ઉત્તરાખંડમાં ભાજપના 13 MLA 100 સભ્ય પણ ન બનાવી શક્યા, હરિયાણામાં કાળાં વાવટાં બતાવાયા
Haryana Election 2024 | ભાજપના નેતાઓ આજકાલ દેશભરમાં સભ્ય નોંધણીનું અભિયાન ચલાવી રહ્યા છે. જોકે ગુજરાત સહિત દરેક રાજ્યમાં ભાજપને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં પક્ષના દરેક ધારાસભ્યોને દસ - દસ હજાર સભ્યો બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તરાખંડમાં ભાજપથી લોકો એટલા નારાજ છે કે, 47 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય ટાર્ગેટ સુધી પહોંચી શક્યો નથી. પક્ષના ફક્ત ત્રણ ધારાસભ્યો જ પાંચ હજાર જેટલા સભ્યો બનાવી શક્યા છે અને એ પણ છેતરપીંડી દ્વારા. રાજ્યમાં સોશિયલ મીડિયા પર ધારાસભ્યોએ બનાવેલા સભ્યોની યાદી વાયરલ થઈ રહી છે. આ યાદી મુજબ રાજ્યના તમામ ધારાસભ્યોને 2000 સભ્યો બનાવતા પણ હાંફ ચઢી ગઈ છે. 13 ધારાસભ્યો તો ફક્ત 9 થી 100 જેટલા સભ્યો જ બનાવી શક્યા છે. ઉત્તરાંખડના લોકોનો મિજાજ જોતા ભાજપના ધારાસભ્યો લોકો સમક્ષ જવાનું ટાળી રહ્યા છે.
મહેબુબાએ મોદીને પરખાવ્યું, અમે એજન્ડા ચલાવ્યો હોત તો જમ્મુ-કાશ્મીર પાક.માં હોત
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર જઈને જે આક્ષેપો કર્યા હતા એનાથી પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફતી લાલઘૂમ થઈ ગયા છે. મહેબુબા મુફતીનું કહેવું છે કે, જો અબ્દુલ્લા ખાનદાને દેશના ભાગલા વખતે પાકિસ્તાનનો એજન્ડા ચલાવ્યો હોતતો જમ્મુ-કાશ્મીર ભારતને બદલે પાકિસ્તાનનો હિસ્સો હોત. મહેબુબાએ એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ શેખ પરિવાર, ખાસ કરીને શેખ અબ્દુલ્લાનો આભાર માનવો જોઈએ કે જેમના કારણે જમ્મુ-કાશ્મીર ભારત સાથે રહ્યું. ઉમર અબ્દુલ્લા જ્યારે એનડીએ સરકારમાં મંત્રી હતા ત્યારે કાશ્મીરમાં પોટાનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો અને એ વખતે ભાજપ ઉમરને પોતાની સાથે લઈને ફરતો હતો. હવે એ જ ઉમર મોદીને પાકિસ્તાન તરફી લાગે છે.
વીજળી બાબતે દિલ્હીની પરિસ્થિતિ પણ ઉત્તરપ્રદેશ જેવી થશે : આતિશી
ભાજપના વિકાસની હવા કાઢી નાખતા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી મારલેનાએ કહ્યું છે કે, વિજળી બાબતે ભાજપનું મોડેલ 'લાંબો વિજળી કાપ અને મોંઘી વિજળી' છે. ઉત્તરપ્રદેશમાં ભાજપનું શાસન છે જ્યાં એક કિલોવોટ વિજળીનો ભાવ 250 ટકા અને પાંચ કિલોવોટ વિજળીનો ભાવ 118 ટકા વધારી દેવામાં આવ્યો છે. ઉનાળામાં ઉત્તરપ્રદેશમાં ૮ કલાક સુધી વિજળી કાપ અમલમાં રહે છે. જો ભાજપ દિલ્હીમાં સત્તા પર આવશે તો દિલ્હીની હાલત પણ ઉત્તરપ્રદેશ જેવી જ થશે. દિલ્હીમાં અમે 24 કલાક વિજળી ઓછા ભાવે આપીએ છીએ. અમે દિલ્હીના ગરીબોનું વિચારીને વિજળીના ભાવમાં વધારો કરતા નથી.
કેજરીવાલ રાષ્ટ્રીય પક્ષના પ્રમુખ હોવાથી સરકારે બંગલો આપવો જ પડે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા પછી મુખ્યમંત્રી આવાસ ખાલી કરી દેવાની જાહેરાત કરી છે. ભાજપના કેટલાક ટૂંકી બુદ્ધિના નેતાઓ આ બાબતે કહેતા હતા કે, કેજરીવાલ મોટા બંગલા વગર રહી શકશે નહીં. જોકે કેજરીવાલ મુખ્યમંત્રી આવાસ ખાલી કરે એટલે કેન્દ્ર સરકારે એમને રહેવા માટે મોટો બંગલો આપવો પડે. કોઈપણ રાષ્ટ્રીય પક્ષના પ્રમુખને દિલ્હીમાં રહેવા માટે યોગ્ય રહેઠાણ આપવાની જોગવાઈ છે. કોંગ્રેસ, ભાજપ સહિત બીજી દરેક રાષ્ટ્રીય પક્ષના પ્રમુખને બંગલા આપવામાં આવ્યા છે. આપ પણ દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી છે અને કેન્દ્ર સરકારે કેજરીવાલને બંગલો ફાળવીને કોઈ ઉપકાર કરવાની નથી.
