Get The App

દિલ્હીની વાત : પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ખરાબ ઇવીએમને કારણે મતદાન અટક્યું

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ખરાબ ઇવીએમને કારણે મતદાન અટક્યું 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૨ બેઠકો પર મતદાન થયું હતું. શરૂઆતના તબક્કે મતદાન શારૂ રહ્યું હતું, પરંતુ બપોરની ગરમી વધતા મતદારોની સંખ્યા ઓછી થઈ હતી. પશ્ચિમ બંગાળમાં તમામ પક્ષોએ ખૂબ આક્રમકતાથી પ્રચાર કર્યો હતો. ચૂંટણી કમિશનના સબ સલામતના દાવા વચ્ચે ઘણી જગ્યાએ ચૂંટણી કમિશન નિષ્ફળ હોવાના પુરાવા મળ્યા હતા. કેટલાક સ્થળે ઇવીએમ બગડી જતા મતદાન અટકી ગયું હતું અને મતદારો પાછા ફર્યા હતા. 

મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા ક્ષેત્રમાં ઘણા બુથો પર ઇવીએમ ખરાબ થઈ ગયા હતા. પુર્વિ મેદીનીપુરના નંદીગ્રામ ક્ષેત્રમાં પણ ઇવીએમમાં ટેક્નીકલ મુશ્કેલી ઉભી થઈ હતી. ઝારગ્રામ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પાસે હાથી આવી જતા મતદારો ડરીને ભાગી ગયા હતા.

એક મહિનામાં જ નેપાળની શાહ સરકાર સંકટમાં

ગયા વર્ષે નેપાળમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પછી બદલાયેલા રાજકીય સમીકરણો પછી સત્તા પર બાલેન શાહ સરકાર આવી હતી. સરકાર બન્યાના એક મહિનો પુરો થતા પહેલા જ બે મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. ગૃહમંત્રીએ પણ રાજીનામું આપ્યું છે. વિદ્યાર્થી સંગઠનના મુદ્દાને કારણે યુવાનો ગુસ્સામાં છે અને ભારત બોર્ડર સાથે લાગીને આવેલા વિસ્તારોમાં સરકાર વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. રૈપરમાંથી રાજનેતા બનેલા બાલેન શાહ ૩૫ વર્ષની ઉંમરે પ્રધાનમંત્રી બની ગયા હતા. નેપાળની પ્રજાને એમની પાસે ઘણી અપેક્ષા હતી. હવે ફરીથી સરકાર અસ્થિર બની ગઈ છે. મની લોન્ડરીંગના આરોપોને કારણે ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડયું છે. નેપાળના વિરોધ પક્ષો અને સિવિલ સોસાયટી ભ્રષ્ટ પ્રધાનો પાસે રાજીનામા માંગી રહ્યા છે.

કાશ્મીરને ભારતથી અલગ કરવા યાસીન મલીક પાકિસ્તાનના સંપર્કમાં હતો

કાશ્મીરી આંતકવાદી યાસીન મલીક તિહાર જેલમાં કેદ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ એમને મળી રહ્યા છે એવી તસવીર તેમજ બીજા કેટલાક કહેવાતા પુરાવાઓ રજૂ કરીને યાસીન મલીકે એવો દાવો કર્યો હતો કે ભારતના સિનિયર નેતાઓ સાથે મળીને એમણે કામ કર્યું હતું. યાસીન મલીકની આ રજુઆતને નેશનલ ઇન્વેસ્ટીગેટીવ એજન્સી (એનઆઇએ)એ દિલ્હી હાઇકોર્ટમાં વિરોધ કર્યો છે. જસ્ટીસ નવીન ચાવલા અને જસ્ટીસ રવીન્દ્ર ડુડેજાની બેન્ચ સમક્ષ એનઆઇએએ કહ્યું હતું કે કાશ્મીરને ભારતથી અલગ કરવા માટે યાસીન મલીક પાકિસ્તાનના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના સંપર્કમાં હતો. પોતાના સંપર્કોનો ઉપયોગ મલીક આતંકવાદીઓને મદદ કરવા માટે કરતો હતો. તત્કાલીન વડાપ્રધાન અને અધિકારીઓ સાથેના પોતાના સંબંધનો દાવો એણે લોકોની સહાનૂભૂતી મેળવવા માટે કર્યો છે.

'વોટસએપ યુનિવર્સિટી સિવાય તમામ વિચારોનું સન્માન'

સુપ્રિમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન કોર્ટે એવી ટીપ્પણી કરી હતી કે, અમે તમામ મોટા લેખકો અને વિચારકોનું સન્માન કરીએ છીએ. જોકે વોટસએપ યુનિવર્સિટી દ્વારા મળેલી જાણકારીનો સ્વિકાર કરતા નથી. આ ટીપ્પણી સુપ્રિમ કોર્ટની ૯ જજોની બંધારણ બેન્ચે કરી હતી. આ બેન્ચ ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે ભેદભાવ તેમજ ધાર્મિક સ્વતંત્રતા બાબતે સુનાવણી કરી રહી હતી. એમાં કેરળનું શબરીમાલા મંદિર પણ સામેલ હતું. સુનાવણી વખતે દાઉદી વહોરા સમુદાય તરફથી હાજર વકીલ નીરજ કિશન કૌલએ કોંગ્રેસના નેતા શશી થરૂરના એક લેખનો ઉલ્લેખ કર્યો હતો. એ વખતે સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું હતું કે, વ્યક્તિગત અભિપ્રાય વ્યક્તિગત હોઈ શકે છે. એ વખતે જસ્ટીસ બીવી નાગરત્નાએ હળવાશથી કહ્યું હતું કે, જાણકારી વોટસએપ યુનિવર્સિટી દ્વારા મેળવાયેલી નહીં હોવી જોઈએ.

