Get The App

રાહુલ ગાંધીની શિખામણ ઝાંપા સુધી

Updated: Mar 22nd, 2025

GS TEAM

Google News
Google News
રાહુલ ગાંધીની શિખામણ ઝાંપા સુધી 1 - image

નવીદિલ્હી: રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું હતું કે, કોંગ્રેસના ઘણા નેતાઓ અંદરખાને ભાજપ સાથે મળેલા છે. આવા લોકોને પક્ષમાંથી બહાર કરવામાં આવશે. જોકે એમ લાગે છે કે, કોંગ્રેસના કેટલાક નેતાઓને રાહુલ ગાંધીની આ ટીપ્પણીથી ફેર પડયો નથી. ખાસ કરીને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માટે શેખની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ છે. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લા પ્રમુખ તરીકે ભાજપના એક નજીકની વ્યક્તિને નિમવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસે ઘણા જિલ્લા પ્રમુખો નક્કી કર્યા છે અને આ યાદીમાં અરધાથી વધુ એવા છે કે જેમની સાંઠગાંઠ ભાજપ સાથે છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતાઓથી નારાજ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. 

ઇડી કરતા ફાયર વિભાગ વધુ સારૂ કામ કરે છે

ન્યાયમૂર્તિ યશવંત વર્માને ત્યાં લાગેલી આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ગયા ત્યારે કરોડોની ચલણી નોટ એમના ઘરે હોવાનો દાવો થયો હતો. આ બાબતે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કેટલાકનું માનવું છે કે આખો કિસ્સો ભાજપ દબાવી દેવા માંગે છે. કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ન્યાયાધિશની ફક્ત ટ્રાન્સફર કરીને આ કિસ્સો દબાવી શકાશે નહીં. ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ટકી રહે એ માટે સાચી વાત બહાર આવવી જરૂરી છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ફાયર ડિપાર્ટમેન્ટની કામગીરી ઇડી અને સીબીઆઇ કરતા વધુ સારી છે. જજના ઘરે આટલી મોટી માત્રામાં રોકડ રકમ હોય એ ખુબ જ ગંભીર બાબત છે. ભૂતપૂર્વ સીજેઆઇએ કહ્યું હતું કે, કાયદો આંધળો નથી બધાંને એક સમાન દ્રષ્ટીથી જુએ છે. આ વાત હવે પુરવાર કરવાનો સમય આવી ગયો છે.

અમિત શાહના લાંબા ભાષણ મુદ્દે દિગ્વિજયસિંહની ટીકા

કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહ ઘણા સમયથી સમાચારમાં નથી. કોંગ્રેસની અગત્યની બેઠકમાં પણ દિગ્વિજયસિંહને બોલાવવામાં આવતા નથી. દિગ્વિજયસિંહ રાજ્યસભાના સાંસદ છે. સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલા અઢી કલાક લાંબા ભાષણ બાબતે દિગ્વિજયસિંહે આકરી ટીકા કરી છે. દિગ્વિજયસિંહે કહ્યું છે કે અમિત શાહ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના વિવિધ વિષયો પર બોલ્યા. સીઆઇએસએફ અને બીએસએફના કર્મચારીઓ માટે શું કર્યું એ વિશે પણ બોલ્યા. જોકે જે મુદ્દાઓ દેશના લોકો જાણવા માંગે છે એ વિશે તેઓ મૌન રહ્યા. દેશમાં વસ્તી ગણતરી કયારે થશે એ વિશે શાહે કોઈ ફોડ પાડયો નહીં. ખરેખર તો ૨૦૨૧માં વસ્તી ગણતરી થવી જોઈતી હતી એ શા માટે નથી કરવામાં આવી એનું પણ કારણ મળતું નથી. અમારી માંગ છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે વડાપ્રધાન અને ગૃહમંત્રી વારંવાર કહી રહ્યા છે એનો ખુલાસો પણ એમના વક્તવ્યમાં નહોતો. 

સુપ્રિયા સુલે શા માટે એર ઇન્ડિયા પર નારાજ થયા

એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ એર ઇન્ડિયાની કડક ટીકા કરી છે. મોડી પડેલી ફલાઇટને કારણે સુપ્રિયા નારાજ થયા હતા. સુલેએ કેન્દ્રીય નાગરીક ઉડિયન મંત્રી રામમોહન નાયડુને અપીલ કરી છે કે એરલાઇન્સને જવાબદાર બનાવીને કડક કાયદાનો અમલ કરાવવામાં આવે. સુલેના કહેવા પ્રમાણે એમની ફલાઈટ લગભગ ૧ કલાક અને ૧૯ મિનિટ મોડી પડી હતી. ફલાઇટ મોડી પડવાને કારણે બીજા યાત્રીઓને પણ તકલીફ થઈ હતી. સુપ્રિયા સુલેએ સોશિયલ મીડિયા પર આ બાબતે પોસ્ટ મૂકી હતી. એમણે લખ્યું હતું કે, 'હું એર ઇન્ડિયાની ફલાઇટ મારફતે મુસાફરી કરી રહી હતી. ફલાઇટ મોડી પડવાથી બીજા મુસાફરો પણ પરેશાન હતા. આવું વારંવાર બનતું રહે છે. મેં મંત્રી રામમોહન નાયડુને અપીલ કરી છે કે એર ઇન્ડિયા સામે કડક પગલા લેવામાં આવે. અમે મોંઘુ ભાડુ ચૂકવીએ છીએ. એની સામે કોઈ સર્વિસ મળતી નથી. બાળકો, બીમારો અને કામવાળા લોકો હંમેશા પરેશાન થાય છે.' 