હરિયાણામાં ભાજપના ઉમેદવારોને ખેડૂતોએ કાળા ઝંડા બતાવ્યા
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગાંવ મોહના મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર પ્રચાર માટે ગયા ત્યારે સ્થાનિક સંઘર્ષ સમિતિના ખેડૂતોએ કાળા ઝંડા બતાવીને એમને ભગાડી દીધા હતા. ગાંવ મોહનામાં આવેલા માતાજીના મંદિર પાસે છેલ્લા 10 મહિનાથી ખેડૂત સંઘર્ષ સમિતિના ખેડૂતો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ફક્ત ગાંવ મોહનામાં જ નહીં હરિયાણાના બીજા ઘણા મતવિસ્તારોમાં ખેડૂતો સંગઠીત થઈને ભાજપનો પ્રચાર કરવા જનાર નેતાઓને ભગાડી દે છે. આ બાબતે ભાજપ હાઇકમાન્ડ પણ કંઈ કરી શકે એમ નથી.
ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટર બાબતે અખિલેશ યાદવે બાંયો ચઢાવી
થોડા દિવસો પહેલા ઉત્તરપ્રદેશમાં મંગેશ યાદવ નામની વ્યક્તિનું એન્કાઉન્ટર પોલીસે કર્યું હતું એ વખતે અખિલેશ યાદવે એવો સવાલ પૂછયો હતો કે ફક્ત યાદવ જ્ઞાાતિના ગુનેગારોનું એન્કાઉન્ટર કેમ થાય છે. આની સામે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બીજી જ્ઞાાતિના લોકોના થયેલા એન્કાઉન્ટરની યાદી જાહેર કરી હતી. આ યાદી પછી વિવાદ વકર્યો હતો. હવે અખિલેશ યાદવે અજય યાદવના એન્કાઉન્ટર બાબતે પણ યોગીને સવાલો પૂછયા છે. અખિલેશનું કહેવું છે કે, જેમના એન્કાઉન્ટર થાય છે એમને ફક્ત પગ પર જ કેમ ગોળી વાગી રહી છે. પગ પર ગોળી મારવાને હાફ એન્કાઉન્ટરનું નામ આપવામાં આવ્યું છે. આ બધા એન્કાઉન્ટર બનાવટી છે. આટલા બધા એન્કાઉન્ટર પછી પણ ઉત્તરપ્રદેશમાં મહિલાઓ સૌથી વધુ અસલામત છે.
બિહારમાં મહાદલિતોના ઘરોને આગચંપી મુદ્દે ઇન્ડિયાનું હલ્લાબોલ
બિહારના નાવડા વિસ્તારમાં મહાદલિતોના ઘરોને આગ લગાડી દેવામાં આવ્યા પછી નિતિશ સરકાર કફોડી સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. ઇન્ડિયા ગઠબંધનના આરજેડી અને કોંગ્રેસ હવે આક્રમક બનીને નિતિશને ભીડી રહ્યા છે. નિતિશ એવો બચાવ કરી રહ્યા છે કે, મુખ્ય આરોપી નંદુ પાસવાનની ધરપકડ કરવામાં આવી છે અને આ હિંસા જાતિવાદને કારણે થઈ નથી. બિહારમાં હવે થોડા સમય પછી વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે કોગ્રેેસ અને આરજેડી નિતિશ સરકારની કામગીરીને જંગલરાજ સાથે સરખાવી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવ પણ કહી રહ્યા છે કે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે અને દલિતો સલામત નથી.
***
તિરુપતિ લાડુ વિવાદઃ માછલીનું તેલ ઘી કરતા મોંઘુ હોવાની સપ્લાયરની દલીલ
શ્રી વેંકટેશ્વર મંદિર પ્રસાદમ માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ભેળસેળયુક્ત ઘીની કથિત આપૂર્તિ માટે સપડાયેલી તમિલ નાડુ સ્થિત કંપની એ આર ડેરી ફૂડ પ્રા. લિ.ના એક અધિકારીએ કંપની પર ઘી તૈયાર કરવા માછલીના તેલનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપોને વાહિયાત ગણાવ્યા છે. તેણે દલીલ કરી છે કે માછલીનું તેલ ઘી કરતા વધુ મોંઘુ હોય છે. ઉપરાંત આવી ભેળસેળ તુરંત તેની ગંધ પરથી ઓળખાઈ શકે. તેણે ખુલાસો કર્યો કે ૧૯૯૮થી ઘી ઉત્પાદન કરતી આ કંપનીમાં ઘી મેળવવા અગાઉ દૂધ પર ૧૦૨ પ્રકારની ચકાસણી કરવામાં આવે છે.
વિનેશના રાજકીય ડેબ્યુ પાછળ હરિયાણાના અખાડાનો હાથ
હજી એક વર્ષ અગાઉ હરિયાણાના જજ્જરમાં અખાડા ખાતે વિશાળ રૂમ મહિલા પહેલવાનો અને તેમના કસરતના સાધનોથી ભરચક રહેતો હતો. પણ ભૂતપૂર્વ રેસલીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચીફ બ્રિજ ભુષણ શરન સિંઘ સામે મહિલા પહેલવાનોની કથિત જાતીય સતામણીના વિરોધમાં થયેલા વિરોધ પ્રદર્શનના પગલે અનેક પરિવારે પોતાની પુત્રીઓને આ રમતમાંથી પાછી ખેંચી લીધી હતી. આથી હવે અખાડાના કોચને આશા છે કે કોંગ્રેસ તરફથી રાજકરણમાં ડેબ્યુ કરી રહેલી વિનેશ ફોગાટ ચૂંટણીમાં વિજય મેળવીને સ્પોર્ટ્સ મંત્રી બનશે અને રાજ્યમાં મહિલાઓ માટે પરિવર્તન લાવી શકશે. આથી તેઓ વિનેશના રાજકીય દાવને ટેકો આપી રહ્યા છે.
- ઇન્દર સાહની