દિલ્હીની વાત : તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ : મોદીનું અકળ મૌન
નવી દિલ્હી : આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગાય અને ડુક્કરની ચરબી મળી આવ્યા પછી વિવાદ વકરી રહ્યો છે. દેશભરના હિન્દુ શ્રદ્ધાળુઓને આ અહેવાલથી ભારે આઘાત લાગ્યો છે. આંધ્રપ્રદેશના મંત્રી અને ટીડીપીના નેતા નારા લોકેશે પ્રસાદમાં થયેલી ઘાલમેલ બાબતે વાયએસઆરસીપી સરકારને જવાબદાર ગણાવી છે. જોકે આંધ્રપ્રદેશના કેટલાક સ્થાનિક નેતાઓ માને છે કે, પ્રસાદની તપાસ કેન્દ્ર સરકારને આધિન રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની લેબોરેટરીમાં કરવામાં આવી હોવાથી આ વિવાદના મૂળમાં ભાજપની કેન્દ્ર સરકાર પણ હોઈ શકે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પણ અગાઉની સરકારને પ્રસાદ અપવિત્ર કરવા બાબતે જવાબદાર ઠેરવી એ બાબતે પણ સ્થાનિક આંધ્રવાસીઓ સહમત થતા નથી. એમની દલીલ છે કે, શા માટે સરકાર જાનવરોની ચરબીનો ઉપયોગ પ્રસાદના લાડુ બનાવવા માટે કરે. એમ ચર્ચાઈ રહ્યું છે કે, નરેન્દ્ર મોદીના જોડીદાર ચંદ્રાબાબુ નાયડુ પણ દુધે ધોયેલા નથી. આ બાબતે લોકો ચર્ચા કરી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શા માટે ચૂપ છે. દેશના કરોડો લોકોની આસ્થાનો મુદ્દો છે ત્યારે આ બાબતે સત્વરે એક્શન લેવું જોઈએ. દેશ સમક્ષ સ્પષ્ટતા કરવી જોઈએ. સીબીઆઈ તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે દિશામાં પગલાં ભરવા જોઈએ. બીજી તરફ ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ હવે ચંદ્રાબાબુ નાયડુ સામે મોરચો ખોલ્યો છે. જગન મોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. આ બાબતે જગન મોહન રેડ્ડી કહે છે કે, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ૧૦૦ દિવસનું શાસન સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. લોકોમાં ભારે અસંતોષ છે. લોકોનું ધ્યાન બીજે વાળવા માટે મંદિરના પ્રસાદનો વિવાદ નાયડુએ ઉભો કર્યો છે. સત્તા ટકાવી રાખવા માટે ચંદ્રાબાબુ નાયડુ ભગવાનનો પણ ઉપયોગ કરે છે.
નિતિન ગડકરીએ ફરી વખત ભાજપ હાઇકમાન્ડને ટોણો માર્યો
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે અણબનાવ હોવાની વાત દિલ્હીમાં વારંવાર ચર્ચાય છે. નરેન્દ્ર મોદી ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાઈ જાય એવા નિવેદનો ગડકરી વારંવાર કરતા રહે છે. હમણા નિતિન ગડકરીએ પૂણે ખાતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, લોકશાહીની સૌથી મોટી પરીક્ષા એ છે કે, શાસકો પોતાની વિરુદ્ધના અભિપ્રાયો પણ સહન કરીને એમાંથી શીખ લે. લેખકો અને બુદ્ધિજીવીઓએ નિડર બનીને શાસકોની ટીકા કરવી જોઈએ. શાસકોએ પણ આત્મચિંતન કરવું જોઈએ. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, આપણે જમણેરી પણ નથી અને સામ્યવાદી પણ નથી. આપણે બધા કેવળ અવસરવાદી છીએ. દિલ્હીમાં ઘણા માની રહ્યા છે કે આડકતરી રીતે નિતિન ગડકરીએ ભાજપ હાઇકમાન્ડ પર નિશાન તાક્યું છે.
નડ્ડાના બોલબચનથી દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા સુધરવાની નથી
આજકાલ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની વાતને દિલ્હીમાં કોઈ ગંભીરતાથી લેતું નથી. જે પી નડ્ડાએ હમણા કહ્યું કે, ૬૫ નવી મેડિકલ કોલેજ ખોલવાની મંજૂરી આપ્યા પછી હવે વિશ્વ આખામાં સૌથી વધુ ડોક્ટરો ભારતમાં તૈયાર થશે. દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા ૭૬૬ છે. જે આફ્રિકા અને અમેરિકાની સરખામણીએ છ ગણી વધુ છે. જોકે જેપી નડ્ડાની આ વાત સાંભળીને શ્રોતાઓ મનમાં હસ્યા હતા. વિશ્વ આખામાં ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા નીચલા સ્તરે છે. યોગ્ય સ્વાસ્થ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે દરરોજ લાખો દર્દીઓ હેરાન થાય છે. ફક્ત ડોક્ટરો વધવાથી આ સમસ્યાનું નિરાકરણ થવાનું નથી. ડોક્ટરો યોગ્ય કામ કરી શકે એ પ્રકારનું વાતાવરણ ઊભુ કરવાની જવાબદારી સરકારની છે. સરકાર આ બાબતે નિષ્ફળ રહી છે.
