દિલ્હીની વાત : ચીન સામે ત્રિપાંખિયો આર્થિક જંગ છેડાશે
ચીન સામે ત્રિપાંખિયો આર્થિક જંગ છેડાશે
નવીદિલ્હી, તા.23 જૂન 2020, મંગળવાર
ચીન સામે પગલાં લેવામાં નિષ્ફળતાના મુદ્દે પડી રહેલી પસ્તાળના પગલે નરેન્દ્ર મોદી સરકારે ચીન સામે આર્થિક નિયંત્રણો લાદવાની વિચારણા શરૂ કરી છે. આ માટે પહેલું કદમ ભરીને મોદી સરકારે ભારતમાં ઈ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ દરેક ચીજ પર તેના ઉત્પાદક દેશનું નામ ફરજિયાત કરી દીધું છે.
સૂત્રોના મતે, બીજા તબક્કામાં હવે મોદી સરકાર ચીન સાથેનો વ્યાપાર ઘટાડવા માટે ત્રિપાંખિયો જંગ શરૂ કરશે. મોદી સરકારે ચીનથી ભારત આવતી ચીજોને ત્રણ કેટેગરીમાં વહેંચી નાંખી છે. આ પૈકી નાની નાની ચીજોનો ભારતમાં જ વિકલ્પ તૈયાર કરાશે. ઓટો પાર્ટ્સ, રો મટીરિયલ સહિતની ચીજો માટે ચીન પરની નિર્ભરતા એકાદ વર્ષના ગાળામાં ઓછી કરાશે જ્યારે મોટી ટેકનોલોજી માટે અન્ય વિકસિત દેશોની મદદ લેવાશે.
મોદીએ આ વ્યૂહરચનાને નક્કર સ્વરૂપ આપવા માટે એક કોર કમિટી બનાવવાનું પણ નક્કી કર્યું છે. આ કમિટીના ચેરમેન તરીકે મોદી પોતે હશે પણ વાઈસ ચેરમેન તરીકે અરવિંદ પાનગરીયા હશે. મોદીની નજીક ગણાતા પાનગરીયા નીતિ આયોગના ભૂતપૂર્વ વાઈસ ચેરમેન છે.
ચીન મુદ્દે ભાજપનો 2013નો સંકલ્પપત્ર વાયરલ
ચીન મુદ્દે રાહુલ ગાંધી દેશહિતને બાજુ પર મૂકીને હલકું રાજકારણ રમી રહ્યા હોવાનો આક્ષેપ અમિત શાહ સહિતના ભાજપના નેતા કરી રહ્યા છે ત્યારે ભાજપે ૨૦૧૩માં બહાર પાડેલો 'સુરક્ષા અને સ્વાભિમાન' નામનો સંકલ્પપત્ર વાયરલ થયો છે.
ગોઆની રાષ્ટ્રીય કારોબારીમાં બહાર પડાયેલા આ સંકલ્પપત્રમાં લખાયેલું કે, ચીનના સૈનિકો ભારતીય સીમામાં ૧૯ કિલોમીટર સુધી ઘૂસી આવ્યા છે અને એક મહિનાથી ધામા નાંખીને પડયા છે. ભારતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડાઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દિલાસા આપવા સિવાય કંઈ કરતી નથી.
ભાજપે આવો જ સંકલ્પપત્ર ૨૦૦૯માં બહાર પાડેલો અને ભગતસિંહ કોશિયારીના નેતૃત્વમાં પોતાનું પ્રતિનિધી મંડળ ચીનની સરહદે પણ મોકલ્યું હતું.
આ વિગતો બહાર આવ્યા પછી લોકો સવાલ કરી રહ્યાં છે કે, ભાજપે એ વખતે જે કંઈ કર્યું એ હલકું રાજકારણ નહોતું ? ભાજપની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજા કરે એ પાપ છે તેનો આ પુરાવો છે એવી પણ કોમેન્ટ્સ થઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે મોદીના દબાણથી રથયાત્રાને મંજૂરી આપી ?
