દિલ્હીની વાત : અધ્યક્ષની શોધ વચ્ચે ધનખડના રાજીનામાંથી ભાજપ ચિંતીત
નવીદિલ્હી : સંસદના ચોમાસા સત્રની શરૂઆતમા ંજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ આપેલા રાજીનામાથી રાજકીય નીરિક્ષકો સ્તબ્ધ થઈ ગયા છે. જોકે ભાજપ હાઇકમાન્ડને અગાઉથી જ ગંધ આવી ગઈ હતી કે ધનખડ એમના કહ્યામાં નથી. હવે નવા ઉપરાષ્ટ્રપતિની શોધ ભાજપએ ચાલુ કરવી પડશે. રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉપરાષ્ટ્રપતિના પદ ઉપરાંત ભાજપના સંગઠનમાં પણ મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. હજી સુધી રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી થઈ શકી નથી ત્યારે ભાજપ હાઇકમાન્ડ માટે બેવડી જવાબદારી આવી ગઈ છે. આ ઉપરાંત ભાજપએ એનડીએના સાથીપક્ષોને પણ આ બધી બાબતોએ વિશ્વાસમાં લેવા પડે છે. ઉપરાષ્ટ્રપતિની જગ્યા માટે ભાજપએ એવી વ્યક્તિને પસંદ કરવા પડશે કે જેમને બંધારણની જવાબદારીનો અનુભવ હોય. જ્યારે રાજ્યસભામાં પણ ભવિષ્યમાં વિવિધ બીલો પસાર કરવાના આવશે ત્યારે ભાજપએ લાંબુ વિચારીને ઉપરાષ્ટ્રપતિ પસંદ કરવા પડશે.
અખિલેશ યાદવ માટે મુશ્કેલી, સંગઠન તૂટી રહ્યું હોવાની વાત
ઉત્તરપ્રદેશમાં સાજવાદી પક્ષને મજબુત બનાવવા પ્રમુખ અખિલેશ યાદવએ પક્ષના સંગઠનમાં ઘણા ફેરફાર કર્યા હતા. જિલ્લા અને શહેર સંગઠનોમાં ફેરફાર થવાથી પક્ષમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આંતરીક ઝઘડાને કારણે મનદુઃખ થઈ રહ્યું છે. અધ્યક્ષો એક બીજાથી અંતર રાખી રહ્યા છે. પક્ષની બેઠક કાર્યક્રમ કે ચૂંટણીની તૈયારીમાં તેઓ ભાગ લઈ રહ્યા નથી. ફતેહાબાદ રોડ પર આવેલા સપા કાર્યાલયની વીજળી કપાઈ ગઈ હતી. વીજળી બીલ નહી ભરાવાને કારણે કનેકશન કપાઈ ગયું હતું ત્યારે એક બીજા પર આક્ષેપો થયા હતા. ત્યારથી હજી સુધી પક્ષમાં ખેંચતાણ ચાલુ જ છે. અલગ અલગ જૂથો બીજા જૂથના કાર્યક્રમમાં હાજરી આપતા નથી. નવા જિલ્લા પ્રમુખને ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ ટેકો આપી રહ્યા નથી. અખિલેશ યાદવ વિચારી રહ્યા છે કે આ મુશ્કેલીમાંથી હવે કઈ રીતે રસ્તો કાઢવો.
માકર્સએ સાચુ કહેલું, ધર્મ અફીણ છે
કાવડ યાત્રા દરમિયાન ઢાબા અને હોટલો પર નેમ પ્લેટ મૂકવા બાબતે થયેલા વિવાદને લીધે સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ થયા છે. સુપ્રિમ કોર્ટમાં સૂનાવણી દરમિયાન એક સમય એવો આવ્યો કે જજ સાહેબએ કહેવું પડયું કે, 'અમે વધુ નહીં કહીએ, માર્ક્સએ કહ્યું છે કે ધર્મ અફીણ છે.' અરજી કરનાર વતી વકીલ તરીકે અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. એમણે આરોપ મૂક્યો હતો કે, ગયા વર્ષે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાનો અમલ નથી થઈ રહ્યો. શાકાહારી અને બીનશાકાહારી ભોજનની સાથે દુકાનદાર કે ઢાબા માલિકની ધાર્મિક ઓળખાણ સાથે પણ વિવાદ સંકળાયેલો છે. સિંઘવીએ દલીલ કરી હતી કે, કાવડિયાઓને એમની ધાર્મિક માન્યતા અનુસાર ખોરાક મળવો જોઈએ, પરંતુ એની સાથે દુકાનના માલિકના નામને કોઈ સંબંધ નથી. ખોરાકની ક્વોલીટીનો સંબંધ ઢાબાના મેન્યુ કાર્ડ સાથે છે.