મતદાન દરમિયાન બંગાળમાં મોટી બબાલ

પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાના મતદાન વખતે ઠેરઠેર ઘર્ષણના સમાચાર મળ્યા હતા. કુમારગંજ ખાતે વાતાવરણ ખૂબ તણાવપૂર્ણ હતું. અને થયેલી હિંસાને કારણે વાતાવરણ ગરમાયું હતું. ભાજપના ઉમેદવાર સુવેંદુ સરકાર પર ટોળાએ કરેલા હુમલાનો વિડિયો વાયરલ થયો હતો. સુવેંદુ સરકારને ટોળાએ માર માર્યો હોવાની વાત વાયરલ થતા બંને પક્ષો વચ્ચે તંગદીલી સર્જાઈ હતી. હુમલા પછી સુવેંદુ સરકારે એના બોડીગાર્ડ સાથે સ્થળ પરથી નિકળી જવું પડયું હતું. ભાજપે આક્ષેપ કર્યો હતો કે, એમના પોલીંગ એજન્ટોને ૮-૧૦ બુથોમાંથી જબરદસ્તીથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બુથ નંબર ૨૪ પર પરિસ્થિતિ જોવા ગયા હતા ત્યારે સુવેંદુ અને એમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. એ વખતે કેન્દ્રીય સુરક્ષા દળો પણ હાજર હતાં, પરંતુ હિંસા વકરી ગઈ હતી. બીજી તરફ કેટલીક જગ્યાએ તૃણમુલ કોંગ્રેસ અને આમ જનતા ઉન્નયન પાર્ટીના કાર્યકરો વચ્ચે હિંસા થઈ હતી.

માલેગાંવ બ્લાસ્ટ કેસના ચાર આરોપીઓ નિર્દોષ છૂટયા

બોમ્બે હાઇકોર્ટે ૨૦૦૬ માલેગાંવ બોમ બ્લાસ્ટ કેસમાં અગત્યનો ચુકાદો આપીને ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આ બાબતે ગંભીર ટીપ્પણી કરીને કહ્યું હતું કે આ કેસ હવે ડેડએન્ડ પર પહોંચી ચૂક્યો છે. જ્યાંથી સચ્ચાઇ સુધી પહોંચવું અઘરું લાગે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તપાસ એજન્સીઓની વિરોધાભાસ દલીલોને  કારણે કેસ ગુંચવાઈ ગયો છે. હાઇકોર્ટે રાજેન્દ્ર ચૌધરી, ધનસિંહ, મનોહર રામસિંહ નરવરીયા અને લોકેશ શર્માને રાહત આપતા કહ્યું હતું કે એમની સામે કેસ ચલાવવા માટે કોઈ પુરાવા નથી. કોર્ટે ૨૦૨૫ના સપ્ટેમ્બર મહિનામાં ખાસ કોર્ટ દ્વારા ચાર્જ કરવામાં આવેલા આરોપો રદ કરી દીધા હતા. કોર્ટના કહેવા પ્રમાણે વિશેષ કોર્ટે આરોપો ચાર્જ કરતી વખતે પુરાવાઓના વિરોધાભાસ વિશે વિચાર કર્યો નહોતો.

મણિપુરમાં પરિસ્થિતિ કાબુ બહાર છતા કેન્દ્ર નિષ્ક્રિય

છેલ્લા થોડા દિવસોથી મણિપુરની સ્થિતિ ફરીથી બગડી છે. ૨૦૨૩ના મે મહિનામાં ભડકેલી જાતીય હિંસા પછી અત્યાર સુધીમાં ૫૮,૮૨૧ લોકો બેઘર થઈ ગયા છે. હિંસા સાથે જોડાયેલી ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૨૧૭ લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭૪ રાહત શિબિરો ખોલવામાં આવી છે. બેઘર થઈ ગયેલા લોકોના પુર્નવસન માટે મણિપુર પોલીસ હાઉસીંગ કોર્પોરેશન લીમીટેડએ ૩,૦૦૦ પ્રીફેબ્રીકેટેડ ઘર બનાવ્યા છે. એક અહેવાલ પ્રમાણે ૭,૮૯૪ ઘરો સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા છે જ્યારે ૨,૬૪૬ ઘરો કેટલેક અંશે ક્ષતિગ્રસ્ત થયા છે. નવાઇની વાત એ છે કે હજી પણ કેન્દ્ર સરકાર આ બાબતે ગંભીર લાગતી નથી. મોટા નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે મણિપુરના લોકો ત્રસ્ત છે.