ચારધામ યાત્રા : બદ્રિનાથ - કેદારનાથ મંદિર સમિતિની ખુરશી ખાલી

હિન્દુ શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રાનું મહત્ત્વ ખૂબ છે. શિયાળામાં બરફ વર્ષાને કારણે ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવે છે. હવે બરફ પીગળતા ચારધામ યાત્રા ફરીથી શરૂ થવાની છે. જોકે બદ્રિનાથ - કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના પ્રમુખની ખુરશી હજી ખાલી છે. ઉત્તરાખંડની સરકાર હજી સુધી નવા પ્રમુખની વરણી કરી શકી નથી. યાત્રાની વ્યવસ્થા માટે બીકેટીસીના પ્રમુખનું મહત્ત્વ ખૂબ છે. બીકેટીસી હેઠળ બદ્રિનાથ અને કેદારનાથ સહિત ૪૭ મંદિરો છે. આ તમામ મંદિરોમાં દર્શન, પૂજાપાઠ સહિત બીજી વ્યવસ્થા બીકેટીસી કરે છે. ૧૯૩૯માં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારથી બીકેટીસીના પ્રમુખની નિમણૂક સરકાર કરે છે.

૨૫૦૦ રૂપિયા તો ઠીક દિલ્હી સરકારે હજુ રજીસ્ટ્રેશન પણ શરૂ કર્યું નથી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપએ એવું વચન આપ્યું હતું કે દિલ્હીની દરેક મહિલાને ૨૫૦૦ રૂપિયા આપવામાં આવશે. આ દિશામાં હજુ કોઈ કામગીરી થતી નહીં હોવાથી આમ આદમી પાર્ટીએ હવે ભાજપ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. આપનું કહેવું છે કે, દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ યોજના શરૂ થવાના કોઈ લક્ષણ દેખાતા નથી. ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ દિલ્હીની મહિલાઓને વચન આપ્યું હતું કે ૮ માર્ચે દરેક મહિલાઓના એકાઉન્ટમાં ૨૫૦૦ રૂપિયા જમા થઈ જશે. હજી સુધી એક પણ મહિલાના ખાતામાં ૧ રૂપિયો પણ જમા થયો નથી. ૨૫૦૦ રૂપિયા તો છોડો હજી સુધી આ યોજનાનું  રજીસ્ટ્રેશન પણ શરૂ થયું નથી.

સીમાંકન વિવાદને ભાજપે નાટક ગણાવ્યો

લોકસભાની બેઠકો માટે નવેસરથી સીમાંકન કરવામાં આવે ત્યારે તમિલનાડુને અન્યાય થાય એમ છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીનનું માને છે કે, બીજા રાજ્યો કરતા તમિલનાડુનો વસ્તી વધારા દર ઓછો છે અને નવા સીમાંકનને કારણે લોકસભાની બેઠકો ઓછી થઈ શકે એમ છે. બીજી તરફ તમિલનાડુ ભાજપે ડીએમકે સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપએ સિમાંકન વિવાદને ડીએમકેનું નાટક ગણાવ્યું હતું. તામિલનાડુના  પડોશી રાજ્યો તામિલનાડુનો હક છીનવી રહ્યા છે છતા ડીએમકે સરકાર એ બાબતે ચૂપ છે. સિમાંકન મુદ્દે સ્ટાલીન પડોશી રાજ્યો સાથે લાંબી ચર્ચાઓ કરે છે, પરંતુ તામિલનાડુને થતા અન્યાય બાબતે ચૂપ રહે છે. તામિલનાડુના રાજકીય નીરિક્ષકો જોકે માની રહ્યા છે કે સ્ટાલીનનો વિરોધ વાજબી છે અને તામિલનાડુની બહુમતિ પણ આ બાબતે સ્ટાલીનની સાથે છે.

ખેડૂતો સામે પંજાબની સરકારની કાર્યવાહીથી શહેરી નાગરિકો ખુશ

પંજાબ સરકારે શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા તે મુદ્દે રાજકીય વિવાદ શરૂ થયો છે. ખેડૂતો પંજાબ સરકારની આ કાર્યવાહીથી નારાજ છે. પંજાબની સરકારે આ બાબતે ખુલાસો કર્યો કે રસ્તો બંધ હોવાથી પંજાબને મોટું આર્થિક નુકસાન થયું છે. ખેડૂત આંદોલનના કારણે પંજાબને ૧૦ હજાર કરોડનો ફટકો પડયો છે. પંજાબ સરકારની આ કાર્યવાહીથી ઉદ્યોગજગત, વેપારીઓ અને શહેરી નાગરિકો ખુશ છે. છેલ્લાં ઘણાં સમયથી આ લોકોની લાગણી હતી કે ખેડૂતો ચક્કાજામ કરી રાખે છે એનાથી પંજાબના લોકોને સૌથી વધુ મુશ્કેલી પડે છે. આપની સરકારે પોપ્યુલર ટ્રેડ લીધો હોવાથી ખેડૂતોને બાદ કરતાં આખાય પંજાબમાં એની પોઝિટિવ અસર થઈ છે.

