નવીદિલ્હી: મધ્ય-પૂર્વના યુદ્ધ વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઇ કમિશનર અબ્દુલ બાસિતએ ભારત માટે એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. એમણે એક શેખચલ્લી જેવી સ્થિતિની કલ્પના કરીને કહ્યું હતું કે જો, અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે તો પાકિસ્તાને ભારતને નિશાન બનાવવું જોઈએ. અબ્દુલ બાસિતે કહ્યંણ હતું કે, 'જરા વિચારો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે છે તો પાકિસ્તાને ભારતના મુંબઈ અને દિલ્હી જેવા શહેરો પર બોમ્બ ફોડવા જોઈએ.' પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઇ કમિશનરનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે વિશ્વનો દરેક દેશ પોતાની સુરક્ષા બાબતે ચિંતીત છે. અબ્દુલ બાસિત ભારતની રાજધાની દિલ્હીમાં ત્રણ વર્ષ સુધી હાઇ કમિશનર રહ્યા હતા. ૧૯૮૨માં તેઓ પાકિસ્તાનની ફોરેન સર્વિસમાં જોડાયા હતા. તેઓ દુનિયાના ઘણા દેશોમાં પાકિસ્તાનના હાઇ કમિશનર તરીકે રહ્યા છે. ભારત આવતા પહેલા બાસિત મે ૨૦૧૨થી માર્ચ ૨૦૧૪ સુધી જર્મનીમાં પાકિસ્તાનના હાઇ કમિશનર રહ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં છેવટની મતદાર યાદી જાહેર થતા પહેલા એલર્ર્ટ
પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યના તમામ જિલ્લાના અધિકારીઓને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા ખાસ આદેશ આપ્યો છે. આજે રાજ્યમાં સપ્લીમેન્ટરી મતદાર યાદી જાહેર થવાની છે. એ વખતે કોઈપણ પ્રકારની ગરબડ રોકવા માટે સાવધાની રાખવી જરૂરી છે. એક વરિષ્ઠ અધિકારી અને રાજ્ય સચીવાલયના ગૃહ બાબતોના અધિકારીએ આ આદેશ આપ્યો છે. જિલ્લાના અધિકારીઓને મોકલેલા પત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ ભીડ ભેગી થવાની શક્યતા હોય ત્યાં ભીડ પર કાબુ કરવા માટે તૈયારી રાખવામાં આવે. સંવેદનશીલ વિસ્તારોમાં કડક નજર રાખવામાં આવે અને શાંતિ જાળવી રાખવા માટે તમામ પગલા લેવામાં આવે. જિલ્લા અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, જરૂરી તમામ સાધનો તૈયાર રાખવામાં આવે અને પોલીસને પણ તમામ જાણકારીથી વાકેફ કરવામાં આવે. આ જાણકારી ડીજીપી, આઇજીપી અને કોલકત્તાના પોલીસ કમિશનરને પણ આપવામાં આવી હતી. ચૂંટણી કમિશનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આજે પૂરક મતદાર યાદી બહાર પડી શકે છે. રાજ્યના લગભગ ૮૦ હજાર પોલીંગ બુથો પર આ સુધારવામાં આવેલું લીસ્ટ બતાવવાની તૈયારી ચાલી રહી છે. ચૂંટણી પહેલા આ મતદાર યાદી ખૂબ મહત્વપૂર્ણ મનાય છે.
પંજાબમાં અધિકારીની આત્મહત્યાને કારણે આપ સરકારની ટીકા
પંજાબ રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશન (પીડબ્લ્યુસી)ના અધિકારી ગગનદીપ રંધાવાની આત્મહત્યા પછી અમૃતસર પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. આ બાબતે મુખ્યમંત્રી ભગવંત માનએ પંજાબના વાહનવ્યવહાર મંત્રી લાલજીત ભુલ્લરનું રાજીનામુ લઈ લીધું છે. જોકે ત્યાર પછી પણ વિવાદ શાંત થયો નથી. કાંેગ્રેસના સાંસદ સુખજિન્દર સિંઘ રંધાવાએ કહ્યું હતું કે, 'આ ફક્ત આત્મહત્યાનો કિસ્સો નથી. આ સીધી રીતે હત્યાનો કેસ છે. કારણ કે મરનારે એક લાઈવ નિવેદનમાં તમામ વાત કરી છે.' પંજાબ બીજેપીના પ્રમુખ સુનીલકુમાર જાખડે કહ્યું હતું કે 'મુખ્યમંત્રી કે અરવિંદ કેજરીવાલએ આ બાબતે સીબીઆઇ તપાસની માંગણી કરવી જોઈએ કે જેથી સત્ય વાત બહાર આવી શકે.' આ પહેલા અમૃતસરના એડીસીપી શ્રી વેનેલાએ કહ્યું હતું કે 'આ એક દુઃખદ ઘટના છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને આત્મહત્યા પાછળના કારણો શોધવાની કોશિષ કરીએ છીએ. મરનારે એક વીડિયોમાં લાલજીત ભુલ્લર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.'
