Get The App

દિલ્હીની વાત : મમતા અને મુસલમાન, શંકા કે ભરોસો?

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મમતા અને મુસલમાન, શંકા કે ભરોસો? 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ મતદારો હંમેશા નિર્ણાયક રહ્યા છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસે મુસ્લિમ બહુમતિવાળા ક્ષેત્રોમાં એકતરફી પ્રદર્શન કર્યું હતું. જો કે રાજકીય નિરિક્ષકો માની રહ્યા છે કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં હવા એકતરફી નથી. એસઆઇઆર અભિયાન, સ્થાનિક અસંતોષ અને નવા રાજકીય વિકલ્પોને કારણે મુસ્લિમ વોટબેન્કની કોઈ ખાતરી આપી શકાય એમ નથી. એસઆઇઆર પછી લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી દુર થવાની ચર્ચા થઈ રહી છે. લગભગ ૯૧ લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. આમાંથી ૩૪ ટકા મુસ્લિમ મતદારો છે. રાજ્યમાં એમની વસ્તિ ૨૭ ટકા છે. મુસ્લિમ મતદારોની સંખ્યા ૨.૫ થી ૩ ટકા ઘટવાની અસર દેખાઈ રહી છે. ૨૦૨૧ની ચૂંટણીમાં તૃણમુલ અને ભાજપ વચ્ચે ૮ ટકા વોટશેરનો તફાવત હતો. જો આ વખતે તૃણમુલને મળેલા વોટશેર ૩ ટકા ઓછો થાય અને એન્ટીઇન્કમબન્સીનું પરીણામ દેખાય તો સ્પર્ધા નજીકની બની શકે એમ છે.

તામિલનાડુમાં આચારસંહિતા બાબતે બબાલ

તામિલનાડુમાં ચૂંટણી આચારસંહિતાના ભંગ માટે રાજકીય વિવાદ થયો છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, રાજકીય દળ ટીવીકે એક મતદાનના ૪૮ કલાક પહેલા સાયલન્સ પિરિયડનો ભંગ કરવાની તૈયારી કરી હતી. ફરિયાદ કરનાર એલ. દેવસાહયમ અને પી. આદિકેશવનએ તામિલનાડુના મુખ્ય ઇલેકશન કમિશનરને આ બાબતે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ૨૨મી એપ્રિલે મોટાસ્તરે ઓનલાઇન રાજકીય અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ચૂંટણીના નિયમોની વિરુદ્ધ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, નિયમ વિરુદ્ધ ૫૧મી કલમ ૧૨૮નો આ ભંગ છે. આરોપીઓને ત્રણ મહિનાની સજા થઈ શકે છે. ફરિયાદ કરનારાઓએ ચૂંટણી કમિશનને તાત્કાલીક હસ્તક્ષેપ કરવાની માંગણી કરીને ઓનલાઇન પ્રચાર સામગ્રી હટાવવાની માંગણી કરી હતી.

બિહારમાં સામાજીક સમતોલન જાળવવા નિતિશકુમારનો મોટો દાવ

બિહારના રાજકારણમાં ઝડપથી સમીકરણો બદલાઈ રહ્યા છે. જેડીયુના નેતા નિતિશકુમારે ફરીથી સામાજીક સંતુલન બદલવા માટે મોટો દાવ ખેલ્યો છે. પક્ષે સિનિયર નેતા શ્રવણકુમારને જેડીયુ ધારાસભ્યના નેતા બનાવ્યા છે. શ્રવણકુમાર રાજકીય સમીકરણને નવેસરથી મજબુત કરી શકે એમ છે. જેડીયુના રાજકારણ લાંબા સમય સુધી ઊર્મિ અને કુશવાહા (લવ-કુશ) સમાજને આધારે ટકી રહ્યો હતો. નેતાગીરી નિતિશકુમાર પાસે હતી. હવે નિતિશકુમાર બિહારના મુખ્યમંત્રી રહ્યા નથી છતાં પક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે. પહેલા એમણે ભૂમિહાર અને યાદવ જેવા નેતાઓને ઉપમુખ્યમંત્રી બનાવીને સંદેશો આપી દીધો હતો. હવે ઊર્મિ સમાજને રીઝવવા માટે શ્રવણને નવી જવાબદારી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના મહિલા મતદારો પણ અગત્યના

આખા દેશમાં રાજકારણ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી બાબતે દલીલ થઈ રહી છે. મહિલાઓને ટિકિટ આપવા બાબતે કોઈપણ રાજકીય પક્ષ વખાણવા જેવો નથી. પશ્ચિમ બંગાળમાં મહિલા મતદારોની અગત્યતા ઘણી છે. મહિલા મતદારોને ખુશ કરવા માટે દરેક રાજકીય પક્ષ સક્રિય છે. બદલાતા જતા મતદારોના આંકડા, યોજનાઓની સીધી ટક્કર અને સુરક્ષા જેવા મુદ્દાઓ વચ્ચે મોટો સવાલ એ છે કે મહિલા મતદારો ફરીથી તૃણમુલ કોંગ્રેસ સાથે રહેશે કે નહીં. એસઆઇઆર અભિયાન પછી ૪૪ લાખ મહિલા મતદારોના નામ લિસ્ટમાંથી દુર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળની મહિલાઓ મમતા બેનર્જીની પ્રખર ટેકેદાર હતી. જોકે હવે બદલાયેલા સમીકરણો પછી ભરોસા વિરુદ્ધ ફેરફારની ખેંચતાણ થઈ ગઈ છે.