સુપ્રીમ કોર્ટે રથયાત્રાને શરતી મંજૂરી આપી એ મુદ્દે અમિત શાહે કરેલી ટ્વિટે વિવાદ પેદા કર્યો છે. આ ટ્વિટના કારણે એવી છાપ ઉભી થઈ છે કે, સુપ્રીમ કોર્ટ સ્વતંત્ર રીતે કામ કરતી નથી પણ નરેન્દ્ર મોદીના દબાણ હેઠળ કામ કરે છે.
શાહે ટ્વિટ કરી કે, મોદીની સૂચનાથી મેં પુરીના શંકરાચાર્ય અને મહારાજા સાથે વાત કરીને રથયાત્રા અંગે અભિપ્રાય લીધા હતા. મોદીની સૂચનાથી સવારે મેં સોલિસિટર જનરલ સાથે પણ વાત કરી. દેશના કરોડો શ્રધ્ધાળુઓને આનંદ છે કે, મોદી માત્ર શ્રધ્ધાળુઓની લાગણીને જ ના સમજ્યા પણ મંત્રણા પણ શરૂ કરાવી કે જેના કારણે દેશની એક મહાન પરંપરા જળવાઈ.
કાનૂની નિષ્ણાતોને શાહની કોમેન્ટથી આઘાત લાગ્યો છે. તેમના મતે, શાહે રાજકીય ફાયદા માટે મોદીને જશ આપવા જતાં સુપ્રીમ કોર્ટને મોદીની ઈચ્છા પ્રમાણે વર્તનારી કહી દીધી. આ કોમેન્ટ સુપ્રીમ કોર્ટનું ગૌરવ ઘટાડનારી છે કેમ કે સુપ્રીમ કોર્ટ લોકોની લાગણીઓ કે કોણે વાટાઘાટો શરૂ કરાવી તેના આધારે નિર્ણય નથી લેતી પણ ગુણદોષના આધારે નિર્ણય લે છે.
ચીન મુદ્દે કોંગ્રેસને નિશાન બનાવવા ભાજપની સૂચના
ચીન મુદ્દે ભારતમાં રાજકીય આક્ષેપબાજી વચ્ચે ચીનની શાસક સામ્યવાદી પાર્ટીના સત્તાવાર મુખપત્ર 'ધ ગ્લોબલ ટાઈમ્સ'એ મોદીના નિવેદનનો પોતાના ફાયદા માટે ઉપયોગ શરૂ કરી દીધો છે. મોદીના નિવેદનને આવકારીને લખાયું છે કે, અથડામણ માટે ભારતીય લશ્કર જવાબદાર હોવાના ચીનના વલણને મોદીએ સમર્થન આપ્યું છે.
આ લેખમાં ચીનના નિષ્ણાતોને ટાંકીને ભારતની આડકતરી રીતે મજાક પણ ઉડાવાઈ છે. ચીનના નિષ્ણાતો કહે છે કે, મોદી સમજે છે કે, ચીન સાથે સંઘર્ષ ભારતને પરવડે એમ નથી તેથી મોદી તણાવ ઘટાડવા પ્રયત્ન કરી રહ્યા છે. ભારત નબળું છે તેથી સંઘર્ષથી ડરે છે એવો અહેસાસ કરાવવાનો ચીને પ્રયાસ કર્યો છે.
જો કે મોદી સરકાર આ બાબતથી બહુ ચિંતિત નથી. ચીનમાં છપાતી વાતો ભારતમાં મોટા ભાગના લોકો સુધી પહોંચતી જ નથી તેથી તેની ચિંતા નહીં કરવા ભાજપના નેતાઓને કહી દેવાયું છે. તેના બદલે કોંગ્રેસ શાસનમાં ચીને ભારતનો કેટલો વિસ્તાર પચાવી પાડયો, કેટલી વાર ઘૂસણખોરી કરી એ મુદ્દાને ચગાવવા ભાજપના નેતાઓને સૂચના અપાઈ છે એવું ભાજપનાં સૂત્રોનું કહેવું છે.
