Get The App

દિલ્હીની વાત : રાહુલને મનાવવા ગેહલોત કોચી પહોંચ્યા

Updated: Sep 22nd, 2022

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : રાહુલને મનાવવા ગેહલોત કોચી પહોંચ્યા 1 - image


નવીદિલ્હી : ગુરૂવારે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડવાનું છે ત્યારે હવે રાહુલ ગાંધીના બદલે અશોક ગેહલોત નવા કોંગ્રેસ પ્રમુખ બનશે એ નક્કી લાગે છે.  અશોક ગેહલોતે રાજસ્થાનના કોંગ્રેસી ધારાસભ્યોની બેઠકમાં પોતે પ્રમુખપદે બેસશે એવો સંકેત આપી દીધો છે.

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં અશોક ગેહલોતે કહ્યું કે, હું છેલ્લી વખત રાહુલને મળી તેમને મનાવવાના પ્રયત્ન કરીશ. રાહુલ ન માન્યા તો હાઈકમાન્ડનો જે આદેશ હશે તેને અનુસરીશ. સોનિયા ગાંધી રાહુલ ના માને એ સજોગોમાં ગેહલોતને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માગે છે.

આ બેઠક પરથી ગેહલોત બુધવારે સવારે દિલ્હી પ્રવાસે ઉપડી ગયા. દિલ્હીમાં ગેહલોતે વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો કર્યા પછી સાંજે દિલ્હીથી કોચી જવા નિકળી ગયા. કોચીમાં ગેહલોત રાહુલ ગાંધીને પ્રમુખપદે બેસવા માટે મનાવવા પ્રયત્ન કરશે અને યાત્રામાં ભાગ પણ લેશે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, ગેહલોતે રાહુલને પ્રમુખપદની  ચૂંટણીમાં ઉભા રહેવા માટે મનાવવાનો પ્રયત્ન કર્યો પણ રાહુલ માન્યા નથી. આ સંજોગોમાં હવે અશોક ગેહલોત શુક્રવારે ઉમેદવારી નોંધાવશે.

પાયલોટને મુખ્યમંત્રી બનાવવા સામે ગેહલોતનો વિરોધ

અશોક ગેહલોત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનશે એ લગભગ નક્કી છે ત્યારે તેમના સ્થાને કોને મુખ્યમંત્રી બનાવવા એ મુદ્દે કોંગ્રેસમાં ઘમાસાણ શરૂ થયું છે. સચિન પાયલોટ સૌથી પ્રબળ દાવેદાર મનાય છે પણ ગેહલોત પાયલોટને ઈચ્છતા નથી તેથી જંગ જામશે એ નક્કી છે.

હાલમાં મુખ્યમંત્રીપદ માટે સચિન પાયલોટ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ સી. પી. જોશીનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ ગોવિંદ ડોટાસરા, મંત્રી બીડી કલ્લાને પણ તક મળી શકે છે કેમ કે બંને ગેહલોતની નજીક છે. અલબત્ત કોંગ્રેસીઓ માને છે કે, સચિન પાયલોટ વધારે લાયક છે.  રાહુલ અને પ્રિયંકા પણ પાયલોટની તરફેણમાં છે.

રાજસ્થાનમાં આવતા વર્ષે ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણી થશે. પાયલોટને મુખ્યમંત્રી ના બનાવાય તો એ કોંગ્રેસને છોડી પણ શકે છે. પાયલોટ કોંગ્રેસ છોડી જાય તો ભારે નુકસાન થાય. ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવા તૈયાર નથી પણ 'એક વ્યક્તિ, એક પદ'ની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો તેમણે મુખ્યમંત્રીપદ છોડવું પડશે.

ભૂતપૂર્વ ધારાસભ્યની નવી સંસદ ઉડાવવા ધમકી

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્ય કિશોર સમરીતે જેલભેગા થઈ ગયા છે. ભૂતકાળમાં નકસલવાદીઓ સાથે સાંઠગાંઠન આરોપમાં જેલમાં ગયેલા સમરીતેએ નવા સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

સમરીતેએ લોકસભા-રાજ્યસભાના સિક્યોરિટી ઓફિસરને એક બેગમાં ધમકીભર્યા પત્ર સાથે જિલેટિન રોડ   મોકલીને ધમકી આપતાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે ભોપાલના કોલારથી ઉઠાવી લીધો છે. સમરીતેએ સુપ્રીમ કોર્ટ અને લોકસભા અધ્યક્ષને પણ ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો. સમરીતે બાલાઘાટની લાંજી વિધાનસભાથી ધારાસભ્ય રહી ચુક્યો છે.

