Get The App

દિલ્હીની વાત : ઉત્તર પ્રદેશમાં મધરાતે 11 ડીએમ સહિત 33 આઇએએસની બદલી

Updated: Apr 23rd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ઉત્તર પ્રદેશમાં મધરાતે 11 ડીએમ સહિત 33 આઇએએસની બદલી 1 - image

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશ સરકારે મોડી રાત્રે ૩૩ આઇએએસ ઓફિસરોની બદલી કરી નાખી છે. વારાણસી, હાપુડ, આઝમગઢ, બરેલી, આંબેડકર નગર, ગાઝીપુર, ઝાંસી, મહોબા, ખુશીનગર, સંતકબીરનગર અને ભદ્રહીના જિલ્લા કલેક્ટરો તેમ જ વારાણસીના ડીવીઝનલ કમિશનરને બદલી નાખવામાં આવ્યા છે. મંત્રાલયમાં વિવિધ હોદ્દા પર રહેલા આઇએએસ અધિકારીઓની આંતરીક બદલી પણ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા પ્રમાણે ઉત્તર પ્રદેશની બ્યુરોક્રસીમાં ભાજપ હાઇકમાન્ડ પણ રસ લે છે. અગત્યના હોદ્દાઓ પર ટ્રાન્સફર મેળવવા માટે લખનૌ નહીં, પરંતુ દિલ્હીનો સંપર્ક જરૂરી બને છે. ચીફ સેક્રેટરી કે ડીઆઇજી જેવા હોદ્દાઓ પર દિલ્હીની પરવાનગી વગર નિમણૂક થઈ શકતી નહી હોવાથી યોગી પણ નારાજ હોવાનું કહેવાય છે.

ઉત્તર પ્રદેશમાં હવે સહાયક કોમ્પ્યુટર શિક્ષક માટે બીએડ જરૂરી નથી

ઉત્તર પ્રદેશના સરકારી વિદ્યાલયોમાં એલટી ગ્રેડ શિક્ષકની નિમણૂક માટે નવા નિયમો જાહેર થયા છે. કેટલાક વિષયના શિક્ષકો માટે હવે બીએડની ડિગ્રી ફરજીયાત રાખવામાં આવી નથી. કોમ્પ્યુટર શિક્ષકની ભરતી માટે બીએડની જરૂરિયાત રહી નથી. એજ રીતે લલિત કળા વિષયના શિક્ષકો માટે પણ બીએડ જરૂરી રહ્યું નથી. સરકારના આ ફેરફારને કારણે કોમ્પ્યૂટર અને કળા વિષયની નોકરી મેળવવા માટે ઇચ્છુકોને રાહત થઈ છે. કોમ્પ્યૂટર સાયન્સમાં બીટેક અથવા તો સાયન્સ ગ્રેજ્યુએટમાં પ્રથમ વર્ગ આવવો જરૂરી હતો. નવી વ્યવસ્થા પ્રમાણે આ શરત પણ દુર કરવામાં આવી છે.

13 રાજ્યોમાં ખ્રિસ્તીઓ પર પ્રભાવ વધારવા ભાજપનું અભિયાન

વકફ સુધારા બિલ બાબતે હજી સુધી સુપ્રીમ કોર્ટે કોઈ નક્કર નિર્ણય લીધો નથી. ભાજપને લાગે છે કે, સુધારા બીલ ખ્રિસ્તી પ્રભાવી વસ્તિવાળા રાજ્યો માટે ગેઇમ ચેન્જર સાબિત થશે. ભાજપના કેટલાક નેતાઓનું માનવું છે કે દેશની બીજા નંબરની લઘુમતિ એટલે કે ખ્રિસ્તીઓ પર આ બીલનો પ્રભાવ ગહેરો પડી શકે એમ છે. દક્ષિણ ભારત, પૂર્વ ભારત, ગોવા અને મુંબઈમાં આ અસર દેખાશે. મુસ્લિમોની નારાજગી રોકવા માટે ભાજપએ જનજાગરણ અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે અને ખ્રિસ્તીઓને પ્રભાવિત કરવા માટે સદભાવના બેઠકો બોલાવવાનું શરૂ કર્યું છે. કેરળમાં ખ્રિસ્તીઓની વસ્તી ૧૮.૪ ટકા છે. વકફ બોર્ડની મનમાનીને કારણે ખ્રિસ્તીઓ ખૂબ નારાજ છે અને આ નારાજ ખ્રિસ્તીઓને ભાજપ પોતાની તરફ કરવા માંગે છે.

