દિલ્હીની વાત : એનસીપીસીના ચેરમેન પદ માટે એક ડઝન ઉમેદવાર નિષ્ફળ
નવીદિલ્હી : સરકારી કંપનીઓમાં યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, દેશમાં વિજળીનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનસીપીસી)ના ચેરમેનની પસંદગી કરવા માટે એક ડઝન ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ તમામ ઉમેદવારો ફેલ થયા છે. ટીઇએસબીએ જેમના ઇન્ટરવ્યુ કર્યા હતા તેમાંથી અડધા તો એનસીપીસી અને બીજી સરકારી કંપનીઓમાં ડિરેક્ટર હતા. હમણાના ચેરમેન ગુરદીપસિંહ ૩૧મી જુલાઈએ નિવૃત્ત થઈ રહ્યા છે. ટીઇએસબીએ એમની વેબસાઇટ પર મુકેલી નોટીસમાં કહ્યું છે કે, બોર્ડએ આ પદ માટે કોઈ ઉમેદવાર પસંદ કર્ર્યા નથી. હવે સરકાર પોતે પસંદ કરેલા ઉમેદવારને ચેરમેન બનાવી શકે છે.
યુદ્ધવિરામ માટે ટ્રમ્પના દાવા પર વડાપ્રધાન શા માટે ચૂપ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર એવો દાવો કરી રહ્યા છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે એમના પ્રયત્નોથી યુદ્ધવિરામ થયું હતું. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજી સુધી એક પણ વખત ટ્રમ્પના આ દાવાને નકાર્યો નથી. કોંગ્રેસે સવાલ કર્યો છે કે, વડાપ્રધાન મોદી ચુપ શા માટે છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું છે કે, ટ્રમ્પે આઠમી વખત એવો દાવો કર્યો છે કે, એમના કહેવાથી ઓપરેશન સિંદુર અટકાવી દેવામાં આવ્યું. ખેડાએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ટ્રમ્પે કહ્યું છે કે, તેમણે 'ઓપરેશન સિંદુર' બંધ કરવા માટે વેપારનો સહારો લીધો હતો. વડાપ્રધાન મોદીએ હજી સુધી ટ્રમ્પની આ વાત નકારી નથી. ટ્રમ્પ વારંવાર કહે છે કે, મે વેપારની વાત કરીને બંને પક્ષોને સમજાવ્યા હતા. અમેરિકા ભારત અને પાકિસ્તાન બંને દેશો સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યું છે.'
શિવસેના (ઉદ્ધવ ઠાકરે) રાજ ઠાકરે ગઠબંધન માટે તૈયાર
છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર રાજકારણમાં એવી વાતો ચાલે છે કે, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે નજીક આવી રહ્યા છે. જોકે રાજ ઠાકરે મગનું નામ મરી પાડતા નથી. મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ પહેલી વખત જાહેરમાં કહ્યું છે કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) નવનિર્માણ સેના (મનસે) સાથે જોડાણ કરવા તૈયાર છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ધારાસભ્ય અનિલ પરબે કહ્યું છે કે, રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના હિતમાં નક્કી કરવાનું છે કે, ઉદ્ધવ ઠાકરે સાથે એને હાથ મેળવવો છે કે નહીં. ઉદ્ધવ ઠાકરે પહેલા જ કહી ચૂક્યા છે કે બધા વિવાદો ભુલીને તેઓ રાજ ઠાકરે સાથે ગઠબંધન કરવા તૈયાર છે.
જસ્ટીસ વર્મા સામે એફઆઇઆર દાખલ કરવાની અરજી નકારતા સુપ્રિમ કોર્ટે શું કહ્યું
ઘરમાંથી મળેલી કરોડો રૂપિયાની રોકડને કારણે વિવાદમાં આવેલા જસ્ટીસ યશવંત વર્મા સામે હજી સુધી એફઆઇઆર દાખલ થઈ નથી. આ મામલે સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી સાંભળવાનો ઇન્કાર કોર્ટે કર્યો છે. સુપ્રિમ કોર્ટનું કહેવું છે કે, જસ્ટીસ વર્મા પર થયેલી તપાસનો રીપોર્ટ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મોકલી આપવામાં આવ્યો છે. ન્યાયમૂત અભય એસ ઓકાની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજી કરનારને કહ્યું છે કે, એમણે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરતા પહેલા ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ બાબતની રજુઆત કરે. કોર્ટનું કહેવું છે કે પહેલા એવા અધિકારીઓ સમક્ષ રજુઆત કરવી જોઈએ કે જેઓ જસ્ટીસ વર્મા સામે એફઆઇઆર દાખલ કરવા કહી રહ્યા છે.