ક્લિનિકલ ટ્રાયલ માટે ગરીબોનો ઉપયોગ

વર્ષોથી આપણા દેશમાં મેડિકલ સંશોધન માટે ગરીબ અને આદીવાસીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે ૨૦૨૪માં ક્લિનિકલ ટ્રાયલના નિયમોની નબળાઈઓ બાબતે એનજીઓ વિસ્તારથી જણાવે. હવે નિયમો દેશમાં વેક્સીન અને નવી દવાઓના મેડિકલ ટ્રાયલની મંજૂરી પ્રક્રિયાને સહેલી બનાવવા માટે બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ પી એસ નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધે બેન્ચ આ બાબતે સુનાવણી કરી રહી હતી. ૨૦૧૨ના વર્ષમાં એનજીઓ 'સ્વાસ્થ્ય અધિકાર મંચ' એ એક જાહેર હિતની અરજી કેન્સલ કરી હતી. અરજીમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે, મલ્ટીનેશનલ દવા કંપનીઓ આખા દેશમાં મોટાપાયે ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. નિયમો નહીં હોવાને કારણે ગરીબ માણસોનો ઉપયોગ ગિનિ પિગ તરીકે થાય છે. આ ટ્રાયલ માટે એમને યોગ્ય પૈસા પણ મળતા નથી. અરજી કરનારના વકીલે દલીલે કરી હતી કે, ટ્રાયલ દરમિયાન હજી સુધીમાં ૮ હજાર લોકોના મૃત્યુ થયા છે.

દિલ્હી પોલીસની વર્દી પર દાગ લાગ્યો

દિલ્હી પોલીસ હંમેશા વિવાદમાં રહે છે. દિલ્હીના ગરીબ રીક્ષાવાળાઓ અને શ્રમીકોમાં નશીલી દવાઓ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. ડ્રગના સપ્લાયરોને પકડવા માટે દિલ્હી પોલીસ નિષ્ક્રિય છે. હવે દિલ્હી પોલીસની વર્દી પર વધુ એક દાગ લાગ્યો છે. સીબીઆઇએ દ્વારકાની એન્ટી નાર્કોટીક્સ સેલની ઓફિસમાંથી ૫૨ લાખ રૂપિયાની ચલણી નોટો પકડી પાડી છે. સીબીઆઇએ નાર્કોટીક્સ સેલના કોન્સ્ટેબલ અજયની ધરપકડ પણ કરી છે. આ ધરપકડ પછી નાર્કોટીક્સ સેલના ઇન્ચાર્જ સુભાષચંદ્રની બદલી કરવામાં આવી છે. એનટી નાર્કોટીક્સ સેલએ ડ્રગ્સની દાણચોરી માટે ઉત્તમનગરથી એક છોકરીની ધરપકડ કરી હતી. અધિકારીઓ છોકરીની મા પાસે પૈસાની માંગણી કરતા હતા. છોકરીની માતાએ સીબીઆઇને ફરિયાદ કરી હતી. સીબીઆઇએ ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા કોન્સ્ટેબલને પકડી પાડયો હતો.

નેપાળ સરકારના નિર્ણયથી યુપી-બિહારના લોકોનું ટેન્શન કેમ વધ્યું

નેપાળ સરકારના કેટલાક નિર્ણયોને કારણે સરહદ પરના ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનું ટેન્શન વધ્યું છે. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વાહનોના પ્રવેશ પર નેપાળ સરકારે ૧૦૦ - ૪૦૦ રૂપિયા દિવસનો ટોલ ટેક્સ લેવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત નેપાળના ૧૦૦ રૂપિયાથી વધુ કિંમતના સામાન પર ૮૦ ટકાની કસ્ટમ ડયુટી પણ નેપાળ વસુલ કરશે. આ કારણે ભારતથી નેપાળ ટેમ્પો અને મોટરસાયકલ દ્વારા જતી કઠોળ, ખાંડ, રિફાઇન્ડ તેલ અને કપડાં જેવી વસ્તુઓની કિંમત ૧૫થી ૨૦ ટકા વધી ગઈ છે. ભારતમાં ઉત્પાદન થતી વસ્તુઓ મોંઘી થવાને કારણે ગ્રાહકો ઓછા થવા માંડયા છે. સિદ્ધાર્થનગર, મહારાજગંજ સરહદને અડીને આવેલા નેપાળના બધની, કોટિયા, ખુનુવા, અલીગઢવા, કાકરહવા, નવલપરાસી અને રૂપંદેહીની ઘરાકી ૨૫ ટકા જેટલી ઘટી ગઈ છે. સરહદ નજીક આવેલા વિસ્તારોમાં ભારતથી દરરોજ ૧ કરોડની નિકાસ થાય છે.