Get The App

દિલ્હીની વાત : 'કોકરોચ જનતા પાર્ટી' બનાવનારનું 'આપ' કનેક્શન

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'કોકરોચ જનતા પાર્ટી' બનાવનારનું 'આપ' કનેક્શન 1 - image

નવીદિલ્હી : સીજેઆઇ સૂર્યકાંતે નવરા બેસીને આરટીઆઇ કરનારાઓ માટે કોકરોચ એટલે કે વાંદા શબ્દ વાપર્યો હતો. ત્યાર પછી એક ભેજાબાજે 'કોકરોચ જનતા પાર્ટી'ની સ્થાપના કરી અને ઇન્સ્ટાગ્રામ પર ટૂંક સમયમાં જ એના એક કરોડ જેટલા ફોલોઅર્સ થઈ ગયા. આ પક્ષ હજી સુધી ચૂંટણી કમિશનમાં રજીસ્ટર થયો નથી. એમ મનાય છે કે સીજેઆઇને ટોણો મારવા માટે જ આ પક્ષની સ્થાપના થઈ છે. કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરનાર અભીજીત દિપકે મુળ મહારાષ્ટ્રનો છે. હમણા અમેરિકામાં રહે છે. અભીજીતે પૂણેથી પત્રકારત્વનો કોર્ષ કર્યો હતો. ત્યાર પછી અભીજીત પબ્લિક રીલેશનમાં પોસ્ટ ગરેજ્યુએશન કરવા માટે બોસ્ટન યુનિવર્સિટીમાં ગયો છે. અભીજીત માટે રાજકારણ નવું નથી. ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી અભીજીતે આમ આદમી પાર્ટીનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ સંભાળ્યું હતું. એણે અરવિંદ કેજરીવાલની ઓફિસમાં પણ કામ કર્યું છે.

ઇઝરાયલના જમણેરી નેતાના કૃત્યની દુનિયાભરમાં ટીકા

ગાઝા માટે રાહત સામગ્રી લઈ જઈ રહેલા નૌકાઓના કાફલાને ઇઝરાયલની નૈસેનાએ રોક્યો હતો. નૌકાઓમાં પેલેસ્ટાઇનના કાર્યકરો હતા. આ કાર્યકરો સાથે જે વર્તાવ થયો એની ટીકા દુનિયાભરમાં થઈ રહી છે. અમેરિકા, યુકે, ફ્રાન્સ, ઇટાલી અને કેનેડા જેવા દેશોએ ઇઝરાયલના જમણેરી મંત્રી ઇટામાર બેન - ગ્વીરએ પોસ્ટ કરેલા વીડિયો બાબતે નારાજગી જાહેર કરી છે. હાથકડી પહેરીને ઘૂંટણીએ બેઠેલા કાર્યકરોની મજાક ઉડાવતો વીડિયો ઇટામારએ સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. એમના આ કરતૂતની ટીકા ઇઝરાયલના વડાપ્રધાન બિન્યામીન નેતન્યાહુએ પણ કરી છે. એમના કહેવા પ્રમાણે મંત્રીનું વર્તન ઇઝરાયલના સિદ્ધાંતોને અનુરૂપ નથી. નૌકાઓમાં સવાર ૪૦ થી વધારે દેશોના ૪૩૦ લોકોનું પ્રતિનિધિત્વ કરતા એક માનવ અધિકાર સંઘએ એમને છોડી દેવાની માંગણી કરી છે. નૌકા કાફલામાં રાહત સામગ્રી ખૂબ ઓછી હતી. એમનો ઉદ્દેશ યુદ્ધગ્રસ્ત ગાઝામાં પેલેસ્ટાયનીઓની તકલીફ દુનિયા સમક્ષ રજૂ કરવાની હતી.

ગંગામાં ઇફતાર કરનારાઓને જામીન મળી ગયા

આ વર્ષે માર્ચ મહિનામાં રમઝાન દરમિયાન કેટલાક લોકોએ વારાણસી ખાતે ગંગા નદીમાં બોટ પર ઇફતાર કરી હતી. એમના પર આક્ષેપ હતો કે એમણે મરઘીના હાડકા ગંગા નદીમાં ફેંક્યા હતા. ધાર્મિક લાગણી દુભાવાને કારણે ૧૪ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ૧૪માંથી ૮ યુવકોને અલ્હાબાદ હાઇકોર્ટેની બે બેચે  જામીન આપી દીધા છે. જસ્ટીસ રાજીવ લોચન શુક્લાની બેચે પાંચ વ્યક્તિઓને જામીન આપ્યા છે જ્યારે જસ્ટીસ જીતેન્દર કુમાર સિંહાની બેચે ત્રણ લોકોને જામીન આપ્યા છે. બાકીના છની અરજી પેન્ડીંગ છે. જામીન આપતી વખતે જસ્ટીસ રાજીવ લોચનએ કહ્યું હતું કે 'ફક્ત હિન્દુઓ માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગંગા નદીનું મહત્ત્વ છે.' ત્યાર પછી કોર્ટે કહ્યું હતું કે આ કિસ્સામાં કેટલાક મુસલમાનોએ રોઝા ખોલતી વખતે ગંગા નદીની  એક બોટમાં માસ ખાધુ હતું અને ત્યાર પછી એને નદીમાં ફેંકી દીધું હતું.

