નવી દિલ્હી : પહેલગામ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેઝીસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ લીધી છે. ટીઆરએફ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની પાંખ છે. હુમલાનો માસ્ટરમાઇન્ડ આતંકવાદી સેફુલ્લાહ ખાલીદ છે. સેફુલ્લાહ ખાલીદ આતંકવાદી હાફિસ સઇદની નજીકનો હોવાનું મનાય છે. પાકિસ્તાનના લશ્કર સાથે પણ ખાલીદના અંગત સંબંધો છે. સેફુલ્લાહ ખાલીદને લક્ઝરી મોટરોનો શોખ છે. એની આસપાસ હથિયાર ધારી બોડીગાર્ડો હંમેશા રહે છે. પાકિસ્તાનના લશ્કર પર એનો એટલો પ્રભાવ છે કે એ જ્યારે પણ લશ્કરના અધિકારીઓને મળવા જાય છે ત્યારે એના સ્વાગતમાં ફુલો પાથરી દેવામાં આવે છે. બે મહિના પહેલા જ એણે પાકિસ્તાનમાં ભારત વિરોધી ઝેર ઓકતું ભાષણ કર્યું હતું.
અમે વ્યક્તિની સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ : સુપ્રીમની દિલ્હી સરકારને ફટકાર
દિલ્હીના જાણીતા હત્યાકાંડ નિતિશ કટારાના ખૂનીને ૨૦ વર્ષ જેલમાં રહ્યા પછી સજા પૂરી થઈ ગઈ હોવા છતાં છોડવામાં આવ્યો નહોતો. આ બાબતે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ઠપકો આપ્યો છે. જસ્ટીસ અભય એસ ઓકા અને જસ્ટીસ ઉજ્જ્વલ ગુઇયાની બેન્ચે સરકારના વકીલ અર્ચના પાઠક દવેએ કરેલી દલીલ બાબતે નારાજગી દર્શાવી હતી. વકીલે કહ્યું હતું કે, સુખદેવ યાદવ ઉર્ફે પહેલવાનને આપોઆપ છોડવામાં નહીં આવે. બેન્ચે કહ્યું હતું કે, અમે એક વ્યક્તિની સ્વતંત્રતા માટે વિચાર કરી રહ્યા છીએ. હાઇકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી દોષિતની સજા માન્ય રાખવામાં આવી છે. જોકે એણે ભોગવી લીધેલી સજા પૂરી થઈ ગયા પછી એને કેદમા રાખવો યોગ્ય નથી.
મરાઠાવાડામાં ૩ મહિનામાં જ 269 ખેડૂતોની આત્મહત્યાથી ચકચાર
મહારાષ્ટ્રના મરાઠાવાડામાં ખેડૂતોની આત્મહત્યા ફરીથી ડિબેટનો વિષય બન્યો છે. આ વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ૨૬૯ ખેડૂતોએ મરાઠાવાડામાં આત્મહત્યા કરી છે. ગયા વર્ષ કરતા આ આંકડો મોટો છે. ૨૦૨૪ના વર્ષમાં મરાઠાવાડામાં ૨૦૪ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. મરાઠાવાડા વિસ્તારમાં આઠ જિલ્લા છે. અહીંના બિડ જિલ્લામાં ૨૦૨૪માં જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં ૪૪ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ૨૦૨૫ના શરૂઆતના ત્રણ મહિનામાં બિડના ૭૧ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ખેડૂતોની આત્મહત્યાનું કારણ આર્થિક તંગી હોવાનું મનાય છે. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને આપેલા વચનો પૂરા કર્યા નથી. સમગ્ર મહારાષ્ટ્રમાં આ બાબતે સરકાર સામે ખૂબ રોષ છે.
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત આ અઠવાડિયે થવાની શક્યતા
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને સ્થાને નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત લંબાઈ ગઈ છે. નાગપુરમાં આરએસએસના વડા મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બાબતે ચર્ચા કર્યા પછી હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બાબતે આ અઠવાડિયે નિર્ણય આવી શકે એમ છે. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વ્યસ્ત થઈ ગયા હોવાથી સંગઠનના સાથીદારોને મળી શક્યા નથી. ઉત્તર પ્રદેશ સહિત બીજા રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોના નામ પર સંઘ અને ભાજપ વચ્ચે સહમતિ થઈ ગઈ હોવાનું મનાય છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને સરકાર્યવાહક દત્તાત્રેય હોસબાલે સહિત સંઘના સિનિયર નેતાઓ પણ આ બાબતે દિલ્હીમાં છે.