યુપીમાં ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓ સામ-સામે

ઉત્તર પ્રદેશમાં સરકારી અધિકારીઓ અને નેતાઓ વચ્ચે કેટલાય સમયથી સામ-સામું ઘર્ષણ ચાલું રહ્યું છે. એમાં એક કિસ્સો ઉમેરાયો છે. અગાઉ મંત્રી લેવલના નેતાઓ અધિકારીઓ પર વિવિધ આરોપો લગાવી ચૂક્યા છે. યોગી સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોય એવા કિસ્સા પણ બનતા રહે છે. ઘણી વખત નેતાઓ એવો આરોપ મૂકે છે કે અધિકારીઓ તેમને ગાંઠતા નથી. હવે એક ધારાસભ્યએ પોલીસ અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને સરકારને ભીંસમાં લીધી છે. ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. આ ધારાસભ્યએ કહ્યું કે યુપી સરકારમાં અત્યારના અધિકારીઓ સૌથી ભ્રષ્ટ છે. અયોધ્યામાં પોલીસ અધિકારીઓએ જમીન દબાવી લીધી છે અને મુખ્યમંત્રીનેય ગેરમાર્ગે દોરે છે. આ ધારાસભ્યએ તો એવુંય કહ્યું કે ચીફ સેક્રેટરી ખુદ ભ્રષ્ટ છે. આ નિવેદન લખનઉના રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યું છે.

દિલ્હીમાં હવે કેજરીવાલની ગૂડબુકના અધિકારીઓ નિશાન બનશે

દિલ્હીમાં ભાજપની સરકાર સત્તામાં આવી એ સાથે જ કેટલાય અધિકારીઓનું લિસ્ટ તૈયાર થઈ ગયું હતું. ખાસ તો અરવિંદ કેજરીવાલની નજીક ગણાતા અને એમના ઈશારે લેફ્ટનન્ટ ગવર્નર સાથે તેમ જ કેન્દ્ર સાથે ઘર્ષણ કરતાં અધિકારીઓને સાઈડલાઈન કરવાનો તખ્તો હવે તૈયાર થઈ ચૂક્યો છે. એની શરૂઆત કરી છે - પીડબલ્યુડી મંત્રી પ્રવેશ વર્માએ. ભાજપની સરકારના સૌથી શક્તિશાળી મંત્રી મનાતા પ્રવેશ વર્માએ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાનું શરૂ કર્યું છે. એકને દારું પીને કામ કરવાના આરોપમાં હાંકી કાઢ્યો છે. એકને કામમાં બેદરકારી બદલ બરતરફ કરાયો છે. આ અંગે પ્રવેશ વર્માએ કહ્યું હતું કે જે અધિકારીઓ ફિલ્ડમાં જઈને લોકોનું કામ નહીં કરે તેની સામે એક્શન લેવાશે. છેલ્લાં ૧૦ વર્ષમાં ચરબી ચડી છે એ ઉતારવી પડશે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થશે.

બંગાળ ભાજપના નેતા મહિલા સામે બાખડયા : વિડીયો વાયરલ

બંગાળ ભાજપના ટોચના નેતા દિલીપ ઘોષનો એક વિડીયો વાયરલ થયો છે. બંગાળના ખડગપુરમાં એક ઉદ્ધાટન સમારોહમાં ભાજપના પૂર્વ સાંસદ દિલીપ ઘોષ હાજર હતા ત્યારે મહિલાઓએ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓનો મુદ્દો એ હતો કે સાંસદ હતા ત્યારે મતવિસ્તારમાંથી ગુમ કેમ હતા? આ પ્રદર્શનકારીઓ સાથે પૂર્વ સાંસદ બાખડયા હતા. તેમણે એક મહિલાને ગળું દબાવી દેવાની ધમકી આપી હતી. પૂર્વ સાંસદે મહિલાને કહ્યું કે નવો રોડ બન્યો છે એના પૈસા મેં આપ્યા છે. તમારા પિતાએ આપ્યા નથી. એ પછી મહિલાએ વળતો સવાલ કર્યો કે તમે મારા પિતાને કેમ વચ્ચે લાવો છો? તો દિલીપ ઘોષે કહ્યું કે હું તમારા પિતાને નહીં, તમારી ૧૪ પેઢીને વચ્ચે લાવીશ. ભારે પ્રદર્શન પછી પૂર્વ સાંસદે જગ્યા છોડીને ચાલતી પકડી. આ મુદ્દે ટીએમસીએ રાજ્યભરમાં ભાજપ સામે દેખાવો શરૂ કર્યા છે.

- ઈન્દર સાહની