અજીત - શરદ પવારની ખાનગી મુલાકાત બાબતે સુપ્રિયાનો ખુલાસો

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી મુલાકાત મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાસ્પદ બની છે. એમ કહેવાય છે કે કાકા - ભત્રીજા એક વખત નહીં, પરંતુ ઘણી વખત મળ્યા છે. અજીત પવારના વિરોધીઓ માને છે કે, વફાદારી બાબતે અજીત પવારની મથરાવતી પહેલેથી મેલી છે. ભ્રષ્ટાચાર બાબતે તેઓ દૂધે ધોયેલા નથી. ભાજપએ સત્તા મેળવવા માટે અજીત પવારનો સાથ લીધો છે. અજીત પવાર અને શરદ પવારની છેલ્લી મીટીંગમાં એમણે ખાંડ ઉદ્યોગમાં એઆઇ ટેક્નીકનો કઇ રીતે ઉપયોગ કરવો એની ચર્ચા કરી હોવાનું મનાય છે. આ મુલાકાત બાબતે એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું છે કે, કામ બાબતે કાકા - ભત્રીજા મળતા રહે છે. મહારાષ્ટ્રની વધતી તકલીફ બાબતે અજીત પવાર સાથે મળીને કામ કરવાની તૈયારી પણ સુપ્રિયા સુલેએ બતાવી હતી.

હવે સુપરસ્ટાર મહેશ બાબુને પણ ઇડીનું સમન્સ

દેશના મોટા ભાગના ભાજપ વિરોધીઓને ઇડીની નોટીસ મળી ચૂકી છે. રાજકીય નીરિક્ષકોને જોકે આમા નવાઈ લાગતી નથી. ભાજપ પોતાના વિરોધીઓને દબાવવા માટે હંમેશા વિવિધ સંસ્થાઓનો ઉપયોગ કરે છે, પરંતુ ઇડી એની 'માનીતી ' છે. હવે ઇડીએ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુને પણ નોટીસ આપીને સ્ટેટમેન્ટ લેવા બોલાવ્યો છે. હેદ્રાબાદની રિયલ એસ્ટેટ કંપનીઓના મની લોન્ડરીંગ કૌભાંડની તપાસમાં મહેશ બાબુનું નામ ખુલ્યું હોવાનું કહેવાય છે. ઇડીએ આ બાબતે તેલંગાણામાં ઘણી જગ્યાએ દરોડા પાડયા છે. દરોડા દરમિયાન સુરાના ગ્રુપ અને સાંય સુર્યા ડેવલોપર્સ પાસેથી ઘણા ડોક્યુમેન્ટસ મળ્યા છે. કેટલાક રિયલ એસ્ટેટ ડેવલપર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહેશ બાબુએ કામ કર્યું હતું.

કેદીઓની મુક્તિમાં ઢીલને કારણે સુપ્રીમની દિલ્હી સરકારને ફટકાર

કેદીઓની સમય પહેલાં મુક્તિ બાબતે મોડુ થવાથી સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ઠપકો આપ્યો છે. કોર્ટે આ બાબતને દુ:ખદ ગણાવી છે. જસ્ટીસ અભય એસ ઓકા અને જસ્ટીસ ઉજ્જ્વલ ગુઇયાની બેન્ચે દિલ્હી સરકાર ઉપરાંત એસઆરબીને પણ ઠપકો આપ્યો છે. એસઆરબીએ કેદીઓની સમય પહેલાં મુક્તિની અરજીઓ નકારી કાઢી હતી. બેન્ચે કહ્યું હતું કે, જે રીતે દિલ્હી સરકાર કેદીઓની મુક્તિના કેસો સંભાળી રહી છે એ ચિંતાજનક છે. આ બાબતે ઘણુ કહી શકાય એમ છે. દિલ્હી સરકારે પહેલા આશ્વાસન આપ્યું હતું કે આ બાબતે સરકાર પગલા લેશે. જોકે સરકારે આ બાબતે કંઈ કર્યું નથી. કોર્ટે કહ્યું છે કે, આ કિસ્સાની તપાસ ગંભીરતાપૂર્વક કરવામાં આવે.