કિશોર સમરીતેએ એનએસયુઆઈથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. સમરીતે ૨૦૦૭માં સપાની ટિકિટ પર પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યો હતો. સમરીતેએ જેલમાં રહીને ચૂંટણી લડી હતી. સમરીતે  ૨૦૨૨માં પણ અપક્ષ ચૂંટણી લડયો હતો પણ હારી ગયો હતો. સમરીતે હાલ સંયુક્ત ક્રાંતિ પાર્ટીનો પ્રમુખ છે.

સમરીતે સામે મધ્યપ્રદેશના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ૧૭ કેસ નોંધાયેલા છે. તેણે આર્મ્સ એક્ટમાં ૫ વર્ષની સજા પણ કાપી છે. સમરીતે સામે બ્રાહ્મણ સમાજના નેતા રાજેશ પાઠકને બ્લેકમેઈલ કરવાનો આરોપ હતો.

આઝમ ફરી જેલભેગા થાય એવા અણસાર

ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આઝમ ખાન ફરી જેલભેગા થાય એવા ભણકારા વાગી રહ્યા છે. આઝમની મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીની દીવાલોમાં ચોરી કરાયેલાં કિમતી પુસ્તકો છુપાવાયાં હોવાની જાણ થતાં પોલીસે તપાસ કરતાં ચોરાયેલા હજારો પુસ્તકો મળી આવ્યાં છે. આ પુસ્તકો ઓરિયેન્ટલ ઈન્ટર કોલેજની મદરસા આલિયા લાયબ્રેરીમાંથી ચોરાઈ ગયાં હતાં અને આ કેસમાં ૨૦૧૯માં ખૈંઇ દાખલ કરવામાં આવી હતી.

મદરેસા આલિયા લાઇબ્રેરીની સ્થાપના ૧૭૭૪માં રામપુરના નવાબ દ્વારા કરવામાં આવી હતી. મદરસાના પ્રિન્સિપાલે કરેલી ફરિયાદના આધારે પોલીસે અનવર અને સલીમને અંદર કરતાં તેમણે યુનિવર્સિટી કેમ્પસ બિલ્ડિંગમાં બનેલી લિફ્ટની શાફ્ટમાં પુસ્તકો હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે તપાસ કરતાં સંતાડેલા ખૂબ જ કીમતી પુસ્તકો મળી આવ્યાં છે.

ઓરિએન્ટલ કોલેજના મેનેજમેન્ટે જણાવ્યું કે ૨૦૧૬માં કોલેજમાંથી ૧૦,૬૩૩ પુસ્તકો ગુમ થયા હતા. તેમાંથી લગભગ અઢી હજાર પુસ્તકો યુનિવર્સિટીમાંથી મળી ચૂક્યા છે. આ કેસમાં આઝમ ખાન સામે હજુ ફરિયાદ થઈ નથી પણ યોગી આદિત્યનાથ સરકાર આઝમ ફરતે ગાળિયો કસવાની આ તક નહીં છોડે.

તેજસ્વીને ગાદી સોંપી નીતિશ લોકસભામાં જશે ?

બિહારમાં તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવીને નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજકારણમાં જશે એવી અટકળો ચાલી રહી છે. નીતિશ ઉત્તર પ્રદેશની ફુલપુર કે મિર્ઝાપુર બેઠક પરથી ચૂંટણી લડશે એવી વાતો પણ ચાલી રહી છે.

જો કે નીતિશ કુમારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, પોતે ફુલપુર કે મિર્ઝાપુર લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવાના છે એ વાત ખોટી છે. તેમનો ઉદ્દેશ ભાજપ સામે બધા વિપક્ષોને એક કરવાનો છે અને એ દિશામાં પોતે પ્રયત્નશીલ છે.

બિહારના રાજકારણમાં ચર્ચા છે કે, નરેન્દ્ર મોદીની જેમ  નીતિશ પણ  દિલ્હીની ગાદી સુધી પહોંચવા યુપીનો માર્ગ પકડી શકે છે. કુર્મીઓની બહુમતી ધરાવતી ફુલપુર  કે મિર્ઝાપુર બેઠક પર નીતિશ કુમાર ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા હતી. જેડીયુએ  પણ વાતને સમર્થન આપતાં પોસ્ટર્સ લગાવી દીધાં હતાં. નીતિશ કુમારે પોતે આ તમામ વાતોને અફવાઓ ગણાવી રહ્યા છે. 

જેડીયુનાં સૂત્રોનું કહેવું છે કે, અખિલેશ યાદવે નીતિશને યુપીમાંથી લડવા નિમંત્રણ આપ્યું છે તેથી ફુલપુર  કે મિર્ઝાપુરમાંથી લડવાની વાત આધારહીન નથી જ.