કામના બોજાથી થયેલા મૃત્યુ બાબતે નારાજ શશી થરુરે મુદ્દાની વાત કરી
પુણેની એક જાણીતી ખાનગી કંપનીની ૨૬ વર્ષની યુવતી કામના વધુ પડતા બોજને કારણે મૃત્યુ પામી એ બાબતે હવે વિવાદ થયો છે. આ મામલે ઘણા બધા રાજકીય નેતાઓએ પોતાના અભિપ્રાય આપ્યા છે. જોકે સૌથી વધુ પ્રેેક્ટિકલ અભિપ્રાય કોંગ્રેસના નેતા અને સાંસદ શશી થરૂરે આપ્યો છે. શશી થરૂરનું કહેવું છે કે, અઠવાડિયામાં કામના દિવસો પાંચ કરીને કલાકોમાં પણ ઘટાડો કરવામાં આવે. મૃત્યુ પામેલી યુવતીના પિતા સેબેસ્ટીયન પેરાયીલ સાથે એમણે વાત કરી છે. કામના કલાકો ઓછા કરવાનો મુદ્દો શશી થરૂર સંસદમાં પણ ઉઠાવવાના છે. યુવતીએ રાત્રે ૧૨.૩૦ સુધી કામ કરવું પડતું હોવાથી ખૂબ તાણમાં રહેતી હતી. આ બાબતે સિનિયર અધિકારીઓને ઘણીવાર વાત કરવા છતાં અધિકારીઓએ કોઈ ધ્યાન આપ્યું નહોતું.
રાજ્યની સરહદ સીલ કરવા માટે મમતાએ મને પૂછવું જોઈએ : રાજ્યપાલ
બંગાળમાં પૂર આવ્યું એને માટે કેન્દ્ર સરકારની ખોટી નીતીને મુખ્યમંત્રી મમતા બેનર્જી જવાબદાર ગણી છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડો. સી વી આનંદ બોઝ અને મમતા બેનર્જી વચ્ચે બારમો ચંદ્રમાં છે એ વાત બધા જાણે જ છે. સરકારની દરેક વાતમાં ચંચૂપાત કરતા રાજ્યપાલે આ બાબતે પણ બંધારણના આર્ટીકલ ૧૬૭ને આગળ કર્યું છે. રાજ્યપાલે મમતા બેનર્જીને એવું બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે, એમણે કોને પૂછીને ઝારખંડ સાથેની બોર્ડર સીલ કરી. રાજ્યપાલે આ બાબતે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસ બાટી નદી પર બનાવવામાં આવેલા બંધમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું એને કારણે કેટલાક જિલ્લાઓ ડુબી ગયા હતા. જોકે જાણકારો કહે છે કે, પોતાના રાજ્યની કઈ સરહદ સીલ કરવી કે નહીં એની સત્તા મુખ્યમંત્રી પાસે છે અને આ બાબતે દખલગીરી કરવાનો અધિકાર રાજ્યપાલને નથી.
પરિવારવાદ બાબતે ભાજપને ઉમર અબ્દુલ્લાનો વળતો જવાબ
નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના અબ્દુલ્લા પિતા-પુત્રને પરિવારવાદ બાબતે વારંવાર બદનામ કરતા રહે છે. અત્યાર સુધી આ બાબતે ચૂપ રહેલા ઉમર અબ્દુલ્લાએ હવે વળતો જવાબ આપ્યો છે. ઉમર અબ્દુલ્લાનું કહેવું છે કે, મોદી એમના દરેક ભાષણમાં ત્રણ કુટુંબો... ત્રણ કુટુંબો... બોલ્યા કરે છે જે સાંભળીને જમ્મુ-કાશ્મીરના લોકો કંટાળી ગયા છે. એમણે હવે કોઈક નવી વાત કરવી જોઈએ. અમે જ્યારે એનડીએ સરકાર સાથે હતા ત્યારે પણ અમારી શરતોએ સાથે રહ્યા હતા. જમ્મુની બેઠક પરથી અમે ભાજપને એ વખતે પણ હરાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના મતદારો ઘણા સમજદાર છે. મોદીની રેકર્ડ હવે ઘસાઈ ગઈ છે.
ગેંગસ્ટર લોરેન્સ બિર્શ્નોઇ અને ગોલ્ડી બરાર જુદા પડી ગયા
સામાન્ય રીતે દિલ્હીના રાજકીય વર્તુળોમાં રાજકીય ચર્ચા જ વધુ થતી હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વિશે પણ કેટલાક ગપસપ કરી લે છે. દેશની સુરક્ષા એજન્સીઓ બિશ્નોઈ ગેંગ પર નજર રાખે છે. હવે એક એવી વાત બહાર આવી છે કે એક જમાનાના સાથી લોરેન્સ બિશ્નોઈ અને વિદેશ રહેતા માફિયા સરદાર ગોલ્ડી બરાર વચ્ચે અણબનાવ થઈ ગયો છે. લોરેન્સ - ગોલ્ડી ગેંગનો જમણો હાથ ગણાતા ગેંગસ્ટર કાલા જઠેડી - અનિલ છીપ્પી હવે લોરેન્સ ગેંગથી અલગ થઈ ગયા છે. કાલા જઠેડીએ પણ ગોલ્ડીની જેમ વિદેશમાં પોતાનું સેટઅપ તૈયાર કર્યું છે. દિલ્હીની સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે ટૂંક સમયમાં લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરારની ગેંગ વચ્ચે દિલ્હી, બહાદુરગઢ અને હરિયાણામાં મોટી ગેંગવોર ફાટી નિકળવાની શક્યતા છે.