તિરંગો લહેરાવતા જહાજોને ખુદ ઇરાની નૌસેનાએ ખાડી પાર કરાવી
ભારતના રાજકીય પ્રયાસો પછી ઇરાનએ ભારતના બે જહાજોને હોર્મૂઝ ખાડી પસાર કરવાની પરવાનગી આપી હતી. ઇરાનની નૌસેના રેડિયોના માધ્યમ દ્વારા ભારતીય જહાજોના સંપર્કમાં હતી. ભારતના જહાજોને સુરક્ષીત રીતે પસાર કરવાની જવાબદારી ઇરાનની નૌસેનાએ માથે લીધી હતી. એલજીપી ભરેલા ભારતીય ટેન્કર સુરક્ષીત રીતે હોર્મૂઝની ખાડી પસાર કરી ગયા હતા. ઇરાનીઓએ જહાજના ઝંડા, નામ, મૂળ સ્થાન, બંદર અને ચાલકદળની રાષ્ટ્રીયતા માગી હતી. વિગતો ચેક કર્યા પછી ઇરાની નૌસેનાએ ભારતીય જહાજોને સુરક્ષા આપી હતી. ઇઓએસ રીસ્ક ગૃપના સલાહકાર વિભાગના પ્રમુખ માર્ટીન કેલીએ કહ્યું હતું કે, એવું લાગે છે કે દેહરાન હવે ખૂદ પોતાની ટ્રાફીક કંટ્રોલ સીસ્ટમ લાગુ કરવાની કોશિષ કરે છે. ઇરાન ફક્ત મિત્ર દેશોને સુરક્ષીત રીતે રસ્તો આપે છે પરંતુ અન્ય દેશો પર હુમલાનો ખતરો છે જ.
ફેમિલી કોર્ટને સીજેઆઇની સલાહ
ભારતના સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું હતું કે, જરૂરી છે કે ફેમિલી કોર્ટે બાળકોના મન પરથી મનોવૈજ્ઞાાનિક ડર દુર કરે. એ માટે કોર્ટે પરંપરાગત કેટલીક વસ્તુઓ બદલવી પડશે. એમણે પૂછયું હતું કે, ફેમિલી કોર્ટમાં શા માટે કાળો કોટ પહેરવો જરૂરી છે? સીજેઆઇએ કહ્યું હતું કે, જ્યારે આપણે ફેમિલી કોર્ટ માટે એક નવી વિચારધારા બનાવી રહ્યા છીએ તો આપણે વિચારવું જોઈએ કે કઈ રીતે બાળકોના મનમાંથી મનોવૈજ્ઞાાનિક ડર દુર થઈ શકે. એમણે સલાહ આપી હતી કે, ફેમિલી કોર્ટમાં ડાયસ પર બેઠેલા જજ અને વકીલ યુનિફોર્મ પહેરીને આવવા જોઈએ નહીં. બારના સભ્યો પણ કાળા પેન્ટ અને સફેદ શર્ટના યુનિફોર્મમાં નહીં હોવા જોઈએ. પોલીસ અધિકારીઓએ પણ વર્દી પહેરવી જોઈએ નહીં. કારણ કે, આવા વાતાવરણમાં બાળકોના મનમાં ડર પેદા થાય છે.
કેરળમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી વિજયનનો પ્રહાર
કેરળમાં નવમી એપ્રિલે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેરળમાં તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. કેરળમાં રાજકીય ગરમી વધી ગઈ છે. આરોપ - પ્રતિઆરોપનું રાજકારણ તેજ છે. હવે કેરળના ઓછા બોલા મુખ્યમંત્રી પિનારાઇ વિજયનએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાબતે મોટુ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે જ્યાં જ્યાં આ નેતાઓ કામ કરે છે ત્યાં ત્યાં કોંગ્રેસને સફળતા મળતી નથી. આ કારણે તેઓ કેરળ આવશે તો પક્ષને કોઈ ફાયદો થઈ શકે એમ નથી. મુખ્યમંત્રી વિજયનના કહેવા પ્રમાણે કેટલાક નેતાઓ અંગત મહત્વકાંક્ષા માટે માકપા વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. આ બાબત ગંભીર છે. એમણે આવા નેતાઓને ટ્રેઇટર (ગદ્દાર) ગણાવ્યા છે. મુખ્યમંત્રી પોતાના પક્ષના કેટલાક નેતાઓ બાબતે જ આ વાત કરી રહ્યા હતા. એમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે આવા નેતાઓ સરકારને સહકાર આપે નહીં.
પશ્ચિમ બંગાળ આવેલા ન્યાયાધીશો માટે ભાષાની તકલીફ
એસઆઇઆરના અભિયાન માટે સુપ્રિમ કોર્ટના નિર્દેશ પ્રમાણે પશ્ચિમ બંગાળ આવેલા ૧૫૦ થી વધારે ન્યાયાધીશો એક તકલીફનો સામનો કરી રહ્યા છે. જમીની સ્તરે આ બહારથી આવેલા જજો સામે સૌથી મોટો પડકાર બાંગ્લા ભાષા સમજવાનો છે. કલકત્તા હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશોને પણ આ અભિયાન સાથે જોડવામાં આવ્યા છે. હમણા તમામ વિવાદો વચ્ચે આ બધા ન્યાયાધીશો દસ્તાવેજો તપાસવા અને અંતિમ નિર્ણય આપવાની કામગીરી કરી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં ન્યાયતંત્રના અધિકારીઓ હોવા છતાં કામકાજમાં સૌથી મોટી મુશ્કેલી ભાષાની આવી રહી છે.
એસઆઇઆર હેઠળ આવતા ફોર્મ, દસ્તાવેજ તેમજ જામીનોના નિવેદનો બાંગ્લા ભાષામાં છે. જે બીજા રાજ્યોમાંથી આવેલા આ અધિકારીઓ સમજી શકતા નથી. બીજા રાજ્યમાંથી આવેલા એક ન્યાયાધીશના કહેવા પ્રમાણે રોજ સેંકડો ફાઇલો જોવી પડે છે. આ તમામ ફાઇલો બાંગ્લામાં હોય છે. તમામ કેસ સમજવા માટે ભાષાંતર પર આધાર રાખવો પડે છે. આ કામ કરવા માટે ન્યાયાધીશોએ પોતે ટ્રાન્સલેટર રાખવા પડે છે.