'પિતાની માફક તારી પણ હત્યા થશે' : જીશાન સિદ્દીકીને ધમકી

થોડા મહિનાઓ પહેલા એનસીપીના નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા થઈ ત્યારે ચકચાર મચી ગઈ હતી. બાબા સિદ્દીકીનો પુત્ર જીશાન સિદ્દીકી એનસીપી (અજીત પવાર) તરફથી વિધાનસભાની ચૂંટણી પણ લડયો હતો. જોકે આ ચૂંટણીમાં એની હાર થઈ હતી. બાબા સિદ્દીકીની હત્યા બાબતે ૨૦થી વધુ વ્યક્તિઓની ધરપકડ થઈ છે, પરંતુ હજી સુધી હત્યાનું કારણ જાણી શકાયું નથી. બાબા સિદ્દીકીના કુટુંબીજનોને પોલીસ તપાસથી સંતોષ નથી. હવે જીશાન સિદ્દીકીને પણ એમના ઇમેલ પર મારી નાખવાની ધમકી મળી છે. ઇમેલમાં કહેવામાં આવ્યું છે કે, એમના પિતાની માફક એમની પણ હત્યા થશે. જીશાન સિદ્દીકી પાસે ૧૦ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. ઇમેલ કરનારે એમ પણ લખ્યું છે કે દર ૬ કલાકે જીશાનને નવો મેલ કરવામાં આવશે. જીશાનનું કહેવું છે કે દાઉદ ઇબ્રાહીમ ગેંગના ગુંડાઓએ આ ધમકી આપી હોવાની શક્યતા છે.

ધનખડ-સિબ્બલ વચ્ચે મતભેદો ત્યારના છે જ્યારે બંને કોંગ્રેસમાં હતા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કપિલ સિબ્બલ અત્યારે સુપ્રીમ કોર્ટના મુદ્દે સામ-સામે આવી ગયા છે. બંને એકબીજા પર ટીપ્પણી કરી રહ્યા છે. તેનાથી દિલ્હીના રાજકીય વર્તુળોમાં કોઈને ખાસ આશ્વર્ય નથી થતું. કારણ કે બંને જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારથી ઘણા મુદ્દે મતભેદો થતા હતા. સિબ્બલ ગાંધી પરિવારની નજીક ગણાતા હતા. બંને સુપ્રીમમાં પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે કોઈ કાયદાકીય મુદ્દો હોય ત્યારે કોંગ્રેસની જે કાયદા નિષ્ણાતોની ટીમ હતી એમાં આ બંને નેતાઓ હતા. કોઈ મુદ્દે આ ટીમની બેઠક મળી હોય કે પછી ઓપિનિયન લેવાયો હોય ત્યારે એ વખતે પણ બંને વચ્ચે દલીલો થતી હતી. કોંગ્રેસના જૂના નેતાઓને આ દલીલબાજીથી બિલકુલ આશ્વર્ય થતું નથી. સિબ્બલ હવે કોંગ્રેસમાં નથી અને ધનખડ પણ ભાજપમાં આવ્યા પછી ગવર્નર અને ઉપરાષ્ટ્રપતિ બન્યા, તેમ છતાં આ મતભેદો હજુય ચાલી રહ્યા છે.

ભારત સાથે આર્થિક સંબંધો વગર પાક. નહીં બચે : નિષ્ણાતોની સલાહ

પાકિસ્તાનના આર્થિક નિષ્ણાતોએ સરકારને સલાહ આપી છે કે દેશની આર્થિક સ્થિતિ સુધારવી હોય ને નાદારીની પરિસ્થિતિમાંથી બચવું હોય તો ભારત સાથે આર્થિક સંબંધો સુધારવા ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિર આર્થિક સંબંધો નહીં સ્થાપિત થાય ત્યાં સુધી  પાકિસ્તાનને આર્થિક કટોકટીથી બચાવવાનું અશક્ય છે. પાકિસ્તાનના અખબાર ડોનમાં સિટી ગુ્રપના પૂર્વ પ્રમુખ યૂસુફ નઝરે પણ એક લેખમાં ભલામણ કરી કે પાકિસ્તાનની સરકારે ભારત જેવા ઉભરતા ગ્લોબલ પાવર સાથે રાજકીય આર્થિક સંબંધો સુધાર્યા વગર છૂટકો નથી.