ઓપરેશન સિંદુર બાબતે હવે વિજય વડેટ્ટીવારે બાફ્યું
ઓપરેશન સિંદુર બાબતે રાજકીય વિવાદ અટકતો નથી. કોંગ્રેસના નેતાઓ ઓપરેશન સિંદુર બાબતે વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા છે. હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એવું કહ્યું છે કે, ભારતે પાકિસ્તાનના ૧૫ હજાર રૂપિયાના દ્રોણ તોડી પાડવા માટે ૧૫ લાખ રૂપિયાના મિસાઇલ બગાડયા છે. આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ. કોંગ્રેસના નેતાનું કહેવું છે કે, પાકિસ્તાને ચીનની બનાવટના પાંચ હજાર દ્રોણ લોન્ચ કર્યા હતા. દરેક દ્રોણની કિંમત ૧૫ હજાર રૂપિયાથી વધુ નહોતી. આ ચીનની યોજનાના ભાગરૂપે હતું. એવી પણ વાત થાય છે કે ભારતના ત્રણ થી ચાર રાફેલ જેટ તોડી પાડવામાં આવ્યા છે. ઓપરેશન સિંદુર વિશે સરકાર ખુલાસો કરી રહ્યું નથી.
કેજરીવાલે આમ આદમી પાર્ટીમાં મોટા ફેરફાર કર્યા
આમ આદમી પાર્ટીમાં મોટા ફેરફાર થયા છે. દરેક રાજ્યના પ્રભારી અને સહપ્રભારીઓની નવી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પ્રમાણે દિલીપ પાંડેને પક્ષના ઓવરસીઝ કોઓર્ડીનેટર બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના પ્રભારી જીતેન્દ્રસિંહ તોમર, કર્ણાટકના પ્રભારી રાજેશ ગુપ્તા, હિમાચલ પ્રદેશના પ્રભારી રૂતુરાજ ગોવિંદ અને ઉત્તરાખંડના પ્રભારી તરીકે નરેન્દ્ર યાદવની નિમણૂક કરવામાં આવી છે. એજ પ્રમાણે રાજસ્થાનમાં ધિરેશ ફોકસ, મહારાષ્ટ્રમાં પ્રકાશ જારવાલ, તેલંગાણામાં પ્રિયંકા કક્કડ, કેરળમાં શેલી ઓબેરોય, તામીલનાડુમાં પંકજસિંહને પ્રભારી બનાવવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશને ખાસ ધ્યાનમાં રાખ્યું છે કારણ કે ત્યાં ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઉત્તર પ્રદેશમાં ચાર સિનિયર નેતાઓને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.