રામદેવે મંજૂરી વિના જ કોરોનાની દવા બનાવી દીધી ?
બાબા રામદેવે મંગળવારે કોરોના સામે અસરકારક દવા બનાવી હોવાનું એલાન કરી દીધું. આ દવા બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ હોવાની જાહેરાત પણ પત્રકાર પરિષદમાં કરી દેવાઈ ત્યારે આશ્ચર્યજનક રીતે કેન્દ્ર સરકાર આ મુદ્દે કશું બોલવા તૈયાર નથી. આ દવાને કાયદેસરની માન્યતા મળી છે કે નહીં, લોકો માટે આ દવા લેવી સલામત છે કે નહીં એ મુદ્દે કેન્દ્રની બે એજન્સીઓ એકબીજાને ખો આપી રહી છે. રામદેવને આ દવા બનાવવાનું લાયસંસ કોણે આપ્યું એ મુદ્દે પણ અસમંજસ છે.
ભારતમાં કોઈ પણ દવા અંગે સર્વોચ્ચ સંસ્થા આઈસીએમઆર છે પણ તેણે એમ કહીને હાથ ખંખેરી નાંખ્યા કે, આયુર્વેદિક દવાઓ અંગે અમે નહીં પણ આયુષ મંત્રાલય નિર્ણય લે છે. આયુષ મંત્રાલયે પહેલાં આઈસીએમઆરને પૂછવા કહ્યું પણ આઈસીએમઆરના જવાબ પછી જાહેર કર્યું કે, અમે મંજૂરી આપી નથી પણ ઉત્તરાખંડ સરકારે આપી હોઈ શકે.
કેન્દ્રનું વલણ જોતાં સવાલ એ થાય કે, રામદેવે કોઈ પણ મંજૂરી વિના સીધી દવા બનાવીને પૈસા કમાવાનો ખેલ ગોઠવી દીધો છે કે શું ?
કોંગ્રેસમાં એક બેઠક માટે 3000 દાવેદારો
બિહારમાં વિધાન પરિષદની ૬ જુલાઈએ યોજાનારી ચૂંટણી કોંગ્રેસ હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો બની છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં એક બેઠક જીતી શકે તેમ છે પણ તેના માટે ત્રણ હજાર દાવેદારો છે. કોંગ્રેસે લોકશાહી પરંપરાના નામે દાવેદારોને અરજીઓ મોકલવા કહેલું તેમાં અરજીઓનો ઢગલો થઈ ગયો છે.
નાના કાર્યકરોથી માંડીને ટોચના નેતાઓ સુધી બધા એક બેઠક માટે ઉમેદવાર બનવા મેદાનમાં આવી ગયા છે. આ દાવેદારોની ભલામણોના ફોન પણ સતત આવ્યા કરે છે.
આ ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ગુરૂવારે ૨૫ જૂલાઈએ છે. કોંગ્રેસના નેતાઓ માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. કોંગ્રેસે ગમે તે સંજોગોમાં ગુરૂવાર સવાર સુધી તો નિર્ણય લેવો જ પડશે. કોંગ્રેસના નેતા શું કરશે એ રામ જાણે પણ અત્યારે તો કોંગ્રેસમાં એવી જોક ચાલી રહી છે કે, આટલી મોટી સંખ્યામાં દાવેદારો હોવાથી તમામ પર નજર નાંખવી પણ શક્ય નથી તેથી કોંગ્રેસે લોટરી કરીને જ ઉમેદવાર નક્કી કરવા પડશે.
