નવીદિલ્હી : પાંચ દેશોના પ્રવાસેથી પરત ફર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે. વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની એક અગત્યની લાંબી બેઠક મળી હતી. દિલ્હીના રાજકીય વર્તુળોમાં આ બેઠક પછી જાતભાતની ચર્ચા થઈ રહી છે. આ બેઠકમાં મંત્રીઓના રીપોર્ટ કાર્ડ ખોલવામાં આવ્યા હતા. સરકારના બે વર્ષ પુરા થતા પહેલા આ બેઠકમાં મંત્રીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી મંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા પણ છે. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં ફક્ત સામાન્ય ચર્ચા નહોતી થઈ, પરંતુ મંત્રાલયોની કામગીરીને બારીકાઈથી જોઈને ઓડીટ કરવામાં આવ્યું હતું. બેઠકમાં કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબા અને નીતિ આયોગના ઉપાધ્યક્ષએ વિવિધ સુધારાઓ અને મંત્રાલયોના કામકાજનું પ્રેઝન્ટેશન કર્યું હતું. મંત્રાલયોમાં સરકારી ફાઇલ કેટલી ઝડપે આગળ વધે છે અને સામાન્ય માણસોની ફરિયાદોનો નિકાલ કેટલી ઝડપે થાય છે એ આધારે રેકીંગ આપવામાં આવ્યું હતું.
રાજ્યસભાની ખાલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
રાજ્યસભાની ૨૪ બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી કમિશને નોટીફીકેશન બહાર પાડીને કહ્યું છે કે, ૧૦ રાજ્યોની કુલ ૨૪ બેઠકો માટે ૧૮મી જૂને મતદાન થશે. ૮ જૂન સુધીમાં ઉમેદવારી પત્ર ભરવું પડશે અને ૯મી જૂને ઉમેદવારી પત્રોની તપાસ થશે. ૧૧ જૂન સુધીમાં ઉમેદવારી પરત લઈ શકાશે. ૧૮મી જૂને સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે અને સાંજે મતગણતરી થશે. ૨૦ જૂન સુધીમાં સમગ્ર પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન અને રવનિતસિંહ બિટ્ટુ સહિત ૧૧ ભાજપના સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ સિવાય કોંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે, ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજયસિંહનો કાર્યકાળ પણ પુરો થઈ રહ્યો છે. કર્ણાટક, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં કુલ ૪ બેઠકો ઓછી થઈ રહી છે. ઝારખંડ, તામિલનાડુ અને મહારાષ્ટ્રની ૧-૧ બેઠકો પર પેટા ચૂંટણી થશે.
અમિત શાહની 'સ્માર્ટ બોર્ડર' યોજનાની જાહેરાત, સફળતા મળશે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યું છે કે, સરકાર ઘૂસણખોરો પ્રતિ શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવશે. દેશની સરહદોની સીલ કરીને તમામ ગેરકાયદેસર ઘૂસણખોરોને પરત મોકલવા એક 'સ્માર્ટ બોર્ડર' યોજના આ વર્ષથી શરૂ કરવામાં આવશે. સરકાર ગેરકાયદેસર ઘૂસણખોરોની ઓળખ કરીને એમને એમના દેશમાં પરત મોકલશે. ગૃહમંત્રાલય દેશની ૬,૦૦૦ કીલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદો પર એક અભેદ્ય સુરક્ષા ગ્રીડ લાગુ કરશે. આવતા એક વર્ષની અંદર 'સ્માર્ટ બોર્ડર' યોજના હેઠળ બીએસએફને ડ્રોન રડાર અને આધુનિક કેમેરા સહિત ઉચ્ચ ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવશે. ભાજપને કેન્દ્રમાં સત્તા પર આવ્યાને ૧૨ વર્ષ થયા છે અને ગેરકાયદેસર ઘૂસણખોરોને કાઢવાની વાત વારંવાર થઈ રહી છે. અમિત શાહનું વચન કયારે પુરું થશે એ તો વખત જ કહેશે.