ઓલ પાર્ટી ડેલિગેશન પર પ્રશ્નો ઉભા કરાતા ઇન્ડિયા બ્લોકમાં તિરાડ
ઓપરેશન સિંદુર પછી ભારતનો પક્ષ વિશ્વના જુદા જુદા દેશોમાં રજુ કરવા માટે સરકારે તમામ વિરોધ પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ કરીને કેટલાક ઓલ પાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આ ડેલિગેશનમાં પસંદ થયેલા સાંસદોથી કેટલાક વિરોધપક્ષો ખુશ નથી. ઇન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષોએ સરકારના પગલાને આવકાર્યું છે. તો કોંગ્રેેસ જેવા પક્ષે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, સરકારે બીજા પક્ષના સાંસદોને પસંદ કરતા પહેલા જે તે પક્ષના નેતાઓ સાથે સંવાદ કરવાની જરૂર હતી. કેટલાક વિરોધપક્ષોનું માનવું છે કે રાષ્ટ્રહિતમાં કેન્દ્ર સરકારે યોગ્ય પગલું લીધું છે. એક તરફ કોંગ્રેસ અને ટીએમસી જેવા પક્ષો છે તો બીજી તરફ સમાજવાદી પક્ષ અને એનસીપી આ બાબતે અલગ વિચાર ધરાવે છે. હમણા તો ઇન્ડિયા ગઠબંધનમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
રાજસ્થાનના વિધાનસભ્ય મીણાના કેસમાં બંધારણની હત્યાઃ કોંગ્રેસ
રાજસ્થાનની વિધાનસભામાં ભાજપના વિધાનસભ્ય કંવરલાલ મીણાનો કેસ કુતૂહલભર્યો બની રહ્યો છે. ૨૦૦૫માં ઝાલાવાડ જિલ્લાના અલકેરામાં આવેલી અદાલતે કંવર લાલ મીણાને એક સનંદી અધિકારીને ધમકી આપવાના કેસમાં કસુરવાર ઠેરવી ૨૦૨૦માં તેમને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી. બીજી મેએ રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા આ ચૂકાદાને બહાલ રાખવામાં આવ્યો. ભાજપના વિધાનસભ્ય આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયા જ્યાં તેમને રાહત આપવાની ના પાડી પખવાડિયામાં ટ્રાયલ કોર્ટમાં શરણે થઇ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બુધવારે આ આદેશનું પાલન કરવાની સમયમર્યાદા પુરી થઇ હતી. આમ છતાં કંવરલાલ મીણા હજી રાજ્ય વિધાનસભાના સભ્યપદે ચાલુ છે. લોકપ્રતિનિધિ ધારા ૧૯૫૧ની કલમ ૮(૩) હેઠળ વિધાનસભ્યને કોઇ ગુનામાં દોષી ઠેરવી લઘુત્તમ બે વર્ષની સજા કરવામાં આવે તો તે ધારાસભામાં ગેરલાયક ઠરે છે. કોંગ્રેસ દ્વારા કંવરલાલ મીણાને વિધાનસભામાં ચાલુ રાખવાના કૃત્યને બંધારણની હત્યા સમાન ગણાવાયું છે.
અગાઉ બદનક્ષીના કેસમાં ગુજરાતમાં અદાલતે દોષી ઠેરવ્યા તેના બીજા જ દિવસે ૨૩ માર્ચ ૨૦૨૩માં લોકસભામાં રાહુલ ગાંધીને સાંસદ તરીકે ચાલુ રખાયા ન હતા જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. આ જ રીતે યુપીમાં નફરત ફેલાવે તેવા ભાષણો કરવાના કેસમાં સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાનને રામપુરની એમમપી-એમએલએ કોર્ટમાં ત્રણ વર્ષની કેદની સજા થતાં જ તેમને બીજા જ દિવસે તેમને ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. પણ કંવરલાલ મીણાના કેસમાં તેમને દોષી ઠેરવ્યાને ૧૯ દિવસ થઇ ગયા છતાં તેમને વિધાનસભામાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા નથી. જેને કારણે ઘણાંના ભવાં ઉંચકાયા છે. મીણાએ ટ્રાયલ કોર્ટ સમક્ષ શરણે થયા છે પણ તેમણે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન પણ નોંધાવેલી છે.
તમિલનાડુમાં પિતા-પુત્રનો ઝઘડો : ચૂંટણી ટાણે પીએમકમાં તડાં પડાવશે?