***
ભારતે ચીનના આક્રમણનો જડબાતોડ જવાબ આપવો જોઈએ
પાટનગર દિલ્હીના વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે ભારતે ચીનના આક્રમણનો જડબાતોડ જવાબ આપવો જોઇએ. લશ્કરી રીતે અને આર્થિક એમ બંને રીતે ચીનનો મુકાબલો કરવો જોઇએય નિષ્ણાતો કહે છે કે ભારતે વળતા પગલાં ભરતી વખતે ધ્યાન રાખવું જોઇએ કે તે જે કંઇ કરશે તે પોતાન હિત માટે કરશે, ખાસ તો આર્થિક ક્ષેત્રે.ચીની કંપનીઓને તમામ વ્યુહાત્મક ક્ષેત્રોમાંથી દૂર કરવી જોઇએ, માત્ર સંરક્ષણ ક્ષેત્રથી જ નહીં, બલકે આઇટી અને કોમ્યુનિકેશન ક્ષેત્રમાંથી પણ દૂર કરવી જોઇએ. પરંતુ જ્યારે અન્ય ક્ષેત્રોની વાત આવે તો બહુ સખત વલણ અપનાવવું જોઇએ નહીં.
ભારતને કાચા માલ માટે મોટા ભાગે ચીન પર જ નિર્ભર રહેવું પડે છે. હેવી એન્જીનીયરિંગ ક્ષેત્રે ચીની કપંનીઓ ખુબ જ આગળ છે.ભારતે પોતાના હિત માટે એ રસ્તો બંધ કરવો ના જોઇએ. આમ પણ સ્થાનિક કક્ષાએ ઉત્પાદન જેવી કોઇ જ સારી બાબત નથી. રાતો રાત તો આવું કંઇ થવાનું જ નથી. જો એ બાબત શક્ય બનશે તો આર્થિક રીતે પરવડશે પણ નહીં.
બીજી એક વાત એ છે કે મૂડી રોકાણની બાબતમાં તમે ચીનને ના પાડી શકવાના નથી.વ્યુહાત્મક ક્ષેત્રે ચીનનો રોકાણ કરવાની મંજૂરી આપવી જોઇએ નહીં. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યોએ ચીન સાથેના કરાર રદ કર્યા હતા.
આ વાત સારી નથી. એક,આવું કરવાથી વાત એક તરફી અને ખુબ લાંબી થઇ જશે અને બે જે સૌથી અગત્યનું છે તે એ કે આ ટેન્ડરો સૌથી ઓછા ભાવ ભરનાર ચીની કંપનીઓને જ અપાયા હતા. એ કામ માટે ફરીથી ટેન્ડરની પ્રક્રિયા કરવી હિતાવત નથી, કારણ કે એમાં ખુબ સમય બરબાદ થશે જે ભારતને પોષાય તેમ નથી, કેમ કે ભારતને આર્થિક રીતે હજુ સધ્ધર થવાનું છે.
એક બીજી અને સૌથી અગ્ત્યની વાત તો એ કે હજુ સુધી ભારતીયો એ નક્કી કરી શક્યા નથી કે ચીનને વ્હાલ કરવો કે તેના પ્રત્યે નફરત.કેટલાક ભારતીયો ચીન પ્રત્યે વિરોધ દર્શાવવા સ્માર્ટ ફોન તોડી રહ્યા છે.ગયા સપ્તાહે કેટલાક તોફાનીઓએ જે દુકાનમાં ચીની વસ્તુઓ વેચતી હતી ત્યાં તોડફોડ કરી હતી.તો એ જ સમયે અનેક ભારતીયો એ ચીનના એક મોબાઇલના નવા મોડેલનો ઓર્ડર કર્યો હતો. ખરી વાત તો એ છે કે ભારતમાં વેચાતા ૮૦ ટકા સ્માર્ટ ચીનના છે.
