app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

બજેટ સત્ર નવી સંસદમાં, મોદીના ફરમાનથી દોડધામ

Updated: Jan 22nd, 2023


બજેટ સત્ર નવી સંસદમાં, મોદીના ફરમાનથી દોડધામ

નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આ વખતનું બજેટ નવા સંસદ ભવનમા રજૂ કરાય એવી મોદીની ઈચ્છા છે. તેના કારણે  કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. મોદીએ ગમે તે રીતે ૨૬ જાન્યુઆરી સુધીમાં કામ પૂરું કરવા આદેશ આપ્યો હોવાનું કહેવાય છે.

આ પ્રોજેક્ટને પૂરો કરવાની સમયમર્યાદા ૩૦ નવેમ્બર, ૨૦૨૨ હતી પણ મંત્રાલય સમયસર પ્રોજેક્ટ પૂરો ના કરી શક્યા તેના કારણે પણ મોદી નારાજ હતા. એ વખતે અધિકારીઓએ ખાતરી આપી હતી કે, પ્રોજેક્ટ જાન્યુઆરીના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ ખાતરી આપીને અધિકારીઓ પોતે જ ભેરવાયા છે. અત્યારે નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ૩૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ નવા લોકસભા ભવનમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. ત્યારબાદ ૧ ફેબ્રુઆરી ૨૦૨૩એ નવા લોકસભા ભવનમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. હજુ ઘણું કામ બાકી હોવાથી સરકારે સત્તાવાર જાહેરાત નથી કરી.

'હાથ સે....'માં નહીં જોડાનારાં સામે પગલાં

કોંગ્રેસ ૨૬ જાન્યુઆરીથી દેશવ્યાપી 'હાથ સે હાથ જોડો' અભિયાન શરૂ કરવાની છે ત્યારે  હાઈકમાન્ડે ચેતવણી આપી દીધી છે કે, કોંગ્રેસના કોઈ નેતા, હોદ્દેકાર કે ધારાસભ્ય-સાંસદ પણ આ અભિયાનમાં નહીં જોડાય તો તેને ગંભીર બાબત ગણીને શિસ્તભંગનાં પગલાં લેવામાં આવશે. ૨૬ જાન્યુઆરીથી ૨૬ માર્ચ સુધી ચાલનારા  'હાથ સે હાથ જોડો' અભિયાન દરમિયાન, કોંગ્રેસ સામાન્ય લોકો સાથે સીધા સંપર્કનો પ્રયત્ન કરશે.

રાહુલ ગાંધીના પત્ર સાથે ભાજપ સરકારની નિષ્ફળતાઓની ચાર્જશીટ પણ દરેક ઘરે આપવામાં આવશે. આ અભિયાનનો હેતુ લોકો સાથે સંપર્ક ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોમાં નવી ઊર્જા ઉત્પન્ન કરવાનો પણ છે એવો કોંગ્રેસનો દાવો છે.

કોંગ્રેસનો દાવો છે કે, ૬ લાખ ગામડાંમાં ૨.૫ લાખ ગ્રામ પંચાયતના ૧૦ લાખ મતદાન કેન્દ્રોના દરેક ઘર સુધી જઈને કોંગ્રેસના કાર્યકર કોંગ્રેસનો પ્રચાર કરશે. કોંગ્રેસે બહુ વરસો પછી લોકો સાથે સીધા સંપર્કનું અભિયાન છેડયું છે.  તેની સફળતા લોકસભાની ચૂંટણીમાં સારા દેખાવ માટે જરૂરી છે.

નડ્ડા સંગઠનમાં મોટા પાયે ફેરફારો કરશે

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદે જે.પી. નડ્ડાને રીપીટ કરી દેવાયા પછી હવે નડ્ડા નવી ટીમ બનાવશે કે હાલની ટીમથી જ કામ ચલાવશે એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, આ વરસે નવ રાજ્યોની વિધાનસભા ચૂંટણી છે અને પછી છ મહિનામા લોકસભાની ચૂંટણી આવશે તેથી તેને ધ્યાનમાં રાખીને નડ્ડા સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરીને કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપશે.

પહેલાં એવી વાત હતી કે, મોદી કેબિનેટમાં ફેરફારો કરીને કેટલાક મંત્રીઓને સંગઠનમાં લવાશે પણ અત્યારે એવી શક્યતા દેખાતી નથી. તેના બદલે ૨૦૨૪ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એવાં રાજ્યોમાંથી સંગઠનમાં કામ કરી ચૂકેલા કેટલાક સક્ષમ નેતાઓને રાષ્ટ્રીય સ્તરે લાવવાની વ્યૂહરચના અપનાવાશે અને તેમને ચૂંટણી છે એવાં રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવાની કામગીરી સોંપાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે.  આ માટેની યાદી પણ તૈયાર કરી દેવાઈ છે. મોદી અને શાહ મંજૂરીની મહોર મારે તેની રાહ જાઈ રહી છે.