બાંસૂરી સ્વરાજનું 'નેશનલ હેરાલ્ડ કી લૂંટ' લખેલું પર્સ વાયરલ

બીજેપી સાંસદ બાંસૂરી સ્વરાજ વન નેશન, વન ઈલેક્શનના મુદ્દે બનેલી જેપીસીના સભ્ય છે. એ મુદ્દે સમિતિની બેઠક મળી ત્યારે બાંસૂરી સ્વરાજ હાજર રહેવા સંસદભવન પહોંચ્યા હતા. તે વખતે તેમની પાસે જે પર્સ હતું એ ચર્ચાનો વિષય બન્યું હતું. એમાં લખ્યું હતું - 'નેશનલ હેરાલ્ડ કી લૂંટ'. અગાઉ પ્રિયંકા ગાંધી વિવિધ મેસેજ આપતા પર્સ લઈને સંસદસત્રમાં આવ્યા હતા. તેનો જવાબ આપતા હોય એમ ભાજપના સાંસદ બાંસૂરી સ્વરાજે કોંગ્રેસના ઘેરતા નેશનલ હેરાલ્ડ કેસનો મેસેજ આપતું પર્સ સાથે રાખ્યું તે વાયરલ થયું હતું. બાંસૂરી સ્વરાજ સુષ્મા સ્વરાજના દીકરી છે અને દિલ્હીમાંથી સાંસદ ચૂંટાયા છે. તેઓ પ્રોફેશનથી વકીલ છે.

કેરળમાં ડાબેરી ગઠબંધને સ્થાપના દિવસની ઉજવણી શરૂ કરી

કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ નામનું ગઠબંધન છેક ૧૯૭૯થી ચાલી રહ્યું છે. રાજ્યમાં કેટલીય વખત સત્તામાં આવેલા આ ગઠબંધનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં અન્ય ડાબેરી પાર્ટીઓ પણ સામેલ છે. ૨૦૧૬થી સત્તામાં રહેલા આ ગઠબંધને આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગઠબંધનનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. મહિના લાંબાં સ્થાપના દિવસના સેલિબ્રેશનમાં સરકારે ૧૦ વર્ષના કામો ગણાવીને ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો છે. 

તમિલનાડુની રાજકીય પાર્ટી એમડીએમકેમાં આંતરિક ઘર્ષણ

તમિલનાડુમાં ડીએમકેથી અલગ થઈને વૈયાપુરી ગોપાલસ્વામીએ ૧૯૯૪માં એમડીએમકે નામનો નવો પક્ષ બનાવ્યો હતો. વૈકોના ટૂંકા નામથી જાણીતા આ ૮૦ વર્ષના પીઢ રાજકારણી પાર્ટીના જનરલ સેક્રેટરી છે. ટૂંકમાં એ પાર્ટીના વડા છે. તેમના દીકરા દુરાઈ વૈકો પાર્ટીના પ્રિન્સિપલ સેક્રેટરી છે. દુરાઈને ડેપ્યુટી જનરલ સેક્રેટરી મલાઈ સાઠયા સાથે કોઈ બાબતે વાંધો પડયો એટલે તેમણે રાજીનામું આપી દીધું. એ પછી તુરંત વૈકોના નેતૃત્વમાં પાર્ટીની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની બેઠક મળી. વૈકોએ મધ્યસ્થી કરીને દીકરાનું રાજીનામું પાછું ખેંચાવી લીધું અને મલાઈ સાઠયા સાથે સમાધાન કરાવી દીધા, પરંતુ ચૂંટણી પહેલાં આ પાર્ટીનો આંતરિક કલહ બહાર આવ્યો છે. રાજ્યમાં પાર્ટી પાસે ચાર બેઠકો છે. એક લોકસભામાં અને એક રાજ્યસભામાં બેઠક છે. અત્યારે પાર્ટી ઈન્ડિયા ગઠબંધનમાં છે.

- ઈન્દર સાહની