તમિલનાડુમાં પટ્ટાલિ મક્કલ કાત્ચી એટલે કે પીએમકે પક્ષના સ્થાપક અને તેમના પુત્ર વચ્ચે ગજગ્રાહ થતાં પક્ષના કાર્યકરોમાં ટેન્શન વધી ગયું છે. જો મામલો સમયસર થાળે ન પડે તો ૨૦૨૬માં વિધાનસભાની ચૂંટણીઓ ટાણે જ પક્ષમાં તડાં પડે તેવો ડર વ્યક્ત કરાઇ રહ્યો છે. પક્ષની નેતાગીરી તો બધું સબ સલામત હોવાની આલબેલ પોકારે છે પણ પીએમકેના કાર્યકરોને ડર છે કે નેતાગીરી વચ્ચેના મતભેદોને કારણે પક્ષમાં ભાગલાં પડશે. રામોદાસ અને તેમના પુત્ર અંબુમણી વચ્ચેના મતભેદો એ હદે વકર્યા છે કે હવે તેમની વચ્ચે વાતચીત કરવાનો પણ સંબંધ રહ્યો નથી. અંબુમણીને રામોદાસ સાથે વાત કરવામાં કોઇ રસ નહોવાથી હાલ તો આ મતભેદો ઉકલે તેમ લાગતું નથી.
એપ્રિલમાં રામોદાસે જિલ્લા સ્તરના પ્રભારીઓની બેઠક થેલાપુરમમાં આવેલાં તેમના ફાર્મમાં બોલાવી ત્યારે મામલો બીચક્યો હતો. ૨૨૦ પ્રભારીઓમાંથી માત્ર ૧૩ પ્રભારીઓ જ આ બેઠક માટે હાજર થયા હતા. જે દર્શાવે છે કે મોટાભાગના પ્રભારીઓ અંબુમણી સાથે છે. પક્ષના ખજાનચી એમ. થીલગાબામા પણ અંબુમણીના ટેકેદાર છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જી કે મણી સહિતના થોડાં સિનિયર નેતાઓ દ્વારા રામોદાસને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જી.કે.મણી પક્ષના માનદ્ પ્રમુખ છે. ખજાનચી થીલામાગામાએ જણાવ્યું હતું કે રામોદાસ ઘરડાં થઇ ગયા હોઇ તેઓ હાલ પક્ષની અંદર શું થઇ રહ્યું છે તેના પર ધ્યાન આપી શકતાં નથી. જીકે મણી જેવા લોકો તેનો ફાયદો ઉઠાવી તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
અર્નબના રિપબ્લિક ટીવીએ તુર્કીમાં કોંગ્રેસની ઓફિસ મામલે ભૂલ કબૂલી, પણ માલવિયા મક્કમ
તુર્કિયેમાં કોંગ્રેસની ઓફિસ આવેલી છે તેવું ગુનાઇત હેતુથી ચલાવવામાં આવેલી ઝૂંબેશ હેઠળ ખોટી માહિતી ફેલાવવા બદલ ભાજપના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના વડા અમિત માલવિયા અને પત્રકાર અર્ણબ ગોસ્વામી સામે ઇન્ડિયન યુથ કોંગ્રેસના વર્કર અને એક બીજી વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રિપબ્લિક ટીવીએ ૧૫ મેના રોજ તેના ડિજિટલ પ્લેટફોર્મ પર એક ઇમારતને તુર્કિયેમાં આવેલી કોંગ્રેસ પક્ષની ઓફિસ ગણાવતા દ્શ્યો ભૂલથી રજૂ કર્યા હતા. માલવિયાએ આ ક્લિપને એક્સ પર શેર કરી હતી.
ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર શ્રીધર એમ એમ અને એક વકીલ શ્રીકાન્ત સ્વરૂપ બીએન દ્વારા બેન્ગાલુરૂમાં માલવિયા અને ગોસ્વામી સામે અલગ અલગ પોલીસ ફરિયાદો નોંધાવી હતી. કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કાર્યકર શ્રીધરે જણાવ્યું હતું કે હાલ ભારત પાકિસ્તાન સાથે કસોટીભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે માલવિયાઆવી દુષ્ટ સામગ્રી ધરાવતી પોસ્ટ કરે તેનાથી કોંગ્રેસ પ્રતિ દુશ્મનાવટ વધે છે અને તેના નેતા રાહુલ ગાંધી સામે હિંસા કરવા ઉશ્કેરણી થઇ શકે છે. શ્રીધરે માલિવિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી અન્ય પોસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પાકિસ્તાન અને તેના લાભાર્થીઓની ભાષા બોલી રહ્યા છે.
-ઇન્દર સાહની