દિલ્હીની વાત : મુખ્યમંત્રીના પત્ની એક દિવસમાં 79 કરોડ રૂપિયા કઈ રીતે કમાયા
નવીદિલ્હી : એક મુખ્યમંત્રીના પત્નીએ એક દિવસમાં આશરે ૭૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એમનું નામ નારા ભુવનેશ્વરી છે. તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના પત્ની છે. નારા ભુવનેશ્વરીએ આટલી કમાણી શેર માર્કેટમાંથી કરી છે. એક સ્ટોકને કારણે નારા ભુવનેશ્વરીને મોટો ફાયદો થયો છે. આ શેરનો ભાવ ઝડપથી આગળ વધ્યો અને નારા ભુવનેશ્વરી માલામાલ થઈ ગયા. એફએમસીજી સ્ટોક હેરીટેજ ફુડ્ઝ લીમીટેડમાં ૭ ગણી તેજી આવી હતી. જેને કારણે ચંદ્રાબાબુ નાયડુના પત્નીને લગભગ ૭૯ કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ કંપની ખુદ નારા ભુવનેશ્વરી ચલાવે છે. એમની પાસે કંપનીના ૨,૨૬,૧૧,૫૨૫ શેર છે. નારા ભુવનેશ્વરી તેલુગુ ફિલ્મ સિનેમાના મહારથી અને તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપક એનટી રામારાવના પુત્રી છે.
'તમારી રાજકીય લડાઈ બીજી જગ્યાએ જઈને લડો'
સુપ્રિમ કોર્ટે એક અરજી પર સુનાવણી દરમિયાન તરત ટીપ્પણી કરતા કહ્યું હતું કે, ન્યાયીક કાર્યવાહીનું રાજનીતીકરણ કરવું નહીં જોઈએ. અરજીકર્તાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરૂદ્ધ કોર્ટનું અપમાન કરવા બાબતે ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ચીફ જસ્ટીસ ડી આર ગવઇ અને જસ્ટીસ વિનોદચંદ્રનની બેન્ચે નારાજ થઈને કહ્યું હતું કે, મહેરબાની કરીને તમારી રાજનીતિક લડાઈ કોર્ટની બહાર રાખો. એક સાર્વજનિક ધાર્મિક ટ્રસ્ટ આત્મદીપએ મમતા બેનર્જી વિરૂદ્ધ અરજી કરી હતી. ફરીયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રીએ સુપ્રિમ કોર્ટના ચુકાદા પછી એના પર ટીપ્પણી કરી છે અને ન્યાયતંત્રના અધિકારને નબળુ પાડે એવું નિવેદન કર્યું છે. અરજીકર્તા તરફથી હાજર થનાર વકીલ મનીન્દરસિંહએ બેન્ચને સુનાવણી રોકી દેવાનો આગ્રહ કરીને કહ્યું હતું કે, કોર્ટના અપમાનની કાર્યવાહી કરતા પહેલા એટર્ની જનરલની સહમતી માટે ફરીયાદ એમને મોકલવામાં આવી છે.
આદિત્ય ઠાકરે ફડણવીસને મળ્યા હતા કે નહીં, સંજય રાઉતે હકીકત કહી
મહારાષ્ટ્રના રાજકારણમાં થોડા દિવસો પહેલા તોફાન મચી ગયું હતું જ્યારે એવા સમાચાર બહાર આવ્યા હતા કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદીત્ય ઠાકરે સાથે એક હોટલમાં લાંબી મુલાકાત થઈ હતી. આ મુલાકાત પછી રાજકીય વર્તુળોમાં ચર્ચા એટલા માટે થઈ કે અગાઉ મુખ્યમંત્રી ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઈ હતી. હવે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ફડણવીસ અને આદીત્ય ઠાકરે વચ્ચેની મુલાકાત બાબતે નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે, 'તેઓ એક રૂમમાં હોય તો મીડિયાને તકલીફ શું થાય છે? એક મુખ્યમંત્રી છે અને બીજા વિપક્ષના નેતા છે. જોકે આવી કોઈ મુલાકાત થઈ નથી.' મીડિયામાં એવા સમાચાર પ્રકાશીત થયા હતા કે આદિત્ય ઠાકરે બાદ્રા કુર્લા કોમ્પલેક્ષ ખાતે આવેલી સોફીટેલ હોટલમાં પહોંચ્યા હતા અને થોડા સમય પછી ફડણવીસ પણ હોટલમાં ગયા હતા. જોકે આદીત્ય ઠાકરે સાથે એમની મુલાકાત થઈ નહોતી.