પેટ્રોલ-ડીઝલના ટેક્સની દર પખવાડિયે સમીક્ષા

મોદી સરકાર દર પખવાડિયે પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સની સમીક્ષા કરવાની નીતિ અમલી બનાવવા વિચારી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે,  સરકાર હવે દર ૧૫ દિવસે ક્રૂડ ઓઈલ, પેટ્રોલ અને ડીઝલ તથા જેટ ફ્યુઅલ પર લગાડવામાં આવેલા નવા ટેક્સની સમીક્ષા કરશે. અલબત્ત તેમાં એક્સાઈઝનો પણ સમાવેશ થાય છે કે નહીં તેની સ્પષ્ટતા સીતારામને કરી નથી.

સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવોના કારણે લોકોની તકલીફો વધી છે તેથી ભાવોને સ્થિર રાખવા આ નીતિ અમલી બનાવાશે. ક્રૂડના ભાવ વધે ત્યારે ટેક્સ ઘટાડાશે અને ભાવ ઘટે ત્યારે ટેક્સ વધારાશે કે જેથી ભાવો પર કાબૂ રહે. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે વધઘટ થયા કરે છે તેથી સરકારે આ નિર્ણય લેવો પડયો છે. મોદી સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર લગાડેલો ટેક્સ હમણાં પાછો ખેંચ્યો છે પણ ભાવોને કાબૂમાં રાખવા ફરી આ ટેક્સ લાગી શકે છે. મોદી સરકારે ૧ જુલાઈથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસ પર પણ ટેક્સ લાદ્યો હતો.

***

રાહુલ 23 સપ્ટેમ્બરે કદાચ દિલ્હીમાં આવે

આગામી કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીના સંદર્ભે બધાની નજર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર મંડાઇ છે ત્યારે હાલમાં ભારત જોડો યાત્રાએ નીકળેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ૨૩ સપ્ટેમ્બરની દિલ્હીની અપેક્ષિત મુલાકાતથી  વાતમાં અનુમાનનું મિશ્રણ થયું છે, પરંતુ એમ છતાં તેઓ કોંગ્રેસ પ્રમુખપદ માટે ઉમેદવારીપત્ર ભરે એવી શક્યતા નહિવત છે. રાહુલની યાત્રાના ભાગરૂપે અખિલ ભારતીય કોંગ્રેસ મહાસમિતિના મહામંત્રી અને કોમ્યુનિકેશન્સ વિભાગના ઇનચાર્જ જયરામ રમેશે આજે કેરળમાં પત્રકારોને કહ્યું કે બ્રેક ડે તરીકે સાઇડ પર રખાયેલા ૨૩ સપ્ટેમ્બરના દિવસે રાહુલ ગાંધી કદાચ દિલ્હી જાય. કદાચ એ ફક્ત બીમાર માતા સોનિયા ગાંધીની મુલાકાત માટે પણ હોઇ શકે. રાહુલ છેલ્લા બે-ચાર સપ્તાહોથી એમના માતાને મળ્યા નથી. જો તેઓ દિલ્હી જશે તો એ ફક્ત સોનિયા ગાંધીને મળવા માટે જ હશે, તેઓ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીનું ઉમેદવારીપત્ર ભરવા ત્યાં જવાના નથી, એમ રમેશે કહ્યું.

પ.બંગાળમાં 122 ખેડૂતોની હત્યા : TMCની આકરી ટીકા

વિશ્વનાથ ગોસ્વામી નામના એક્ટિવિસ્ટે એક વર્ષમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મે ડિનિપુર જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યા વિષે જાણવા માટે કરેલી આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ના જવાબમાં  રાજ્ય સરકારની માહિતી કરતાં ઊંધો જવાબ મળ્યો. એ જવાબ હતો : ૧૨૨ ખેડૂતોની આત્મહત્યા. પશ્ચિમ બંગાળ સરકારની માહિતી મુજબ અહીં એક પણ ખેડૂતે આત્મહત્યા કરી નથી. ૨૦૨૧માં ઘાટાલ પ્રાંતમાં મહત્તમ, ૬૩ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. આ પંથકમાં આ વર્ષે અત્યાર સુધી ૧૩ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. પશ્ચિમ બંગાળ પ્રદેશ ભાજપ સમિતિના સહ-ઇન-ચાર્જ અમિત માલવીયે ઉપરોક્ત આંકડાઓમાં રહેલી આઘાતપૂર્ણ ભિન્નતા બાબત પશ્ચિમ બંગાળ સરકારની ટીકા કરતા સવાલ કર્યા છે.