ધર્માંતરણ રેકેટનો માસ્ટર માઇન્ડ કોણ છે
ઉત્તર પ્રદેશમાં આજકાલ ધર્માંતરણનું કૌભાંડ ગાજી રહ્યું છે. આગ્રાના બે સગી બહેનોના ગેરકાયદેસર ધર્માંતરણ કેસમાં આગ્રા પોલીસએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તર દિલ્હી ખાતેથી એને પકડવામાં આવ્યો છે. એનુ નામ અબ્દુલ રહેમાન ઉર્ફે અબ્દુલ ચાચા છે. ગેંગના મુખ્ય બોસનો એ જોડીદાર છે. પોલીસને એની પાસેથી ધર્માંતરણને લગતા ઘણા પુસ્તકો મળ્યા છે. પોલીસ કમિશનર દિપકકુમારના જણાવ્યા પ્રમાણે ગોવાની આયેશાએ એના પોતાના નિવેદનમાં અબ્દુલ રહેમાનનું નામ આપ્યું હતું. અબ્દુલ રહેમાન ફિરોઝાબાદનો રહેવાસી હતો. પહેલા એ હિન્દુ હતો. ૧૯૯૦માં એણે ધર્મપરિવર્તન કર્યું હતું ત્યાર પછી લાંબો સમય એ દિલ્હીમાં રહ્યો હતો. અબ્દુલ, કલીમ સિદ્દીકીનો મુખ્ય પાર્ટનર છે. ૨૦૨૧માં કલીમની ધરપકડ એટીએસએ કરી હતી.
બિહારમાં એનડીએના પક્ષો વચ્ચે ગરબડ
એનડીએ ધારાસભ્યની બેઠકમાં ગઠબંધનના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો સામસામે થઈ ગયા હતા. કેટલાક ધારાસભ્યોએ સરકારની કામગીરી બાબતે નારાજગી જાહેર કરી હતી. ઉપમુખ્યમંત્રી વિજયકુમાર સિંહાએ પણ આ ધારાસભ્યોને ટેકો આપ્યો હતો. એમણે સરકારના મંત્રીઓને સલાહ આપી હતી કે ગઠબંધનના ધર્મનું પાલન કરે. જવાબદારી ફક્ત એક પક્ષની નથી. ગ્રામીણ યોજનાઓનો અમલ નહીં થઈ શકવા બાબતે ધારાસભ્યો નારાજ થયા હતા. ભાજપના ધારાસભ્ય જ્ઞાાનેન્દ્રકુમાર જ્ઞાાનુ અને પ્રણવકુમાર સહીત બીજા કેટલાક ધારાસભ્યોએ ગ્રામ્ય વિસ્તારમાં રસ્તો બનાવવા જાહેર કરવામાં આવેલા ટેન્ડર બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં ગ્રામ્ય કાર્યમંત્રી ડો. અશોક ચૌધરી પણ હાજર હતા. એમણે નારાજ થઈને કહ્યું હતું કે આ બધી વાતો માટે મંચ યોગ્ય નથી.
રાબડીની સલાહને તેજપ્રતાપ યાદવનો પણ ટેકો
બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નિતિશકુમારના પુત્ર નિશાંતકુમાર રાજકારણમાં આવશે એવી વાતો ચાલી રહી છે. આ વાતોની વચ્ચે વિરોધપક્ષના કેટલાક નેતાઓ પણ નિશાંતને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી રહ્યા છે. બિહાર વિધાન પરીસદના નેતા રાબડી દેવીએ નિતિશકુમારને ખૂરશી છોડી દેવા કહ્યું છે અને પુત્ર નિશાંતને ગાદી આપવા માટે સલાહ આપી છે. હવે રાબડી દેવીની આ માગણીને એમના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવએ પણ સમર્થન આપ્યું છે. તેજપ્રતાપ યાદવને લાલુપ્રસાદએ કુટુંબ અને પક્ષમાંથી ખારીજ કર્યા છે. તેજપ્રતાપએ કહ્યું હતું કે, તેઓ તો પહેલેથી કહે છે કે યુવાનોને મોકો મળવો જોઈએ. તેજપ્રતાપ સમસ્તીપુર જિલ્લાના હસનપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. માતા રાબડી દેવીની જેમ એમણે પણ બિહારની બગડી રહેલી કાયદાકીય વ્યવસ્થા બાબતે નિતિશકુમારને સવાલો કર્યા હતા.
મમતા બેનર્જીને ધનકરના રાજીનામાના કારણ વિશે શંકા
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ જગદીપ ધનકરના અચાનક રાજીનામા બાબતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના મતે ભૂતપૂર્વ ઉપ-રાષ્ટપતિનું સ્વાસ્થ્ય ઉત્તમ છે. જો કે મમતા અને ધનકર વચ્ચે તેમના પ.બંગાળના ગવર્નર તરીકેના કાર્યકાળ દરમ્યાન સંબંધો તણાવપૂર્વક હતા. મમતાએ જણાવ્યું કે ધનકરના રાજીનામા વિશે રાજકીય પક્ષો કંઈ કહી ન શકે પણ તેમનું સ્વાસ્થ્ય કાયમ સારુ રહ્યું છે.
- ઈન્દર સાહની