ભારતમાં ૨૦૫૦ સુધીમાં હિન્દુઓની વસ્તી કેટલી હશે

ભારતમાં હમણા વસ્તી ગણતરીનું કામ થઈ રહ્યું છે. વસ્તી ગણતરી પછી દેશની ડેમોગ્રાફીમાં ફેરફાર જોવા મળી શકે છે. ફક્ત ભારતની વસ્તી ગણતરી જ નહીં, પરંતુ ૨૦૫૦ સુધીમાં દુનિયાની ધાર્મિક ડેમોગ્રાફીમાં પણ ફેરફાર થઈ શકે છે. અમેરિકાની થીન્ક ટેન્ક પીયુ રીસર્ચના એક રીપોર્ટ અનુસાર આવનાર દાયકામાં મુસ્લિમ વસ્તી સૌથી ઝડપથી વધશે. હિન્દુ વસ્તીમાં પણ વધારો થશે. રીપોર્ટ પ્રમાણે ૨૦૫૦ સુધી ભારતમાં હિન્દુ બહુમતિ જોવા મળશે. જોકે વિશ્વમાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી પણ ભારતમાં જ હશે. હમણા ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળો દેશ છે, જોકે અગાઉના વર્ષોમાં આ સ્થિતિમાં ફેરફાર થશે. ૨૦૧૦માં દુનિયાની કુલ વસ્તી ૬.૯ અબજ હતી જે ૨૦૫૦માં વધીને ૯.૩ અબજ સુધી પહોંચશે. ૨૦૫૦ સુધીમાં મુસ્લિમ વસ્તી લગભગ ૭૩ ટકા સુધી વધશે. હિન્દુઓની વસ્તીમાં ૩૬ ટકાનો વધારો થશે.

લગ્ન બચાવવા વાયરલ ગર્લ મોનાલીસા કોર્ટ પહોંચી

પ્રયાગરાજ કુંભમેળામાં માળા વેચતા સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી મહેશ્વરની મોનાલીસાએ પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નને કારણે વિવાદ થયો હતો. મોનાલીસા ભોસલે અને એના પતિ ફરમાન ખાને મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેચ સમક્ષ એક રીટ પીટીશન દાખલ કરી છે. આ અરજીમાં ફરમાન ખાન સામે અપહરણ કેસને ચેલેન્જ કરવામાં આવ્યો છે. મોનાલીસાએ પોતાના જન્મ પ્રમાણપત્રને મંજૂર કરવાની માંગણી કરી છે. આ પ્રમાણપત્રને બનાવટી ગણાવનાર રેકોર્ડને રદ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મોનાલીસાની સાચી જન્મતારીખ ૧ જાન્યુઆરી ૨૦૦૮ છે. રેકોર્ડમાં ખોટી રીતે ૨૦૦૯ બતાવીને એને સગીર ગણવામાં આવી છે. દંપતીએ આરોપ મૂક્યો છે કે, ભોસલેને સગીર બતાવવા માટે બોગસ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હતો.

અભિષેક બેનર્જીનેહાઇકોર્ટે રાહત આપી

ટીએમસીના નેતા અને મમતા બેનર્જી ભત્રીજા અભિષેક બેનર્જીને કલકત્તા હાઇકોર્ટે રાહત આપી છે. કોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસને એમની સામે કોઈપણ કાર્યવાહી કરવાની મનાઈ ફરમાવી છે. ચૂંટણી રેલી દરમિયાન અભિષેકએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી હોવાનો આક્ષેપ છે. હાઇકોર્ટ કહ્યું છે કે, પોલીસ ૩૧મી જુલાઈ સુધી અભિષેક બેનર્જી  સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે નહીં. જસ્ટીસ સોગતા ભટ્ટાચાર્યએ કામચલાઉ હુકમ કરતા કહ્યું હતું કે, 'અહેવાલો પર વિચાર કરતા અને કહેવાતા ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં રાખતા કોર્ટ માને છે કે અરજી કરનારને પોલીસ કસ્ટડીમાં પૂછપરછ આવશ્યક નથી. અરજી કરનારના અધિકારો બીએનએસએસની કલમ ૩૫ (૩) હેઠળ સુરક્ષીત છે.' અભિષેક બેનર્જીએ રેલીમાં કહ્યું હતું કે, જો અમિત શાહમાં હિંમત હોય તો ચાર તારીખે કોલકત્તામાં રહે. ૧૨ વાગ્યા પછી મુલાકાત થશે. તમે ગમે તેટલા મોટા ગુંડા હો એની ખબર ચાર તારીખે પડી જશે.

એએમસીએ ફાઇટર વિમાનોનું પરીક્ષણ હવે આંધ્રને કેમ અપાયું

હમણા જ મુખ્યમંત્રી બનેલા જોસેફ વિજયની તામિલનાડુ સરકારને ઝાટકો લાગ્યો છે. ભારતની એડવાન્સ્ડ મીડીયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ)નું ટેસ્ટીંગ અને ઇન્ટીગ્રેશન હબ હવે તામિલનાડુમાં નહીં બને. દેશનો આ મહત્ત્વપૂર્ણ ડિફેન્સ એરોસ્પેસ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ ખાતે ખસેડવામાં આવ્યો છે. નિષ્ણાંતો આ બાબતે પ્રશ્ન કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક નિષ્ણાંતના કહેવા પ્રમાણે તામિલનાડુ સાથે આ અન્યાય છે. પ્રોજેક્ટ હાથમાંથી નિકળી જતા જોસેફ વિજયને આંચકો લાગ્યો છે. રક્ષામંત્રી રાજનાથસિંહ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ૧૫,૦૦૦ કરોડના ડિફેન્સ હબનો પાયો પુટ્ટાપર્થીમાં નાખ્યો હતો. તામિલનાડુમાં ટેક્નીકલી વધુ સારી સગવડ હોવા છતા આ નિર્ણય કેમ લેવાયો એની નવાઈ ઘણાને લાગી રહી છે.