મર્યાદા રાખો, તેઓ આજે પણ જસ્ટીસ વર્મા છે : સુપ્રીમ કોર્ટ
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્મા કેશકાંડને કારણે બદનામ છે. એમની સામે મહાભીયોગની દરખાસ્ત પણ સંસદમાં રજુ થઈ છે. જસ્ટીસ યશવંત વર્મા સામે એફઆઇઆર દાખલ કરવાની અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ ફરિયાદની સુનાવણી ઝડપથી કરવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, આ અરજીને તાત્કાલીક લિસ્ટેડ નહીં કરવામાં આવે. ચીફ જસ્ટીસ ડી આર ગવઇ અને જસ્ટીસ કે વિનોદચંદ્રનએ કહ્યું હતું કે, આ કેસની આ ત્રીજી અરજી છે જેમાં માંગ કરવામાં આવી છે કે, તાત્કાલીક સુનાવણી કરવામાં આવે. ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, 'શું તમે ઇચ્છો છો કે અમે તમારી અરજી હમણા કાંઢી નાખીએ?' આના જવાબમાં અરજી કરનારના વકીલે કહ્યું હતું કે, 'વર્મા પણ આ જ દલીલ કરી રહ્યા છે કે, ઔપચારીક ફરિયાદ નથી થઈ.' કોર્ટે વકીલની ભાષા પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તમે હાઇકોર્ટના એક જસ્ટીસને વર્મા કરીને સંબોધન કઈ રીતે કરી શકો. શું તેઓ તમારા મિત્ર છે?
પુત્ર નીશાંતના જન્મદીવસે નિતિશકુમારને કુશવાહાની સલાહ
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારને રાષ્ટ્રીય લોક મોરચાના સુપ્રિમો ઉપેન્દ્ર કુશવાહાએ એક અગત્યની સલાહ આપી છે. એક જમાનામાં કુશવાહા અને નિતિશકુમાર ખુબ નજીક ગણાતા હતા. કુશવાહાએ કહ્યું છે કે, હકીકતનો સ્વિકાર કરીને નિતિશકુમારએ જેડીયુની કમાન્ડ છોડી દેવી જોઈએ. કુશવાહાએ તો ત્યાં સુધી કહ્યું કે જેડીયુના નેતાઓ મુખ્યમંત્રીને આ વાત કહી નહી શકશે એટલે હું આ વાત કરી રહ્યો છું. જો હજી મોડુ થશે તો મોટુ નુકસાન થઈ શકે છે. ઉપેન્દ્ર કુશવાહાની આ સલાહની બિહારના રાજકારણમાં ચર્ચા થઈ રહી છે. સોશ્યલ મીડિયા એક્સ પર કુશવાહાએ લખ્યું હતું કે, 'સોશ્યલ મીડિયા પરથી જાણકારી મળી છે કે, આજે મારા ભાઈ આદરણીય નિતિશકુમારજીના સુપુત્ર નિશાંતનો જન્મદિવસ છે. નિશાંતને મારી ખુબ શુભેચ્છાઓ. ઇશ્વર એમને હંમેશા ખુશ રાખે. આ પ્રસંગે નિતિશકુમારજીને આગ્રહ છે કે પરિસ્થિતિ સમજી જઇને પક્ષ અને સરકારનું નૈતૃત્વ છોડી દે.'
બેઠકોની વહેંચીણી બાબતે મહાગઠબંધનમાં ખેંચતાણ
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી બાબતે કોંગ્રેસ સિવાય સામ્યવાદી પક્ષ પણ આરજેડી પર દબાણ લાવી રહ્યો છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચીવ ડી રાજાએ કહ્યું હતું કે, મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી ગંભીર સમસ્યા બની રહી છે. આ સમસ્યાનો ઉકેલ જલદી લાવવો જોઈએ. મહાગઠબંધનમાં પક્ષોની સંખ્યા વધારે છે અને એટલે બેઠકોની વહેંચણી સહેલી નથી. ડી રાજાએ કહ્યું હતું કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં એમનો પક્ષ છ બેઠકો પરથી લડયો હતો. જોકે આ વખતે એમની ઇચ્છા વધારે બેઠકો પરથી લડવાની છે. સામ્યવાદી પક્ષ ૨૪ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે અને આ બેઠકોની યાદી એણે તેજસ્વી યાદવને પણ આપી દીધી છે.