'આતંકી હુમલા માટે કેન્દ્ર જવાબદાર' : કોંગ્રેસની સર્વપક્ષીય બેઠકની માંગ
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાબતે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે, સરકાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરવાને બદલે આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી લે. બીજા રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવા માટે સરકારે એક સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. આતંકવાદ સામે કઈ રીતે લડવું જોઈએ એ વિશે બીજા પક્ષની સલાહ પણ સરકારે લેવી જોઈએ. કોંગ્રેસે કહ્યું છે કે આતંકવાદી હુમલાનો પ્રતિઉત્તર યોગ્ય રીતે આપવો જોઈએ. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ હુમલાને ૨૦૧૯ના પૂલવામાં હુમલા પછી સૌથી ઘાતક હુમલો ગણાવ્યો છે.
મહારાષ્ટ્રમાં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા પસંદ કરવાનો આદેશ રદ
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રની યુતિ સરકારે ૧થી ૫ ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયનો વિરોધ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને મનસેેએ જોરશોરથી કર્યો હતો. લોકોએ પણ એનો વિરોધ કર્યો હતો. લોકમિજાજ પારખીને હવે યુતિ સરકારે પોતાનો નિર્ણય ફેરવી તોળ્યો છે. સરકારે નવો હુકમ બહાર પાડયો છે. જે વિશે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. રાજ્યની ભાષા સલાહકાર સમિતિએ પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સરકારનો નિર્ણય પાછો ખેચવા અપીલ કરી હતી.
આતંકી હુમલા પછી અમિતાભે કરેલા ટ્વીટથી ફોલોઅર્સ ભડક્યા
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સંપૂર્ણ બોલિવુડ ગુસ્સામાં છે. કેટલાક અભિનેતાઓએ ઘટનાની ટીકા કરીને શોક દર્શાવ્યો છે. જોકે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એવું ટ્વીટ કર્યું કે જેના કારણે એમને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યા છે. અમિતાભે એમના એક્સ એકાઉન્ટ પર કઈ પણ લખ્યા વગર ટ્વીટ કર્યું હતું. એમણે એમનો બ્લોગ પણ કોરો છોડી દીધો હતો. રાત્રે ૧.૨૦ વાગ્યે એમણે કરેલા ટ્વીટમાં ફક્ત ટ્વીટનો નંબર ટી-૫૩૫૬ લખ્યો હતો. આ જોઈને અમિતાભના ફોલોઅર્સ ખૂબ નારાજ થઈ ગયા હતા. એક જણે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, 'શું તમારો ફોન જયાજીએ છીનવી લીધો છે? પહેલગામ વિશે આગળ કેમ લખ્યું નહીં?' બીજી એક વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે, 'કાશ્મીરમાં જે થયું એના પર એક પણ કોમેન્ટ નહીં? આટલા મોટા નરસંહાર પછી ચૂપ રહેવું યોગ્ય નથી.'
કેન્દ્રને બદલે બિહારમાં મોટી ભૂમિકા મેળવવા ચિરાગની કવાયત
ચિરાગ પાસવાનના બનેવી અરૂણ ભારતીએ એક નિવેદનમાં કહ્યું કે જો ચિરાગને બિહારમાં મોટી ભૂમિકા મળશે તો આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ચિરાગ પાસવાનને કેન્દ્રના રાજકારણ કરતાં બિહારના રાજકારણમાં વધારે રસ છે, પરંતુ શરત એટલી કે બિહારમાં કોઈ ખૂબ મહત્ત્વની જવાબદારી મળે. ચિરાગની ગણતરી એવી છે કે આ વર્ષે થનારી ચૂંટણીમાં જો તેમની પાર્ટીને યોગ્ય બેઠકો મળે તો ડેપ્યુટી સીએમનું પદ માગી શકાય. ચિરાગ લાંબાંગાળાનું આયોજન કરે છે. ૨૦૨૫માં ડેપ્યુટી સીએમ હોય તો ૨૦૩૦માં ગઠબંધનના સીએમપદના ઉમેદવાર બની શકાય. આમેય ૨૦૨૮ પછી કેન્દ્રમાંથી બિહારના રાજકારણમાં આવી જવાની ચિરાગની ગણતરી છે. કેન્દ્રમાં પાર્ટીના કોઈ વિશ્વાસુ નેતાને મંત્રી બનાવીને રાજ્યમાં ધ્યાન આપવાથી પાર્ટી વધુ મજબૂત બનશે એવું તેમના સલાહકારો માને છે.