ચીની મિસઇન્ફોરેમેશનનો બીજો ભોગ
આધુનિક યુધ્ધ માત્ર રણભૂમિમાં જ લડાતા નથી. હવે તો ઇનફોરેમેશનના સુપરહાઇવેઝ પર પણ લડાય છે. સમગ્ર વિશ્વ સામે બાયોં ચઢાવી રહેલા ચીન ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર અનેક લોકો પર પોતાની અસર છોડી છે અને તેના માટે ચીને અનેક ઉપાયો અજમાવ્યા હતા. આ ક્ષેત્રે ચીનના સરળ અને સાચા લક્ષ્યો છે અમેરિકા, તાઇવાન અને હવે હોંગકોંગ જ્યાં એની સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.ચીની અને ભારતીય સેનાઓ વચ્ચે ગલવાનની ખીણમાં જે અથડામણ થઇ તેની પ્રસિધ્ધી પણ ચીનની જ ચાલ હતી.
ચીન અંગે કેજરીવાલનો યુ-ટર્ન
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ચીન અંગેના તેમના પક્ષ આમ આદમી પાર્ટી કરતાં વિપરિત વલણ અપનાવ્યું છે. આપ એ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશવાસીઓને ગાલવાન ઘર્ષણ અંગે ગેર માર્ગે દોર્યા હતા અને કોવિડ-૧૯ ભારતમાં મોકલવા માટે ચીન પર દોષારોપણ કર્યું હતું.
એક ટીવી ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે 'આજ પુરા દેશ ચાઇના કે ખિલાફ દો યુધ્ધ લડ રહા હૈ. એક ચીન દ્વારા ભેજે ગયે વાઇરસ કે ખિલાફ ઔર દુસરા સરહદ પર યુધ્ધ લડ રહા હૈ.ઔર ઇન દોનો યુધ્ધ કો પુરે દેશ કો મીલા કે લડના હૈ.ઇસ મેં રાજનીતી બિલકુલ નહીં ચલેગી. ઇસ મેં કોઇ પાર્ટીબાઝી નહીં ચલેગી. ગુટબાઝી નહીં ચલેગી.આમ પક્ષના વરિષ્ઠ નેતા સંજય સિંહના વલણ કરતાં કેજરીવાલનું વલણ બિલકુલ અલગ દેખાય છે. આમ આદમી પાર્ટીએ ચીન પર દગાબાઝ હોવાનો આક્ષેપ કર્યો હતો.
બેજીંગને પાકિસ્તાન સાથે નહીં સરખાવવા ચીનની ચેતવણી
ચીની અને ભારતીય સેના વચ્ચે સરહદે થયેલી અથડામણ પછી પહેલી જ વાર ચીનના વ્યુહાત્મક રણનિતીકારોએ ભારતને ચેતવણી આપતા કહ્યું હતું કે અમને પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશો સાથે ના સરખાવતા. ચીનની સામ્યવાદી પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં દેખીતી રીતે જ ભારતે પાકિસ્તાનના કબજો હેઠળના વિસ્તારમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો હતો. થોડા નિષ્ણતોને ટાંકીને છાપાએ કહ્યું હતું કે જો અમારી સાથે આવું કરવા જશો તો પરિણામ સારૂં નહીં આવે.
તેનું પરિણામ ખુબ જ વિનાશક આવશે. શાંગાહીની એક યુનિ.ના પ્રોફેસર લી નિમવાંગે કહ્યું હતું કે 'ભારતમાં ગરમાગર રાષ્ટ્રવાદ જોવું એ સામાન્ય બાબત છે. પરંતુ અમારે ચિંતા કરવાની જરૂર નથી કે રાષ્ટ્રવાદ ભારતે ચીન સામે વધુ આક્રમક બનવા ઉશ્કેરશ.'જ્યારે પાકિસ્તાન અથવા અન્ય કોઇ પાડોશી સાથે ભારતનું સંઘર્ષ થાય છે ત્યારે રાષ્ટ્રવાદ નવી દિલ્હીની ખરેખર પગલાં ભરવા ઉશ્કેરી શકે છે, પરતુ ચીનની બાબતમાં ભારતે બે વાત વિચાર કરવો પડશે.
- ઇન્દર સાહની