જગદીપ ધાનકરના રાજીનામા પાછળનું કારણ ઉંડુ છે
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્ય સભાના અધ્યક્ષ જગદીપ ધાનકરએ ખરાબ સ્વાસ્થયને કારણે અચાનક રાજીનામું આપ્યું એ વાત રાજકીય નિરિક્ષકોને ગળે ઉતરતી નથી. કોંગ્રેસએ પણ એવું કહ્યું છે કે, જગદીપ ધાનકરએ ઉપરાષ્ટ્રપતિ તરીકે આપેલા રાજીનામા પાછળ કોઈ ગંભીર કારણ છે. એમણે જણાવેલા સ્વાસ્થયના કારણ કરતા વધુ ગંભીર હોઈ શકે છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે આ રાજીનામું ધાનકર માટે તો સારી વાત કહે છે, પરંતુ જેમણે એમને આ પદ પર બેસાડયા છે એમનો પર્દાફાશ કરે છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે 'ધાનકરે રાજ્યસભાની કાર્ય મંત્રણા સમીતીની બપોરે મળેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સંસદીય મંત્રી કિરેન રીજીજુ તેમ જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા હાજર રહ્યા હતા. જોકે વધુ ચર્ચા માટે આ બેઠક ફરીથી બોલાવવામાં આવી ત્યારે નડ્ડા અને રીજીજુ બેઠકમાં આવ્યા નહોતા. આની પાછળના રહસ્યની પણ કોઈને ખબર નથી.'
ધનકર વીવી ગીરી અને ભૈરોં સિંઘ શેખાવતની પંગતમાં જોડાયા
ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનકરે સોમવારે સાંજે પોતાના પદ પરથી સ્વાસ્થ્યના કારણોસર રાજીનામુ આપી દેતા રાજકીય વર્તુળોમાં અટકળો ફેલાઈ હતી. ધનકર રાજીનામુ આપીને વીવી ગીરી અને ભૈરોં સિઘ શેખાવત સાથે જોડાયા હતા જેમણે પણ પોતાની મુદત પહેલા રાજીનામુ આપી દીધુ હતું. ગીરીએ ૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા રાજીનામુ આપ્યું હતું જ્યારે શેખાવતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજિત થયા પછી ૨૦૦૭માં રાજીનામુ આપ્યું હતું. ભાજપના એક નેતાએ જણાવ્યું કે ધનકરના સ્થાને બિનવિવાદાસ્પદ ઉમેદવારને પસંદ કરાશે. બીજી તરફ કોંગ્રેસના જનરલ સચિવ જયરામ રમેશે જણાવ્યું કે ઉપ-રાષ્ટ્રપતિનું અચાનક રાજીનામુ આપી દેવું આંચકાજનક અને રહસ્યમય છે. ધનકરે ભલે સ્વાસ્થ્યનું કારણ આપ્યું હોય,પણ વાસ્તવિકતા નજરે દેખાય છે તેના કરતા કંઈક અલગ છે.
કોંગ્રેસે પીએમને ધનકરને મનાવી લેવાની અપીલ કરી
કોંગ્રેસે વડા પ્રધાનને અપીલ કરી છે કે તેઓ ધનકરને રાજીનામુ પાછું ખેંચવા માટે સમજાવે. કોંગ્રેસના જયરામ રમેશે જણાવ્યું કે ધનકરે બીજા દિવસે બિઝનેસ એડ્વાઈઝરી કમિટી સાથે મીટિંગ યોજી હતી, ઉપરાંત તેઓ ન્યાયતંત્ર સંબંધિત કંઈક જાહેરાત પણ કરવાના હતા. અમે તેમના સારા આરોગ્યની પ્રાર્થના કરીએ છીએ, પણ તેમને પોતાના નિર્ણયનો ફેરવિચાર કરવાની અપીલ પણ કરીએ છીએ. વડા પ્રધાન પણ તેમને ફેરવિચારણા કરવા સમજાવે તેવી અમને અપેક્ષા છે. આ બાબત રાષ્ટ્ર હિતની છે. કોંગ્રેસના મતે ધનકર પદ પર ચાલુ રહેશે તે ખેડૂતોને ગમશે.
પપ્પુ યાદવનો બળાપો, મને રાહુલ સોનિયા પસંદ હતા, પણ કોંગ્રેસે અપનાવ્યો નહિ
મને રાહુલજી અને સોનિયાજી પ્રત્યે ભારે અહોભાવ હતો એવું નિવેદન સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે આપતા જણાવ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ કોઈ પગલુ લેશે એવી તેમને આશા હતી પણ તેમને અહેસાસ થયો કે પાર્ટી માટે હજી પણ તેઓ અસ્વીકૃત છે. યાદવે લોકસભાની ચૂંટણી બિહારના પુર્નીયાથી કોંગ્રેસે તેમને ટીકીટ નકારી પછી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડી હતી. સીમાંચલમાં સારી વગ ધરાવતા યાદવે જણાવ્યું કે બિહારમાં કોંગ્રેસને મજબૂત નેતાગીરીની જરૂર છે. હું હજી પણ તેમના આમંત્રણની રાહ જોઉં છું.