ચારધામ યાત્રા પહેલાં ઉત્તરાખંડ સરકારે રસ્તાનું કામ પૂરું કર્યું નથી
ઉત્તરાખંડની પુષ્કરસિંહ ધામીની સરકારે ચારધામની યાત્રા માટે તૈયારી શરૂ તો કરી દીધી હતી, પરંતુ હજુય ઘણાં રસ્તાઓનું કામ પૂરું થયું નથી. ૩૦મી એપ્રિલથી યાત્રાનો આરંભ થવાનો છે. તે પહેલાં ચારધામના રૂટમાં ખાડાઓનું રિપેરિંગ ચાલી રહ્યું છે. સરકારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ૨૦મી એપ્રિલ સુધીની ડેડલાઈન આપી હતી, પરંતુ ધારણા કરતાં કામ વધારે સમય ચાલ્યું છે. કેટલાક સ્થળોએ રસ્તો સાંકળો થયો હોવાથીય મુશ્કેલી પડી રહી છે. ચારધામની યાત્રાના માર્ગમાં સરકારે લગભગ એક ડઝન જેટલા ડેન્જર ઝોન ઓળખી કાઢ્યા છે. ટૂર સંચાલકોને એ અંગેની જાણકારી આપવામાં આવી છે, છતાં યાત્રાળુઓ પર જોખમ તો મંડરાઈ રહ્યું છે. હવે એક સપ્તાહમાં જે રસ્તાનું કામ બાકી છે તેને પૂરું કરવા માટે દિવસ-રાત એક કરવાનો સરકારે આદેશ આપ્યો છે. જોકે, ઉતાવળે થઈ રહેલા કામ અંગેય સવાલો ખડા થઈ રહ્યાં છે.
ભાજપના અન્ય નેતાઓ પણ નિશિકાંત દૂબેના સમર્થનમાં આવ્યા
નિશિકાંત દૂબેએ સુપ્રીમ કોર્ટ પર જે ટીપ્પણી કરી તેનાથી ભાજપ હાઈકમાન્ડે અંતર જાળવવાની કોશિશ કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્પષ્ટતા કરી કે એ નિશિકાંત દૂબેનો અંગત અભિપ્રાય છે, પાર્ટી એમાં સહમત નથી. તે સિવાય અન્ય નેતાઓને પણ આવા નિવેદનો ન આપવાની તાકીદ કરી, છતાં ભાજપના હોદ્દેદાર હોય એવા નેતાઓ દૂબેના સમર્થનમાં આવ્યા છે. બંગાળ ભાજપના મહામંત્રી અગ્નિમિત્ર પૌલે નિશિકાંત દૂબેનું સમર્થન કર્યું અને તેને સાચા ઠેરવતું નિવેદન પણ આપ્યું. ઉત્તર પ્રદેશ ભાજપના મહામંત્રી સુબ્રત પાઠકે કહ્યું કે નિશિકાંત દૂબેની વાતમાં દમ છે. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કેવી રીતે સૂચનો કરી શકે? સુપ્રીમ કોર્ટ અંગેના ભાજપના નેતાઓના નિવેદનોને વિપક્ષોએ ગંભીર ગણાવ્યા છે.
કોંગ્રેસની સરકારોને રોહિત વેમુલા એક્ટ લાગુ પાડવા રાહુલની ભલામણ
ભારતની શિક્ષણ સંસ્થાઓમાં જાતિના આધારે ભેદભાવ ન થાય અને સૌને સમાન શિક્ષણનો અધિકાર મળે તે હેતુથી કોંગ્રેસે રોહિત વેમુલા એક્ટ લાગુ પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રોહિત વેમુલા હૈદરાબાદનો પીએચડી સ્કોલર હતો અને તેણે આપઘાત કર્યો હતો. રાહુલ ગાંધીએ કોંગ્રેસની સરકારોને રોહિત વેમુલા એક્ટ લાગુ પાડવાની ભલામણ કરી હતી. પહેલાં તેલંગણાની સરકારને કહ્યું હતું, એ પછી કર્ણાટકમાં સિદ્ધારામેયાની સરકારને રાહુલે ભલામણચિઠ્ઠી લખી હતી. હવે હિમાચલ પ્રદેશના સીએમ સુક્ખુને ભલામણ કરી છે. આ ત્રણ રાજ્યોમાં રોહિત વેમુલા એક્ટ લાવીને કોંગ્રેસ કેરળ અને બિહારમાં પણ મેસેજ આપવા ધારે છે.
- ઈન્દર સાહની