શાહના દબાણ પછી બ્રિજભૂષણે ઝૂકવું પડયું

ભાજપ હાઈકમાન્ડ અંતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને ઝૂકાવવામાં સફળ થયું છે. સૂત્રોનો દાવો છે કે, સિંહ મચક આપવા તૈયાર નહોતા પણ અમિત શાહે દબાણ લાવીને સિંહને ફેડરેશનથી દૂર રહેવાની ફરજ પાડી છે. ફેડરેશનના સેક્રેટરી વિનોદ તોમરને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.

સિંહ ઝૂકતાં  કુસ્તીબાજોનાં ધરણા સમેટાઈ ગયાં હતાં. શુક્રવારે મોડી રાત્રે ૧ વાગ્યે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને કુસ્તીબાજોએ સમાધાનની જાહેરાત કરી હતી.

કુશ્તીબાજો સાથે ઠાકુરની ૭ કલાક લાંબી બેઠક બાદ નિર્ણય લેવાયો હતો કે, જાતિય શોષણના આક્ષેપોની તપાસ કરવા સમિતીની રચના કરવામાં આવશે અને આ સમિતી અઠવાડિયામાં તેનો રિપોર્ટ આપશે. સમિતીના સભ્યોનાં નામની જાહેરાત પણ કરી દેવાઈ છે.

સમિતીની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બ્રિજભૂષણ સિંહ ફેડરેશનના કામથી દૂર રહેશે. સમિતિ જ ફેડરેશનના કામકાજ પર નજર રાખશે. બ્રિજભૂષણ સિંહે શાહના ફરમાનના પગલે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવી પડી છે.

ચૌટાલાને પછાડવા ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા

હરિયાણાની હિસાર  જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટેની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવી લેતાં ભડકેલા દુષ્યંત ચૌટાલા મનોહરલાલ ખટ્ટર સરકારને ટેકો પાછો ખેંચવા વિચારી રહ્યા છે. ચૌટાલાની પાર્ટી જેજેપીના ટેકાથી ભાજપ સરકાર રચાયેલી છે પણ ભાજપે દગો દેતાં ચૌટાલા ભડક્યા છે.

હિસાર જિલ્લા પંચાયતની ૩૦ બેઠકોમાંથી ભાજપ અને જેજેપી પાસે ૧૨-૧૨ સભ્યો છે જ્યારે કોંગ્રેસના ચાર સભ્યો હતા. બે સભ્યો અન્ય પક્ષના છે. ભાજપે કોંગ્રેસના સમર્થનથી જેજેપીના પછાડીને સત્તા હાંસલ કરી છે.  ભાજપના સોનુ કુમાર સિહાગ પ્રમુખ અને કોંગ્રેસનાં રીના ઉપપ્રમુખ પદે ચૂંટાયાં છે.

હિસારની જિલ્લા પંચાયતની ચૂંટણી નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતી પણ ભાજપના નેતા અને પૂર્વ નાણામંત્રી કેપ્ટન અભિમન્યુ તથા ઉર્જા મંત્રી રણજીત ચૌટાલાએ મળીને દુષ્યંતનું નાક વાઢી લીધું છે. આ હાર પછી ચૌટાલાએ સમર્થકોની બેઠક બોલાવી હતી. તેમાં ભાજપ વિરોધી ઉગ્ર માહોલ જોવા મળ્યો હતો.

શાસ્ત્રીના મુદ્દે ભાજપ-કોંગ્રેસ નેતા સામસામે આવી ગયા

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના વિવાદમાં કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયાં છે. શાસ્ત્રી અંધશ્રધ્ધા ફેલાવે છે એવા આક્ષેપોના પગલે ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય તેમના બચાવમા કૂદી પડયા હતા.  વિજવર્ગીયે શાસ્ત્રી સામેના આક્ષેપોને ખોટા ગણાવીને સવાલ કર્યો કે, જાવરા દરગાહમાં  લોકોને લાત મારવામાં આવે છે પણ તેના વિશે કોઈ બોલતું નથી પણ કોઈ હિન્દુ સંતની વાત આવે છે ત્યારે સવાલો ઉભા કરાય છે.

વિજયવર્ગીયના બચાવના પગલે કોંગ્રેસના નેતા પણ મેદાનમાં આવી ગયા છે. કોંગ્રેસીઓએ શાસ્ત્રીને પોતાની શક્તિઓ સાબિત કરવા પડકાર ફેંક્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતા ડો.ગોવિંદ સિંહે સવાલ કર્યો કે, શાસ્ત્રી સામે આક્ષેપ થયા ત્યારે ભાગી કેમ ગયા હતા ? તેમની પાસે ચમત્કારી શક્તિઓ છે તો તેનો પૂરાવો આપવો જોઈએ.વિશ્લેષકોના મતે, ભાજપ શાસ્ત્રીના સમર્થકોની મતબેંક પર નજર છે તેથી બચાવ કરે છે. કોંગ્રેસની નજર તેમના વિરોધી બીજા કહેવાતા સંતોના સમર્થકો પર છે.


Gujarat