ણભઇ રાષ્ટ્રીય કક્ષાએ ઝંપલાવવા તૈયાર : સાથીઓ બેખબર

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (કેસીઆર) ૨૦૧૮માં ભાજપવિરોધી અને કોંગ્રેસવિરોધી મોરચાના મજબૂત નેતા હતા. ચાર વર્ષ પછી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના વડાએ એમનો રાષ્ટ્રીય પક્ષ સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગત એપ્રિલમાં એમના પક્ષના ૨૧મા સ્થાપના દિવસે કેસીઆરએ ઉપરોક્ત નવા પક્ષ વિષે પ્રથમવાર પરોક્ષ સંદર્ભ ટાંક્યો હતો. કેસીઆરએ ૧૧ સપ્ટેમ્બરે પોતે ટૂંકમાં જ રાષ્ટ્રીય પક્ષ સ્થાપનાર હોવાનું ઘોષિત કર્યું હતું. પક્ષની નીતિઓ પણ ટૂંકમાં ઘડવામાં આવશે, એમ કેસીઆરની સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જો કે કેસીઆરના સાથીદારો આ મુદ્દે અંધારામાં છે. કારણ કે નેતાએ એમની યોજનાની વિસ્તૃત રૂપરેખા પણ જાહેર કરી નથી. આ પરિસ્થિતિમાં સાથીઓ કહે છે કે પ્રાદેશિક સ્તરેથી ઊંચકાઇને રાષ્ટ્રીય બળમાં કેવી રીતે પરિવર્તિત થવું એ વિષે ભલે કેસીઆર એકલપંડે વિગતવાર નક્કર આયોજન કરતા.

વરિષ્ઠો માટે રાહુલ-પ્રિયંકા પાસે 'નો ટાઇમ' : H.P. કોંગ્રેસ

આગામી નવેમ્બર માસમાં ગુજરાતની સાથે જ્યાં રાજ્ય વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે એ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચારના નિરીક્ષક એવાં ત્યાંના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિભા સિંઘના મતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને મહત્ત્વ અને સમય આપતા નથી, પરિણામે પક્ષમાં અસંતોષ વધી રહ્યો છે. હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વીરભદ્રસિંઘના પત્ની એવા પ્રતિભા સિંઘે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું કે રાહુલ ગાંધીએ રાજકીય વ્યૂહો અને કોંગ્રેસમાંની પેઢીઓ વચ્ચેના અંતર - જનરેશન ગેપ - ને કેવી રીતે સંભાળી લેવો એ કાર્યશૈલી શીખવાની જરૂર છે. પ્રતિભાના આ વિચારો એવા ટાણે વ્યક્ત થયા છે જ્યારે આગામી ૧૭ ઓકટોબરે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી યોજાવાની છે અને કેટલીક પ્રદેશ સમિતિઓએ પક્ષના વડા તરીકે રાહુલની તરફેણમાં ઠરાવ કર્યા છે.

ભારત કૃષિમાં આત્મનિર્ભર બની શકે : તોમર

કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી નરેન્દ્રસિંઘ તોમરે દેશના કૃષિ-લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહકારની માગણી કરતા દાવો કર્યો છે કે ભારત કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે અને વિશ્વને એની અન્ન-જરૂરિયાતો પૂરી પાડી શકે છે. એમણે ફિક્કીના 'થોટ લીડરશિપ ઇનિશિયેટિવ' કાર્યક્રમમાં બોલતા કહ્યું કે ભારત બાકી વિશ્વને સાથે રાખીને કામ કરવા માગે છે. હું આ તકે, વિશ્વના જનસમુદાયને ભાવિ પેઢીઓના હિતમાં ભારત સાથે ખભેખભા મિલાવવા માટે આહવાન કરૂં છું. દેશના કૃષિ ઉત્પાદનોની નિકાસ ચાર લાખ કરોડને પાર કરી ગઇ હોવાની હકીકતની નોંધ લેતા તોમરે કહ્યું અમે આ લક્ષ્યથી આગળ જવા માગીએ છીએ.

કેજરીવાલના વર્તન અંગે રાષ્ટ્રપતિ સમક્ષ ધા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના પોલીસદળ વિરૂધ્ધ કરેલી કથિતપણે અયોગ્ય ટિપ્પણીઓ સામે ફરિયાદરૂપે, નિવૃત્ત ૩૦ પોલીસ અધિકારીઓએ  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ લેખિતમાં ધા નાખી છે. જોકે કેજરીવાલની આપ પાર્ટીએ આ ગતિવિધિ પાછળ ભાજપનો હાથ હોવાનો સૂર વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં ચૂંટણી-પ્રચારના સંદર્ભે ગઇ તા.૧૨ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે એક ઓટોરિક્ષા ચાલકને મળવા એના ઘેર જવા માટે ઓટોરિક્ષાનો ઉપયોગ કરવા કરેલ નિર્ણયનો ઉલ્લેખ રાષ્ટ્રપતિ પરના પત્રમાં કરાયો છે.

- ઇન્દર સાહની

Tags :