાર્ટીને રક્ષણાત્મક સ્થિતિમાં મૂકી દીધી છે. તેના પ્રતિસાદમાં, ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ આંતરિક સંઘર્ષોને ઉકેલવા માટે બી.એલ. સંતોષ અને અરુણ સિંહને મોકલ્યા હતા. તાજેતરના મંત્રી વિશ્વજીત રાણે સંબંધિત વિવાદ સર્જાયો છે જેના કારણે પણજીમાં તેમને હટાવવાની માંગણી સાથે વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. પક્ષમાં વધતો જતો વિરોધ અને જાહેર અસંતોષ સાવંતના નેતૃત્વ માટે એક મહત્વપૂર્ણ પડકાર ઊભો કરે છે.
- ઈન્દર સાહની