કંગના રનૌત કેસમાં નવો વળાંક
ફિલ્મ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતના કેસમાં નવો વળાંક આવ્યો છે. કંગના રનૌત વતી રજુઆત કરનાર સુપ્રિમ કોર્ટના વકીલ અનસુયા ચૌધરીએ સામેના વકીલ રમાશંકર શર્માને બદનક્ષી, ખોટી માહિતીની રજુઆત માટે કાયદાકીય નોટીસ મોકલી છે. નોટીસમાં કહેવામાં આવ્યું છે કે, એમણે આપેલા ગેરમાર્ગે દોરનારા નિવેદન બદલ તેઓ માફી માંગે. સાથે જ નોટીસમાં કહેવાયું છે કે ૧૫ દિવસની અંદર એવી પણ ખાતરી આપે કે ભવિષ્યમાં કોઈ જૂઠા, ભ્રમીત કે માનહાની કરે એવા નિવેદનો આપવાથી દુર રહેશે. વકીલ રમાશંકર શર્માનું કહેવું છે કે, કેસ પાછો ખેંચવાનું દબાણ કરવા માટે આ નોટીસ આપવામાં આવી છે. તેઓ આ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં જશે. વકીલ રમાશંકર શર્માએ ખેડૂતો વિશે અપમાનજનક નિવેદન કરવા બદલ કંગના રનૌત વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
મદ્રેસાઓમાં વંદે માતરમ ફરજીયાત કરવાના હુકમથી વિવાદ
પશ્ચિમ બંગાળની મદ્રેસાઓમાં વંદે માતરમ ગાવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. દેશભરમાં આ બાબતે વિવાદ થયો છે. મુસ્લિમ નેતાઓ આ હુકમનો વિરોધ કરી રહ્યા છે. વિરોધપક્ષો ભાજપ સરકારના આ પગલાને મનમાની ગણાવી રહ્યા છે. વંદે માતરમ ગીત બંકીમચંદ્ર ચેટર્જીએ ૧૮૭૫માં લખ્યું હતું જે બાંગ્લા અને સંસ્કૃતમાં હતું. આ ગીત ત્યાર બાદ બંકીમચંદ્ર ચેટર્જીએ પોતાની પ્રસિદ્ધ કૃતિ આનંદમઠમાં લીધું હતું. ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ઇમામ ઉમર અહમદ ઇલ્યાસીએ કહ્યું છે કે, 'કિસ્સો વંદે માતરમનો હોય કે માદરે વતન ઝીંદાબાદનો. બંનેનો અર્થ દેશભક્તિ અને ભારતની મહિમા કરવાનો છે. ઇસ્લામમાં પૂજા અને આરાધના ફક્ત અલ્લાહની કરવામાં આવે છે એટલે કેટલાક લોકો વંદે માતરમને બદલે માદરે વતન ઝીંદાબાદ કહે છે. આ રાષ્ટ્રગીત છે અને આ બાબતે કોઈ રાજકારણ હોવું જોઈએ નહીં.'
'મા-બાપ બંને આઇએએસ હોય તો અનામત શા માટે?'
સુપ્રિમ કોર્ટે અનામત અને ગતિશીલતા બાબતે મહત્વની ટીપ્પણી કરી છે. પછાત જાતીમાં ક્રિમિલેયરને મળનાર અનામતના લાભો સાથે જોડાયેલા મામલે સુનાવણી કરતી વખતે કોર્ટે સવાલ કર્યો હતો કે જે પરિવારોએ શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી લીધી છે એમના બાળકોને શું અનામતનો લાભ મળવો જોઈએ? જસ્ટીસ બી વી નાગરત્ના અને જસ્ટીસ ઉજ્જવલ ભુયિયા કેસની સુનાવણી કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન જસ્ટીસ નાગરત્નાએ કહ્યું હતું કે, જો માતા-પિતા બંને આઇએએસ અધિકારી હોય તો એમના બાળકોને અનામત શા માટે મળવી જોઈએ? અરજી કરનાર તરફથી હાજર થયેલા વકીલ શશાંક રતનુંએ કહ્યું હતું કે, લોકોને એમના પગાર ધોરણને કારણે નહીં, પરંતુ એમના સામાજીક દરજ્જાને આધારે બહાર કરવામાં આવે છે. ગુ્રપ એ કર્મચારીઓને પણ બહાર કરવામાં આવ્યા છે અને ગુ્રપ બી કર્મચારીઓને પણ બહાર કરવામાં આવ્યા છે. એ વખતે જસ્ટીસ નાગરત્નાએ કહ્યું હતું કે, શિક્ષણ અને આર્થિક સશક્તિકરણની સાથે સામાજીક પરિવર્તન પણ આવે છે. આવા કિસ્સાઓમાં પછીની પેઢી પણ અનામત માંગે તો સમાજ કદી એમાંથી બહાર નહીં નિકળી શકે.