નારાજ કુમારી શૈલજા કોંગ્રેસના પ્રચારમાં દેખાતા નથી
કોંગ્રેસના સીનિયર નેતાઓમાં એક અને સિરસાની બેઠકના સાંસદ કુમારી શૈલજા કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. ભૂપેન્દ્ર હૂડા અને શૈલજા વચ્ચે અત્યારથી સંઘર્ષ શરૂ થયો છે. કોંગ્રેસને અપેક્ષા છે કે ૧૦ વર્ષના ભાજપના શાસનથી હરિયાણાના નાગરિકો થાક્યા છે અને હવે કોંગ્રેસને સત્તા આપશે. એ કારણે કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રીપદ માટે પોત-પોતાની દાવેદારી શરૂ કરી દીધી હતી. કુમારી શૈલજા પણ મુખ્યમંત્રીપદની રેસમાં છે. દલિત વોટબેંક પર પ્રભાવ ધરાવતા શૈલજાના નામની જાહેરાત ન થતાં એ નારાજ છે અને કોંગ્રેસના પ્રચારમાં સક્રિય નથી. મેનિફેસ્ટો જાહેર થયો એ કાર્યક્રમમાં પણ શૈલજા જોવા મળ્યાં ન હતાં. તે અંગે જાત-ભાતની અટકળો ચાલી રહી છે.
શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણી ભારતના દૃષ્ટિકોણથી મહત્ત્વની
શ્રીલંકામાં બળવો થયો અને લોકોએ પ્રમુખને સત્તા છોડવા મજબૂર કર્યા તે પછી પહેલી ચૂંટણી યોજાઈ રહી છે. આર્થિક કટોકટી બાદ યોજાઈ રહેલી આ પ્રમુખપદની ચૂંટણી પર શ્રીલંકાના ભવિષ્યનો મોટો આધાર છે. શ્રીલંકાની વિદેશનીતિ ભારત માટે બહુ જ મહત્વની છે. રાષ્ટ્રપતિ બનવા માટે શ્રીલંકામાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. રાનિલ વિક્રમસિંહ સામે અનુરા કુમારા દિસાનાયકે અને મુખ્ય વિપક્ષી પાર્ટી એસજેબીના વડા સાજિથ પ્રેમદાસાએ પડકાર ફેંક્યો છે. પહેલી વખત મહિન્દ્ર રાજપક્ષે અને ગોતાબાયા રાજપક્ષે ચૂંટણી જંગમાં નથી. ગોતાબાયા રાજપક્ષેના દીકરા નમલના નેતૃત્વમાં તેમનો પક્ષ એસએસપીપી ચૂંટણી લડી રહ્યો છે, પરંતુ સફળતા મળે એવી શક્યતા ઓછી છે. રાનિલ વિક્રમસિંહ ફેવરિટ ગણાય છે. ભારતના દૃષ્ટિકોણથી આ ચૂંટણી મહત્ત્વની છે. રાનિલની વિદેશનીતિ ચીન અને ભારત વચ્ચે ખાસ સંતુલન જાળવી શકી નથી એટલે તેમને સત્તા મળશે તો ભારતે સાવધાન રહેવું પડશે.
વારાણસીમાં ભાજપ-કોંગ્રેસની સામ-સામી પોલીસ ફરિયાદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબર જામી પડી છે. યુવા નેતા રોશની જયસ્વાલ પર અભદ્ર ટીપ્પણી કરનારા ભાજપના આઈટી સેલના કાર્યકર રાજેશ સિંહને કોંગ્રેસના નેતાઓએ મારામારી કરી. ખુદ રોશની જયસ્વાલ પણ એ ઘટનામાં સાથે હતી અને તેનો વિડીયો વાયરલ થયો છે. એ ઘટના બાદ ભાજપના આઈટી સેલના કાર્યકરે કોંગ્રેસના કાર્યકરો સામે મારામારીની ફરિયાદ દાખલ કરી છે. તેની સામે કોંગ્રેસના મહિલા યુવા નેતા રોશની જયસ્વાલે પણ રેપની ધમકીની ફરિયાદ કરી છે. આ ઘટનાએ પીએમના મતવિસ્તારમાં બંને પાર્ટીઓ વચ્ચે ભારે સંઘર્ષની સ્થિતિ લાવી દીધી છે. બંને પાર્ટીના સિનિયર નેતાઓએ આ મામલો સુલજાવવા માટે અંદરો-અંદર વાતચીત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
- ઈન્દર સાહની