ગર્ગે પુસ્તકમાં રાજકરણીઓના શંકાશીલ સ્વભાવને ખુલ્લો પાડયો
ફાયનાન્સ સેક્રેટરી અને આઈએએસ અધિકારી સુભાષ ચંદ્ર ગર્ગએ પોતાના પુસ્તક નો મિનિસ્ટરઃ નેવિગેટીંગ પાવર, પોલિટિક્સ એન્ડ બ્યુરોક્રેસી વિથ એ સ્ટીલ રિસોલ્વમાં લખ્યું છે કે નાણા મંત્રાલયનો ચાર્જ સંભાળ્યા પછી તુરંત નિર્મલા સીતારમણનું વલણ તેમના પ્રત્યે ઠંડુ રહ્યું હતું. ગર્ગના મતે સીતારમણને શંકા હતી કે તેઓ તેમની ટીકા કરતા ફરે છે અને તેમની સાથે બાળકી જેવો વ્યવહાર કરે છે. પરિણામે બંને વચ્ચેના સંબંધમાં કડવાશ આવી અને આખરે ગર્ગે ફાયનાન્સ સેક્રેટરી તરીકે રાજીનામુ આપવું પડયું. જૂન ૨૦૧૯માં જાપાનની સત્તાવાર મુલાકાત પછી ગર્ગે જી-૨૦ નાણાં મંત્રીઓની બેઠકમાં અસરકારક ભાષણ આપવા માટે સીતારમણને ધન્યાવાદ આપ્યા ત્યારે પણ તેમના પ્રતિસાદે તેમને આશ્ચર્યચકિત કર્યા. સીતારમણે કહ્યું હતું કે મને આશા છે કે મેં તમને નિરાશ નથી કર્યા. સીતારમણને તેમના પ્રત્યે પૂર્વગ્રહ હોવાનો ગર્ગને અહેસાસ થયો પણ તેમણે અવગણના કરી. ત્યાર પછી જૂન ૨૦૧૯માં ગર્ગે બજેટ પૂર્વેની મીટિંગ પછી હિતધારકોનો આભાર માન્યો ત્યારે પણ સીતારમણનો રવૈયો નારાજગીભર્યો હતો. પુસ્તકમાં ગર્ગે રાજસ્થાનની ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજેને પણ સત્તાવાર રીતે વિભાજીત વ્યક્તિત્વ તરીકે વર્ણવ્યા છે જેમને ૨૦૧૪માં પીએમની ઓફિસે બોલાવ્યા પછી છેતરાયાની લાગણી થઈ.
ટીએમસીનો 2026ની ચૂંટણી ભાષાના મુદ્દે લડવાનો સંકેત
પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીએ બંગાળી ભાષાનું જોરદાર હુમલાથી રક્ષણ કરવા ચળવળ શરૂ કરવાની જાહેરાત કરીને ભાજપ સામે આક્રમક અભિયાનનો સંકેત આપ્યો. ટીએમસીનું અભિયાન ઠોસ સ્વરૂપ ધારણ કરશે તો તે અસરકારક રીતે ૨૦૨૧ની ચૂંટણીના વ્યૂહને દોહરાવશે જે બંગાળી ઓળખ સામે પર પ્રાંતીઓના મુદ્દે લડાઈ હતી. એ સમયે બંગાળી બુદ્ધિજીવીઓએ મમતાને સમર્થન આપ્યું હતું. મમતાએ જણાવ્યું કે ટીએમસી ભાજપના ભાષાકીય આતંકવાદ અને વિવિધ રાજ્યોમાં બંગાળીઓ પરના હુમલા સામે ૨૭ જુલાઈથી ભાષાના મુદ્દે આંદોલન કરશે. મમતાએ સ્પષ્ટતા કરી કે તેમને અન્ય ભાષાનો વિરોધ નથી પણ માતૃભાષાનું અપમાન તેઓ સહન નહિ કરે. મમતાએ ઉમેર્યું કે ૨૦૨૬ની ચૂંટણીમાં વિજય હાંસલ કર્યા પછી તેઓ કેન્દ્રમાં ભાજપને પરાજિત કરવા પર ધ્યાન આપશે.
- ઈન્દર સાહની